કુલ પૃષ્ઠ અવલોકનો

રવિવાર, 20 જાન્યુઆરી, 2013

અનામત વિરોધી બુદ્ધિજીવીઓની બુદ્ધિગેપ દલીલો1981માં દલિત પેંથરે 'અનામત શા માટે?' નામનું પુસ્તક બહાર પાડ્યું હતું, જેમાં નામાંકિત લેખકોએ અનામત-પ્રથાની સુંદર છણાવટ કરી હતી. હાલ તો આ પુ્સ્તક અપ્રાપ્ય છે, તેથી ખાસ જહેમત લઇને અમે તમામ લેખો બ્લોગ પર મુક્યા છે. - રાજુ સોલંકી


વાલજીભાઈ પટેલ (1981) 

ઉપલા વર્ણ અને વર્ગનું આધિપત્ય ભોગવતા ગુજરાતના અખબારો પર સવાર થઈ કહેવાતા, બુદ્ધિજીવીઓની એક જમાતે વ્યવસ્થિત રીતે અનામત વિરોધી એકની એક પ્રકારની બુદ્ધિગેપ દલીલો સતત વાગોળ્યા કરી બકરાને કૂતરું સાબિત કરવાની જાણીતી ગોબેલ્સની નીતિ અપનાવી છે.

ડૉ બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે, "માત્ર શિક્ષણ લેવાથી જ જો માણસાઈ આવતી હોય તો સુશિક્ષિતો, બુદ્ધિજીવીઓ અને અધિકારીઓ તરફથી અમારા પ્રત્યે અન્યાય ન થતો હોત." (એપ્રિલ, 1929). અખબારોમાં ભાષાના વ્યભિચારની હાટડીઓ લઈ બેઠેલા મુઠ્ઠીભર જાતિવાદી, સ્થાપિત બુદ્ધિજીવીઓ વર્ષો પહેલાં બોલાયેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરના ઉપરોક્ત અભિપ્રાયને આજે તો સત્ય પૂરવાર કરી રહ્યા છે.

એકાંગી દૃષ્ટિથી વિચારતા આ બુદ્ધિજીવીઓની કેટલીક પરમેનન્ટ પેટન્ટ દલીલોને જ ચકાસી લઈએ.

રાણે પંચનો ચુકાદો
જેનો સતત હવાલો આપવામાં આવે છે તેવા રાણે પંચના એક ખૂબ જ જવાબદાર અભ્યાસુ સભ્ય સ્વ. ડૉ. આઈ. પી. દેસાઈએ આ રાણે પંચના હેવાલમાં જ નોંધ મૂકી જણાવ્યું છે કે, પરંપરાથી વર્ણવ્યવસ્થાને કારણે હરિજનો અને આદિવાસીઓ સર્વ પ્રકારના શોષણનો ભોગ બનતા આવ્યા છે એટલે તેમને જ્ઞાતિગત ઘોરણે અનામત આપવામાં આવે તે વ્યાજબી છે.

હકીકતમાં રાણે પંચ કેવળ સરકારની નવી નીતિ – બક્ષી પંચ પૂરતું જ મર્યાદિત હોવા છતાં, તેના હેવાલની ડૉ. દેસાઈની ઉપરોક્ત નોંધ પર પડદો પાડી દઈ અનુસૂચિત જાતિ અને જન જાતિ સહિતની સમગ્ર અનામત પ્રથા વિરુદ્ધ રાણે પંચના હેવાલનો હવાલો આપી એક તરફી ગેરઉપયોગ કરવાની આ સવર્ણ બુદ્ધિજીવીઓની લુચ્ચાઈ શું બતાવે છે?

દલીલ એક
"જ્ઞાતિના આધારે સામાજિક પછાતપણું નક્કી કરવાનો પ્રયાસ અવાસ્તિક છે, દેશભક્તિ વિરોધનું પગલું છે."

