કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 27 ફેબ્રુઆરી, 2013

સુરેશ ગોગીયાનો છૂટકારોગઈ કાલે સાંજે 6 વાગે સુરેશ ગોગીયા સુરેન્દ્રનગર સબ જેલમાંથી છૂટ્યો. ઘણા દિવસોની તપસ્યા બાદ દિકરાને જેલમાંથી મુક્ત થયેલો જોઇને સુરેશના પિતા વાલજીભાઈની આંખમાં આંસુ આવી ગયા. છેલ્લા પાંચ મહિનાથી વાલજીભાઈ વિહ્વળ હતા. તેમના દીકરાને અકારણ પોલિસ પકડીને લઈ ગઈ હતી. ત્રણ કિશોરોના મૃત્યુ પછી થાનગઢમાં હજારો દલિતો આવ્યા અને ગયા. શહીદોના નામ પર ઘણો તમાશો થયો.  ભાજપ-કોંગ્રેસે પેટ ભરીને રાજકારણ ચલાવ્યું, રાજકીય પક્ષોના મોટા મોટા નેતાઓ આવ્યા, પરંતુ કોઇએ વાલજીભાઈને ઘરે જઇને સુરેશના ત્રણ છોકરાઓ તથા તેની પત્નીની ખબર પણ ના પૂછી. કોઇએ ગરીબી અને બદકિસ્મતીના શિકાર સુરેશ ગોગીયાના પરિવારને એક રૂપિયાની પણ મદદ કરવાનું ઉચિત ના માન્યુ.

25 સપ્ટેમ્બર 2012ના રોજ જ્યારે અમે થાનગઢ ગયા હતા અને ચલો થાનનો કોલ આપ્યો હતો ત્યારે સુરેશ ગોગીયાની પત્નીએ ચીસો પાડી પાડીને જણાવ્યું હતું કે, કેવી રીતે તેના નિર્દોષ પતિને પોલિસ લઈ ગઈ હતી. એક સીધો સાદો માણસ જેણે પોતાની 35 વર્ષની ઉમરમાં કોઈને થપ્પડ પણ ના મારી હોય તેના પર કેવા કેવા ભયાનક અપરાધો ઠોકી દેવામાં આવ્યા છે. ત્યારે અમે મનોમન નિશ્ચય કર્યો હતો કે સુરેશ ગોગીયાને ન્યાય આપવા માટે અમે જરૂર કંઇક કરીશું.

ગઈ કાલ સવારે સાથી મહેશ ચોહાણ અને કનુ સુમરા સાથે અમે સુરેન્દ્રનગર જવા નીકળ્યા, ત્યારે દિલમાં એક જ ઉમ્મીદ હતી કે આજે સાંજ પહેલા સુરેશ ગોગીયાનું તેના વ્યાકુળ પરિવાર સાથે મિલન થઈ જાય. અમદાબાદથી લીંમડી એડિશનલ સેશન્સ જજની કચેરી જવાનું, ત્યાંથી બેઇલ ઓર્ડરનું રજિસ્ટ્રેશન કરાવવા માટે સુરેન્દ્રનગર જવાનું, ફરી સુરેન્દ્રનગરથી લીંમડી કોર્ટમાં બેઇલ પર જજની સહી લેવાની, અને પછી કોર્ટનો આદેશ લઇને ફરી સુરેનદ્રનગર સબ જેલ જઇને સરેશ ગોગીયાની જમાનત કરાવવાની. આખો દિવસ આજ દોડધામમાં નીકળી ગયો અને બધા સાથીઓ તથા સુરેશના પિતા થાકી ગયા. પરંતુ સાંજે જ્યારે સુરેશ જેલથી બહાર આવ્યો ત્યારે બધાનો થાક દૂર થઈ ગયો.

