રાજુ સોલંકી
વર્ષ 1981. ગુજરાતની ધરતી પર વંચિત સમુદાયોની અનામતો સામે અખબારોની ઝેરીલી મદદથી ઉજળિયાતોએ માંડેલા ઉત્પાતના વળતા પાણી થઈ ચૂક્યા હતા. કહેવાતા ‘સભ્ય’ સમાજે દલિતો-આદિવાસીઓ-પછાતવર્ગોની વિરુદ્ધમાં ચલાવેલા ગોબેલ્સ પ્રચારની ડમરી પણ શમી ગઈ હતી. અનામતની તરફેણમાં અને વિરોધમાં હોંકારા-પડકારા, અલબત્ત, બંધ થઈ ગયા હતા, પરંતુ દલિતોના ભાવ જગતમાં ઉઠેલા સામાજિક કંપનોની અસર શરુ થઈ ચૂકી હતી. એવા સમયે રાજ્યના નાભિ-કેન્દ્ર સમા અમદાવાદના જયશંકર સુંદરી હોલમાં એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.
હોલ દલિત મહેરામણથી છલકાતો હતો. ઓડીયન્સમાં મોટા ભાગના યુવાનો હતા. વાતાવરણમાં અજીબોગરીબ છટપટાહટ હતી. મંચ પર એ વખતના ફાયરબ્રાન્ડ વક્તાઓ બેઠા હતા, પણ એક શખ્સિયત એ સૌમાં સાવ નિરાળી દિસતી હતી. મંથર પણ મક્કમ ગતિએ એમણે હાથમાં માઇક પકડ્યું અને તકરીર શરુ કરી હતી. સ્ટેજની રોશનીમાં એમનો ગૌર વર્ણ ચાંદીની જેમ ચમકતો હતો. લંબગોળ ચહેરા પર ગોઠવાયેલું ભવ્ય લલાટ બોલતી વખતે તેજસ્વી અને ઉન્નત ભાસતું હતું. સહેજ જાડા નાક પર ચપોચપ બંધબેસતા કાળા, લંબચોરસ ચશ્મા એમના વ્યક્તિત્વને ઓર દિલચસ્પ બનાવતા હતા. દેખાવ તો એમનો સાવ સીધો સાદો હતો. સફેદ લેંઘો અને એની ઉપર આછા મોરપીંછ રંગનો લાંબો ઝભ્ભો. પરંતુ એમના દ્રઢતાથી ભીડાયેલા હોઠમાંથી જ્યારે બળુકા શબ્દોનો અસ્ખલિત પ્રવાહ વહેતો હતો, ત્યારે સમગ્ર વાતાવરણ ઉર્જાથી ભરાઈ જતું હતું. એમના એક એક શબ્દને લોકો એવી નિરવ સ્તબ્ધતાથી સાંભળતા હતા, કે અચાનક ઉઠતો તાળીઓનો ગડગડાટ જ એને ખંડીત કરી શકતો હતો.
એ હતા માનવ અધિકાર આંદોલનના તેજસ્વી ગિરિશૃંગઃ ગિરીશ પટેલ.
1981 પછી જન્મેલી અને ઘોડીયામાં જ જેને ભગવા અફીણનો કસુંબો પીવા મળ્યો એવી દલિત પેઢી માટે કદાચ ગિરીશ પટેલનું નામ અજાણ્યું હશે, પરંતુ જેમણે 1981માં કટ્ટર જાતિ-દ્વેષને અમદાવાદ-ગુજરાતની શેરીઓમાં ફુંફાડા મારતો જોયો હશે, તેમના માટે ‘ગિરીશ પટેલ’ દલિત આંદોલનના ઉજ્જવળ ઇતિહાસનું એક પ્રેરણાદાયી પાનું છે.