સવર્ણોની આ બેબૂનિયાદ દલીલ માટે તો આપણે તેમને જ પૂછવાનું કે, શું તમે શુદ્ધ બુદ્ધિથી જ્ઞાતિગત માળખાને તોડવા તૈયાર છો ખરા? ખાનગી મીલો, ધંધાઓ, કારખાનાઓ, શાળાઓ, કોલેજો, પેઢીઓ, અરે! સરકારના 90 ટકા નાણા લઇને ચાલતી કૉઓપરેટીવ મંડળીઓ, કૉઓપરેટીવ બેંકો અને નિગમોમાં કેવળ જ્ઞાતિગત ઘોરણે (માત્ર ઉપલા વર્ણના લોકોની) જ ભરતી કરવામાં આવે છે અને આ બધા 'બાબુ'ઓની ભરતીમાં કેવળ જ્ઞાતિને જ એકમાત્ર 'લાયકાત' ગણવામાં આવે છે.

જ્યારે 80થી 85 ટકા જેટલી ખાનગી નોકરીઓની તકોના બધાં જ દરવાજા કેવળ જ્ઞાતિને કારણે જ 'દલિતો' માટે બંધ કરી દેવાતા હોય ત્યારે, દેશની કુલ નોકરીઓની માત્ર 15થી 20 ટકા સરકારી ખાતાઓની તકોમાં પણ દલિતો પ્રવેશી ન જાય તેવી તકેદારી અને ઉહાપોહને 'દેશપ્રેમ'નું પગલું ગણી શકાય ખરું કે? જ્ઞાતિગત ઘોરણે ભરાતી ઉચ્ચ વર્ણોની ખાનગી ક્ષેત્રોની 'અનામત' સામે આંખમીચામણાં કરી જ્ઞાતિવાદ વિરુદ્ધ જેહાદનો ઉભરાયેલો આ પ્રેમ શું સૂચવે છે?

દલીલ બે
"આર્થિક ઘોરણે અનામતો નક્કી થવી જોઇએ"

આ કહેવાતી પ્રગતિશીલ દલીલનો પાલવ ઓઢેલાઓને તાજેતરમાં આંધ્ર હાઈકોર્ટના દલિત જસ્ટિસ શ્રી પોનીયાહે જવાબ આપ્યો છે કે, મજૂર, જજ કે આઈ.. એસ. ઓફિસર હોય, અસ્પૃશ્ય એ અસ્પૃશ્ય જ રહે છે. તેની સાથેના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. આનું કારણ, ભારત એટલે જાતિવાદ.
દેશમાં જાતિવાદ તૂટતો જાય છે તેમ કહેનારને આંધ્ર સરકારના સૌથી સીનિયર આઈ.. એસ. ઓફિસર શ્રી કે. એસ. આર. મુર્થીનો અનુભવ મોટો પડકાર બની જાય છે. આંધ્રના આ દલિત આઈ.. એસ. ઓફીસર કહે છે કે, હું ભલે આઈ.. એસ. ઓફિસર હોઉં, પરન્તુ જો હૈદરાબાદના સવર્ણ વિસ્તારમાં મકાન ભાડે લેવા જઉં તો મને મળી શકે નહીં, કારણ કે "હું અસ્પૃશ્ય છું".
જે દેશમાં કેવળ જ્ઞાતિના કારણે જ પૈસાપાત્ર, શિક્ષિત, નાગરિક અને સંસ્કારી દલિતને કહેવાતા સવર્ણ વિસ્તારમાં મકાન ન મળે, સામાન્ય નાગરિક અધિકારોથી પણ વંચિત રહેવું પડે, જ્યારે 'ગરીબ સવર્ણનો દીકરો' સર્વ પ્રકારના નાગરિક અધિકારો – વિશિષ્ટ અધિકારો ભોગવી શકે, તેવી જાતિમૂલક, જડબેસલાક સમાજ-વ્યવસ્થામાં લાખો ગામડાઓમાં વહેંચાયેલી, રિબાતી 80 ટકા અસ્પૃશ્ય પ્રજાને શોષણ, અપમાન અને તિરસ્કૃત દશામાંથી નીકળવાના આ અનામતના એક માત્ર દરવાજાને પણ બંધ કરી દઈ તમે શું લાવવા માંગો છો?

દલીલ ત્રણ
"અનામતને કારણે જાતિવાદનું અનિષ્ટ પેદા થાય છે."

જ્ઞાતિવાદની સીડીના છેલ્લે પગથીએ ચડી ઉપભોગ કરતાં કરતાં જ્ઞાતિવાદ વિરુદ્ધ વાતો કરનારાઓ પાસેથી આપણે એ જાણી શકીએ ખરાં કે, સદીઓની જ્ઞાતિવાદી શોષણ વ્યવસ્થાને કારણે અનામત પ્રથા અસ્તિત્વમાં આવી છે કે અનામત પ્રથાને કારણે જ્ઞાતિવાદ?

