કુલ પેજ વ્યૂ

લેબલ મોહનદાસ ગાંધી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મોહનદાસ ગાંધી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 3 મે, 2013

સૂંઠના ગાંગડે ગાંધી થવાય, આંબેડકર નહીં



બોમ્બે લેજીસ્લેચર (મુંબઈ વિધાનસભા)ના ઇતિહાસમાં જ નહીં, બલ્કે ભારતની સંસદના અત્યાર સુધીના ઇતિહાસમાં ડૉ. ભીમરાવ આંબેડકર જેવો અભ્યાસુ, સર્વગ્રાહી વિદ્ધાન આજ સુધી પેદા થયો નથી. વિધાનસભામાં બજેટ, ફાયનાન્સ બીલ, પંચાયત બીલ, ઇન્ડ્રસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ બીલથી માંડીને વિવિધ વિષયો પર એ વખતે બાબાસાહેબે ઉચ્ચારેલા શબ્દો દલિતોના મહોલ્લાઓ અને ચાલીઓમાં જઇને કાન ફાડી નાંખે એટલા તીવ્ર અવાજે વાંચવા જેવા છે.

ગોકુળીયા ગામની વાતો પેટ ભરીને ખાવા માગતા છોકરાને ચોકલેટ આપીને પટાવવાની પોકળ પરીકથાઓ છે. આ હકીકત મુંબઇ વિધાનસભામાં બાબાસાહેબે કઈ રીતે રજૂ કરી એની એક ઝલક બતાવવા તેમના લખાણો અને ભાષણોના ગ્રંથ બેમાંથી એક ઉદ્ધરણ અત્રે રજૂ કરું છું. (અનુવાદ મૂળ અંગ્રેજીમાંથી મેં કર્યો છે.)

પંચાયતોમાં ડિસ્પ્રેડ ક્લાસીસ (દલિત વર્ગો)ના નોમીનેશન (નિયુક્તિ) અંગેની ચર્ચામાં બાબાસાહેબે કહ્યું હતું:

ડૉ. બી. આર. આંબેડકર: સર, ભારત યૂરોપ નથી, ઇંગ્લેન્ડ ભારત નથી, ઇંગ્લેન્ડ જાતિ પ્રથાને જાણતું નથી. આપણે જાણીએ છીએ. પરિણામે, (જાતિપ્રથા) ઇંગ્લેન્ડને માફક આવી શકે નહીં એ હકીકત આપણે સ્વીકારી લઇએ અને હું એક ડગલું આગળ જઇશ, સર, એવું કહીને કે, ભારતીય રાજનીતિના બીજા વિદ્યાર્થીઓ ગમે તે કહેતા હોય, ભારતીય બંધારણમાં કશુંક પણ સારું જો આવવાનું હોય તો તે કોમી પ્રતિનિધિત્વ (communal representation)ની સ્વીકૃતિથી આવવાનું છે, એ ભૂમિકાને હું વળગી રહું છું.

માનનીય સભ્યો: સાંભળો, સાંભળો!

ડૉ. બી. આર. આંબેડકર: હું જે કરી રહ્યો છું, એનાથી હું શરમાતો નથી. હું જાણું છુ અને હું કહી રહ્યો છું, કે ભારતીય બંધારણના સૌથી ઉત્તમ હિસ્સાઓ પૈકીનું એ એક હશે. મારૂ પ્રતિનિધિત્વ કરનારો કોઈ હોય તો પણ મારો પ્રતિનિધિ કોણ છે એ જાણ્યા વિના મતપેટી સમક્ષ જવાનો અધિકાર માત્ર મને મળે તેવું હું ઇચ્છતો નથી, આપણે ઇચ્છતા નથી. હું એક એવી વ્યવસ્થા ઇચ્છું છું, જેમાં મને માત્ર મતપેટી સુધી જવાનો જ અધિકાર ન હોય, બલ્કે મારા પોતાના વર્ગના લોકોનો સમૂહ ધરાવવાનો પણ અધિકાર હશે, જેઓ બધી બાબતોની માત્ર ચર્ચા કરવા નહીં પરન્તુ મુદ્દાઓમાં નિર્ણય લેવા ગૃહમાં બેઠા હશે. તેથી હું કહું છું કે કોમી પ્રતિનિધિત્વ એ કોઈ ઝેરી ચીજ નથી, એ કોઈ ઝેર નથી, આ દેશમાં વિવિધ વર્ગોની સલામતી અને સુરક્ષા માટે થઇ શકે તેવી ઉત્તમ ગોઠવણ છે હું તેને બંધારણનો ચહેરો બગાડનારું (disfiguring of the constitution) કહેતો નથી. હું તેને કહું છું .............

