કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 31 ઑક્ટોબર, 2012

રાજ્યના દલિતો ખરેખર કોની સાથે છે?



તા. 30-10-12ના 'દિવ્ય ભાસ્કર'ના પ્રથમ પાને ચૂંટણીનો ચક્રવ્યૂહ કોલમમાં નગીનદાસ સંઘવીનો લેખ છે, જેનું શીર્ષક છે, "રાજ્યના દલિતો ખરેખર કોની સાથે છે?" નગીનદાસ લખે છે, "દલિત-હરિજન છેલ્લે બંધારણીય શબ્દ વાપરીએ તો શેડ્યુલ્ડ કાસ્ટ્સ એકવચનમાં વપરાય છે, તેનાથી છેતરામણી છાપ ઉભી થાય છે, કારણ કે આ એકવચની શબ્દ અનેક જ્ઞાતિઓને આવરી લે છે. સવર્ણોમાં જ્ઞાતિઓ વચ્ચે ઉંચ-નીચના ભેદ છે, તેમ દલિતોમાં પણ જ્ઞાતિ ભેદ અતિશય તીવ્ર રૂપે જોવા મળે છે."
 
નગીનદાસને મારે કહેવું છે કે, આવા શબ્દોથી સવર્ણો છેતરાતા નથી. તેઓ સમગ્ર અનુસૂચિત જાતિઓને એક જ સંજ્ઞાથી ઓળખે છે, જે '' અક્ષરથી શરૂ થાય છે. વળી, સવર્ણોમાં જ્ઞાતિઓ વચ્ચે ઉંચ-નીચના ભેદ છે, તેમ દલિતોમાં પણ જ્ઞાતિ ભેદ અતિશય તીવ્ર રૂપે જોવા મળે છે, એવું કહેવાનો કોઈ મતલબ નથી. સવાલ એ છે કે બધા સવર્ણો મળીને દલિતો જોડે કેટલો જાતિભેદ રાખે છે. સવર્ણોમાં અંદરોઅંદર જાતિભેદ છે, પરંતુ દલિતોનો સવાલ આવે છે ત્યારે બધા એક થઈ જાય છે. વળી, આ સવર્ણ શબ્દ પણ છેતરામણો છે. વાણીયા-બામણ વચ્ચે અત્યંત સુમેળ છે અને તેઓ વાઘરી, ઠાકોર, રબારી જેવી જાતિઓ તરફ ભયાનક સુગ રાખે છે અને આ જાતિઓને મળતી અનામતો સામે એમને વાંધો છે, પરંતુ એમની સામે બોલી શકતા નથી એટલે એમને દલિતો સામે ઉશ્કેરે છે. દલિતોની વિવિધ જાતિઓ ગામની બહાર જ વસે છે અને શહેરોમાં તો તેમના મહોલ્લાઓ સદીઓથી એકબીજાની અડોઅડ છે. એટલે "દલિતોમાં પણ જ્ઞાતિ ભેદ તીવ્ર રૂપે જોવા મળે છે," એમ કહેવું એ હાડોહાડ જુઠ્ઠાણું છે. દલિતોમાં કહેવાતો જ્ઞાતિ ભેદ મજુર મહાજને, ચૂંટણીલક્ષી રાજકારણે વકરાવ્યો છે. ગાંધીવાદે દલિતોને તોડવાનું કામ કર્યું છે અને આંબેડકરવાદે જોડવાનું કામ કર્યું છે. 