માલ, મિલ્કત, નોકરી, ધંધા, રાજ્યસત્તા અને શિક્ષણ સુદ્ધાં કેવળ ઉપલી વર્ણના કબજામાં રાખી એક આખી બહુમતિ જાતિને પશુતુલ્ય દશામાં સદીઓથી કચડતા આવ્યા છો અને આજે પણ આ બધા ક્ષેત્રો પર કેવળ જાતિગત રીતે જ જડબેસલાક કબજો જમાવીને બેઠેલા છો. એટલું જ નહીં આઝાદીના 37 વર્ષો પછીએ ગમે તેવી લાયકાત હોય તો પણ દલિતોને આ ક્ષેત્રોમાં પ્રવેશ કરવાની તકો આપતી નથી. ત્યારે આવા જાતિવાદી ઉપભોક્તાઓના મોંઢે જાતિવાદ વિરુદ્ધની દલીલ કેટલી યોગ્ય ગણાશે?

શું તમે આ જાણો છો?

આઝાદી પછી ગુજરાતમાં સરકારી નીતિનો ભરપેટ લાભ ઉઠાવી મૂડીવાદી માળખાએ સહકારી ક્ષેત્રમાં પગદંડો જમાવ્યો છે. ગુજરાતના ખૂણે ખૂણે સરકારી ખર્ચે ફૂલતી ફાલતી અને વકરતી કૉઓપરેટીવ બેંકો અને સહકારી મંડળીઓમાં ભરતી કરાતો સ્ટાફ કેવી રીતે લેવાય છે?

સામાન્ય રીતે નોકરીઓમાં ભરતીના કાયદેસર ઘોરણો ત્રણ છે. 1. સરકારી રોજગાર કચેરીઓમાંથી નામ મંગાવવાં, 2. દૈનિક અખબારોમાં જાહેરાતો આપી લાયક ઉમેદવારો મેળવવા અને 3. લેખિત પરીક્ષામાં દ્વારા ઉમેદવારને ચકાસી લાયકાતવાળાઓની ભરતી કરવી.

આ ત્રણે કાયદેસરની સ્વીકૃત પદ્ધતિઓને એકબાજુ ધકેલી દઈ, કોઈ ખાનગી પેઢીની માફક કેવળ જ્ઞાતિગત ઘોરણે જ ઉપલા વર્ણના લોકોની ભરતી કરવામાં આવે છે. મહેસાણા જીલ્લાની સૌથી મોટી દૂધસાગર ડેરીનો તાજેતરનો કિસ્સો નોંધવા જેવો છે. બી. કોમની લાયકાતવાળી એકાઉન્ટન્ટની જગા માટે એમ. કોમ. થયેલા એક દલિત ઉમેદવારને ડેરીના સંચાલકોએ ઇન્ટરવ્યૂમાં જવાબ આપ્યો કે, "આ નોકરી માટે તમારો આ જન્મનો ફેરો તો ખાલી ગયો, હવે આવતા જન્મે કોક ચૌધરાણીના પેટે જન્મ લો તો ડેરીમાં નોકરી મળે!"

સરકારના 90 ટકા નાણાથી ચાલતા અને સરકારના વહીવટ જેટલો મોટો પથારો પાથરેલા આ ક્ષેત્રોમાં થતી ઉપલા વર્ણની જાતિગત ભરતી સામે, ગુણવત્તા, કાર્યદક્ષતા કે જ્ઞાતિવાદ વિરુદ્ધ વાતો કરનારા કેમ એક હરફ પણ ઉચ્ચારતા નથી?