આદરણીય જજ સોનિયા ગોકાણીએ સુરેશની નિયમિત જામીનની અરજી મંજુરી કરતી વેળાએ એ તમામ બાબતો પર ધ્યાન આપ્યું હતું કે 1) સુરેશ પર સેક્શન 307 હેઠળ ગંભીર આરોપો મુકવામાં આવ્યા છે, 2) (જે વ્યક્તિઓને ઇજા પહોંચાડવાનો આરોપ તેના પર છે તેમને) મામૂલી ઇજા થઈ છે એવું રેકોર્ડથી ખબર પડે છે, 3) (સુરેશે) કોઈ ખાસ વ્યક્તિને ઇજા પહોંચાડવામાં ચોક્કસ ભૂમિકા ભજવી નથી. બચાવ પક્ષની આ દલીલોને કોર્ટે એક રીતે સ્વીકારીને સુરેશને જામીન આપ્યા છે. 

વરિષ્ઠ, વિદ્ધાન એડવોકેટ મુકુલ સિંહા, તેમની ટીમ તથા આદરણીય વાલજીભાઈ પટેલના અમૂલ્ય માર્ગદર્શન તથા મહેતનના કારણે એક સારું કાર્ય સપંન્ન થયું તેનો અમને આનંદ છે. ચાર દિવાલોની અંદર ભાષણ કરતા જે આનંદ મળે છે તેના કરતા અનેકગણો, છાપાઓમાં પોતાનું નામ શોધતા જ્યારે તે એક ખૂણામાં દેખાય છે ત્યારે તેનાથી મળતા બાલિશ આનંદ કરતા પણ સહસ્ત્રગણો આનંદ અમને આ કાર્યમાંથી મળ્યો છે. આવનારા દિવસોમાં સૌ સાથી સંગઠિત થઇને આપણા બેબસ લોકો માટે કામો કરતા રહેશે તેવી આશા કરવી અનિચ્છનીય નથી.    

સોમવાર, 18 ફેબ્રુઆરી, 2013

રામને જુતા મારનાર પેરીયારનું પ્રવચનતમે સ્વાભિમાન ચળવળના સિદ્ધાંતો વિષે જાણો છો? હું તમને કહું છું. એ સિદ્ધાંતો છે,


ઇશ્વરનો નાશ થવો જ જોઇએ.

ધર્મનો નાશ થવો જ જોઇએ.
કોંગ્રેસનો નાશ થવો જ જોઇએ.
ગાંધીવાદનો નાશ થવો જ જોઇએ.
બામણવાદનો નાશ થવો જ જોઇએ. 


- પેરીયાર રમાસ્વામી નાયકર.

(14 એપ્રિલ, 1987એ જાતિ નિર્મૂલન સમિતિએ દક્ષિણ ભારતના મહાન રેશનાલિસ્ટ પેરીયાર રામાસ્વામી નાયકરનું અંતિમ પ્રવચન ‘બામણવાદ સામેના યુદ્ધની ઘોષણા’નો ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કર્યો હતો. 32 પાનાનું આ પ્રવચન વીસમી સદીના એક મહાન ક્રાન્તિકારીની વિચારધારાનો ઐતિહાસિક દસ્તાવેજ છે. દરેક રેશનાલિસ્ટે આ પ્રવચન વાંચવા જેવું છે.)

શુક્રવાર, 8 ફેબ્રુઆરી, 2013

‘બોક્સર’ ભરત વાઘેલા - ગુજરાત સમાચારના તંત્રીને તમાચો ઠોકનાર યુવાનની ચિરવિદાય

વૈકલ્પિક વ્યવસ્થા આપવાની જાહેરાત કરતા મેયર ગોપાલદાસ સોલંકી. બાબાસાહેબના તૈલચિત્રના સાનિંધ્યમાં લડાકુ કર્મશીલ ભરત વાઘેલા
વિશ્વ કેન્સર દિવસની પૂર્વસંધ્યાએ દલિત આંદોલનના બહાદુર, જિંદાદિલ, લડાકુ કર્મશીલ ભરત વાઘેલાએ આપણી વચ્ચેથી યુવાન વયે ચિરવિદાય લીધી અને એ પણ કેન્સરનો ભોગ બનીને એ એક અત્યંત હ્રદયવિદારક ઘટના હતી. ‘બોક્સર’ના હુલામણા નામથી જાણીતા ભરત વાઘેલાનો પરિચય 1981ના અનામત વિરોધી રમખાણો વખતે થયો હતો, જ્યારે તેમના જેવા મુઠ્ઠીભર યુવાનો જીવના જોખમે અમદાવાદમાં અનામત-વિરોધીઓ વચ્ચે ઘેરાયેલા દલિતોના મહોલ્લાઓની વહારે ચડ્યા હતા. આજે અનામતનો ફાયદો મેળવનારા લોકોએ મને કમને સમાજ પરિવર્તનની વાત વિસારે પાડી દીધી છે ત્યારે જૂની અને નવી બંને પેઢીઓએ ભરત વાઘેલાની સ્મૃતિ તાજી કરવા જેવી છે. 