દલિતોને કુતરાં-બિલાડીથી પણ હેઠ ગણતા હિન્દુ ધર્મને ત્યજીને ધર્મ પરિવર્તનની અહાલેક જગાવતી એમની વાણીનો એક એક શબ્દ આજે પણ આ લખનારના કાનમાં ગુંજે છે. એમણે કહેલું, ‘‘અમેરિકાના કોઈ પણ શહેરની ઝુંપડપટ્ટીમાં જાવ. જીન્સનું પેન્ટ પહેરીને જતા છ ફુટ ઊંચા કદાવર, કાળા યુવાનની આંખોમાં જોજો. એ આંખોમાં દુનિયાને જીતવાની ખુમારી છલકાય છે. એને ગોરાઓનો ડર નથી. એ કોઈ પણ પ્રકારની લઘુતાગ્રંથિથી પીડાતો નથી...એણે ધર્મ પરિવર્તન કર્યું છે. ઇસ્લામ અંગીકાર કર્યો છે.’’ કાર્યક્રમના આયોજકો કદાચ આ સાંભળીને ડઘાઈ ગયા હશે, પરંતુ ગિરીશ પટેલનો કેન્દ્રવર્તી સૂર એક જ હતો, ‘‘દલિતોએ સ્વાભિમાનપુર્વક જીવવું હશે, તો હિન્દુ ધર્મને છોડવો પડશે.’’ ગિરીશભાઈના પ્રવચનો પાછળ એક સાચા કર્મનિષ્ઠની મક્કમ, પારદર્શક પ્રતિબદ્ધતા ડોકાતી હતી.
દલિત યુવાન શકરાભાઈના હત્યા કેસમાં ગિરીશભાઈએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી દલીલોને આજે પણ જાણકારો અહોભાવથી સાંભરે છે. 26 ડીસેમ્બર, 1980એ અમદાવાદથી માંડ ત્રીસેક કિમી. દૂર આવેલા જેતલપુર ગામના પટેલોએ શકરાભાઈ નામના દલિત યુવાનને ગામની પંચાયત કચેરીમાં પૂરીને કેરોસીન છાંટીને જીવતો સળગાવી દીધો હતો. જેતલપુર-કાંડ દલિત આક્રોશના વિસ્ફોટક પ્રતીક તરીકે ઘણા લોકોની સ્મૃતિમાં આજે પણ તાજો જ હશે, પરંતુ નેતાઓના ભાષણોની ડમરી શમી ગયા પછી થકવી નાંખનારી, લાંબી કાનૂની લડાઈમાં જન્મે ‘પટેલ’ એવા ગિરીશભાઈએ જે ભૂમિકા ભજવી તેની વાત વિગતે કરવા જેવી અને યાદ રાખવા જેવી છે.
દલિત અગ્રણી વાલજીભાઈ પટેલ જેતલપુર કેસને યાદ કરતા કહે છે, ‘‘એ વખતે ગ્રામ્ય અદાલત નારોલ ખાતે ચાલતી હતી. ચાલુ ટ્રાયલે આરોપીઓ પોતે ગુનો કર્યો હોવાનું સ્વીકારી રહ્યા હતા, ત્યારે સેશન્સ જજ મોઘેએ રીસેસ જાહેર કરી દીધી હતી અને બચાવ પક્ષના વકીલને, ‘આ લોકો ગુનો કબુલ કરી રહ્યા છે, એમને જેલમાં મોકલવા છે ?’, એવું સહેતુક પુછીને ચેમ્બરમાં જતા રહ્યા હતા. પંદર મિનીટ પછી કોર્ટ ચાલુ થઈ, ત્યારે આરોપીઓ ગુનાની કબુલાતનો ઇનકાર કરવા લાગ્યા હતા.’’
સેશન્સ જજનું જાતિવાદી વલણ જોતાં દલિત પેંથરે શકરાભાઈના મોટા ભાઈ નારણભાઈ સોનારાના નામે એફિડેવિટ કરાવીને કોર્ટ બદલવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પીટિશન દાખલ કરી હતી. દલિત પેંથર વતી ગિરીશભાઈએ હાઇકોર્ટમાં દલીલો કરી હતી. એમની પ્રભાવશાળી રજુઆતને કારણે સેશન્સ કોર્ટમાં કેસની પુનઃસુનવણી શરુ થઈ, અને છેવટે હત્યારાઓને સજા થઈ હતી.