અમદાવાદની મીલોમાં અસ્પૃશ્યતા
શહેરોમાં ઔઘોગિકરણમાં અસ્પૃશ્યતા ખતમ થઈ છે તેમ કહેનાર અમદાવાદ શહેરની કાપડ મીલોના અભ્યાસ જરૂર કરે. જન્મગત રીતે કાપડ વણવાનો ધંધો દલિતોનો છે પરન્તુ અમદાવાદની એક પણ મીલના શાળખાતામાં, પેઢીઓથી વારસાગત શાળ ચલાવતા દલિતને તમે નહીં જોઈ શકો. માત્ર સવર્ણોને જ શાળખાતામાં પ્રવેશ મળે છે. શાળ ચલાવતી વખતે કાંઠલો મોંઢામાં નાંખવો પડતો હોઈ અસ્પૃશ્યતાને કારણે શાળખાતામાં દલિતો માટે 'પ્રવેશબંધી' છે જ્યારે સ્પીનીંગ ખાતાની કાળી મજૂરીમાં કેવળ પછાત વર્ગના લોકો જ છે. ઉપરાંત આ બધી ખાનગી મીલો અને કાપડની પેઢીઓની ઓફીસોમાં પણ એક પણ લાયક દલિતને લેવામાં આવતો નથી. (એન. ટી. સી.ની સરકાર હસ્તક મીલોમાં 'અનામત'ને કારણે જ થોડાક દલિતો પ્રવેશી શક્યા છે.) છતાંયે આ કહેવાતા બુદ્ધિજીવીઓ કે જ્ઞાતિવાદ વિરુદ્ધ લખનારાઓને ક્યારેય આ ખૂંચતું નથી! અને ગાંધી સ્થાપિત મજૂર મહાજનનું અમદાવાદની મીલોમાં એકચક્રી શાસન ચાલતું હોવા છતાં તે પણ કંઈ કરી શકી નથી! અને આ અસ્પૃશ્યતા આજે પણ ચાલુ છે.

સરકારની ઢગલાબંધ મદદ લઈ ચાલતા આ ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં માત્ર ઉપલા વર્ણના લોકોની જાતિગત ઘોરણે જ થતી ભરતી અને દલિતોની થતી અવગણાને કારણે ભારત સરકારના શિડયૂલ કાસ્ટ અને શિડયૂલ ટ્રાઇબ્ઝ કમિશ્નરને તેમના ત્રેવીશમાં રિપોર્ટમાં લખવું પડ્યુ છે કે,

"Since the so called private sector enterprises are mostly financed out of funds from various agencies controlled by government, it should be possible to enforce suitably the elements of reservation in their services for Scheduled Castes and Scheduled Tribes."

ગુણવત્તા અને કાર્યક્ષમતા
અનામત વિરોધી, વિકૃત, અધકચરી અને અસત્ય રજુઆતો દ્વારા કેટલાક સવર્ણ બુદ્ધિજીવીઓએ અખબારી યુદ્ધ જ ચલાવી દીધું છે. જરુર પડે ઝીણું કાંતતા અને ઊંડાણમાં જતા આ મહાનુભાવોએ અનામત પ્રશ્ને સામાન્ય બુદ્ધિ ધરાવતા અપરિપક્વ માનસનો પરિચય કરાવ્યો છે. આ જાતિવાદી માનસ ધરાવતા લોકોના લખાણનો એક નમૂનો જ જોઈએ.

છેક મુંબઈથી અમદાવાદ આવેલા 'ચિત્રલેખા'ના પ્રતિનિધિ કાંતિ ભટ્ટ જાણે કોઈ વૈજ્ઞાનિક શોધ કરી દીધી હોય તેવી અદાથી લખે છે:

''ગાંધીનગરમાં કિરણ મોરે નામના સવર્ણ કોમના યુવાનને 55 ટકા માર્કસ મળ્યા, છતાં તે પોલીટેકનિક કોલેજમાં બે વારના પ્રયાસ છતાં પ્રવેશ મેળવી શક્યો નથી. જ્યારે બીજા ''ઘણા'' પછાત વર્ગનાએ 35 ટકા માર્કસ સાથે પ્રવેશ મેળવી લાધો છે.''

''ગાંધીનગરમાં એક અંડર સેક્રેટરી પછાત કોમના છે. તે હજી પણ તેમની કોમના પટાવાળા સાથે ચા પીવા જાય ત્યારે તેને મઝા પડે છે.''

''એક ડેપ્યુટી સેક્રેટરી પછાત કોમના છે. તેમના સગાઓ ઓફિસમાં મળવા આવે ત્યારે જ્યાં ત્યાં થુંકે છે. બીડી પીને ઠુંઠા ગમે ત્યાં ફેંકે છે.''

ભાઈશ્રી કાંતિભટ્ટ તેમની કુટ્ટણ લીલા લખતાં પહેલા અમદાવાદમાં જ આવેલી પોલીટેકનિક કોલેજ કે ગાંધીનગરના શિક્ષણ ખાતામાં જો ગયા હોત તો 35 ટકાએ કેટલા પછાત વર્ગોના છોકરાઓ દાખલ થયા તેનો દસ્તાવેજી પૂરાવો ન મળ્યો હોત? પણ પૂર્વગ્રહથી લખવા માંગતા કાંતિભાઈને આ પ્રેરણા શા માટે થાય?

હકીકતમાં, અનામતમાં પણ 60 ટકાથી ઓછા માર્કસ ધરાવતા પછાતવર્ગના વિદ્યાર્થીઓને પણ એડમિશન મળ્યું નથી. છતાં, વ્યક્તિગત જાતિ માનસથી પિડાતા આવા કાંતિભાઈઓ માટે જાણીતા વિચારક ટાયરન એડવર્ડે સાચું જ કહ્યું છે કે, "જે વ્યક્તિ પક્ષપાતી છે તે માત્ર શેતાન જ નહિ, પણ હલકા કોટીનો શેતાન છે. કારણકે તે સચ્ચાઈને ગળે ટુંપો દે છે. જે આખરે વિનાશકારી ભૂલ તરફ ખેંચી જાય છે.

ગુણવત્તા એટલે ઓછા ટકાવાળા સવર્ણ ચાલે વધારે ટકાવાળા દલિતો ન જોઈએ......!

ગુણવત્તા અને કાર્યદક્ષતાની રાડો પાડનારાઓ આ દસ્તાવેજી વાસ્તવિકતા જોશે ખરા કે?

ગુજરાત સરકારનું સત્તાવાર પ્રકાશન ''ગુજરાત'' પાક્ષિકના અંક 20, જુલાઈ 1984ના પાના નં-54 ઉપર પ્રસિદ્ધ થયેલી કારકુનોની ભરતીની સરકારી જાહેરાત આંખ ખોલી નાંખે તેવી છે.

ગુજરાત સરકારની ખાતાકીય પસંદગી સમિતિ દ્વારા પ્રસિદ્ધ થયેલી આ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે,

'ગત ભરતી સમયે આપેલ જાહેરાત નીચે જણાવેલા ટકા ક તેથી વધુ ટકા મેળવેલ હતા તેવા ઉમેદવારોને જ કારકુનની જગા માટે રુબરુ મુલાકાત માટે બોલાવવામાં આવેલ હતા.''

અરજદારોએ અરજી કરતી વખતે આ બાબત ''ખાસ ધ્યાન''માં લેવી.

ગુજરાત રાજ્ય નાયબ નિયામક સમાજ કલ્યાણ ખાતુ

જગ્યાનું નામ- કારકુન                              ટકાવારી
(1) બિન અનામત (ઓપન મેરિટ)                  71.57ટકા
(2) અનુસુચિત જાતિ (અનામત)                    72.14ટકા
(3) સામાજીક શૈક્ષણિક પછાત (બક્ષીપંચ અનામત) 72.00ટકા

વાહન વ્યવહાર નિયામકની કચેરી. ગુજરાત રાજ્ય

જગ્યાનું નામ-કારકુન                                     ટકાવારી
(1) બિન અનામત ઓપન મેરીટ                         72.00 ટકા
(2) અનુસુચિત જાતિ (અનામત)                         78.14 ટકા
(3) સામાજિક શૈક્ષણિક રીતે પછાત                      72.43 ટકા
    (બક્ષી પંચ અનામત)

સયુંક્ત ચેરિટી કમિશ્નરની કચેરી, ગુજરાત રાજ્ય

જગ્યાનું નામ ગુજરાતી ટાઈપિસ્ટ                       ટકાવારી
(1) બિન અનામત (ઓપન મેરીટ)                     60.57 ટકા
(2) અનુસૂચિત જાતિ (અનામત)                      60.88 ટકા

આ જાહેરાત જોતાં એ સ્પષ્ટ થાય છે કે, 72 કે તેથી વધુ ટકાવાળા ''પછાત'' ઉમેદવારોને બોલાવવાને બદલે તેનાથી ઓછા ટકાવાળા સવર્ણને બોલાવી નોકરીમાં આ પ્રમાણે ભરતી થાય છે. અને છતા 35 ટકાનું રટણ પણ ચાલ્યા જ કરે છે. ત્યારે કાર્યક્ષમતા ને ગુણવત્તાની કાગારોળ કરનારા માટે આટલી દસ્તાવેજી માહિતી જ પૂરતી થઈ પડશે.