ભરત ખાનપુરના મિરાસીવાડમાં જન્મ્યા હતા. તેમના પિતા મીન્ટુભાઈ ગાંધીજીના અંતેવાસી કીકાભાઈ અને કેશવજી વાઘેલાના પરિવારમાંથી આવતા હતા એટલે સામાજિક નિષ્ઠા અને રાજકીય સૂઝ-સમજ ભરતભાઈને વારસામાં જ પ્રાપ્ત થઈ હતી, એટલે તેઓ નાનપણથી બાબાસાહેબ આંબેડકર અને કાર્લ માર્ક્સની ઉદ્દામ વિચારસરણી તરફ આકર્ષાયા હતા. ગુજરાતમાં દલિત પેંથરની સ્થાપના થઈ ત્યારે અમદાવાદના ખાનપુર વિસ્તારથી એક ઐતિહાસિક રેલી નીકળી હતી અને છેક બહેરામપુરા કેલિકો મિલના મેદાને જઇને જાહેરસભાના રૂપમાં ફેરવાઈ હતી. મીરાસીવાડના તરવરીયા યુવાન પેંથર ભીખુભાઈ પરમારની આગેવાની હેઠળ હજારો યુવાનો ‘જય ભીમ’ના નારા પોકારતા જયપ્રકાશ ચોકમાં એકઠા થયા હતા. ભડભડતી આગમાં કૂદી પડવાનું હોય અને પાછા પડે તો એ ભરત વાઘેલા નહીં. જેતલપુરના દલિત યુવાન શકરાને જ્યારે જીવતો સળગાવ્યો ત્યારે ભરત વાઘેલા એકલા હાથે શકરાની બળેલી લાશ ઉંચકીને સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી બહાર લઇને આવ્યા હતા. તેમની સાથે ખાનપુર સહિત સમગ્ર અમદાવાદના હજારો યુવાનો જોડાયા હતા અને જેતલપુર તથા સમગ્ર ગુજરાતને દલિત આક્રોશનો પરિચય કરાવ્યો હતો.

1981 પછી જાતિ નિર્મૂલન સમિતિની સ્થાપનામાં ભરત વાઘેલાએ પાયાની ભૂમિકા ભજવી હતી અને તેમની સાથે ફદાલી વાસના દિવંગત ધનસુખ કંથારીયા, રાજેન્દ્ર જાદવ, નવનીત રાઠોડ, મનુભાઈ પરમાર, રાયખડના કનુ સુમરા જોડાયા હતા અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ‘બામણવાદની બારાખડી’ નામનું ઐતિહાસિક શેરી નાટક ભજવ્યું હતું. 1985માં અનામતની તરફેણમાં દલિત સમાજની સંગઠિત તાકાત ઉભી કરવામાં ભરત વાઘેલા જેવા યુવાનોએ અપ્રતિમ ફાળો આપ્યો હતો. અમદાવાદમાં બોમ્બ ઘડાકા થતા હોય અને જાતિ નિર્મૂલનના યુવાનો પરા વિસ્તારોમાં શેરી નાટકો કરતા અને હજારો લોકો તેમને જોવા સાંભળવા એકઠા થતા હતા. કલોલમાં અનામત-તરફી રેલી નીકળવાની હતી ત્યારે બે દિવસ અગાઉ જાતિ નિર્મૂલન સમિતિના યુવા કલાકારો પહોંચી ગયા અને કલોલના વિવિધ વિસ્તારોમાં શેરી નાટકો ભજવીને લોકોને મોબીલાઈઝ કર્યા હતા. રેલી નીકળી ત્યારે રસ્તામાં કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો અને લોકો ગભરાઈને નાસભાગ કરવા લાગ્યા ત્યારે જાતિ નિર્મૂલનના કાર્યકરો રસ્તા વચ્ચે ઉભા રહી ગયા અને રેલીને ગંતવ્ય સ્થાને પહોંચાડી હતી. કટોકટીના આવા તમામ પ્રસંગોએ ભરત વાઘેલા ચટ્ટાનની જેમ અડીખમ ઉભા રહેતા હતા. 