ડૉ. એમ. કે. દીક્ષીત: સુશોભન (decoration)

ડૉ.બી.આર.આંબેડકર: બંધારણનું સુશોભન. પછી, મારા માનનીય મિત્ર પૂછે છે, શું આપણે આ સિદ્ધાંત ન્યાયતંત્રમાં દાખલ કરવો જોઇએ? વારું, જો મારા માનનીય મિત્ર મને એવી ખાત્રી આપતા હોય કે હાલનું ન્યાયતંત્ર તેના કોમી પૂર્વગ્રહથી મુક્ત છે અને એક બ્રાહ્મણ ન્યાયમૂર્તિ જ્યારે બ્રાહ્મણ જાતિના વાદી અને બિન-બ્રાહ્મણ જાતિના પ્રતિવાદી વચ્ચેના મુદ્દાઓની પતાવટ કરવા બેસે છે ત્યારે માત્ર એક ન્યાયમૂર્તિ તરીકે નિર્ણય  લે છે, તો હું કદાચ તેમની ભૂમિકાની તરફેણ કરવાનું વિચારીશ. પરન્તુ હું જાણું છે કે આપણે કેવા પ્રકારનું ન્યાયતંત્ર ધરાવીએ છીએ. જો મારા માનનીય મિત્ર અને ગૃહ પાસે ધીરજ હોય, તો હું ઢગલાબંધ કથાઓનું વર્ણન કરી શકું છું કે જેમાં મારી જાણકારી મુજબ ન્યાયતંત્રે તેના સ્થાનનો દુરુપયોગ અને વૈશ્યાગીરી આચરી હોય (that the judiciary has abused and prostituted its position).

આ તબક્કે રાવ બહાદુર આર. આર. કાલે નામના સભ્ય ઉભા થઇને બાબાસાહેબની ટિપ્પણીનો વિરોધ કરે છે. તેઓ ભારતના ન્યાયતંત્રને આખી દુનિયાનું શ્રેષ્ઠ ન્યાયતંત્ર ગણાવે છે. એ પળની ચર્ચા ભયંકર રીતે રસપ્રદ છે.

રાવ બહાદુર આર. આર. કાલે: ..... પ્રીવી કાઉન્સિલ નામની આ ભૂમિની સૌથી ઉંચી ટ્રિબ્યુલે સમયે સમયે તેના ચુકાદાઓમાં ઠરાવ્યુ છે કે ભારતીય ન્યાયતંત્ર સમગ્ર દુનિયામાં શ્રેષ્ઠ ન્યાયતંત્ર છે.

એક માનનીય સભ્ય: આખી દુનિયામાં?

રાવ બહાદુર આર. આર. કાલે: હા, આખી દુનિયામાં. મારો મુદ્દો એ છે કે ન્યાયતંત્ર કોમી ગણતરીઓની અસર હેઠળ છે એમ કહેવું એ ગંભીર આક્ષેપ (serious slander) છે. મને ભારોભાર દુ:ખ થયું, જ્યારે મેં મારા પ્રકારનું ન્યાયતંત્ર આપણે ધરાવીએ છીએ. તેઓ (ન્યાયમૂર્તિઓ) કેસોનો નિકાલ કરતી વખતે કોમી ગણતરીઓથી ચાલે છે.