સવર્ણ ગોલ્ડ મેડાલીસ્ટ ડોક્ટરોની ગુણવત્તાના નિર્દય નમુના
અનામતને કારણે ઓછા ટકાએ એડમિશન લીધેલા ડોક્ટરો જીવલેણ અને ખતરનાક સ્થિતિ પેદા કરશે એવી ખોટી અફવાઓ ફેલાવી સામાન્ય જનસમાજને ગેરરસ્તે દોરતાં સ્થાપિત હિતો કેવા ખતરનાક છે તેની બિનકાબેલીયતના પોલીસના અને કોર્ટના ચોપડે ચઢેલા આ દસ્તાવેજી પૂરાવાઓ પૂરતા નથી શું ?

ડૉ. વાય. ડી. શાહ (એમ.એસ) ગોલ્ડમેડાલીસ્ટ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આસી. પ્રોફેસર જનરલ સર્જરી તરીકે નોકરી કરે છે. અને આ સરકારી નોકરી છતાં ખાનગીમાં ગયા વર્ષે આ ડૉક્ટરે એક દર્દીનું ઓપરેશન કર્યુ. આ કહેવાતા ડૉકટરની બેકાળજી અને બિન કાબેલિયતને કારણે દર્દીનું મૃત્યુ થયું. સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. દેશમુખે તે લાશનું પોસ્ટમોર્ટમ કરી પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં એવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે "તે દાક્તરની બેકાળજીનાં કારણે દર્દીનું મૃત્યુ થયું છે." ડૉ. શાહની પોલિસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા છે. અત્યારે કોર્ટ સમક્ષ કેસ ચાલુ છે.

ડૉ. રમણ પટેલ (એમ.ડી) ગોલ્ડમેડાલીસ્ટ
મહેસાણા જીલ્લામાં દવાખાનું ધરાવતાં ગોલ્ડમેડાલિસ્ટ ડૉ. રમણ પટેલે એક ગરીબ બહેનનું મહેસાણા ખાતે ઓપરેશન કર્યુ અને ઓપરેશનમાં બેકાળજી દાખવતા મૃત્યુ થયું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. રિપોર્ટમાં એવો સ્પષ્ટ અભિપ્રાય આપવામાં આવ્યો છે કે ડૉક્ટરની બેકાળજીના કારણે દર્દીનું મૃત્યુ થયું છે. આ ડૉક્ટર સાહેબની પણ પોલીસે ધરપકડ કરી કોર્ટમાં કેસ મૂક્યો છે.

ડૉ. દેસાઈ (એમ.એસ.) ગોલ્ડમેડાલીસ્ટ
અમદાવાદના દિનબાઈ ટાવર પાસે દવાખાનું ધરાવતા ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર દેસાઈ સામે તાજેતરમાં એવો પોલિસ કેસ થયો છે કે આ ડોક્ટરે એક યુવાન સ્ત્રી ઉપર દવાખાનાનાં તેમના ખાનગી રૂમમાં બળાત્કાર કર્યો છે. ડોક્ટર સામે કેસ અત્યારે અમદાવાદની સેન્સસ કોર્ટ નં. 9માં સેસન્સ જજ શ્રી નાંદી સમક્ષ બંધ બારણે ચાલી રહ્યો છે.

ડૉ. કાકાડી (એમ.એસ.) ગોલ્ડમેડાલીસ્ટ
ગાઇનોકોલોજીસ્ટ તરીકે સ્પેશ્યાલિસ્ટ ગણાતા ડૉ. કાકાડી અમદાવાદના બાપુનગરમાં સમજુબા હોસ્પીટલમાં કામ કરે છે.
ગોલ્ડમેડાલીસ્ટ ડો. કાકાડીએ બેદરકારી દેખાવતા ઓપરેશન દરમ્યાન એક સ્ત્રીનું મૃત્યુ થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઓપરેશન દરમ્યાન દાખવેલ બેદરકારીના પૂરાવાઓ મળ્યા, જેના કારણે ડૉ. કાકાડીના ધરપકડ કરી પોલિસે કોર્ટમાં કેસ મૂક્યો છે, જે અત્યારે ચાલુ છે.