ગુજરાતની 2002ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અનુસૂચિત રીઝર્વ બેઠકો પૈકીની 4 પર અને ભાજપે 9 પર વિજય મેળવ્યો હતો અને 2007માં કોંગ્રેસે 2 પર અને ભાજપે 11 બેઠકો પર વિજય મેળવ્યો હતો, એ આંકડાઓ રજુ કરીને નગીનદાસ એવા તારણ પર આવે છે કે એક જમાનામાં કોંગ્રેસના ચુસ્ત ટેકેદાર ગણાતા દલિત મતદારો સંપૂર્ણપણે ભાજપ તરફ વળ્યા છે. અહીં સવાલ એ છે કે તમામ રીઝર્વ  બેઠકો પર દલિતો એટલી મોટી સંખ્યામાં છે ખરા કે પરીણામ પર અસર પાડી શકે. દલિત ઉમેદવાર સવર્ણોની મહેરબાની પર નિર્ભર હોય છે અને સવર્ણોના વોટથી જ ચૂંટાય છે. પહેલા સવર્ણો કોંગ્રેસને વોટ આપતા હતા, એટલે કોંગ્રેસે ઉભા રાખેલા દલિત ઉમેદવાર જીતતા હતા. હવે સવર્ણો ભાજપને વોટ આપે છે, એટલે ભાજપે ઉભા રાખેલા દલિત ઉમેદવારો જીતે છે. આથી, ગુજરાતમાં એસસીની અનામત બેઠકો પર ભાજપનો દલિત ઉમેદવાર જીતે છે એટલે દલિતો ભાજપ તરફ વળ્યા છે એવું તારણ તો મુર્ખાઓ જ કાઢી શકે. 

અને છેલ્લે, નગીનદાસ કહે છે કે "મુસ્લિમ-દ્વેષ માત્ર સવર્ણો પૂરતો જ મર્યાદિત નથી." એટલે કે દલિતો પણ મુસ્લિમ-દ્વેષી છે. હવે, 2002થી મોટા ભાગના સવર્ણ બુદ્ધિજીવીઓ અને સેક્યુલારિસ્ટો આ મંતવ્ય ધરાવતા થયા છે. આ લોકોને દલિતો અને મુસલમાનો બંને જોડે કંઈ નહાવા નીચોવાનું નથી. આપણે વારંવાર આ મુર્ખતાપૂર્ણ થીયરીને નકારતા આવ્યા છીએ. નગીનદાસ મુર્ખાઓના સ્વર્ગમાં રાચે છે. એમને હું મારું પુસ્તક "ભગવા નીચે લોહી" વાંચવાની ભલામણ કરું છું.

સોમવાર, 22 ઑક્ટોબર, 2012

મોડીફાઈડ ગુજરાત - ફિક્સ પગાર અને બેફામ લાંચ


ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને કાયદો ત્રણેય ક્ષેત્રોમાં મોદી સરકારે રૂ. ૪૫૦૦ના ફિક્સ પગારથી કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાનું ચાલુ કર્યું. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ (એલપીજી)ની નીતિનું આ સીધું પરીણામ છે. હકીકતમાં, મોદી અને મનમોહનસિંઘની આર્થિક નીતિઓમાં કોઈ જ ફેર નથી. ૧૯૯૧માં મનમોહનસિંઘે દેશના અર્થતંત્રને ખુલ્લું કરવાની જે નીતિ અપનાવી હતી તેમાં જાહેર ક્ષેત્રોનું સત્યાનાશ કરવાનું નક્કી કર્યું હતું. ગુજરાત સરકારે એક ડગલું આગળ વધીને સરકારી નોકરીઓમાંથી ધીરે રહીને પટાવાળાની પોસ્ટ નાબુદ કરી દીધી અને વિદ્યા સહાયકો, આરોગ્ય સેવકોથી માંડીને પીએસઆઈ સુદ્ધાંની રૂ. ૪૫૦૦ના મામુલી પગારથી ભરતી કરવાનું શરૂ કર્યું છે. 

થાનગઢમાં ત્રણ દલિત બાળકોની હત્યા માટે જવાબદાર થાનગઢનો પીએસઆઈ કે. પી. જાડેજા રૂ. ૪૫૦૦ના પગાર પર લેવાયેલો મામુલી કન્ટીજન્ટ છે. અગાઉ ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા પીએસઆઈની ભરતી થતી હતી. એક પીએસઆઈની પોસ્ટના વીસ-ત્રીસ લાખ સહેજે લેવાતા હતા. આયોગનું સભ્ય-પદ એટલે ચાંદીનું સિંહાસન. આયોગના સભ્યો મુદત પૂરી થાય ત્યાં સુધીમાં દસ-વીસ કરોડ રૂપિયા બનાવી લેતા. હવે મોદીના માનીતાઓના માનીતા પીએસઆઈ બને છે. જાડેજા મોદીના મંત્રી કીરીટ(સિંહ)નો ભાણેજ જમાઈ છે. રૂ. ૪૫૦૦નો માસિક પગાર લેતો જાડેજા દર મહિને ૪૫ લાખની ખંડણી ઉઘરાવતો હતો. 