અત્યારે અનામતનો લાભ લઇને ડોક્ટર, એન્જિનીયર બનતા દલિત યુવાનોને એ હકીકતની કદાચ ખબર નથી, કે એક સમય એવો પણ હતો, જયારે વિજ્ઞાન પ્રવાહની સારી શાળાઓમાં દલિત યુવાનોને પ્રવેશ જ નહોતો મળતો અને તેને પરીણામે તબીબ, ઇજનેરી શાખાઓની અનામત બેઠકો ખાલી રહેતી હતી. 1984માં અગિયારમાં ધોરણમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં અનામત દાખલ કરાવવા માટેની એક રિટ પીટિશન પ્રવેશ-વાંચ્છુ દલિત ઉમેદવાર ભરત પટેલે દાખલ કરી હતી, ત્યારે તેમનો કેસ ગિરીશભાઈ લડ્યા હતા. એ સમયે ગુજરાતના સવર્ણોએ અને એમના ચાળે ચડીને દલિતોએ ‘હિન્દુત્વ’નો ઝંડો ઉઠાવ્યો નહોતો. સવર્ણોના અનામત-વિરોધી પૂર્વગ્રહો અખબારોની આંધળી કૂમકથી પોરસાઈને શેરીઓમાં છલકાઈ રહ્યા હતા, તેવા સમયે દલિતોની અનામતોના કેસ લડવાનું કૌવત ગિરીશભાઈ જેવા મરજીવા લોકો જ દાખવી શકતા હતા.
એ રિટમાં ગિરીશભાઈની જહેમતને કારણે દલિતોને વિજય તો મળ્યો, પરંતુ પછી અનામત-વિરોધીઓ 1986માં સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા. ગુજરાતમાં લાગલગાટ છ મહિના સુધી તબીબી શાખાના પ્રવેશો સ્થગિત થઈ ગયા હતા. પેંથરે સર્વોચ્ચ અદાલતમાં પણ અનામત-વિરોધીઓનો સફળ મુકાલબો કર્યો હતો. પરંતુ, અદાલતમાં નાસીપાસ થયેલા અનામત-વિરોધીઓને ખુશ કરવા ગુજરાતમાં બોદી કોંગ્રેસ સરકારે પાછલે બારણે એક પરીપત્ર બહાર પાડ્યો. તેમાં અગિયારમાં ધોરણમાં વર્ગ દીઠ 7 ટકા (અનુ. જાતિ માટે), 14 ટકા (અનુ. જનજાતિ માટે) અને 27 ટકા (બક્ષી પંચની જાતિઓ માટે) અનામત ક્વોટા રાખવાના બદલે વર્ગ દીઠ અનુ. જાતિ માટે 2 બેઠકો, અનુ. જનજાતિ માટે 2 અને બક્ષી પંચની જાતિઓ માટે 2 જ બેઠક રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 1986માં પેંથરે ફરી વાર આ પરિપત્રને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટમાં જસ્ટિસ એસ. પી મજુમદાર અને જસ્ટિસ રવાણી સાહેબની ન્યાય પીઠ સમક્ષ ગિરીશભાઈએ લાજવાબ દલીલો કરી હતી અને પરીણામે સરકારનો અનામત-વિરોધી પરીપત્ર રદ થયો હતો. તે વખતે કોર્ટમાં સુનાવણી સમયે અનામત-વિરોધીઓના વકીલે જ્યારે એમ કહ્યું કે, ‘‘આ પરીપત્રનો અમલ નહીં થાય, તો શેરીઓમાં યુદ્ધ ફાટી નીકળશે’’, ત્યારે ગિરીશભાઈએ ભાવાવેશમાં આવીને કહેલું, ‘‘અમે એમને કોર્ટમાં જોઈ લઇશું અને જરુર પડ્યે શેરીઓમાં પણ જોઈ લઇશું.’’
ગુજરાતમાં છેલ્લા પચાસ-સાઇઠ વર્ષોના શહેરીકરણને પ્રતાપે અમદાવાદ શહેરમાં સમગ્ર રાજ્યની અનુસૂચિત જાતિનો ચોથો ભાગ કેન્દ્રિત થયો છે. શહેરમાં વસેલા દલિતોના ‘અગ્રવર્ગ’માં રાજકીય પક્ષોની ગતિવિધિઓ સાથે સંકળાઇને નિજી લાભો અંકે કરવાની લુચ્ચાઈ તો આવી જાય છે, પરંતુ સમગ્ર સમાજ માટે લડવાની ઇચ્છા મરી પરવારે છે. દલિતો માંહેના જ આવા એન્ટિ-દલિત વાતાવરણની વચ્ચે જે થોડાક લોકોએ દલિતોના હિતો સાચવ્યા એમાંના એક એટલે ગિરીશભાઈ પટેલ. આ કે તે રાજકીય પક્ષને કારણે નહીં, પરંતુ ગિરીશભાઈ જેવા મહાપુરુષોની કાનૂની લડતોને કારણે દલિતોની (અને એમાંય ખાસ કરીને શહેરી દલિતોની) પરિસ્થિતિમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે એમ કહેવામાં લગીરે અતિશયોક્તિ નથી.