ડો. પી. પી. પંડયા
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં દવાખાનું  ધરાવતા ડૉ. પડંયા સાહેબ તો એવા કુશળ નીકળ્યા કે, એક ઇંજેક્શન આપતા જ દર્દીને પરલોક પધરાવી દીધો. ઇજેક્શન આપવાની તેમની બેકાળજી અને અણઆવડતને કારણે દર્દીનું મૃત્યુ થયું છે તેવી સ્પષ્ટ નોંધ દર્દીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવી છે. આ ડોક્ટાર સાહેબની પણ ધરપકડ કરી કોર્ટમાં કેસ મૂક્યો છે, જે અત્યારે કોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે.

ડૉ. આંચલીયા - માનવતા વિહોણો અણઆવડતનો શિરમોર કરુણ પૂરાવો
સમગ્ર દાક્તરી વ્યવસાય તેમજ માનવતાને લજવી મારે અને મેરિટને નામે વાહિયાત દલિલો કરતા જાતિવાદી, સ્થાપિત હિતોનું માથું પણ શરમથી ઝુકી જાય તેવો ગોલ્ડમેડાલિસ્ટ ડોક્ટર આંચલીયાનો કેસ અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં બન્યો છે.

ડો. આંચલીયા પાસે ઇજા પામેલી સ્ત્રી સારવાર માટે આવી. પોતાના પતિ પર થયેલા ખૂની હુમલામાં બચાવવા વચ્ચે પડતા પેટમાં ચાકૂથી ઇજા પામેલી આ સ્ત્રીના પેટ ઉપરનું કાણું ડૉ. આંચલીયાએ ટાંકા લઈ સાંધી દીધું હતું અને વધુ  તપાસવાની તસ્દી ન લીધી. હકીકતમાં,  આ સ્ત્રીને ચાકુ એવી રીતે મારવામાં આવેલુ કે તે પેટમાંથી આરપાર નીકળી પાછળ પીઠમાં મોટુ કાણું કરી બહાર નીકળી ગયેલું. આ ગોલ્ડમેડાલિસ્ટ, મેરીટથી આવેલા કુશળ ડોક્ટરે સ્ત્રી દર્દીની પીઠ ફેરવીને પણ પાછળના કાણાને જોવાનો પ્રયત્ન ના કર્યો. પરિણામે, પીઠ પાછળ ખુલા રહી ગયેલા મોટા કાણાને કારણે તે સ્ત્રી દર્દીનું મૃત્યું થયું. પોસ્ટમોટમમાં આ બધી જ વિગતો બહાર આવી.

કરુણતા તો એ છે કે, આ સ્ત્રીને ચાર વર્ષનો બાબો અને બે વર્ષની બેબી છે, જેનો પિતા મરી ગયો હોય તે જ વખતે માતાને પણ આવી બિનકાબેલિયતને કારણે મારી નાખવામાં આવે ત્યારે માસુમ બાળકોની શું પરિસ્થિતિ થાય? સારવાર દરમ્યાન રડતા બાળકોને આ ડોક્ટરે જોયેલા હતા અને એના પિતાનું ખુન થયેલું છે તે પણ જાણતા હતા અને તેમણે ધાર્યું હોત તો કાળજીપૂર્વક આ બાઈને બચાવી શક્યા હોત. પરંતુ, ગરીબોની તે વળી કાળજી રખાય? આ સ્ત્રીના મૃત્યુ માટે જવાબદાર ડો. આંચલીયાની બેકાળજીની જવાબદારી આ દર્દીના પોસ્ટમોટમનો રીપોર્ટ જાહેર કરે છે.

આવા તો ઢગલાબંધ પુરાવાઓ છે, જેમાંથી ગોલ્ડમેડાલિસ્ટના સર્ટી. મેળવેલા ડોક્ટરોના ''મેરીટ''ના મોટા ઢોલનું પોલ ખૂલી જાય છે.

ઘણી મહત્વની બાબત તા એ છે કે, જેમને અણઆવડતવાળા, બેદરકાર અને ખતરનાક તરીકે વગોવવામાં આવે છે તેવા અનામત પર ગયેલા પછાત વર્ગના ડોક્ટરો દ્વારા આવા બનાવ બન્યા નો એક પણ કિસ્સો આજ દિન સુધી નોંધાયો નથી.