મૌલવી સર રફીયુદ્દીન: કોણ એવું બોલ્યું?

રાવ બહાદુર આર. આર. કાલે: માનનીય સભ્ય ડૉ. આંબેડકર.

મૌલવી સર રફીયુદ્દીન: તમારા બનેવી અને એક હિન્દુ (your brother-in-law and a Hindu)

રાવ બહાદુર આર. આર. કાલે: 'બનેવી' શબ્દ દ્વારા તમે શું કહેવા માગો છો? તેઓ મારા પિતા કે  પુત્ર હોઇ શકે.....

ત્યાર બાદ વ્યથિત થયેલા કાલે સાહેબે શું કહ્યું એમાં હું ઊંડો ઉતરતો નથી. મારે ફક્ત એટલું જ કહેવું છે કે ન્યાયતંત્ર માટેના આ શબ્દો એ માણસે ઉચ્ચાર્યા હતા, જેમણે પાછળથી આ મહાન દેશનું એટલું જ મહાન બંધારણ ઘડ્યું હતું. (ક્રમશ:)

રાજુ સોલંકી

(સમાજમિત્ર, જાન્યુઆરી 2004)

નોંધ- સમાજમિત્રમાં ચારેક હપ્તામાં છપાયેલી શ્રેણીનો બીજો લેખ.

સોમવાર, 8 એપ્રિલ, 2013

તમારું આ બાબતમાં શું કહેવું છે વાચકજી?

1996માં ડો. બાબાસાહેબ આંબેડકરના અંગ્રેજીમાં લખાયેલા અને મહારાષ્ટ્ર સરકારે છાપેલા ગ્રંથોના ગુજરાતી અનુવાદની કામગીરી પુરજોશમાં ચાલતી હતી. કોલેજોના માસ્તરો અનુવાદો કરી રહ્યા હતા અને તેમના રેઢિયાળ અનુવાદોના વેટિંગ (એડિટિંગ)નું કાર્ય એટલું કપરું હતું કે કોઈ એ કામ હાથમાં પકડતું નહોતું. ત્યારે વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડન ટુ ધી અનચટેબલ્સ?, ફાયનાન્સીયલ સીસ્ટમ ઑફ ઇસ્ટ ઇન્ડીયા કંપની, પ્રોબ્લેમ ઑફ રૂપી અને રીડલ્સ ઑફ હિન્દુઇઝમનું એડિટિંગ મારા હિસ્સે આવ્યું. વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડન ટુ ધી અનચટેબલ્સ?નું ગુજરાતી કરતી વેળાએ ગાંધીની પાછળ "જી" શબ્દ ઉમેરવાનો ખાસ આગ્રહ મુખ્ય સંપાદક એમ. કે. પરમારે રાખ્યો હતો. તેમનું કહેવું હતું કે ગુજરાતમાં ગાંધીની પાછળ "જી" શબ્દ લખવો પડશે. પછી, "કોંગ્રેસ અને ગાંધીજીએ અછૂતો માટે શું કર્યું?" એ શીર્ષકથી પુસ્તક પ્રગટ થયું. તમારું આ બાબતમાં શું કહેવું છે વાચકજી?

સમાનતાનો સંઘર્ષ બાબાસાહેબના માર્ગે જ શક્ય છે, ગાંધી માર્ગે નહીં



બાબાસાહેબ આંબેડકરની ૧૨૨મી જન્મજયંતી આવી રહી છે. આપણે સહુ બાબાસાહેબની જન્મજયંતી ધામધૂમથી મનાવવા થનગની રહ્યા છીએ. સમગ્ર દેશમાં કરોડો દલિતો-શોષિતો ૧૪મી એપ્રિલે બાબાસાહેબને દિલથી યાદ કરે છે. કેમ યાદ કરે છે?

