રાજકોટના થોરાળા વિસ્તારમાં 25 જૂને એક દલિત યુવાનની હત્યા પછી દલિતો પર થયેલા
પોલીસ દમનની વિગતો અખબારોમાં આવી નથી. સોળ વર્ષની રૂપા સોંદરવા ઘરમાં ઉપલા માળે
રાંધતી હતી. પડોશના ઘરના દરવાજામાં બાકોરું પાડીને દાખલ થયેલા પોલીસો અગાસીમાંથી
રૂપાના ઘરમાં ઘૂસ્યા અને તેને લાકડીઓથી ઝૂડવા માંડી. રૂપા બીકની મારી સીડી તરફ
દોડી તો તેને પીઠ પર લાત મારી, સીડી પરથી ગબડાવી તેની કમર તોડી નાંખી. રૂપાને રાજકોટ
સીવીલમાં સારવાર મળી નહીં, પોલીસના ડરથી તેના કેસના કાગળોમાં કમર તૂટવાનું કારણ પણ
લખાયું નહીં.
ત્રીસમી તારીખે રાજકોટની મુલાકાતે અમે ગયા હતા. રૂપાના ઘર આગળ જ અમે બેઠા હતા.
રૂપાના પિતા સવજીભાઈને ફરિયાદ કરવા માટે સમજાવ્યા. "મેં હવારે જ મારું ઘર ગીરવે મુક્યું સે 30,000 રૂપિયામાં. હું મારી દીકરીને
પાઇવેટમાં દાખલ કરીશ, ફરિયાદ કરું તો મારા હાડકા ભાંગી નાંખશે, હું આ ઘરને તાળા મારીને જતો રહીશ," આ એમના શબ્દો હતા. "તમે અમારા સમાજના છો, એટલે તમારા માટેની લાગણીથી
પ્રેરાઈને અમે અહીં આવ્યા છીએ. રૂપાને અહીં સારવાર ના મળે તો અમદાવાદમાં લઈ આવજો," આનાથી ઝાઝુ સવજીકાકાને કહી શકાય એમ નહોતું.
બીજા દિવસે રાત્રે બાર વાગે સંબંધીઓ રૂપાને અમદાવાદ લાવ્યા. તેમની સાથે રહીને
રૂપાને સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા પછી સતત આપણે તેમના સંપર્કમાં છીએ. હાલ
તેને સ્પાઇન વિભાગમાં લઈ ગયા છે. રૂપાને સારામાં સારી સારવાર મળે તે માટે આપણે સૌ
કૃતનિશ્ચયી છીએ, પરંતુ હવે ખરેખર આભ ફાટ્યું છે. રૂપાના ઘરથી થોડેક જ દૂર રહેતા આંબેડકરનગરના
નવ વર્ષના કરણને હવે યાદ જ નહીં હોય કે એણે કેટલીવાર જાહેરમાં એનું પેન્ટ ઉતાર્યું
અને લોકોને એના ગુપ્તાંગ પર થયેલી ઇજા બતાવી. "પોલીસે મને એકી કરવાની જગ્યાએ લાત મારી," એવું એ કહીને એ એની માતા જયાબહેનને જે રીતે બાથ ભીડી દે છે એ દ્રશ્ય જોઇએ તો
ખબર પડે કે એના પર શું વીતી રહી છે.
અમારી રાજકોટ મુલાકાત ટાણે જ અનુસૂચિત જાતિ આયોગના રાજુ પરમાર લાલ લાઇટવાળી
ગાડીમાં આવેલા. એમની સાથે ફોન પર વાત કરી. એમને કરણના કિસ્સા અંગે માહિતી આપતા
એમણે તાત્કાલિક કલેક્ટર કચેરીમાં આવી જવા જણાવ્યું. કરણે કલેક્ટર કચેરીમાં પણ
પેન્ટ ઉતાર્યું. આ વખતે તે માતાની સોડમાં ભરાયો નહીં, મક્કમતાથી ઉભો રહ્યો.
કલેક્ટર ત્રીવેદી, એસીપી ડો. રાવના ચહેરાઓ પર ભોંઠપ જણાતી હતી. આયોગે કલેક્ટરને
એક્શન ટેકન રીપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો અને પાંચ વાગ્યાની ફ્લાઇટ પકડવા
ઉતાવળે રવાના થયા.
