કુલ પૃષ્ઠ અવલોકનો

સોમવાર, 12 નવેમ્બર, 2012

કાંધીયા, દલાલ નેતાઓને ફગાવી દો

વણકર સમાજ ડોટ કોમની વેબસાઇટની મુલાકાત લેતા જણાય છે કે તેમાં ભાજપ (અને કોંગ્રેસ)ના દલાલો નેતાગીરી કરી રહ્યા છે. ગાંધીનગરમાં વણકર સમાજનો હોલ બનાવવા માત્રથી વણકરોનું કલ્યાણ નહીં થાય. વણકર યુવાનો બેકાર છે. વર્તમાન સરકારે બેકલોગનું સત્યાનાશ કાઢી નાંખ્યું છે. સરકારી નોકરીઓમાં આઉટસોર્સીંગ ચાલુ થયું છે. ખાનગી ક્ષેત્રમાં કોઈ પગ મુકવા દેતું નથી. કોઈ રતીલાલ વર્મા ભાજપમાં સાસંદ થઇને અડધો ડઝન પેટ્રોલ પંપના માલિક બની શકે છે, એવું નસીબ બધા દલિતોનું હોતું નથી. વૈશ્વિકરણ, ખાનગીકરણની કોંગ્રેસ-ભાજપની સહિયારી આર્થિક નીતિઓએ વણકર સમાજનું અને સમગ્ર દલિત સમાજનું નખ્ખોદ વાળ્યું છે. વણકરો તેમના કાંધીયા, દલાલ નેતાઓને ફગાવી દઇને બાબાસાહેબ આંબેડકરની વિચારધારા અપનાવીને સમગ્ર દલિત સમાજને એક કરે તેવી નવા વર્ષે સૌને શુભેચ્છા. જય ભીમ.

ગુણવંત શાહની સેક્યુલારિઝમ પર એક વધુ લવારી


ગુણવંત શાહે ગઇ કાલે દિવ્ય ભાસ્કરમાં લવારી કરી એની રોજની આદત પ્રમાણે સેક્યુલારિઝમ પર. લખે છે ગોવામાં ભાજપની ટીકીટ પર છ ખ્રિસ્તી ઉમેદવારો ચૂંટાઈ આવ્યા. એને ગુણવંત સેક્યુલારિઝમનો વિજય ગણાવે છે અને ગુજરાતમાં ભાજપને મુસલમાન ઉમેદવારો ઉભા રાખવાની સલાહ આપે છે. છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં મુસલમાનોને રાજકીય રીતે ખતમ કરવા માટે શંભુ મહારાજ, અશોક ભટ્ટ, નરેન્દ્ર મોદી, તોગડીયા, અશોક સિંઘલ, મુરારીલાલ, કે કા શાસ્ત્રી જેવા લોકોએ રાતદિવસ ઉજાગરા કર્યા, ગલીએ ગલીએ પોલિસની નજર સામે સરેઆમ ત્રિશુળો વહેંચ્યા, બાબરી મસ્જિદ તોડી, સમગ્ર પોલિસ તંત્રને કોમવાદી રંગે રંગ્યું અને તેની પરાકાષ્ટારૂપે 2002માં રાજ્ય-પ્રેરીત નરસંહાર રચ્યો અને તેને પરીણામે હવે મુસલમાનોના માંડ ત્રણ પ્રતિનિધિઓ ધારાસભામાં બેસે છે. 1981માં માધવસિંહ સોલંકીના કાળમાં નવ ધારાસભ્યો મુસલમાન હતા. કોંગ્રેસે લઘુમતીનું તુષ્ટિકરણ કર્યું, પરંતુ ભાજપે તો લઘુમતીનું સત્યાનાશ કરવાના જ ષડયંત્રો રચ્યા છે. (અને એક રીતે જોઇએ તો ભાજપ કોંગ્રેસની જ પેદાશ છે) અને સૌથી મોટી ભયાનક વાત તો  ગુણવંતને ખબર જ નથી કે આવો હિન્દુવાદ દલિતો-આદિવાસીઓને સૌથી મોટું નુકસાન કરી ગયો. એમના મુદ્દાઓ ચૂંટણીમાં એજન્ડા પર આવતા જ નથી. ગુણવંત શાહ ક્યાં સુધી લોકોને મુર્ખ બનાવતા રહેશે?

રવિવાર, 11 નવેમ્બર, 2012

આતંકવાદીઓ માટે ખરીદેલી કાર્બાઇનનો થાનગઢમાં ઉપયોગ થયો

કાર્બાઇન ગન


થાનગઢમાં દલિત બાળકોને .303 અને કાર્બાઇન ગનથી મારવામાં આવ્યા હતા. દલિતો વિરુદ્ધ પોલિસે કરેલી એફઆઈઆરમાં આ બાબત નોંધવામાં આવી છે. એટલે સરકાર આનો ઇનકાર કરી શકે એમ નથી. જરા જુઓ .303 અને કાર્બાઇન કેવી કાતિલ બંદુકો છે. .303નો તો ગુજરાતમાં વર્ષોથી ઉપયોગ થાય છે. 1956ના મહાગુજરાત આંદોલન વખતે લાલ દરવાજાની કોંગ્રેસ કચેરીએ જ્યારે વિનોદ કિનારીવાલાનો આ બંદૂકે જાન લીધો ત્યારે મોરારજી દેસાઈ બોલેલા, "ગોળીઓ પર સરનામા નથી હોતા." નવનિર્માણના આંદોલન વખતે ચીમન પટેલની સરકારે 105 નવલોહીયા ગુજુઓના જાન આ બંદૂકથી લીધેલા. એ વખતે પણ પોલિસ છાતીમાં ગોળીઓ મારતી હતી.