કારણ કે, એવી ભયાનક ગરીબી, જેમાં પોતાના વહાલસોયા બાળકો દવા વિના મરી જાય, પ્રાણપ્યારી પત્ની લોકોના ઘરોમાં કચરા-પોતા કરતા કરતા બિમારીમાં દમ તોડે તો પણ દલિતો-શોષિતો-વંચિતોની મુક્તિ માટે તેઓ જીવનભર ઝઝુમ્યા. (મોહનદાસ ગાંધીને તો તાતા-બિરલા-બજાજ જેવા કરોડપતિઓનો સાથ હતો).

કારણ કે, બાબાસાહેબે જાતિપ્રથાને ખતમ કરવાના સચોટ ઉપાયો બતાવ્યા. તેમણે હિન્દુ ધર્મના મંદિરોમાં પુજારી, પુરોહિત તરીકે તમામ જાતિના લોકોને બેસાડવાની ક્રાંતિકારી હિમાયત કરી, ત્યાં સુધી કે શંકરાચાર્યના પદ પર પણ માત્ર બ્રાહ્મણ શા માટે હોય એક અછૂત પણ હેાય તેવી વાત કરી. યાદ રાખજો બાબાસાહેબની પહેલા આ વાત શાહુ શાહુ મહારાજ અને સયાજીરાવ ગાયકવાડે પણ કરી હતી.

કારણ કે, બાબાસાહેબે આપણા દેશનું બંધારણ ઘડ્યું, પરંતુ તેમનું અસલી બંધારણ તો તેમણે સ્ટેટ એન્ડ માઇનોરિટીઝ નામના પુસ્તકમાં મુક્યું. તેમાં તેમાં તેમણે સમગ્ર દેશની ખેતીલાયક જમીનના રાષ્ટ્રીયકરણની વાત કરી, જમીન વિના ટળવળતા દલિતો-શોષિતો (તાતા-બિરલા-અંબાણીને નહીં) સ્વમાનભેર જીવી શકે તે માટે જમીન આપવાની હિમાયત કરી.

કારણ કે, બાબાસાહેબ બિનસાંપ્રદાયિકતામાં માનતા હતા. તેઓ માનતા હતા કે શાસકનો કોઈ ધર્મ હોતો નથી, તેનો એક માત્ર ધર્મ છે પ્રજાધર્મ. શાસક હિન્દુ નથી, બૌદ્ધ નથી, મુસલમાન નથી, ખ્રિસ્તી નથ નથી, શીખ નથી. જો કોઈ શાસક એક ધર્મર્ની તરફદારી કરે અને બીજા ધર્મના લોકો સામે ધિક્કાર ફેલાવે તો બાબાસાહેબની નજરમાં તે શાસક નથી.

કારણ કે, બાબાસાહેબ અહિંસામાં માનતા હતા. ભોળી પ્રજામાં ત્રિશુળો કે બંદુકો વહેંચીને હિંસા ફેલાવવામાં બાબાસાહેબ માનતા નહોતા.  

કારણ કે, બાબાસાહેબ કાયદાના શાસનમાં માનતા હતા. અત્યાચાર કરનારને ગુલાબના ફુલ આપીને ગાન્ધીગીરી કરીને નહીં, બલકે કાયદાના શાસન દ્વારા સીધો કરવાના ઉપાયો તેમણે આપણને આપ્યા હતા. એટલે તેમણે જેમના હાથમાં કોઈ હથિયાર નથી તેવા તથાગતનો ધર્મ અપનાવ્યો.

કારણ કે, બાબાસાહેબ સાદગીમાં માનતા હતા. પરંતુ દલિતો-શોષિતો-ગરીબો પોતડી પહેરતા ફરે અને હાંસીપાત્ર બને તેવું ઇચ્છતા નહોતા. સફાઈ કામદારની દીકરી ડોક્ટર બને પરંતુ તેણે તેની આજીવિકા તો ઝાડુ મારીને જ રળવી એવું મોહનદાસ ગાંધીએ કહ્યું હતું.
કારણ કે, બાબાસાહેબે દલિતોના સાચા પ્રતિનિધિઓ ચૂંટાઈ શકે તે માટે અલગ મતાધિકારની હિમાયત કરી હતી. તેમને દબાવવા મોહનદાસ ગાંધીએ ત્રાગું કર્યું અને સફળ થયા. આઝાદી પછી સવર્ણોના મતથી ચૂંટાતા દલિતો (રાજકીય ભિખારીઓ) આપણા પ્રશ્નો ઉકેલવાના નથી તેની બાબાસાહેબને ખબર હતી. 