અમે પાછા આંબેડકરનગર આવ્યા. હજુ ઘણી વિતકકથાઓ રાહ જોતી હતી. 42 વર્ષના પ્રવીણ
નકુમને ઘરમાં ઘૂસીને માર્યા, ત્રણ દિવસ ગેરકાયદેસર અટકાયતમાં રાખ્યા, છોડી મૂક્યા.
એમને એટલા ભયંકર રીતે મારેલા કે પાંચ દિવસ પછી અમે મળ્યા ત્યારે પણ એમના ઘા રૂઝાયા
નહોતા. એમના દીકરાને વાળ પકડીને ઢસડીને લઈ ગઈ પોલીસ અને તેને પણ જેલમાં પૂરી દીધો.
પ્રવીણભાઈના પત્નીની કાનમાં ભરાવેલી વાળી એટલા જોરથી ખેંચેલી કે ઘસરકો પડી ગયેલો.
હજુ એ ઘસરકો એમના ચહેરા પર મોજુદ છે. "પગના તળીયા પર લાકડીઓ મારેલી, સોજા ચડી ગયેલા, માંડ માંડ ઉતર્યા," માત્ર પંચીયુ પહેરીને બેઠેલા પ્રવીણ છૂટક મજૂરી કરે છે.
જન્મથી વાંકી ડોક લઇને જન્મેલી ભાવનાને તેના માતા અમારી પાસે લઈ આવ્યા હતા.
ભાવનાના બંને ભાઈઓને પોલીસ પકડીને લઈ ગઈ છે. "મારી દીકરીને પણ એમણે છોડી નહીં, ધબાધબ લાકડીઓ વીંઝી એના પર," ભાવનાના માતાએ રડમસ ચહેરે જણાવ્યું હતું. પેલા કરણના મોટાભાઈ મૂકેશે પણ એનો
પાટાપીંડી કરેલો પગ બતાવીને કહ્યું હતું કે તેના પર પણ પોલીસે લાકડીઓ ફટકારી હતી. "પોલીસ વંડી ઠેકીને અમારા ઘરમાં ઘૂસી. અમે તો જમતા હતા. એ લોકો તો બસ મારવા જ
માંડ્યા. મારા બીજા બે મોટા દીકરાઓ પકડીને લઈ ગયા. મેં બઉ રાડ્યું પાડી, પણ મારું
હાંભળે કોણ?" જયાબહેનની વાત બિલકુલ સાચી હતી. સાંભળે કોણ?
25મી જૂને ગુણવંતની હત્યા થઈ. આ "ગુણો" થોરાળાના દલિતોનો હીરો હતો. દલિતોમાં દરેક ઠેકાણે આવા ગુણાઓ છે. જેતલપુરમાં
શકરો આવો જ બહાદુર હતો. પંચાયતની કચેરીમાં પૂરીને પટેલોએ એને અમસ્તો સળગાવ્યો
નહોતો. ધાડાના પેલા રમેશને દરબારોએ ગામ વચાળે ટ્રેક્ટર નીચે કચડી મારેલો એ રમેશે
દરબારોની આંખમાં આંખ મીલાવવાની કિંમત ચૂકવી હતી. હૈદરાબાદથી મિલિટ્રીની તાલિમ લઇને
ઘરે આવેલા સાયલા તાલુકાના કરાડી ગામના દલિત યુવાને એની સાત પેઢીઓમાં કદાચ પહેલીવાર
ગામના ચોરે જુગાર રમતા દરબારોને ઠપકો આપવાની "ગુસ્તાખી" કરી અને એના સીનામાં ગોળીઓ ધરબાઈ
ગઈ. ગુણો એન્ટી-સોશીયલ હતો, બુટલેગર હતો. "પણ અમારા માટે દીવાલ હતો. ગુણો જીવતો હતો ત્યાં સુધી થોરાળામાં પોલીસ ઘૂસી
શકતી નહોતી," થોરાળાના દલિતો આવું કહેતા હોય તો
એમાં લગીરે અતિશયોક્તિ નથી.