હવે ત્રાસવાદીઓ સામે સાડા ચાર કિલોની અને મિનીટના વીસ રાઉન્ડ છોડતી .303 જરીપુરાણી થઈ છે. મુંબઇમાં કસાબ કાર્બાઇન લઇને આવ્યો હતો અને 166 મુંબઇગરાઓ લોહીના ખાબોચીયામાં તરફડ્યા હતા. મુંબઈના આતંકી હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોને ઓટોમેટિક રાઇફલો આપવાનું નક્કી કર્યું હતું અને ગુજરાતમાં 2000 ઓટોમેટિક રાઇફલો આવી હતી. (જુઓ વધારે માહિતી માટે દિલિપ પટેલનો લેખ, ટાઇમ્સ મિરર, તા. 3 ડિસેમ્બર, 2008.) ગુજરાતની પોલિસ થાનગઢમાં કસાબની જેમ જ વર્તી છે અને કાર્બાઇન ગનથી દલિત બાળકોને રહેંસી નાંખ્યા છે. માત્ર 3.2 કિલોની કાર્બાઇન મિનીટના 650 રાઉન્ડ છોડે છે.

થાનગઢમાં નિશસ્ત્ર દલિતો પર વોટર કેનન, લાઠીચાર્જ, અશ્રુવાયુ કશાંનો પ્રયોગ કર્યા વિના પોલિસે કાર્બાઇન ગન ચલાવી. દલિતો ભાજપમાં ચરી ખાતા, એસી ગાડીઓમાં ફરતા, બેજવાબદારીથી ગંધાતા અને મોદી-ફલદુની પાછળ પાછળ કૂતરાની જેમ ફરતા એમના પ્રતિનિધિઓને આ ચૂંટણીમાં હરાવીને સબક શીખવાડશે તો પણ થાનગઢના મૃતાત્માઓના આત્માને શાંતિ મળશે.

શનિવાર, 10 નવેમ્બર, 2012

થાનગઢના બહાને દલાલો દિલ્હીની મુલાકાતેઆ ફોટામાં તમે જે માણસને જમીન પર પડેલો જુઓ છો અને જેની આજુબાજુ પોલીસો ઘેરી વળ્યા છે, એ ગોગીયા હજુ જેલમાં છે. ગોગીયા સીધોસાદો માણસ છે. એવું તો શું બન્યું કે આવેશમાં આવી જઇને એ એકલો સામે ચાલીને પોલીસોના ટોળામાં પહોંચી ગયો. એવું કહેવાય છે કે થાનગઢમાં ત્રેવીસ તારીખે જ્યારે પોલીસ કાર્બાઇન ગનમાંથી મોત વેરી રહી હતી અને દલિત બાળકોની હત્યા કરી રહી હતી, ત્યારે ગોગીયાથી રહેવાયું નહીં. એ એકલો દોડ્યો અને પોલીસના હાથમાંથી કાર્બાઇન ગન આંચકી લેવાનો પ્રયાસ કર્યો. અને પછી જે બન્યું એ આ તસવીરમાં તમે નજરે જોઈ શકો છો. હાથમાં કાળો કોટ પહેરીને અહીં જે ઉભો છે એ છે ડીએસપી હરિકૃષ્ણ પટેલ. 23મીએ બપોરે જે ફાયરિંગ થયું એ આ હરિકૃષ્ણ પટેલના આદેશથી થયું છે. અને ભાજપ સરકારે કે પી જાડેજા અને અન્ય ત્રણ પોલિસ કર્મચારીઓ સામે 302 દાખલ કરી છે. હરિકૃષ્ણ પટેલ સામે દાખલ કરી નથી. લોકોનું ધ્યાન જાડેજા પર કેન્દ્રિત થયું છે, પરંતુ હરિકૃષ્ણ પટેલ પણ બાળકોને મારવામાં એટલો જ દોષિત છે. એક લાખ લોકો એકઠા થયા પછી પણ થાનગઢના દલિત હત્યારા પકડાતા નથી, કેમ કે બીજી ઓક્ટોબરે પ્રગટેલા જુવાળને લણી લેવા સક્રિય બનેલા કોંગ્રેસના દલાલો આંદોલનને ખતમ કરી રહ્યા છે. થાનગઢના અત્યાચારોની રજુઆત કરવાના બહાને આ દલાલો નવી દિલ્હીમાં વિધાનસભાની ટિકિટો પાકી કરવા જઈ આવ્યા છે.