થાનગઢમાં જાડેજાએ કાયદો અને વ્યવસ્થાનું કેવું લિલામ કર્યું હતું, તેની ગવાહી પુરતા અખબારી અહેવાલો પર એક નજર કરવા જેવી છે:
 
છ મહિના સુધી બળાત્કારની ફરિયાદ નોંધી નહીં
તા.૧૧-૭-૧૨ સંદેશ
થાન પંથકના નવાગામ ખાતે અંદાજે બે માસ પહેલા અને ૬ માસ પહેલા એમ જુદા-જુદા બે સમયે નવાગામના બે શખ્સોએ તરુણી પર બળાત્કાર ગુજારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તરુણીના પિતરાઈ ભાઈએ પોલીસ ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે ..... જ્યારે નાસી છૂટેલા બંને શખશોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંદાજે છ માસ પૂર્વે બન્યો હતો અને બનાવને દબાવવા પ્રયાસ થયો હતો? ત્યારે આ અંગેનું દબાણ થતાં મોડે મોડે પણ બળાત્કારની ફરિયાદ નોંધાયાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

થાન પંથક ગુનેગારો માટે રેઢુંપડ બની ગયું
તા.૧૪-૭-૧૨ દિવ્ય ભાસ્કર
થાન પંથકમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે થાનના ધોળેશ્વર વિસ્તારમાં રહેતા ઉધોગપતિના મકાનના તાળા તોડી નિશાચરોએ કસબ અજમાવ્યો હતો. જેમાં સોનાના પાટલા, રોકડ સહિત ૯૨ હજારની માલ-મતાનો હાથફેરો કરતા ચકચાર ફેલાઈ છે. થાન પંથક ગુનેગારો માટે રેઢુંપડ બની ગયુ હોય તેમ એક પછી એક ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે થાનગઢ પોલિસ જાણે મૂક બનીને તમાશો જોતી હોય તેમ માત્ર કાગળ પર કામ કરી સંતોષ માની રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પ્રજાના જાન-માલનો રક્ષણ કરવામાં થાન પોલિસ નિષ્ફળ રહી હોવાની બાબતે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બે દિવસ પહેલા થાનનાં રાજીવનગરમાં થયેલી ચોરીમાં આરોપીઓને પકડવા માટે થાન પોલિસ હવામાં બાચકા ભરી રહી છે.

બાઇક ડીટેઇન કરતા દલિતો પોલીસ મથકે ધસી ગયા
તા.૨૪-૭-૧૨ દિવ્ય ભાસ્કર
થાન પી.એસ.આઈ. દ્વારા સોમવારે બે બાઈક ડિટેઇન કરવા આવતા દલિત સમાજમાં રોષ ફેલાયો હતો. આથી દલિત મહિલાઓ તથા પુરૂષોના ટોળા થાન પોલિસ મથકે ધસી ગયા હતા. આ ટોળાએ પોલિસ ઇન્સપેક્ટર હાય હાય જનતાને રંઝાડવાનું બંધ કરોના સૂત્રોચ્ચાર પોલિસ મથકમાં કરતા દોડધામ મચી હતી. થાન પોલિસ મથકના પીએસઆઈ કે. પી. જાડેજા અને તેમની ટીમે તરેણતર રોડ પર ઘર પાસે રહેલા અશ્વિનભાઈ હમીરભાઈ રાઠોડ અને રાજેશભાઈ જેઠાલાલ ડોડિયાના બાઇક ડિટેઇન કર્યા હતા આ બનાવની જાન થતા દલિતોમાં રોષની લાગણી ફેલાઈ હતી ત્યારે બાદ થાન નગરપલિકાના પ્રમુખ વશરામભાઈ ચાવડા, સદસ્ય નટુભાઈ પરમાર, નાથાભાઈ વાળા, દાનાભાઈ રાઠોડ, બાબુભાઈ ચાવડા સહિત દલિત સમાજના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં પોલિસ મથક ધસી ગયા હતા. જ્યાં પીએસઆઈના હાય હાયના નારા ટોળા દ્વારા લગાવ્યા હતા. જેમાં પોલિસની દલિતવિરોધી માનસિકતાની ફરિયાદો કરાઈ હતી. લોકોએ પોલિસ મથકમાં નંબર પ્લેટ વગરની ફક્ત પોલિસ લખેલી બાઇક બતાવી ડિટેઇન કરવા જણાવ્યું. પોલિસને કોઈ કાયદો નડતો નથી? ફક્ત પ્રજાજનો માટે કાયદો અમલી કરાવ્યો છે. તેવી ઉગ્ર રજૂઆતો કરાઈ હતી.