કારણ કે,  બાબાસાહેબે દલિતો-શોષિતો-ગરીબોને ત્રીજા પક્ષ તરીકે સંગઠિત થવા જણાવ્યું હતું, જેથી સત્તાની સમતુલા તેમના હાથમાં રહે. દલિતોની આગેવાની હેઠળ રાજકીય પક્ષ હોવો જોઇએ એવું તેઓ માનતા હતા. (ગાંધી સવર્ણોની આગેવાનીમાં માનતા હતા.)

કારણ કે, બાબાસાહેબ દેશના ગામડાઓને ભરડો લઇને બેઠેલા જાતિવાદ સામંતી તત્વોને ઓળખતા હતા. આ ગામોમાં વખત આવ્યે તમામ સવર્ણો દલિતોની વિરુદ્ધમાં થઈ જાય છે એની તેમને જાણ હતી. એટલે તેમણે અલગ વસાહતની હિમાયત કરી હતી, કે જેમાં આવા સો-બસો ગામોના દલિતોને એક જ ઠેકાણે સરકારના ખર્ચે વસાવાય અને ત્યાં જ રોજગ રોજગારીનો પ્રબંધ પણ થાય. 

કારણ કે, બાબાસાહેબે દલિતોને અંગ્રેજીમાં લખવા, બોલવાની મોટી પ્રેરણા આપી. ગરીબોના છોકરા ગુજરાતીમાં ભણે અને મારા છોકરા અંગ્રેજી માધ્યમમાં ભણીને અમેરિકામાં સેટલ થાય એવી દંભી નીતિ બાબાસાહેબની નહોતી.

કારણ કે, બાબાસાહેબ રાષ્ટ્રપિતા મહાત્મા જોતિબા ફુલે અને સાવિત્રીમાઈના સાચા અનુયાયી હતા. રાષ્ટ્રપિતા મહાત્મા જોતીબા અને સાવિત્રીમાઈનો વારસો બાબાસાહેબે આગળ ધપાવ્યો હતો. યાદ રાખજો, સાવિત્રીમાઈએ ક્યારેય  રાષ્ટ્રપિતા મહાત્મા જોતીબાને ઘર છોડવાની ધમકી આપી નહોતી. 

કારણ કે, બાબાસાહેબ આ દેશની વિવિધતાનો આદર કરતા હતા. મારો જ ધરમ સાચો, મારી જ રહેણી કરણી સાચી એવા અંતિમવાદી બાબાસાહેબ નહોતા. હું શાકાહારી છું, એટલે માંસાહાર કરનારા હલકા છે, એમને દેશમાંથી તગેડી મુકવા જોઇએ એવું બાબાસાહેબ માનતા નહોતા.





