કુલ પૃષ્ઠ અવલોકનો

શનિવાર, 1 જૂન, 2013

અનુસૂચિત આયોગ - એનેક્સીમાં સુનાવણીનું શેરીનાટક

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં આવેલી કચેરી બહુ ઓછા દલિતોએ જોઈ છે. આ કચેરી એની પાસે આવતી ફરિયાદો દિલ્હી મોકલવાની એકમાત્ર કામગીરી કરે છે. સુજ્ઞ જનો એટલે જ આ કચેરીને પોસ્ટમેન કહે છે. એક પોસ્ટમેનથી વિશેષ આ કચેરીની કોઈ કામગીરી નથી. 

આવા રાષ્ટ્રીય આયોગોમાં સભ્યોની નિમણૂંકો રાજકીય રીતે થતી હોય છે. એટલે એના સભ્યો ભૂતપૂર્વ ધારાસભ્યો, સંસદસભ્યો કે મંત્રીઓ હોય છે. રાજકીય અખાડામાં વર્ષોથી કુસ્તી કરીને આવા રાજકારણીઓ ઘડાઈ જાય છે અને લોકોને બેવકૂફ બનાવવાની જે તે શાસક પક્ષની નીતિનો ચાલાકીપૂર્વક અમલ કરતા હોય છે.

આયોગના સભ્યને લાલ લાઇટવાળી ગાડી મળે છે. એટલે કોઈપણ જિલ્લામાં તે જાય એટલે કલેક્ટર તેની સરભરા કરવા ઉભો રહે છે. કલેક્ટર કચેરીમાં આયોગની બેઠક મળે છે તેમાં જિલ્લાનો પોલિસ વડો પણ હાજર હોય છે. આયોગ કલેક્ટરને પીડીત લોકોની હાજરીમાં કહેવાતા આદેશો આપે છે, કલેક્ટર બેઠો બેઠો સાંભળે છે અને બીજા દિવસે દૂરદર્શનમાં  કે અખબારોમાં આયોગનું સુંદર કવરેજ આવે છે અને આપણે બાઘાની જેમ તાલીઓ પાડીએ છીએ.

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે આયોગ પાસે અર્ધ-ન્યાયિક સત્તાઓ છે. આયોગ કોઇપણ સરકારી અધિકારીને સમન્સ પાઠવીને બોલાવી શકે છે, તેનો જવાબ માગી શકે છે. આયોગ અદાલત નથી. તે ગુનેગારોને સજા કરી શકતું નથી. સજા કરવાની સત્તા કોર્ટ પાસે છે. અત્યાચારના કોઇપણ બનાવમાં જ્યાં સુધી ફરિયાદ નોંધાતી નથી, ત્યાં સુધી જ આયોગ તેનો ડાંડો હલાવી શકે છે. એકવાર ફરિયાદ નોંધાય જાય, મેટર કોર્ટમાં જાય એટલે આયોગનું કામ પૂરું. કહેવાનું તાત્પર્ય એ છે કે આયોગ અત્યાચારના બનાવોમાં જે તે જિલ્લાના પોલિસ વડાને સમન્સ પાઠવીને બોલાવવાની તેની સત્તાનો યોગ્ય ઉપયોગ કરે તો ફરિયાદ નોંધવાની કામગીરી ઝડપથી થાય અને મામલો કોર્ટના દરવાજા સુધી પહોંચે.

ગુજરાતમાં કે દેશમાં અનુસૂચિત આયોગ યોગ્ય કામગીરી બજાવતું હોત તો માનવ અધિકાર પંચને સુનાવણીના નાટકો કરવાની જરૂર પડી ના હોત. ગયા વર્ષે અમદાવાદ એનેક્સીમાં આવું જ નાટક ભજવાયું હતું. ત્યારે પણ ગુજરાતની બે દિવસની મુલાકાત પછી આયોગ મોદીને ક્લિન ચીટ આપીને દિલ્હી રવાના થયું હતું. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પરિમલ ત્રિવેદી સામે એટ્રોસિટીનો કેસ કરનારા પંકજ શ્રીમાળીને એનેક્સીમાં એવું કહીને બેસાડી દેવામાં આવેલા કે તમારો કેસ કોર્ટમાં છે હવે તમે ત્યાં દલીલો કરો. ત્યારે અમે દલિત અધિકારમાં લખેલું કે આ સુનાવણી નથી, સુનાવણીનું નાટક છે. કમિશન તેની અર્ધ-ન્યાયિક સત્તાઓનો ઉપયોગ કરીને અધિકારીઓને સમન્સ પાઠવવાના બદલે અનુસૂચિત જાતિઓના ડોળઘાલુ, ખાદીના લેંઘા ઝભ્ભા પહેરેલા કહેવાતા નેતાઓને બોલાવે અને તેમને સાંભળીને તેમના અહમ સંતોષે તેથી કાયદાનો પાપડ ભાંગતો નથી. બીજા દિવસે છાપામાં કે ટીવીમાં નેતાઓના નામ આવે છે, તેઓ છાપાના કટિંગો ગજવામાં લઇને ફરે છે અને સમાજની પત્તર ઠોકાવાનું ચાલુ રહે છે.

થાનગઢના કેસમાં આપણે વરિષ્ઠ ધારાશાસ્ત્રી મુકુલ સિંહા દ્વારા શહીદ પંકજના પિતા અમરશી સુમરાની રિટ પીટિશન દાખલ કરાવી છે. હવે અનુસૂચિત આયોગની કોઈ ભૂમિકા આ કેસમાં રહેતી નથી. છતાં, આયોગે અમદાવાદમાં એનેક્સીમાં સુનાવણીનું નાટક કર્યું. અખબારી અહેવાલો પ્રમાણે, આચાર સંહિતા હોવાથી સરકારી કર્મચારીઓ આવ્યા નહીં, સુનાવણી મોકુફ રહી અને અરજદારો નિરાશ થયા. શું આયોગને ખબર નહોતી કે આચારસંહિતા છે શા માટે આયોગ લોકોને મુર્ખ બનાવે છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળુ મારવા જેવી વાત છે. આયોગના સભ્ય રાજુ પરમાર ટીવી પર છવાઈ ગયા અને થાનગઢમાં  તેમના નામનો જયજયકાર થઈ ગયો.


ગુજરાતમાં રોજેરોજ અસંખ્ય અત્યાચારોના બનાવો બને છે. રોજ એક એસએમએસ કૌશિક પરમારનો આવે છે. આ બનાવોમાં સ્થળ પર પહોંચવાની તાલાવેલી આયોગને નથી. આયોગ પાસે કરવાના કામો ઘણા છે, પરંતુ એ કરવા નથી. થાનગઢનો કેસ ચગી ગયો છે. પત્રકારો, ઇતિહાસકારો, રાજકારણીઓ થાનગઢમાં પ્રસિદ્ધિની બકરીને દોહી લેવાની વેતરણમાં છે.