કમનસીબે ગુણાને છરી મારનારો હાથ ઇમરાનનો છે. ઇમરાન હીતેશ મુંધવા જેવા જમીનના
દલાલોનો હાથો છે એની થોરાળાના દલિતોને ખબર છે, પરંતુ તાત્કાલિકપણે તો એમનો રોષ એક
ગરીબ મુસલમાનનું ઘર સળગાવવામાં પરીણમ્યો. ગુણાની સ્મશાનયાત્રામાં જિલ્લાના દલિતો
પણ આવેલા અને અગ્નિદાહ પછી સૌ એંસી ફુટના રોડ પર એકઠા થયેલા. "એમની પાસે પ્રાણઘાતક હથિયારો હતા અને વારંવાર સમજાવ્યા પછી પણ માન્યા નહીં અને
ગેરકાયદેસર મંડળી રચીને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના ગંભીર પ્રયાસો કર્યા
વગેરે વગેરે આક્ષેપો પોલીસે રાબેતા મુજબ એફઆઇઆરમાં કરીને 54 માણસોની ધરપકડ અને
પાછળથી કરેલા દમનને ન્યાયોચિત ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ દલિત અત્યાચારનું એપીસેન્ટર બન્યું છે. દર વર્ષે
ચૌદમી એપ્રિલે ગમે તે બહાનું કરીને દલિતોને ખોખરા કરવાની ચોક્કસ પેટર્ન રાજકોટ
પોલીસે વિકસાવી છે. 2011માં બાબાસાહેબની પ્રતિમા મુસલમાનોએ તોડી હોવાની અફવા
ફેલાવવામાં આવી હતી. એમાં રાજકોટ બીજેપીના લઘુમતી સેલના પ્રમુખ, બુટલેગર કાદર
સલોટે મુખ્ય ભાગ ભજવ્યો હોવાનું જાણવા મળેલું. "અમે કંઈ તમારા બાપનું પૂતળું તોડ્યું નથી," એવું બોલતા બોલતા માલવીયાનગર પોલીસ સ્ટેશનના "દરબાર" પોલીસોએ મહાત્મા ગાંધી છાત્રાલયના દલિત વિદ્યાર્થીઓને નિર્દયતાપૂર્વક ઝૂડ્યા
હતા. એ દમનને અમે "મારા બાપનું પૂતળું" નામની દસ્તાવેજી ફિલ્મમાં કંડાર્યું છે. થોરાળા આ દમન-કડીનો જ એક મણકો છે.
થોરાળાની ઘટનાની કળ વળે તે પહેલાં ડબલ ગ્રેજ્યુએટ, સફાઈ કામદાર અશોક ચાવડાએ
રાજકોટના સીટી ઇજનેર વિભાગના અધિકારીઓના "તથાકથિત" માનસિક ત્રાસથી છેક અમદાવાદની
હોટલમાં આવીને ગળે ફાંસો ખાધાના સમાચાર આપણે વાંચ્યા. અશોક ચાવડાની સ્યુસાઇડ નોટ
હોટલના રૂમમાંથી પોલીસને મળી છે. અશોકના આઘાતજનક આપઘાતના લગભગ આગલા જ દિવસે સ્કુલ
બસ નીચે કચડાઇને મરેલી દલિત માળાના સમાચારથી શોકનું મોજુ ફરી વળેલું પણ જોયું. આ જ
અરસામાં, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડલા ગામે દલિત સરપંચ પર જીવલેણ
હૂમલો થયાના અહેવાલો મળ્યા છે. 2013ની આગામી વિધાનસભાની ચૂંટણી લોહીયાળ થશે એવા
રાજકીય સમીક્ષકોના મંતવ્યો સાંભળું છું ત્યારે થાય છે કે દલિતોના પંડે તો રોજની આ
મોંકાણ છે, અમારો સૂરજ રોજ લોહીયાળ લાલચટ્ટાક રંગનો ઉગે છે અને રાત્રે શોકની
કાલીમા પથરાય છે.
(30 જૂન, 2012એ થોરાળાની મુલાકાતે ગયેલી તપાસ સમિતિમાં રફી મલેક, હોઝેફા ઉજ્જૈની,
ભાનુબેન પરમાર, પ્રસાદ ચાકો, અશોક પરમાર, ડૉ. જયંતી માકડીયા, કીરીટ પરમાર, વૃંદા
ત્રીવેદા અને રાજુ સોલંકી હતા. થોરાળાના પોલીસ દમનનો તસવીરો સાથેનો અહેવાલ dalitrightshindi.blogspot.in પર મુકવામાં આવ્યો છે)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો