કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 24 એપ્રિલ, 2013

ગુજરાતના દલિત મહિલા સરપંચ જેલમાં



પરમ દિવસે લાખવડના સરપંચ કમળાબહેનની ખબર કાઢવા મહેસાણા સિવિલિ હોસ્પિટલમાં સિદ્ધપુરના વડીલ સાથી અને એડવોકેટ રમેશભાઈ મકવાણાની સાથે ગયો. કમળાબહેન મને જોઇને તુરંત ઓળખી કાઢ્યો. એમના ચહેરા પર ફીક્કુ સ્મિત પ્રગટ્યું. એમની આંખોમાં ઊંડી વેદના હતી. કાનની બુટ્ટીઓ જેલમાં કાઢી નાંખી હતી, એમના ઘઉંવર્ણા ચહેરામાં બુટ્ટીનો એ સફેદ ભાગ સ્પષ્ટપણે જુદો વર્તાતો હતો. કોઇપણ જાતના કારણ વિના સાત સાત દિવસથી જેલમાં પડતી માનિસિક યંત્રણાએ સુકલકડી કમળાબહેનને વધુ દુબળા બનાવી દીધા હતા.

હોસ્પિટલના સ્પેશીયલ રૂમમાં કમલાબહેન સાથે લાખવડના રમીલાબહેન પટેલ પણ છે. રમીલાબહેનને પણ તેમના પતિ ભરતભાઈ વિઠ્ઠલભાઈ પટેલની સાથે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. સામે બાંકડા પર ચશ્માવાળી મહિલા કોન્સ્ટેબલ બેઠી હતી. મેં સાથી રમેશ મકવાણાની ઓળખાણ આપી. રમેશભાઈએ પોલીસવાળીને પૂછ્યું કે અમે બહેનની સાથે વાત કરીએ તો તમને કોઈ વાંધો નથીને? એટલે પોલીસવાળીએ કમળાબહેનની સામે જોઇને કહ્યું કે "તમે જેલમાં જ કહેવાવ." (એટલે કે કોઈની સાથે વાત કરી શકો નહીં.) રમેશભાઈએ કમળાબહેનને કહ્યું કે, "હું તમારો એડવોકેટ છું. તમારે મને જે કહેવું હોય તે કહી શકો છો. તમારે કોઇનાથી ડરવાની જરૂર નથી. અને પોલીસ પણ મને તમારી સાથે વાત કરતા રોકી શકે નહીં" રમેશભાઈની વાત સાંભળીને પોલીસવાળીને દેશના કાયદાનું ભાન થયું અને ચુપચાપ અમારી વાતો સાંભળતી રહી.
 
કમળાબહેને તેમની વાત શરૂ કરી પરંતુ રમીલાબહેન વચ્ચે જ બોલી ઉઠ્યા, "એ રાક્ષસ (ભાજપનો ભૂતપૂર્વ સરપંચ પ્રહલાદ પટેલ) છે. એને છોડશો નહીં. મારા પતિને હાથકડી પહેરાવીને લઈ ગયા હમણાં અહીંથી," રમીલાબહેન અત્યંત ગુસ્સામાં હતા. માત્ર રમીલાબહેન જ નહીં, આખુ લાખવડ ગામ પ્રહલાદ પટેલની ગેંગના કારનામાઓથી ત્રાસેલું છે. પ્રહલાદ પટેલ મોદીના બે પ્રધાનો નીતીન પટેલ અને આર. એમ. પટેલની જાતિનો તો છે જ, એમનો ખાસ માણસ પણ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અને તેણે જ ખોટી એફઆઈઆર ઉભી કરાવીને પાંચ જણાને જેલમાં પુરાવી દીધા છે.  

પોલીસે ડીફોલ્ટરના પત્ની, તેના પુત્ર અને જામીનદારને જામીન થવાનું સમજાવનાર પટેલ દંપતિને પણ આઈપીસીની કલમ 406, 506 (2) અને 114 હેઠળ સાત સાત દિવસ સુધી જેલમાં ઠુંસી દીધા અને મેજિસ્ટ્રેટે પણ જામીન અરજી પાછી ઠેલી છે. આજે મહેસાણા સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી છે.



શનિવાર, 20 એપ્રિલ, 2013

શંકર પેન્ટર - કર્મશીલોના કવિ



પ્રો. પી. જી. જ્યોતિકર

ચિત્રકાર શંકરની સાહિત્ય સંપદા વિદ્રોહ મૂલક કવિતા બૂંગિયો વાગે’, ‘દાત્તેડાના દેવતા’, ‘હાચ્ચે હાચ્યું’ ‘બોલનઅ-ફાડ્યા’ ? વિશે દલિત સાહિત્યના દિગ્ગજ સાક્ષરો જેવા કે જોસેફ મેકવાન, ડૉ.મોહન રમાર, હરીશ મંગલમ્‌, દલપત ચૌહાણ, ડૉ.નાથાલાલગોહિલ ઈત્યાદિએ હેતના હુલાળે ઓવરણા લીધાં જ છે. જોસેફ મેકવાને શંકરને સતસૈયા સાથે સરખાવ્યા છે. તો ડૉ.ભરત મહેતાએ વિદ્રોહમૂલક કવિ કહ્યાં છે. સાહિલે તો આખાબોલા અખા અને મેઘાણીના વારસદાર કહ્યા છે ! તે જ તરાહ કર્મશીલ રાજુ સોલંકી એ ક્રાંતિકારી સલામ કરી છે. દલિત પત્રકારત્વ ક્ષેત્રે નબળાના બલવીર ચિત્રકાર કવિ શંકર મેહનતકશ મેહનતકશ લોકોના મુખપત્ર voice of the weakશ્રી જી. બી.પરમાર સાથે ૧૯૯૦-૯૪ના અરસામાં માસિક પત્રોનું વર્ષો સુધી સંપાદન કરી કર્મશીલ તરીકે આગવી પ્રતિભાની પ્રતીતિ કરાવી છે. સામાન્યતઃ સામાન્યતઃ કેટલાક માત્ર કવિ જ છે. તો કેટલાક માત્ર વાર્તાકાર લેખક છે. જ્યારે ચિત્રકાર કવિ શંકર તો સાથીદારો સાહિલ પરમાર, રાજુ સોલંકી, કનુ સુમરા કર્દમ સાથે શેરી નાટકો કર્યા છે. શેરીએ શેરીએ, ચાલીએ ચાલીએ ચાલી પોતાના પહાડી બુલંદ અવાજથી દલિતોમાં જાગૃતિ આણવાનું કઠીન કાર્ય કર્યું છે. જેનો હું ચશ્મદીદ ગવાહ છું. વળી  કયાંક આયોજક પણ રહ્યો છું.

(ભીમકથા અમૃતમની પ્રસ્તાવનામાંથી)

ચ્યમ્ લ્યા આટલું ફાટ્ટી જ્યુસ મારા હોમું હેંડતા હાળા


શંકર પેન્ટરની કઠોર કવિતાની દર્દનાક સંવેદનાઓ કે સત્યાર્થો રાજના સીમાડા વટાવી અન્ય દલિત સાક્ષરો સાથે વૈચારિક તાલમેલ સાંધી શકે છે. શંકર પેન્ટરે ચાળીસ વર્ષ અગાઉ સંવેદના ગ્રસ્ત ગાયકીમા ગાયું કે

"ચ્યમ્‌ લ્યા આટલું ફાટ્ટી જયું સ / પોલીસ પટેલ સરપંચ મારો / તલાટીને મંતરી મારો / ગોંમનો આખો ચોરો મારો / તાલુકાનો ફોજદાર મારો."

અને એ ટેલીપેથીએ હિંદી કવિ મલખાનસિંહની કવિતા જોઈએ.
"કી ગાંવ કા સરપંચ / ઈલાકે કા દરોગા / મેરા મૌસેરા ભાઈ હૈ /    કિ દિવાને આમ ઔર /  ખાસ કા હર રાસ્તા / મેરી ચૌરાહા સે હી ગુજરતા હૈ."

આ તેજાબી કલમો સરહદોને આંબીને પણ કેટલી સાથે સાથે દોડે છે! ગુજરાતી લિપિમાં લખતા શંકર સિમાડાઓ વિંધીને વંચિતોના રાષ્ટ્રીય લોકદુલારે કવિ થઈ દેશના દલિત કવિઓના હૃદયમાં શબ્દરૂપે વિરાજે છે. દલિત આંદોલનો ના એ ગાળાએ શંકર પેન્ટરની પ્હાડી હલકદાર કંઠની બળકટ બુલંદીથી  આકાશ તાંસળું પણ છલકાઈ ઉઠતું ! લોકશૈલીમાં શંકર ગર્જે ત્યારે આકાશે જાણે હાથીડો ના ગજર્યો હોય ! 

શંકર કયારેક ધમધમતી મીલોના ઝાંપે લોક ટોળામાં ગ્હેંકે તો કયારેક ચાલીઓની અર્ધખુલ્લી બદબુ મારતી ગટરના ઢાંકણે એક પગે ઊભા રહી બુલંદીએ બાળઅબાલના જીવતરની વાતો કરે ! ચાના ચપણિયા તોડી ઈતિહાસ મરોડવાનું અદ્‌ભૂત એલાન આપે. કયારેક ઝૂંપડપટ્ટીઓના ખૂણેખાંચરે ખાટલે બેસી દલિત ચેતનાનું રણશીંગુ ફૂંકે તો કયારેક લાલદરવાજા સર્કલ પર સહુ મિત્રો મળી બ્રાહ્મણવાદનો મૃત્યઘંટ વગાડે ! કયારેક ઉત્કર્ષ મંડળના કર્મચારીઓની જીલ્લા તાલુકા મથકે યોજાતી અવિસ્મરણીય દમન રેલીઓમાં દલિત કવિતાના કરંટ આંચકાઓ આપે !

અમદાવાદની રોસ્ટર અનામત બચાવ રેલીઓમાં અગ્ર હરોળે સાથીદારો સર્વશ્રી રાજુ સોલંકી, જયંતિ બારોટ, સ્વ. ભરત બોક્સર, સ્વ.અશ્વિન દેસાઈ, સાહિલ, કદર્મ કે જયંતિ ચૌહાણના હલ્લાબોલ સાથે સિંહ ગર્જનાઓ કરે, ગાંધીનગર કે અમદાવાદની રેલીઓમાં પોલીસ બર્બરક જંગાલીયત ભર્યા લાઠી દમનો વેળા દલિતવીરોના નાળિયેરની જેમ માથાની તુંબલીઓ તૂટતી હોય ત્યારે પણ શંકર પેન્ટરના પ્હાડી કંઠમાંથી ફૂટતી કાવ્યધારા કે શૌર્યવંત દલિત લોકભોગ્ય ગીતો સાંભળવા લોકમેદની હટવાનું નામ જ નહોતી લેતી તેનું સમગ્ર દલિત આંદોલન સાક્ષી છે.

ડો. નિતીન ગુર્જર (ભીમકથા અમૃતમની પ્રસ્તાવનાના કેટલાક અંશો)

સોમવાર, 8 એપ્રિલ, 2013

તમારું આ બાબતમાં શું કહેવું છે વાચકજી?

1996માં ડો. બાબાસાહેબ આંબેડકરના અંગ્રેજીમાં લખાયેલા અને મહારાષ્ટ્ર સરકારે છાપેલા ગ્રંથોના ગુજરાતી અનુવાદની કામગીરી પુરજોશમાં ચાલતી હતી. કોલેજોના માસ્તરો અનુવાદો કરી રહ્યા હતા અને તેમના રેઢિયાળ અનુવાદોના વેટિંગ (એડિટિંગ)નું કાર્ય એટલું કપરું હતું કે કોઈ એ કામ હાથમાં પકડતું નહોતું. ત્યારે વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડન ટુ ધી અનચટેબલ્સ?, ફાયનાન્સીયલ સીસ્ટમ ઑફ ઇસ્ટ ઇન્ડીયા કંપની, પ્રોબ્લેમ ઑફ રૂપી અને રીડલ્સ ઑફ હિન્દુઇઝમનું એડિટિંગ મારા હિસ્સે આવ્યું. વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડન ટુ ધી અનચટેબલ્સ?નું ગુજરાતી કરતી વેળાએ ગાંધીની પાછળ "જી" શબ્દ ઉમેરવાનો ખાસ આગ્રહ મુખ્ય સંપાદક એમ. કે. પરમારે રાખ્યો હતો. તેમનું કહેવું હતું કે ગુજરાતમાં ગાંધીની પાછળ "જી" શબ્દ લખવો પડશે. પછી, "કોંગ્રેસ અને ગાંધીજીએ અછૂતો માટે શું કર્યું?" એ શીર્ષકથી પુસ્તક પ્રગટ થયું. તમારું આ બાબતમાં શું કહેવું છે વાચકજી?