થાન પોલીસના જાપતામાંથી આરોપી છનનન...... થઈ ગયો.
તા.૨૯-૭-૧૨ દિવ્ય ભાસ્કર
થાન પોલીસની ગુનેગારો સાથેની મિલી-ભગત હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે થાનના બોડીધાર વિસ્તારમાં રહેતી સગીરાને થાનની જય અંબે સોસાયટીમાં રહેતો ૨૪ વર્ષનો યુવાન સગીરાને ભગાડી ગયાની પોલિસ ફરિયાદ નોધાઈ હતી. આથી આ બનાવના આરોપી પોલિસને ઝડપી લઈ તા. ૨૯-૭-૧૨ના રોજ થાન પોલિસે દવાખાનાની કામગીરી માટે સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. ત્યારે બાથરૂમની બારીમાંથી કૂદી જઈ આરોપી નાસી છૂટતા ચકચાર ફેલાઈ છે.
એના પછી ૧-૧૦-૧૨ ભાસ્કરના અહેવાલ મુજબ થાનની તરૂણી ઉપર બળાત્કાર ગુજારવાના આરોપમાં સુરેશ ગોહિલ ઉ. ૨૪ની ધરપકડ કરવામાં આવી હતી. જે સરકારી દવાખાનામાંથી નાસી છૂટેલ. ત્યારે બાદ આરોપી હવામાં ઓગળી ગયો હોય તેમ અનેક સ્થળે તપાસ કરવા છતાં પોલિસ હવાતિયા મારતી હોવાનો ઘાટ સર્જાયો છે.

થાનમાં રોડ રોમિયોનો ત્રાસ
તા. ૧૧-૮-૨૦૧૨ દિવ્ય ભાસ્કર
થાન પંથકમાં પોલિસની નબળી કામગીરાને કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. થાનની હાઇસ્કૂલમાં ભણતી વિદ્યાર્થીની થાનના બે રોડ રોમિયોએ જાહેરમાં બાવડું પકડી છેડતી કરી, ધમકી આપ્યાની ફરિયાદ નોંધવતા ચકચાર ફેલાઇ છે. થાનગઢ પંથકમાં રોડ રોમિયાનો ત્રાસ દિવસે દિવસે વધતો હોવાનો લેખતિ તથા મૌખિક ફરિયાદો થાન પોલિસમાં થઈ છે. તેમ છતાં થાન પોલિસ રોડ રોમિયાને છાવરતી હોવાની ફરિયાદો ઉઠી છે. થાનના હાઇસ્કૂલ ખાતે રામજી મંદિર ખોડલ મોગલ ચોક દરબારગઢ શેરીના મહાલક્ષ્મી શેરીના નાકે તથા જુદા જુદા અનેક સ્થળોએ શાળા ચાલુ થવાના તેમજ છૂટા થવાના સમયે રોડ રોમિયાના  ટોળાઓ એકઠા થઈ શાળાએ જતી કે આવતી વિદ્યાર્થીઓને જાહેરમાં છેડતી કરતા હોવાના બનાવો વારંવાર બને છે. પરન્તુ આબરૂ જવાની બીકે તથા પોલિસની નબળી કામગીરીને કારણે યુવતીઓ કે તેમના માતા-પિતા ફરિયાદ કરવાના ટાળતા હોય છે ત્યારે થાનની મ્યુ. હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી અને વગડિયા રોડ પર રહેતી વિદ્યાર્થીની સોમવારના રોજ બપોરે ૧૨ વાગ્યાના આસપાસ સરદાર સોસા. પાસેથી પોતાના ઘર તરફ જઈ રહી હતી. ત્યારે સામદભાઈ તથા તેની સાથે રહેલા તેના મિત્રએ વિદ્યાર્થીની જાહેરમાં અટકાવી અને બાવડું પકડી છેડતી કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીની ફોનમાં કોઈને જાણ કરશે તો જોઇ લેવાની ધમકી આપી હોવાનું બનાવ બનતા ચકચાર ફેલાઈ હતી. 

થાનની મહિલાઓએ દારૂની કોથળીઓ ઝડપી પોલિસને સોંપી
તા.૨૬-૮-૧૨ દિવ્ય ભાસ્કર
થાનની કોળી સોસાયટીની ૨૦૦ કરતા વધુ મહિલાઓ શુક્રવારે સાંજે પોલિસ મથકે ધસી  ગઈ હતી. જ્યાં દેશી દારૂની બદીને નાબૂદ કરવાની વિનંતી કરી હતી પરન્તુ દારૂ બાબતના હપ્તા મળતા હોય પોલિસ નિષ્ફળ રહી હતી. આ દરમિયાન રજૂઆત કરી પરત ઘેર જતી માહિલાઓએ તળાવના કાંઠેથી દેશી દારૂ ભરેલી કોથળી ઝડપી લઇ પોલિસને સોંપી હતી. થાનમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. 

થાન ખંડણી પ્રકરણમાં તપાસનો આદેશ: ખંડણીખોરો ભૂર્ગભમાં
દિવ્ય ભાસ્કર
થાનના સિરામીક કારખાનાઓમાં રાતના સમયે અમુક શખ્સો ખંડણી ઉઘરાવતા હોવાની  રજૂઆતો કલક્ટેર કચેરીએ કરાઈ હતી. આથી શનિવારના રોજ જિલ્લા પોલિસ વડા કાફલા સાથે થાન દોડી આવ્યા હતા. આ બનાવમાં પોલિસ વડાએ તમામ વિભાગોને તપાસનો આદેશ આપતા ખંડણીખોરો ભૂર્ગભમાં ઉતરી ગયા છે.

થાનમાં દારૂની હાટડીઓ બંધ કરાવવા મહિલાઓ જંગ ચડી
તા. ૨૯-૮-૧૨ દિવ્ય ભાસ્કર
થાનની જય અંબે સોસાયટી, કોળી સોસા., જગદંબા ધાર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂની વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ચાર દિવસ પહેલા મહિલાઓ પોલિસને વિનંતી કરવા પોલિસ મથકે પહોંચી હતી તેમ છતાં પોલિસ દ્વારા ઢીલી નીતિ રાખવામાં આવતી હોવાની રાવ સાથે સોમવારે મહિલાઓ, યુવાનો અને યુવતીઓનું ટોળુ થાન પોલિસ મથકે ધસી જતાં દોડધામ મચી ગઈ હતી.

થાનમાં દારૂ પકડવાના મામલે પોલિસે તોડ કર્યો?
તા. ૧૨-૭-૧૨ સંદેશ
થાન તરણેતર બાયપાસ રોડ ઉપર શંકર ભગવાન મંદિરથી થોડે દૂર મંગળવારે મોડી સાંજે અંદાજે વીસ પેટી ઇંગ્લિશ દારૂનો જત્થો હોમગાર્ડ જવાનની નજરે ચડી ગયો હતો આથી અંગે પોલિસ મથકના બે જમાદારને જાણકારી આપતા બન્ને જમાદારોએ ફરિયાદ નહીં નોંધી મોટી રકમની તોડ કરી ઘટનાને રફે દફે કરી દીધાની ચર્ચાએ થાનમાં ચકચાર મચાવી દીધી છે. 

થાનમાં જુગારની રેડ, ત્રણ પોલિસોની બદલી
તા. ૨૧-૭-૧૨ સંદેશ
થાન-તરણેતર રોડ ઉપર ભાજપની અગ્રણીની ઓફિસમાં રાજકોટના આર. આર. સેલની ટીમે રેડ કરી છ જુગાર રમતા મોટા માથાઓને ઝડપી લીધા હતા આ પ્રકરણને દબાવવા માટે ઉચ્ચ કક્ષાએથી પણ ભારે ધમપછાડા થયા હતા. પરન્તુ પોલિસ ઓફિસરોએ ટસના મસ થયા નહોતા.  આ ઘટના બાદ ત્રણ પોલિસમેનોની બદલી થવા પામી છે જોકે નવાઈની વાત એ છે કે સમગ્ર બાબત રૂટીન બદલી હોવાનું જ જવાબદાર અધિકારીએ જાણાવ્યુ હતું.