1981 અને 1985માં ગુજરાતના અખબારોએ વિકૃત, ખોટા, એકતરફી સમાચારો છાપીને દલિત-વિરોધી માનસિકતાનો જુવાળ ઉભો કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડીયાએ  વરિષ્ઠ પત્રકાર બી. જી. વર્ગીઝની આગેવાની હેઠળ નામાંકિત પત્રકારોની તપાસ સમિતિ ગુજરાત મોકલી હતી અને તેમણે તલસ્પર્શી છણાવટ પછી ‘ક્રુકેડ મીરર’ (કપટી અરીસો) નામનો રીપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં ગુજરાત સમાચાર, સંદેશની જાતિવાદી, દલિત-વિરોધી માનસિકતા ઉજાગર કરી હતી. ઘણા લોકોને આ તમામ હકીકતોની ખબર છે, પરંતુ બહુ થોડા લોકોને એ વાતની ખબર છે કે 1985માં ગુજરાત સમાચારના ખાનપુરમાં આવેલા પ્રેસની બહાર જ ભરત વાઘેલાએ તંત્રી શાંતિલાલ શાહના ગાલે એક સણસણતો તમાચો ઠોકીને જાતિવાદી તંત્રીની શાન ઠેકાણે લાવી દીધી હતી. 

માત્ર પાંચ ફૂટની ઉંચાઈ ધરાવતા ભરત વાઘેલાની ભીતરમાં ઉર્જાનો અપ્રતીમ સ્રોત હતો. એમના લોખંડી પંજાનો જેમણે સ્વાદ ચાખ્યો હોય તે જિંદગીભર ભૂલતા નહોતા. આજથી ત્રીસ વર્ષ પહેલાં ખાનપુરની લકી હોટલ પર એક સાથે અડધો ડઝન મવાલીઓનો મુકાબલો કરીને માત્ર એક જ મુક્કામાં તેમને ભોંયભેગા કરનારા ભરત વાઘેલાને જેમણે જોયા છે તેવા લોકો આજે પણ એ દિલેર યુવાનને દિલથી યાદ કરે છે અને કહે છે કે જાતિવાદી-કોમવાદી મવાલીઓથી દલિત સમાજનું રક્ષણ કરનારા નરબંકાઓને આપણે ભૂલી શકીશું નહીં. ગુજરાતના ગામડાઓમાં ક્યાંય પણ અત્યાચાર થયા હોય ત્યારે દલિતોની પડખે જઇને ઉભા રહેવા માટે ભરત વાઘેલા હંમેશાં તત્પર રહેતા અને પોતાની આછી પાતળી કમાણી તેમાં વપરાય જાય તો તેની પણ પરવા કરતા ન હતા. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનું ટોડા ગામ હોય કે બનાસકાંઠાનું સાંબરડા ગામ હોય, ભરત વાઘેલા આ લખનારની સાથે અચૂક પહોંચી જતા અને લોકોને જૂલ્મોની સામે લડવાનો જુસ્સો પૂરો પાડતા હતા. 1989માં અમદાવાદમાં ટોડા-સાંબરડાની રેલી યોજવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને વરસતા વરસાદમાં પત્રીકાઓ વહેંચી હતી. 