રવિવાર, 7 એપ્રિલ, 2013

સમાનતાનો સંઘર્ષ કોના માર્ગે

હમણાં એક પત્રીકા વાંચવા મળી. તેનું શીર્ષક છે "સમાનતાના સંઘર્ષની શોભાયાત્રા" ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે નીકળનારી એક શોભાયાત્રામાં જોડાવા માટેની આ પત્રીકા છે. આયોજકોને શોભાયાત્રા કાઢવા બદલ અભિનંદન, પરંતુ પત્રીકામાં લખ્યું છે, "ગાંધી-આંબેડકરના વિવાદને આ બંને મહાનુભાવોની ગેરહાજરીમાં સતત વકરાવવામાં આવી રહ્યો છે." આ લીટી વાંચ્યા પછી થાય છે કે આ વાક્ય કેટલું સાચુ છે? બાબાસાહેબની જન્મજયંતી માટેની પત્રીકામાં આવું લખવાની જરૂર કેમ પડી? શું બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી ઉજવાય ત્યારે લોકો આંબેડકરને યાદ કરે છે? જવાબ છે ના. તો પછી આંબેડકર જયંતીએ આપણે ગાંધીને શા માટે યાદ કરવા જોઇએ? અને હવે જો કોઇએ ગાંધીને યાદ કરી જ લીધા છે તો આપણે જાણવું જોઇએ કે ગાંધી-આંબેડકર વચ્ચે ખરેખર કોઈ વિવાદ હતો કે કેમ. અને જો વિવાદ હતો તો શું આ વિવાદ દેશના હિતમાં હતો? આ વિવાદથી કોની જાગીર લૂંટાવાની હતી અને હવે પછી લૂંટાશે? મને લાગે છે કે આ વિવાદની હવે ચર્ચા થાય તે જરૂરી છે. 

એક વાત નિર્વિવાદ છે કે બાબાસાહેબ સમગ્ર દેશની ધરોહર છે. એમના વિચારો અને વિચારાધારા ઉપર આ દેશનું નિર્માણ થયું છે અને આવનારા દિવસોમાં એમના વિચારોને વધુ ને વધુ સ્વીકૃતિ મળવાની છે. સુજ્ઞજનો સાચુ કહે છે કે એકવીસમી સદી ડો. બી. આર. આંબેડકરની છે. 

બાબાસાહેબ કોને વહાલા નથી? બધા પક્ષના રાજકારણીઓ બાબાસાહેબની આરતી ઉતારે છે. કોંગ્રેસ અને ભાજપ પોતપોતાના હિતો માટે બાબાસાહેબના ગુણગાન ગાય છે. બાબાસાહેબની જન્મજયંતી આવે એટલે બાબાસાહેબની વિચારધારાની વાત થાય તો એમાં કશું ખોટું નથી. આ દેશમાં કદાચ બાબાસાહેબ જ એક એવા વ્યક્તિ છે, જેમણે સમગ્ર જિંદગી દરમિયાન વીસથી વધારે મહા ગ્રંથોના વીસ હજારથી વધારે પાના ભરીને ચિંતનાત્મક લખાણ લખ્યું. એમને ખબર હતી કે આજે નહીં તો કાલે મારા લોકો મારા પુસ્તકો વાંચશે અને તેમની સાથે આ દેશમાં મનુવાદે કેવી છેતરપીંડી કરી છે તેનાથી વાકેફ થશે. 

બાબાસાહેબ તેમના જીવનકાળ દરમિયાન આ દેશના પ્રખર નેતાઓના સંપર્કમાં આવ્યા. ખાસ કરીને મોહનદાસ ગાંધીની કોંગ્રેસ સાથે તેમને તીવ્ર વૈચારિક મતભેદો હતા. બાબાસાહેબ છાશ લેવા જાય અને દોણી સંતાડે તેવા ડોળઘાલુ રાજકારણી નહોતા. કાણાને કાણો કહેવો, સાચી વાત કહેવી, ભલે કડવી લાગે, પણ કહેવી જરૂર. એ બાબાસાહેબનો સિદ્ધાંત હતો. કેમ કે તેમને મોહનદાસ ગાંધી નામના ઇસમ સાથે વ્યક્તિગત નહીં, બલકે વૈચારિક મતભેદ હતો. બાબાસાહેબે પુના કરાર નામની દુર્ઘટના અંગે તેમના ઐતિહાસિક ગ્રંથ "વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડન ટુ ધી અનટચેબલ્સ?"માં વિસ્તારથી લખ્યું. કઈ રીતે પાલતુ "હરીજન" રાજકીય ભિખારી નામની પોલિટિકલ હાઇબ્રિડ સ્પીસીઝનો આઝાદી પછી કોંગ્રેસની સર્વભક્ષી લેબોરેટરીમાં જન્મ થયો તેની તથ્યપૂર્ણ, તલસ્પર્થી રજુઆત બાબાસાહેબે આ કિતાબમાં કરી હતી. આ દેશનો રાજકીય ઇતિહાસ સમજવા માગતા તમામ અભ્યાસુઓએ બાબાસાહેબના પુસ્તકના પાને પાના આખે આખા પીવા પડે તેવી દમદાર સંશોધનાત્મક સામગ્રી તેમાં ધરબાયેલી પડી છે. 