થાનમાં પરિવાર પર ઘાતકી હુમલો કરી ખુલ્લેઆમ ફરતા આરોપીઓને ઝડપી લેવા માંગ
તા. ૭-૭-૧૨ દિવ્ય ભાસ્કર
થાનમાં આવેલા ફૂલવાડી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ અર્જુનભાઈ કણજરીયાએ સુરેન્દ્રનગર જિલ્લા પોલિસ વડાને પત્ર પાઠવ્યો હતો. આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે આજ દિન સુધી અમોએ એક પણ તકરાર કરી નથી. મારી દીકરી ક્રિષ્ણાને તા.૨-૭-૧૨ના વિજય પ્રભુ પ્રજાપતિએ બાવડું પકડી છેડતી કરતા અને ઘરે વાત કરી પછી બીજા દિવસે સવારે છ વાગ્યે માત્ર ઠપકો આપવા સંબંધી વાત કરતા ઉશ્કરાયેલા વિજય તેનો ભાઈ કરશન તથા વિજયના માતા પ્રભુભાઈ તથા લાભુબેન તીક્ષ્ણ ધારદાર હથિયારો સાથે ખૂન કરવાના ઇરાદા સાથે ધસી આવતા તેઓ તથા તેઓના પુત્ર ગંભીર રીતે ઘવાયેલા હતા. તુરંત તેમને થાનગઢ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં ફરજ પરના કર્મચારીએ કહ્યું કે પહેલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરો પછી સારવાર કરીશ. તેઓ લોહીલુહાણ હાલતમાં હતા તેથી તેમની દીકરી ક્રિષ્ણા તથા તેમની પત્ની ગૌરીબેન થાનગઢ પોલિસ સ્ટેશનમાં રૂબરૂ ગયા ત્યાં પોલિસ સ્ટાફે ઉધડા લઈ ધમકાવ્યા અને ફરિયાદ લેવાની ના પાડી. હડધૂત કરતા હતા છતાં આગ્રહ રાખતા તેઓની દીકરી પાસેથી બનાવ સંબંધી અરજી લીધી પછી ઇશ્વરભાઈ તથા તેઓના પુત્રની પ્રાથમિક સારવાર બાદ રાજકોટ સીવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યું. બનાવની ગંભીરતા પછી થાનગઢ પોલિસે ૩-૭-૧૨ના ખૂનની હુમલાની બનાવની ખોટી ફરિયાદ મૂકી એક દિવસ પછી તા. ૪-૭-૧૨ સાંજે સાત કલાકે નોંધવામાં આવી. તેઓનો પરિવાર હબતાઈ ગયો હોઈ રાજકોટ હોસ્પીટલમાં ખડે પગે હતો. દિલીપના માથામાં ભંયકર લાગ્યું હોઈ સારવાર હેઠળ છે. ગરીબ હોવાના કારણે પોલિસે ફરિયાદ મોડી લીધી છે. તેઓને હોસ્પીટલમાંથી રજા આપ્યા પછી ધરપકડ કરવામાં આવશે તેવું જાણમા આવ્યું. થાનગઢ પોલિસે તેમની સાથે ઘોર અન્યાય કર્યો છે. ફરિયાદની સાચી હકીકત લીધી નથી. સામાન્ય કલમો લગાડવામાં આવ્યું છે. આરોપીઓ હજુ પણ ગંભીર ધમકી આપી ફરિયાદ ખેંચી લેવા દબાણ કરે છે. પોલિસ અમારો વાળ વાંકો નહીં કરે તેવું સરાજાહેર બોલે છે. પોલિસની ભેદી રમત છે. તેવો આરોપીઓ અને પોલિસ બન્ને અત્યાચારના ભોગ બન્યા છે. આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે. અને રાજકોટ હોસ્પીટલમાં ધમકી મોકલે છે. તેઓને હોસ્પીટલમાંથી રજા આપ્યા પછી પોલિસ ધરપકડનો નાટક કરશે તેવું સેટિંગ ગોઠવાઇ ગયું છે. પોલિસે ખૂન હુમલા સંબંધી કલમો લગાડેલ નથી કે હથિયારો કબ્જે કરેલ નથી કે ધરપકડ કરેલ નથી.તેની થાનગઢ પોલિસની જવાબદાર પોલિસ સામે કડક કાર્યવાહી કરી ખાતાકીય તપાસ કરી સસ્પેન્ડ કરવા માંગણી છે. તથા તેઓ ઉપર હુમલો કરનારની ધરપકડ કરવા ગુના સંબંધિત કલમો ઉમેરવા દોષિત સામે કાર્યવાહી કરવા અંતમાં જાણાવ્યુ હતું.