1993માં તત્કાલીન ભાજપ સરકારે હિન્દુત્વના એજન્ડાના ભાગરુપે જૈનોના તહેવાર પર્યુષણ દરમિયાન તમામ મ્યુનિસિપલ કતલખાના બંધ રાખવાનો આદેશ કર્યો હતો. તેની પહેલાં જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કતલખાના બંધ રાખવાનો ઠરાવ કરી જ દીધો હતો. ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર તેમ જ અનુચ્છેદ 19 (1) (જી) હેઠળ જાહેર જનતાના હિતમાં વાજબી અંકુશની શરતે વેપાર કે વ્યવસાય કરવાના હકનો ઉપરોક્ત આદેશથી ભંગ થતો હોવાની રજુઆત સાથે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. તેમાં અરજદારો તરીકે આ લખનાર ઉપરાંત દલિત પેંથરના દિવંગત નેતા નગીનભાઈ પરમાર પણ સામેલ હતા.
ગિરીશભાઈએ ઉપરોક્ત કેસમાં તૈયાર કરેલી રિટ પીટિશન વાસ્તવમાં માંસાહારી લોકોના ‘રાઇટ ટુ ફુડ’ના એક ઉમદા ઘોષણાપત્ર જેવી છે. જાહેર હિતની અરજીઓ તૈયાર કરવાના અભ્યાસક્રમમાં સામેલ થઈ શકે તેવી આ રિટમાં જણાવાયેલું કે, ‘‘...ગુજરાતમાં લાખો લોકો અને અરજદારો પોતે માંસહારી છે. (રાજ્યના) નોંધપાત્ર લોકો તેમના પ્રોટિન-યુક્ત પોષણ માટે ‘મટન’ પર નિર્ભર છે. એમાંના મોટા ભાગના લોકો રોજ બિન-શાકાહારી ભોજન ખાવા ટેવાયેલા છે. વ્યક્તિ ઇચ્છે તેવો કોઈ પણ આહાર ખાઈ શકે, તે તેની વ્યક્તિગત આઝાદીનો ભાગ છે. અને જ્યાં સુધી તેના પર બંધારણીય રીતે, મંજુરીપાત્ર કારણોસર પ્રતિબંધ ના મુકાય, ત્યાં સુધી આ તક છીનવી ના શકાય...લોકો માટે જે પોષણયુક્ત હોય અને લોકો જેને પોષણયુક્ત માનતા હોય તેવા કોઈ પણ આહારથી લોકોને વંચિત રાખવાનો રાજ્યને કોઈ અધિકાર નથી...’’
આદેશ પાછળના રાજકીય ઉદ્દેશો તરફ આંગળી ચીંધતા પીટિશનમાં આગળ જણાવાયું હતું, ‘‘(કતલખાના બંધ કરવાના) ઠરાવો સમાજના વિવિધ વર્ગોએ અપનાવેલી જીવનશૈલીઓ પરત્વે કોર્પોરેશનોની સત્તા સંભાળતા લોકોની ગેરવાજબી અસિષ્ણુતાનું પરીણામ છે. આ ઠરાવો સામાન્ય જનતાના હિતમાં પસાર થયા નથી, બલકે ચોક્કસ કોમ અને ચોક્કસ વિચારધારાના તુષ્ટીકરણ માટે છે. અત્રે એ નોંધવું જોઇએ કે, દેશ અંતિમ ધાર્મિક કટ્ટરવાદ અને ખાસ કરીને બહુમતી સમુદાયના કટ્ટરવાદના જોખમનો સામનો કરી રહ્યો છે. ગેરકાનૂની કતલખાના સામેના પગલાઓ સમજી શકાય છે. રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને સમાવતા અનુચ્છેદ 18ના અમલને પણ સમજી શકાય છે. પરંતુ, સમાજના વિવિધ સમુદાયો અને વર્ગોની વિચારધારાઓ, માન્યતાઓ, પરંપરાઓ અને જીવનશૈલીઓ તરફની હાડોહાડ અસહિષ્ણુતાને માફ ના કરી શકાય કે ન્યાયોચિત પણ ના ઠેરવી શકાય. અમુક લોકોની જીવનશૈલી અને દ્રષ્ટિબિન્દુ લાદવા સિવાય એ બીજું કંઈ જ નહીં હોય.’’