મોહનદાસ ગાંધીએ હરિજન સેવક સંઘની સ્થાપના કરી, પરંતુ તેની બાગડોર સવર્ણોના હાથમાં સોંપી હતી. ગાંધી આ દેશમાં ઉપલી જાતિઓ-ઉપલા વર્ગોનું વર્ચસ્વ સ્થાપવા માગતા હતા અને તેમને આ દેશના મૂડીપતિઓ તાતા, બિરલા, બજાજ, સારાભાઈનું સો ટકા સમર્થન હતું. આજે અનીલ અંબાણી જેમ નરેન્દ્ર મોદીને એનો બાપ બનાવે છે એમ એ વખતે જમનાલાલ બજાજે મોહનદાસ ગાંધીને બાપ બનાવ્યા હતા. રાજકારણી બાપ અને દીકરો વેપારી. પરંપરા નવી નથી. પરંતુ, બાબાસાહેબ આ દેશમાં દલિત-આદિવાસી-લઘુમતી-પછાત સહિતના મૂળ નિવાસીઓ, શુદ્રો, વંચિતો, ગરીબોનું રાજ લાવવા માગતા હતા. તેઓ રણ મેદાનમાં સાવ એકલા અટુલા હતા. બાબાસાહેબે જે સંઘર્ષ કર્યો છે તેની સામે મોહનદાસના કહેવાતા સત્યાગ્રહો તો પિકનિક પાર્ટી જેવા છે. પારાવાર ગરીબીમાં વહાલસોયા બાળકો દવા વિના મરી જાય, જીવનસંગીની રમામાઈ લોકોના ઘરોના કચરા પોતા કરતા કરતા બિમારીમાં દમ તોડે અને છતાં બાબાસાહેબ દલિતો-શોષિતોની મુક્તિનું મિશન ચલાવવામાં પાછા ના પડે. 

બીજી ગોળમેજી પરિષદમાં શું બન્યું તેનું વિગતે બયાન બાબાસાહેબ કર્યું છે એ વાંચવા જેવું છે. ગાંધીજીને જ્યારે લાગ્યું કે દલિતો-શીખો-મુસલમાનોને અલગ મતાધિકાર આપવામાં આવશે તો કોંગ્રેસની જાગીર લૂંટાઈ જશે, ત્યારે તેઓ લંડનની રીટ્ઝ હોટલમાં ઉતરેલા મુસ્લીમ પ્રતિનિધિમંડળને મળવા ધસી ગયા. કોઇ પણ હિસાબે દલિતોને અલગ મતાધિકાર ના મળે એ માટે તેમણે છેલ્લો ઉપાય અજમાવ્યો હતો. તેમના હાથમાં કુરાન હતું. આગાખાનની આગેવાની હેઠળ હોટલમાં ઉતરેલા મુસ્લીમ પ્રતિનિધિઓને મોહનદાસ ગાંધીએ કહ્યું, "મને બતાવો, કુરાનમાં ક્યાં લખ્યું છે કે તમારે દલિતોને સમર્થન આપવું?" બાબાસાહેબ લખે છે કે મુસલમાનોએ ગાંધીની વાતનો કોઈ જ જવાબ આપ્યો નહીં. તેઓ જવાબ આપવા માગતા પણ નહોતા. આ સમગ્ર ઘટનાનું દિલચશ્પ બયાન બાબાસાહેબે કર્યું છે.

