કુલ પેજ વ્યૂ

લેબલ શંકર પેન્ટર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ શંકર પેન્ટર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 20 એપ્રિલ, 2013

શંકર પેન્ટર - કર્મશીલોના કવિ



પ્રો. પી. જી. જ્યોતિકર

ચિત્રકાર શંકરની સાહિત્ય સંપદા વિદ્રોહ મૂલક કવિતા બૂંગિયો વાગે’, ‘દાત્તેડાના દેવતા’, ‘હાચ્ચે હાચ્યું’ ‘બોલનઅ-ફાડ્યા’ ? વિશે દલિત સાહિત્યના દિગ્ગજ સાક્ષરો જેવા કે જોસેફ મેકવાન, ડૉ.મોહન રમાર, હરીશ મંગલમ્‌, દલપત ચૌહાણ, ડૉ.નાથાલાલગોહિલ ઈત્યાદિએ હેતના હુલાળે ઓવરણા લીધાં જ છે. જોસેફ મેકવાને શંકરને સતસૈયા સાથે સરખાવ્યા છે. તો ડૉ.ભરત મહેતાએ વિદ્રોહમૂલક કવિ કહ્યાં છે. સાહિલે તો આખાબોલા અખા અને મેઘાણીના વારસદાર કહ્યા છે ! તે જ તરાહ કર્મશીલ રાજુ સોલંકી એ ક્રાંતિકારી સલામ કરી છે. દલિત પત્રકારત્વ ક્ષેત્રે નબળાના બલવીર ચિત્રકાર કવિ શંકર મેહનતકશ મેહનતકશ લોકોના મુખપત્ર voice of the weakશ્રી જી. બી.પરમાર સાથે ૧૯૯૦-૯૪ના અરસામાં માસિક પત્રોનું વર્ષો સુધી સંપાદન કરી કર્મશીલ તરીકે આગવી પ્રતિભાની પ્રતીતિ કરાવી છે. સામાન્યતઃ સામાન્યતઃ કેટલાક માત્ર કવિ જ છે. તો કેટલાક માત્ર વાર્તાકાર લેખક છે. જ્યારે ચિત્રકાર કવિ શંકર તો સાથીદારો સાહિલ પરમાર, રાજુ સોલંકી, કનુ સુમરા કર્દમ સાથે શેરી નાટકો કર્યા છે. શેરીએ શેરીએ, ચાલીએ ચાલીએ ચાલી પોતાના પહાડી બુલંદ અવાજથી દલિતોમાં જાગૃતિ આણવાનું કઠીન કાર્ય કર્યું છે. જેનો હું ચશ્મદીદ ગવાહ છું. વળી  કયાંક આયોજક પણ રહ્યો છું.

(ભીમકથા અમૃતમની પ્રસ્તાવનામાંથી)

ચ્યમ્ લ્યા આટલું ફાટ્ટી જ્યુસ મારા હોમું હેંડતા હાળા


શંકર પેન્ટરની કઠોર કવિતાની દર્દનાક સંવેદનાઓ કે સત્યાર્થો રાજના સીમાડા વટાવી અન્ય દલિત સાક્ષરો સાથે વૈચારિક તાલમેલ સાંધી શકે છે. શંકર પેન્ટરે ચાળીસ વર્ષ અગાઉ સંવેદના ગ્રસ્ત ગાયકીમા ગાયું કે

"ચ્યમ્‌ લ્યા આટલું ફાટ્ટી જયું સ / પોલીસ પટેલ સરપંચ મારો / તલાટીને મંતરી મારો / ગોંમનો આખો ચોરો મારો / તાલુકાનો ફોજદાર મારો."

અને એ ટેલીપેથીએ હિંદી કવિ મલખાનસિંહની કવિતા જોઈએ.
"કી ગાંવ કા સરપંચ / ઈલાકે કા દરોગા / મેરા મૌસેરા ભાઈ હૈ /    કિ દિવાને આમ ઔર /  ખાસ કા હર રાસ્તા / મેરી ચૌરાહા સે હી ગુજરતા હૈ."

આ તેજાબી કલમો સરહદોને આંબીને પણ કેટલી સાથે સાથે દોડે છે! ગુજરાતી લિપિમાં લખતા શંકર સિમાડાઓ વિંધીને વંચિતોના રાષ્ટ્રીય લોકદુલારે કવિ થઈ દેશના દલિત કવિઓના હૃદયમાં શબ્દરૂપે વિરાજે છે. દલિત આંદોલનો ના એ ગાળાએ શંકર પેન્ટરની પ્હાડી હલકદાર કંઠની બળકટ બુલંદીથી  આકાશ તાંસળું પણ છલકાઈ ઉઠતું ! લોકશૈલીમાં શંકર ગર્જે ત્યારે આકાશે જાણે હાથીડો ના ગજર્યો હોય ! 

શંકર કયારેક ધમધમતી મીલોના ઝાંપે લોક ટોળામાં ગ્હેંકે તો કયારેક ચાલીઓની અર્ધખુલ્લી બદબુ મારતી ગટરના ઢાંકણે એક પગે ઊભા રહી બુલંદીએ બાળઅબાલના જીવતરની વાતો કરે ! ચાના ચપણિયા તોડી ઈતિહાસ મરોડવાનું અદ્‌ભૂત એલાન આપે. કયારેક ઝૂંપડપટ્ટીઓના ખૂણેખાંચરે ખાટલે બેસી દલિત ચેતનાનું રણશીંગુ ફૂંકે તો કયારેક લાલદરવાજા સર્કલ પર સહુ મિત્રો મળી બ્રાહ્મણવાદનો મૃત્યઘંટ વગાડે ! કયારેક ઉત્કર્ષ મંડળના કર્મચારીઓની જીલ્લા તાલુકા મથકે યોજાતી અવિસ્મરણીય દમન રેલીઓમાં દલિત કવિતાના કરંટ આંચકાઓ આપે !

અમદાવાદની રોસ્ટર અનામત બચાવ રેલીઓમાં અગ્ર હરોળે સાથીદારો સર્વશ્રી રાજુ સોલંકી, જયંતિ બારોટ, સ્વ. ભરત બોક્સર, સ્વ.અશ્વિન દેસાઈ, સાહિલ, કદર્મ કે જયંતિ ચૌહાણના હલ્લાબોલ સાથે સિંહ ગર્જનાઓ કરે, ગાંધીનગર કે અમદાવાદની રેલીઓમાં પોલીસ બર્બરક જંગાલીયત ભર્યા લાઠી દમનો વેળા દલિતવીરોના નાળિયેરની જેમ માથાની તુંબલીઓ તૂટતી હોય ત્યારે પણ શંકર પેન્ટરના પ્હાડી કંઠમાંથી ફૂટતી કાવ્યધારા કે શૌર્યવંત દલિત લોકભોગ્ય ગીતો સાંભળવા લોકમેદની હટવાનું નામ જ નહોતી લેતી તેનું સમગ્ર દલિત આંદોલન સાક્ષી છે.

ડો. નિતીન ગુર્જર (ભીમકથા અમૃતમની પ્રસ્તાવનાના કેટલાક અંશો)