થાનમાં લૂંટના આરોપીઓને પોલિસ કેમ ઝડપતી નથી.
તા.૧૬-૩-૧૨ દિવ્ય ભાસ્કર
થાનનાં મેલડીમાંના ઓટા પાસે તથા આંબેડકરનગરમાં રૂપિયા પાંચ હજાર તથા રૂપિયા બે હજારની લૂંટનો બનાવ બન્યો હતો. પરન્તુ થાન પોલિસ આરોપીની ધરપકડ કરવાના બદલે ફરિયાદીની ફરિયાદ જ નહીં નોંધતા બન્ને ફરિયાદીઓએ જિલ્લા પોલિસ વડા અને રેન્જ આઇજી રાજકોટને લેખિત જાણ કરી છે.  

સોમવાર, 15 ઑક્ટોબર, 2012

બે શબ્દો એમના વિષે ક્યારે લખીશ, જગદીશ?


દર વર્ષે થાનગઢમાં ભરાતા તરણેતરના મેળાનો કોન્ટ્રાક્ટ દરબારો પાસે હોય છે, આ વખતે ભરવાડો કોન્ટ્રાક્ટ લઈ ગયા એટલે દરબારો મેળાની મજા બગાડવા તલપાપડ હતા. દરબારોએ દલિતોને હોળીનું નાળીયેર બનાવ્યા. પીએસઆઈ જાડેજાની બદલી કરવાની વારંવાર રજુઆત અગાઉ દલિતોએ કરી હતી, એટલે એણે કિન્નાખોરી રાખીને રાત્રે સાડા બાર વાગે દલિત યુવકની હત્યા કરી. જાડેજાએ કઈ રીતે ખોટા પુરાવા ઉભા કરી, તદ્દન ખોટી એફઆઈઆર બનાવી એ તમામ બાબતો સીઆઈડી ક્રાઇમના તાજેતરમાં કોર્ટમાં રજુ થયેલા અહેવાલમાં બહાર આવી ગઈ છે. 

થાનની આ વિગતો હવે જગજાહેર છે. ત્રણ દલિત બાળકોની હત્યા કોઈ બજારુ વ્યંગકથાનો વિષય બની ના શકે. થાનગઢના એ દલિત પરીવારો માટે આ ભયાનક કલ્પાંતની બાબત છે અને છતાં જગદીશ ત્રીવેદી તા. 14-10-12ના 'દિવ્ય ભાસ્કર'માં 'થાનગઢની બે ચીજ – માટી અને મારામારી' શીર્ષક હેઠળ એક વ્યંગ લેખ ઘસડી કાઢે છે અને લખે છે, "મેળામાં ભરવાડની ટોળકીએ કોઈ દલિત યુવાનને ઢીકાપાટુ કરી લીધી. દલિતોનું ટોળું ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશને ગયું. ખરેખર શું થયું તે ભગવાન જાણે પરંતુ પોલીસને ગોળીબાર કરવો પડ્યો અને ત્રણ દલિત યુવાનોના મૃત્યુ થયા." હવે જગદીશને જે ઘટનાના મોં-માથાની ખબર નથી એના વિષે લખવું જ એવું જરૂરી ખરું? જગદીશ લખે છે કે ખરેખર શું થયું તે ભગવાન જાણે. ભલા માણસ, આમાં ભગવાન ક્યાંથી આવ્યો? જાડેજાને બધી ખબર છે. અને સૌથી દર્દનાક રીતે તો એ મરનારા દલિતોના માબાપને ખબર છે કે કઈ રીતે એમના મરતા બાળકોને ખેતરોમાંથી દોડતા દોડતા છેક ચોટીલાના હાઈવે પરથી ખાનગી રીતે સારવાર માટે રાજકોટ લઈ ગયા. કેમ કે પોલીસ ઘાયલ થયેલા લોકોને સારવાર માટે લઈ જવા જ દેતી નહોતી. ખરેખર તો એ પોલીસની ફરજ હતી. જાડેજાએ નિર્દોષ બાળકોની કત્લેઆમ કરી છે એના માટે સહાનૂભૂતિના બે શબ્દો જગદીશ પાસે નથી. આ માણસ થાનગઢનો વતની હોવાનો દાવો કરે છે. એ જાતનો બામણ છે. બામણને દલિત જોડે શું લેવાદેવા? જગદીશ ક્યારેય થાનના દલિતવાસમાં ગયો નથી એની અમને ગળા સુધી ખાતરી છે. થાનગઢનો કોઈ દલિત એનો મિત્ર પણ નહીં હોય એની પણ અમને ખાતરી છે. 