ગોળમેજી પરિષદમાં નિષ્ફળતા વહોર્યા પછી ભારત પરત ફર્યા બાદ મોહનદાસ ગાંધીએ યરવડા જેલમાં એ કોમી ચુકાદાની વિરુદ્ધમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા, જે કોમી ચુકાદામાં દલિતોને અલગ મતાધિકાર મળ્યો હતો. ગાંધી દલિતોને સવર્ણોની ચુંગાલમાંથી છુટવા દેવા માગતા નહોતા. એમને ખબર હતી કે આ દલિતો સવર્ણોની ચુંગાલમાં રહેશે તો આઝાદી પછી સવર્ણોની આગેવાની હેઠળના રાજકીય પક્ષોમાં અનામતની ભીખ માગતા રહેશે અને ક્યારેય સત્તા હાંસલ કરી શકશે નહીં અને એવું થશે તો સમગ્ર દેશમાં ઉપલી જાતિઓ-ઉપલા વર્ગોનું અધિપત્ય સ્થપાશે અને દલિતો માથુ ઉંચકવા જશે તો પણ એમને સવર્ણો જીવતા સળગાવી શકશે. દેશમાં કહેવાતી લોકશાહીના નાટકો દર પાંચ વર્ષે ચાલતા રહેશે. દલિતો હિન્દુ તરીકે ચાલુ રહેશે તો ભવિષ્યમાં કોઈ હિન્દુવાદી પાર્ટી તેમને હિન્દુત્વના નામે ઉશ્કેરી પણ શકશે અને દેશમાં રામરાજ્ય ચાલુ રહેશે. 

બીજી તરફ, બાબાસાહેબને પણ આ અમંગળ ભાવિના એંધાણ થઈ ચૂક્યા હતા, પરંતુ તેઓ લાચાર હતા. એક તરફ સમગ્ર દેશનું એસ્ટાબ્લિશમેન્ટ હતું અને સામે બાબાસાહેબ એકલા જ હતા. તેઓ યુદ્ધ હારવાના હતા અને હારી ગયા. ભયાનક વિષાદની એ ક્ષણોમાં બાબાસાહેબ કહ્યું કે ગાંધી મોસંબીનો જ્યુસ પી ગયા અને છોતરા મારા લોકો પર નાંખ્યા. આજે ગાંધી ચીંધ્યા માર્ગે આ દેશમાં લોકશાહીનું મહાન નાટક ચાલી રહ્યું છે. આ દેશના મૂડીપતિઓ મિસ્ટર ગાંધીના ઋણી છે. ગાંધીનું ઋણ ચુકવવવા જ તેમણે રૂપિયાની નોટો પર ગાંધીને છાપ્યા છે. એક સામાન્ય રાજકારણીને પણ ગાંધીના મહત્વની ખબર છે અને કરોડોના ખર્ચે મહાત્મા મંદિર બનાવે છે. બધાને ખબર છે. ગાંધીના નામે હજુ ગઠીયા તરે છે અને તરવા માગે છે. 

મુદ્દો એટલો જ છે કે આ દેશ ગાંધીના એજન્ડા પ્રમાણે ચાલશે કે બાબાસાહેબના એજન્ડા પ્રમાણે? તમે આ દેશમાં રામ રાજ્ય સ્થાપવા માગો છો કે શંબુક રાજ્ય? તમે આ દેશમાં દ્રોણને આચાર્યપદે સ્થાપવા માગો છો કે એકલવ્યને? તમે સામાજિક-આર્થિક-રાજકીય-સાંસ્કૃતિક તમામ મોરચે દલિત-આદિવાસી-મૂળ નિવાસીની નેતાગીરી સ્થાપવા માગો છો કે પછી તાતા-બિરલા-અંબાણી જેવા મૂડીપતિઓ અને સિંઘલો-સંકરાચાર્યો-સ્વામીઓ-બાવાઓનું વર્ચસ્વ સ્થાપવા માગો છો? તમે બાબાસાહેબના એજન્ડા પ્રમાણે ખેતીલાયક જમીનનું રાષ્ટ્રીયકરણ કરીને દલિતો-શોષિતોને ખેડવા જમીનો આપવા માગો છો કે જમીનદાર મૂડીપતિઓનું રાજ લાવવા માગો છો?