આ પીટિશનની સુનાવણી ટાણે અમદાવાદ, સુરત, વડોદરાથી મટનના વેપારીઓના ધાડેધાડા હાઇકોર્ટના પ્રાંગણમાં ઉતરી આવતા હતા. એમને એમના ધંધારોજગારની ચિંતા હતી. ગિરીશભાઈ અને અમે અરજદારો જે નિસબત કે વિચારધારાથી પ્રેરાઈને એ કેસ લડતા હતા, તેની સાથે આ વેપારીઓને સ્નાનસૂતકનો પણ સંબંધ નહોતો. સ્લોટરહાઉસવાળો એ કેસ હાઇકોર્ટમાં અમે જીતી ગયા હતા અને ‘indiscriminate closure of slaughter houses’ સામે કોર્ટે મનાઇ હુકમ ફરમાવ્યો હતો. પરંતુ, એ વિજય ક્ષણજીવી નીવડ્યો. દલિતો-આદિવાસીઓ-પછાતો સામે સતત ઝેર ઓકતા જૈન મુનિ ચંદ્રશેખરની પ્રેરણાથી હમણાં જ થોડા વર્ષો પહેલાં ગુજરાતના કટ્ટરપંથી સંગઠનોએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી. ભાજપ સાથે ‘સંબંધ’ ધરાવતા એક વકીલને મટનના વેપારીઓએ તગડી ફી આપીને રોક્યો હતો. વકીલે અગાઉ હાઇકોર્ટમાં થયેલી રિટ વાંચવાની પણ તસ્દી લીધી નહીં. વેપારીઓએ ગિરીશભાઈને મળીને એ કેસમાં માર્ગદર્શન માગવાની પણ પરવા કરી નહીં. છેવટે, તેઓ હારી ગયા. ‘સર્વોચ્ચ અદાલતમાં નરેન્દ્ર મોદી સરકારનો ભવ્ય વિજય’ એવા ભીંત લખાણો અમદાવાદની દિવાલો પર લખાયા હતા.
સેક્યુલર ખેમામાં મોટા ભાગના લોકોનું ચિંતન ખંડીત, એકાંગી અને ક્યારેક તો નર્યું અવસરવાદી હોય છે.
કેટલાક સેક્યુલારિસ્ટો દલિતોના સવાલોને ‘જાતિવાદી’ ગણે છે અને આંબેડકરને મૂડીવાદી. કેટલાક સેક્યુલારિસ્ટો નર્મદા બંધને કારણે વિસ્થાપિત થતા આદિવાસીઓની પીડાની મજાક ઉડાવી શકે છે. નર્મદા બચાવો આંદોલન (એનબીએ)ને ગિરીશભાઈએ આપેલું સમર્થન એમની સર્વગ્રાહી, વ્યાપક વિચારધારાના ભાગરુપ હતું. તેઓ ક્યારેય કોઈ એનજીઓની જેમ મર્યાદાઓમાં જીવ્યા નથી. એમના આકાશને ફંડની ક્ષિતિજો નડી નહોતી. જે સમયે લગભગ તમામ એનજીઓઝની જીવાદોરી ચીમનભાઇના હાથમાં હતી, તે સમયે ગિરીશભાઈ જેવા જુજ લોકો ગુજરાતમાં આદિવાસીઓના સમર્થનમાં ઉભા રહ્યા હતા. ફેરકુવામાં દિવસોના દિવસો લગી એક જ જોડ મેલાંઘેલા કપડાં પહેરીને એનબીએના પડાવમાં પલાંઠી વાળીને બેસવાની ઝુઝારુ લડાયકતા ગિરીશભાઈમાં હતી.