સમાનતાનો સંઘર્ષ બાબાસાહેબના માર્ગે જ શક્ય છે, ગાંધી માર્ગે નહીં



બાબાસાહેબ આંબેડકરની ૧૨૨મી જન્મજયંતી આવી રહી છે. આપણે સહુ બાબાસાહેબની જન્મજયંતી ધામધૂમથી મનાવવા થનગની રહ્યા છીએ. સમગ્ર દેશમાં કરોડો દલિતો-શોષિતો ૧૪મી એપ્રિલે બાબાસાહેબને દિલથી યાદ કરે છે. કેમ યાદ કરે છે?

કારણ કે, એવી ભયાનક ગરીબી, જેમાં પોતાના વહાલસોયા બાળકો દવા વિના મરી જાય, પ્રાણપ્યારી પત્ની લોકોના ઘરોમાં કચરા-પોતા કરતા કરતા બિમારીમાં દમ તોડે તો પણ દલિતો-શોષિતો-વંચિતોની મુક્તિ માટે તેઓ જીવનભર ઝઝુમ્યા. (મોહનદાસ ગાંધીને તો તાતા-બિરલા-બજાજ જેવા કરોડપતિઓનો સાથ હતો).

કારણ કે, બાબાસાહેબે જાતિપ્રથાને ખતમ કરવાના સચોટ ઉપાયો બતાવ્યા. તેમણે હિન્દુ ધર્મના મંદિરોમાં પુજારી, પુરોહિત તરીકે તમામ જાતિના લોકોને બેસાડવાની ક્રાંતિકારી હિમાયત કરી, ત્યાં સુધી કે શંકરાચાર્યના પદ પર પણ માત્ર બ્રાહ્મણ શા માટે હોય એક અછૂત પણ હેાય તેવી વાત કરી. યાદ રાખજો બાબાસાહેબની પહેલા આ વાત શાહુ શાહુ મહારાજ અને સયાજીરાવ ગાયકવાડે પણ કરી હતી.

કારણ કે, બાબાસાહેબે આપણા દેશનું બંધારણ ઘડ્યું, પરંતુ તેમનું અસલી બંધારણ તો તેમણે સ્ટેટ એન્ડ માઇનોરિટીઝ નામના પુસ્તકમાં મુક્યું. તેમાં તેમાં તેમણે સમગ્ર દેશની ખેતીલાયક જમીનના રાષ્ટ્રીયકરણની વાત કરી, જમીન વિના ટળવળતા દલિતો-શોષિતો (તાતા-બિરલા-અંબાણીને નહીં) સ્વમાનભેર જીવી શકે તે માટે જમીન આપવાની હિમાયત કરી.

કારણ કે, બાબાસાહેબ બિનસાંપ્રદાયિકતામાં માનતા હતા. તેઓ માનતા હતા કે શાસકનો કોઈ ધર્મ હોતો નથી, તેનો એક માત્ર ધર્મ છે પ્રજાધર્મ. શાસક હિન્દુ નથી, બૌદ્ધ નથી, મુસલમાન નથી, ખ્રિસ્તી નથ નથી, શીખ નથી. જો કોઈ શાસક એક ધર્મર્ની તરફદારી કરે અને બીજા ધર્મના લોકો સામે ધિક્કાર ફેલાવે તો બાબાસાહેબની નજરમાં તે શાસક નથી.

કારણ કે, બાબાસાહેબ અહિંસામાં માનતા હતા. ભોળી પ્રજામાં ત્રિશુળો કે બંદુકો વહેંચીને હિંસા ફેલાવવામાં બાબાસાહેબ માનતા નહોતા.  