1989માં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા બ્રહ્માણીનગર પર મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝરો ફરી વળ્યા અને ભર ચોમાસામાં દલિતોના બસો પરિવારોના માથેથી છત ઉખડી ગઈ ત્યારે દાણાપીઠ પાસે આવેલી કોર્પોરેશનની કચેરીના કમ્પાઉન્ડમાં હિજરત કરીને ધરણા પર બેઠેલા દલિતોને એક મહિના સુધી ભરત વાઘેલા અને કનુ સુમરાની આગેવાની હેઠળ રાયખડના સરફરોશ યુવાનોએ રસ્તા પર દેગો ચડાવીને જમાડ્યા, આંદોલન ચલાવ્યું અને ઘરવિહોણા દલિતોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની મેયર ગોપાલદાસ સોલંકીને ફરજ પાડી હતી.

1985માં અનામતના વિરોધમાં સમગ્ર ગુજરાત બંધનો કોલ અપાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ પણ કોલમાં જોડાઈ હતી અને મંદિરો બંધ રાખ્યા હતા. જાતિ નિર્મૂલનના મિત્રોએ લાલ દરવાજા દેખાવો કર્યા હતા. પોલિસે તેમની ધરપકડ કરીને બે દિવસ ગાયકવાડની હવેલીના લોકઅપમાં રાખ્યા હતા. ત્યારે ભરત વાઘેલા અમારી પડખે અડીખમ યોદ્ધાની જેમ ઉભા હતા. આજે કશું પણ કર્યા વિના લોકો સમાજ માટે બહુ મોટા કામો કર્યા હોવાનો દેખાડો કરે છે ત્યારે ભરત વાઘેલા જેવા સમાજ માટે મરી ફીટનારા યુવાનોની ઘણી ખોટ સાલશે. ટીકેશ મકવાણા, પ્રો. બાબુભાઈ કાતીરા (કોડીનાર)ના અકાળ અવસાનો પછી ભરત વાઘેલાના યુવાન વયે દુખદ અકાળ અવસાનથી દલિત સમાજ રાંક બન્યો છે. એમના જીવનના પ્રેરણાદાયી તત્વો આપણને સદા સમાજના ઉત્થાન માટે કાર્ય કરવા પ્રેરતા રહે તેવી ભાવના સાથે વીરમુ છું.
શુક્રવાર, 1 ફેબ્રુઆરી, 2013

મને ન્યાય કોણ અપાવશે?દીકરાની લોહી નીંગળતી લાશ લઇને એક દલિત પિતા દોડતા દોડતા જાય છે, રસ્તામાં એને એક નેતા મળે છે. ખાદીના કપડાં, માથે સફેદ ટોપી, મોટું પેટ. પિતાએ નેતાનો હાથ પકડીને કહ્યું, ''મારો એકનો એક દીકરો .... જુઓ એની દશા.''

''હવે હું શું કરું? ચૂંટણીમાં તેં અમને વોટ ના આપ્યા. અમારી સરકાર સત્તા પર આવી હોત તો તને ન્યાય અપાવત,'' નેતાએ પિતાનો હાથ તરછોડતા કહ્યું. 

પિતા લાશ લઇને આગળ ચાલ્યા. આગળ એક મોટું ટોળું ચાર રસ્તા વચ્ચે એકઠું થયું હતું. સભા ચાલતી હતી. ''આપણે સાહેબને દિલ્હી મોકલવાના છે, તૈયાર થઈ જાવ.'' પિતાએ દીકરાની લાશ સ્ટેજ પર મૂકીને ટોળા સામે જોયું. ''અમારે તો ગાંધીનગર જવાનું છે. મુખ્યમંત્રીના સન્માન સમારોહમાં,'' એમ કહેતાં કહેતાં ટોળું વિખરાઈ ગયું.

પિતા થોડા આગળ ગયા. એક દીક્ષાદૂત ધર્મપરિવર્તનની પત્રીકા વહેંચતો હતો. ''ધર્મ પરિવર્તન કરી નાંખો. આ લોકોની ચુંગાલમાંથી છૂટી જાવ.'' દીક્ષાદૂતે પિતાના હાથમાં પત્રીકા પકડાવી દીધી. 

''મને ન્યાય કોણ અપાવશે?'' પિતા માથે હાથ દઇને લાશ પાસે બેસી ગયા.