સવાલ એ છે કે જગદીશ જેવા કહેવાતા લેખકો આવી સરળતાથી અને બિન-સંવેદનશીલતાથી આટલી મોટી ઘટના વિષે કેમ લખી શકે છે? જગદીશ એ કહેવાતા સાક્ષરો-લેખકોની જમાતનો માણસ છે, જે લોકો 2002ના નરસંહારને ઠંડા કલેજે પચાવી ગયા અને હજુ પણ માનવતાની, માદરે વતનની કાખલી કૂટી રહ્યા છે. કે. કા. શાસ્ત્રી જેવા કટ્ટરપંથી હિન્દુને જે લોકોએ ગુજરાતી સાહિત્ય પરિષદનો પ્રમુખ બનાવ્યો, એટલું જ નહીં એ ચેષ્ટા બદલ જેમના ચહેરા પર પસ્તાવાની એક લકીર દેખાતી નથી, એવા લોકો કયા મોંઢે માનવતાની અને સેક્યુલારીઝમની વાતો કરતા હશે? આ જ લોકો દલિતોની હત્યાઓને પણ વ્યંગકથાનો વિષય બનાવી શકે છે. 

સમગ્ર લેખમાં જગદીશ ક્યાંય દરબાર શબ્દનો ઉલ્લેખ કરતો નથી. કેમ કે એને દરબાર નામના પ્રાણીનો ડર છે. દલિતો વિષે એ બેફામ લખે છે. દલિતો વિષે લખી શકાય છે. કેમ કે દલિતો (એના મતે) નેતાગીરી વિનાનું, દિશાહીન ટોળું છે, જેમની લાશો પર કોંગ્રેસીઓ-ભાજપીઓ એમના રાજકીય રોટલા શેકી રહ્યા છે. (જગદીશ બે ઓક્ટોબરની ચલો થાનની સભામાં આવ્યો હોત તો એને ખબર પડત કે હવે દલિતો એમની લાશો પર કાંગ્રેસીઓ-ભાજપીઓને ભાષણો કરવા દેવા તૈયાર નથી) સાંબરડા વખતે રતિલાલ વર્મા, ફકીર વાઘેલા પાલનપુરમાં સભાઓ ગજવતા હતા. સાંબરડાની હિજરત જેટલી લાંબી ચાલે તેટલા પ્રયત્નો કરતા હતા. થાનગઢમાં એ જ ફકીર વાઘેલા રાત્રે બે વાગે દોડીને સમાધાન કરવા એડી ચોટીનું જોર લગાવે છે. વિરોધ પક્ષમાં હોઇએ ત્યારે લાશોના સરઘસો કાઢવાના અને સત્તા પર આવીએ એટલે સમાધાનો કરવાના. આ બાબત મોડીફાઈડ ગુજરાતના સિપેહસાલાર નરેન્દ્ર મોદીએ 2002માં મોટા પાયે ખૂનની હોળી ખેલીને પ્રસ્થાપિત કરી છે. ફકીર વાઘેલા અને રતીલાલ વર્મા તો મોદીની નિશાળના ઠોઠ નિશાળીયા છે. જગદીશ ત્રીવેદીને માદરે વતનની બહુ ચિંતા હોય તો એણે જાણવું જોઇએ કે માદરે વતનને આવા નાલાયક રાજકારણીઓ બરબાદ કરી રહ્યા છે. બે શબ્દો એમના વિષે તું ક્યારે લખીશ, જગદીશ?