કારણ કે, બાબાસાહેબ કાયદાના શાસનમાં માનતા હતા. અત્યાચાર કરનારને ગુલાબના ફુલ આપીને ગાન્ધીગીરી કરીને નહીં, બલકે કાયદાના શાસન દ્વારા સીધો કરવાના ઉપાયો તેમણે આપણને આપ્યા હતા. એટલે તેમણે જેમના હાથમાં કોઈ હથિયાર નથી તેવા તથાગતનો ધર્મ અપનાવ્યો.

કારણ કે, બાબાસાહેબ સાદગીમાં માનતા હતા. પરંતુ દલિતો-શોષિતો-ગરીબો પોતડી પહેરતા ફરે અને હાંસીપાત્ર બને તેવું ઇચ્છતા નહોતા. સફાઈ કામદારની દીકરી ડોક્ટર બને પરંતુ તેણે તેની આજીવિકા તો ઝાડુ મારીને જ રળવી એવું મોહનદાસ ગાંધીએ કહ્યું હતું.
કારણ કે, બાબાસાહેબે દલિતોના સાચા પ્રતિનિધિઓ ચૂંટાઈ શકે તે માટે અલગ મતાધિકારની હિમાયત કરી હતી. તેમને દબાવવા મોહનદાસ ગાંધીએ ત્રાગું કર્યું અને સફળ થયા. આઝાદી પછી સવર્ણોના મતથી ચૂંટાતા દલિતો (રાજકીય ભિખારીઓ) આપણા પ્રશ્નો ઉકેલવાના નથી તેની બાબાસાહેબને ખબર હતી. 

કારણ કે,  બાબાસાહેબે દલિતો-શોષિતો-ગરીબોને ત્રીજા પક્ષ તરીકે સંગઠિત થવા જણાવ્યું હતું, જેથી સત્તાની સમતુલા તેમના હાથમાં રહે. દલિતોની આગેવાની હેઠળ રાજકીય પક્ષ હોવો જોઇએ એવું તેઓ માનતા હતા. (ગાંધી સવર્ણોની આગેવાનીમાં માનતા હતા.)

કારણ કે, બાબાસાહેબ દેશના ગામડાઓને ભરડો લઇને બેઠેલા જાતિવાદ સામંતી તત્વોને ઓળખતા હતા. આ ગામોમાં વખત આવ્યે તમામ સવર્ણો દલિતોની વિરુદ્ધમાં થઈ જાય છે એની તેમને જાણ હતી. એટલે તેમણે અલગ વસાહતની હિમાયત કરી હતી, કે જેમાં આવા સો-બસો ગામોના દલિતોને એક જ ઠેકાણે સરકારના ખર્ચે વસાવાય અને ત્યાં જ રોજગ રોજગારીનો પ્રબંધ પણ થાય. 

કારણ કે, બાબાસાહેબે દલિતોને અંગ્રેજીમાં લખવા, બોલવાની મોટી પ્રેરણા આપી. ગરીબોના છોકરા ગુજરાતીમાં ભણે અને મારા છોકરા અંગ્રેજી માધ્યમમાં ભણીને અમેરિકામાં સેટલ થાય એવી દંભી નીતિ બાબાસાહેબની નહોતી.

કારણ કે, બાબાસાહેબ રાષ્ટ્રપિતા મહાત્મા જોતિબા ફુલે અને સાવિત્રીમાઈના સાચા અનુયાયી હતા. રાષ્ટ્રપિતા મહાત્મા જોતીબા અને સાવિત્રીમાઈનો વારસો બાબાસાહેબે આગળ ધપાવ્યો હતો. યાદ રાખજો, સાવિત્રીમાઈએ ક્યારેય  રાષ્ટ્રપિતા મહાત્મા જોતીબાને ઘર છોડવાની ધમકી આપી નહોતી. 

કારણ કે, બાબાસાહેબ આ દેશની વિવિધતાનો આદર કરતા હતા. મારો જ ધરમ સાચો, મારી જ રહેણી કરણી સાચી એવા અંતિમવાદી બાબાસાહેબ નહોતા. હું શાકાહારી છું, એટલે માંસાહાર કરનારા હલકા છે, એમને દેશમાંથી તગેડી મુકવા જોઇએ એવું બાબાસાહેબ માનતા નહોતા.