કુલ પૃષ્ઠ અવલોકનો

શનિવાર, 8 નવેમ્બર, 2014

એ તાકાત, એ ઉર્જા હર સમયના હર આંદોલનકારીઓને મળો


આદિવાસી વિસ્થાપિતોના સમર્થનમાં મળેલા દલિત સંમેલનમાં ઠરાવ વાંચતા નયન શાહ


પહેલાં અશ્વિન દેસાઈ (1996), પછી કર્દમ ભટ્ટ (2014) અને ગઈ કાલે નયન શાહના નિધન સાથે ગુજરાતની પ્રગતિશીલ ડાબેરી ચળવળની પાંખી સરવાણી ઓર ક્ષીણ બની. ગુજરાતના સટ્ટાબાજ, ગણતરીબાજ, સ્વાર્થી મઘ્યમવર્ગમાં આવા વિરલાઓ પેદા થયા હતા એ આવતીકાલે કોણ માનશે?

અશ્વિન દેસાઈ કાયદાના સ્નાતક હતા. ધાર્યું હોત તો ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરીને લાખો રળી શક્યા હોત. કર્દમ ભટ્ટ વિજ્ઞાનના સ્નાતક હતા અને બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. રૂપિયા કમાવવા એ એમના માટે ડાબા હાથનો ખેલ હતો. ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક નયન શાહે 1985માં ગાંધીનગરમાં જુના સચિવાલય પાસેના ખુલ્લા મેદાનમાં ચાની કીટલી શરૂ કરી હતી. વચ્ચે થોડો સમય રિક્ષાઓ પણ ચલાવી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને ગેઝેટેડ અધિકારી થયા હોત તો પાંચ કરોડના આસામી થયા હોત અને ફુલાવેલા ગાલે “ગુજરાતમાં પ્રગતિશીલ આંદોલનોનું નખ્ખોદ કેમ વળી ગયું” એવા કોઈ વિષય પર યોજાતા સેમિનારમાં કલાકો સુધી ચર્ચા કરી શક્યા હોત.

પરંતુ, આ જીવડાઓ ભારે અજંપ હતા. કલાકો સુધી મૈસુર કાફેમાં ક્રાન્તિની રણનીતિઓ ઘડતા હતા. રાત્રે દિવાલો પર પોસ્ટરો ચીપકાવતા હતા. ક્યારેક નરોડા પોટરી કામદારો વચ્ચે જઇને બેસતાં તો ક્યારેક લાલ વાવટાની રેલીઓ સફળ બનાવવા હડીયો કાઢતાં. એમના સમયનું અમદાવાદ જુદું હતું. ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં હજાર માણસ ખાસ બજાર પાસેના મેદાનમાં મીણબત્તીઓ લઇને આવી જતું, યુનિયન કાર્બિઇડના ઝેરી ગેસથી રીબાઈ રીબાઈને દમ તોડનારા ભારતવાસીઓની યાદમાં જુલુસ કાઢતું. કોઇના મોઢેથી ભારતમાતા કી જયના ચિત્કારો નીકળતા નહોતા અને છતાં સહું પાક્કા દેશભક્ત હતા. એ અમદાવાદ અનોખું હતું.    

એ અમદાવાદ પર આજે સમયની રાખ ફરી વળી છે. દોસ્ત નયનના અકાળ અવસાનથી એ રાખ પર સૂતેલી સ્મૃતિઓ આજે ફરી તાજી થઈ ગઈ છે. રાતના અંધારામાં અશ્વિન દેસાઈની એ તગતગતી આંખો દેખાય છે અને એનો ધીમો પણ મક્કમ સૂર સંભળાય છે. જાણે આજે પણ કહી રહ્યો છે, “આધા આકાશ નારી હૈ, શેષ પુરુષ સંસાર” સામા પૂરે તરવાની એમની ઘેલછા યાદ આવે છે. નવી દુનિયા રચવા માટે ખપી જવાની એમની ઝિંદાદિલી યાદ આવે છે. એમના પવિત્ર સ્મરણોથી આજે પણ મારી વેરાન રાતોનો ખાલીપો ભરાઈ જાય છે. એમના હોવાનો એક અહેસાસ સતત મારી સાથે છે. ભગતસિંહના નાટકને જોઇને લાલ દરવાજા ટર્મિનસની ફુટપાથ પર છાપા પાથરીને બેઠા પછી પરોઢનું મોંસૂઝણું થયું ત્યાં સુધી સહું બેઠા છે. કોઇને ઘરે જવાની ઇચ્છા થતી નથી. એ રાત પૂરી ના થાય અને અમે ગાતા રહીએ કે “વહ સુબહા કભી તો આયેગી....”

1994માં નયન સાથે સરદાર સરોવરના ડૂબમાં જઈ રહેલા ગામો પર ગયો, મણીબેલીની મુલાકાત લીધી. પછી અમદાવાદમાં આદિવાસી વિસ્થાપિતોના સમર્થનમાં દલિત સંમેલન મળ્યું. અમે મુઠ્ઠીભર હતા અને સામે કોંગ્રેસ-ભાજપનું દળકટક હતું. હોકીઓ લઇને પોલિસ હોલમાં બેઠી હતી, તૂટી પડવા માટે તૈયાર. પણ અમને કોઇનો ભો નહોતો. સહુ જાણે એકબીજામાંથી એવી અસીમ ઉર્જા પ્રાપ્ત કરતા કે એક રક્ષાકવચ રચાઈ જતું હતું. એ તાકાત, એ ઉર્જા હર સમયના હર આંદોલનકારીઓને મળો. કર્દમ, અશ્વિન, નયન – તમારો વંશવેલો અમરવેલની જેમ વધો. તમારી લોહીઝાણ પ્રતિબદ્ધતા દરેક શોષિતના સીનામાં અમરવેલની જેમ ઉગો. તમારા બલિદાનો કદી એળે ના જાય. નવલી દુનિયાના તમારા સપનાં સાકાર થાય. આમીન.


2 ઓક્ટોબર 2014. અમદાવાદ