1994માં જાતિ નિર્મૂલન સમિતિએ સાથી સંગઠનોની મદદથી એનબીએના નેતા મેઘા પાટકરને અમદાવાદમાં એક દલિત સંમેલનમાં બોલાવ્યા હતા. તેમની સાથે સ્વામી અગ્નિવેશ અને અનુ. જાતિ, જનજાતિ કમિશનને ‘ક્યારેક જ સાંપડે તેવા’ પૂર્વ કમિશનર બી. ડી. શર્મા પણ પધાર્યા હતા. કોંગ્રેસ-ભાજપ બંને પક્ષોના ‘પાલતુ’ દલિત અગ્રણીઓએ ત્યારે આંબેડકર હોલની બહાર કાળા વાવટા સાથે દેખાવો કર્યા હતા. સંમેલનમાં ગિરીશભાઈ ઉપરાંત, હાલના કોંગ્રેસી સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલ, પેંથર અગ્રણી વાલજીભાઈ પટેલે આપેલા મનનીય પ્રવચનો હવે તો દલિત આંદોલનના યશસ્વી ઇતિહાસનો એક ભાગ બની ગયા છે.
2001ના ભીષણ ભૂકંપ પછી ભાજપ સરકારે નવું ગતકડું કાઢ્યું હતું. શાળાઓના વિદ્યાર્થીઓને ધાર્મિક મંત્રોચ્ચારો સાથે ધરતીની પુજા કરવાનો આદેશ આપતો પરિપત્ર ગુજરાત સરકારે બહાર પાડ્યો હતો. આ પરિપત્ર સામે ગુજરાત હાઇકોર્ટમાં કાઉન્સિલ ફોર સોશલ જસ્ટિસ વતી ગિરીશભાઈએ રિટ દાખલ કરી અને પરિપત્ર રદ કરાવ્યો હતો. એ જ રીતે 2002ના હુલ્લડો પછી બારમા ધોરણમાં પરીક્ષાર્થીઓનું ચેકિંગ કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ખાનગી સંસ્થાઓની મદદ લેવાનો શાળાઓને આદેશ આપતો પરિપત્ર બહાર પડ્યો હતો. તેની સામે પણ કાઉન્સિલ વતી ગિરીશભાઈએ હાઇકોર્ટમાં રિટ કરીને પરિપત્ર રદ કરાવ્યો હતો.
લોક અધિકાર સંઘ વતી ગિરીશભાઈએ માત્ર ને માત્ર ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જાહેર હિતની અરજીઓ વિષે કોઈ લખવા બેસે તો પણ કમસેકમ એક હજાર પાનાનું પુસ્તક થાય. દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેતરોમાં પીલાતા ખેતમજુરો માટે લઘુત્તમ વેતનનો સવાલ હોય, કે પછી ઇંટ ભઠ્ઠામાં શેકાતા (બહુધા પરપ્રાંતીય દલિત) મજદુરોનો સવાલ હોય; ખંભાતના અકીકના કારખાનાઓમાં ખાંસતા, સિલિકોસીસથી પીડાતા મજુરોનો સવાલ હોય, કે પછી કોઈ મલ્ટિનેશનલ કંપનીમાં ખાળકુવો સાફ કરતા દલિતોનો સવાલ હોય – ગિરીશભાઈએ હરહંમેશ કામદારોના ભેરુ બનીને ન્યાયની દેવડીએ ધા નાંખી છે. કાર્લ માર્ક્સ ગુજરાતમાં જ્ન્મ્યા હોત અને ધારાશાસ્ત્રી બન્યા હોત, તો તેમણે ગિરીશ પટેલ બનવાનું પસંદ કર્યું હોત.
લોક અધિકાર સંઘે માત્ર જાહેર હિતની અરજીઓ જ કરી હોત, તો એને કાયદાના કસબીઓના અમુક-તમુક ટાંચણોમાં સ્થાન મળ્યું હોત. પરંતુ, લોક અધિકાર સંઘ એક સમયે ગુજરાતના ઉત્કૃષ્ટ બુદ્ધિજીવીઓ, કર્મશીલો, વકીલો, લેખકો, કવિઓ વચ્ચે વૈચારિક આદાન પ્રદાનનું માધ્યમ બન્યું હતું. ગુજરાતના બુદ્ધિધનને કટ્ટરપંથનું ગ્રહણ અડવાને ગણતરીના વર્ષો બાકી હતા, તેવા સમયે લોક અધિકાર સંઘે સેક્યુલર, રેશનલ, ગરીબ-તરફી વિચારધારાની ટમટમતી જ્યોતને સંકોરવાનું કર્મ કર્યું હતું. શ્રીમંત પણ સંવેદનશીલ નિમેષ શેઠે એ અરસામાં સ્થાપેલી થિંકર્સ એકેડમીમાં દર્શન દેસાઈ, નઇમ કાદરી જેવા આદર્શઘેલા, લબરમુછીયા, યુવાનો એકઠા થતા હતા, જે પછીના દિવસોમાં પત્રકારત્વની દુનિયામાં એક મિશાલ કાયમ કરવાના હતા. આઈઆઈએમમાંથી ‘રસ્ટિગેટ’ થયેલા અસીમ રોય ચિદમ્બરમની સાથે કામદાર સભાઓમાં છાકો બોલાવતા હતા. ગીતા શાહ, તનુશ્રી ગંગોપાધ્યાય, સંગીતા શ્રોફે નારીને ‘ચિનગારી’ બનાવવાની મથામણ શરુ કરી હતી. વાલજીભાઈ પટેલ, રમેશચંદ્ર પરમાર, નારણ વોરા અને નગીનભાઈ પરમાર દલિત-પ્રતિકારની મશાલ પેટાવી રહ્યા હતા, તો મનીષી જાની ગણપત પરમારની સાથે મળીને ‘દલિત કવિતા’નો પિંડ બાંધી રહ્યા હતા, અને નીરવ પટેલ, પ્રવિણ ગઢવી, દલપત ચૌહાણ સાહિત્ય પરીષદ પાસે દલિત કવિતા માટે ‘ખળાનો અર્ધો ભાગ’ માંગી રહ્યા હતા. અચ્યુત યાજ્ઞિક, પ્રિયદર્શી શુકલા, દર્શિની મહાદેવિયા શિક્ષણ જગતમાં વંચિતોના સામાજિક વિશ્લેષણના માનદંડો નક્કી કરી રહ્યા હતા, તો મહેશ ભટ્ટ, ભૂષણ ઓઝા વંચિતોને કાનૂની કૂમક પહોંચાડવાના નવા આયામો શોધી રહ્યા હતા. ધૂમકેતુની જેમ આવેલા અને અમીટ છાપ છોડી ગયેલા, દિવંગત સાથી અશ્વિન દેસાઈ અને કર્દમ ભટ્ટ ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારામાં વિચારધારાનો અર્ક સીંચી રહ્યા હતા. આ તમામ વિચારવંતોની આકાશગંગા વચ્ચે ગિરીશભાઈની સદા ચમકતી બુદ્ધિ પ્રતિભા, અકાટ્ય તર્ક, પ્રચંડ પ્રતિબદ્ધતા અને મૃદુ સરળતા સૌને જાણે એક સૂત્રમાં બાંધતી હતી.
આ લખનારે 1982માં એના જીવનનું પ્રથમ રીપોર્ટિંગ ‘અહીં તો પૈસાની વીજળી પડી છે,’ શીર્ષક હેઠળ લખેલા એક નાનકડા લેખમાં કર્યું હતું એનું નિમિત્ત લોક અધિકાર સંઘ હતું. અમદાવાદના સીમાડે એક કારખાનામાં ત્રાટકેલી વીજળીએ ત્રણ મજુરોના પ્રાણ હર્યા હતા. એની સ્થળ તપાસ કરવા ગયેલી લોક અધિકાર સંઘની ટુકડીમાં મારી સાથે ભૂષણ ઓઝા અને અસીમ રોય પણ હતા. એ લેખ મનીષી જાની સંપાદિત લોક અધિકાર સંઘના બુલેટિનમાં છપાયો હતો. 1994માં મિત્રોએ મને લોક અધિકાર સંઘનો કો-ઓર્ડિનેટર બનાવીને મારા પર અનુગ્રહ કર્યો હતો. એ પદવી માટે હું ક્યારેય લાયક નહોતો. હું મારી જાતને કોઈ મોટો એક્ટિવિસ્ટ નથી ગણતો. મારામાં કેટલી પામરતા છે એની મને ખબર છે. પરંતુ આજે એક વાત કહેતા મને ગર્વ થાય છે કે મારા જેવા અસંખ્ય લોકોને નવી દુનિયા રચવાનું રોમહર્ષક ભાથુ લોક અધિકાર સંઘ જેવા માધ્યમોમાં પ્રાપ્ત થયું. એનું શ્રેય ગિરીશભાઈ જેવા પ્રાતઃસ્મરણીય મહાનુભાવોને જાય છે. જલિયાંવાલા હત્યાકાંડ અને રોલેટ એક્ટના પરીપ્રેક્ષ્યમાં હાલના ફાસીવાદી માળખાનું વિશ્લેષણ કરવાનું હોય, કે ભોપાલ ત્રાસદી સામે વિરોધ પ્રદર્શન હોય, લોક અધિકાર સંઘે હંમેશાં ‘વેન્ગાર્ડ’ની ભૂમિકા ભજવી છે.
કોઈ પણ સેક્યુલર જણની વાત માંડી હોય, અને એમાં 2002ના નરસંહારનો ઉલ્લેખ ના થાય, તો વાત એના તાર્કિક અંત સુધી પહોંચતી નથી. એ સમયના ગુજરાતની સેંકડો પત્રકારો-કર્મશીલોએ મુલાકાત લીધી હશે. એ નઠારી ઘટનાઓ વિષે હજારો લેખો લખાયા હશે. પરંતુ એક લેખનું શીર્ષક માત્ર આખી કથાનો સાર કહી જાય, એવું કવિ-કર્મ તો ગિરીશભાઈ જ કરી શકે. ‘Modi-fied Gujarat’ કહ્યા પછી કોઈને પણ, કશું કહેવાની જરુર પડે ખરી ? અને માત્ર 2002માં જ નહીં, છેક 1981માં અનામત-વિરોધીઓની વાહિયાત દલીલોનો સૌથી પહેલો સણસણતો જવાબ ગિરીશભાઈએ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં લખેલા એક ચર્ચાપત્રમાં આપ્યો હતો. ચર્ચાપત્રી ગિરીશભાઈએ લખેલા ચર્ચાપત્રોનો ગુજરાતીમાં અનુવાદ થાય, તો પણ ગુજરાતની ‘વિચારતી જાતિ’ને વિચારવાનું ભાથુ મળે એમ છે.
ગુજરાતના નાગરિક અધિકાર આંદોલનના કમનસીબે લોક અધિકાર સંઘે વાવેલી, ગિરીશભાઈએ સીંચેલી અધિકાર આંદોલનની અમરવેલની જોઇએ તેટલી માવજત ના થઈ. કદાચ ગુજરાતની ધરતીમાં ખોટ હશે. ‘ગાંડી’ ગુજરાતે મવાલીઓને મેયરો બનાવ્યા. અહીં બે બદામના નાચણિયાઓ ધારાસભ્યો, સાંસદો બની ગયા. હવામાં ગોળીબારો કરતા ગુંડાઓને ફુલડે ફુલડે પોંખ્યા. કોંગ્રેસ-ભાજપની ‘ગુડ બુક’માં નામ લખાવનારાઓ પદ્મભૂષણ, પદ્મશ્રીઓ બની ગયા. પરંતુ, એક વ્યક્તિની બુદ્ધિ પ્રતિભા, એની મહાન તપસ્યા, એની નિર્વિવાદ સમાજ-નિષ્ઠાની ‘વિવેક બૃહસ્પતિ’ના મિથ્યાભિમાનમાં રાચતા ગુજરાતે ધરાર ઉપેક્ષા જ કરી. ગિરીશભાઈ પટેલ જેવા સત્પુરુષોથી ગુજરાતનો ‘ઉજળિયાત’ સમાજ ઉજળો રહ્યો, પરંતુ એમને સમજી નહીં શકવાની કાલિમા હરહંમેશ એના લલાટે ચમકતી રહેશે. લોહી પાણી કરતાં ગાઢું હશે, પરંતુ વિચારધારાથી ચોક્કસ પાતળું છે, એ ગિરીશભાઈએ સાબિત કર્યું છે. માનવ-અધિકારના પુરોધા, દલિતોના હામી, હંમેશાં ‘લઘુમતી’માં રહેલી મુક બહુમતીના નેતા ગિરીશ પટેલને આપણા શત શત વંદન.