કુલ પૃષ્ઠ અવલોકનો

શનિવાર, 21 જુલાઈ, 2012

આ જોડણીકોશ સાર્થ છે કે અનર્થ

વાઘરી, બારૈયો, હજામ, વાળંદ, દલિત માટેના અપમાનસૂચક અર્થો દૂર કરવા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ સુદર્શન આયંગરને પત્ર

આદરણીય સુદર્શનભાઈ,

કુશળ હશો.
સાર્થ ગુજરાતી જોડણીકોશની પુરવણી સહિતની પાંચમી પુનર્મુદ્રીત આવૃત્તિ ઓક્ટોબર, 2008માં બહાર પડી. 1024 પાનાનો આ જોડણીકોશ આપણી ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ એવો કોશ છે, જેણે જોડણીના ક્ષેત્રે પ્રવર્તતી અરાજકતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. 2008ની આવૃત્તિમાં કુલનાયકના નિવેદનમાં આપે વર્તમાન સમયમાં ચાલતા જોડણીના વિવાદની નોંધ લીધી છે. આપ લખો છો, "છેલ્લા બે-એક દાયકાઓમાં ગુજરાતી ભાષામાં જોડણીના પ્રશ્ને સારો વિવાદ જાગ્યો. વિવાદને લીધે નવી આવૃત્તિ બહાર પાડી શકાતી નથી એવું કહી શકાય તેમ નથી, પરંતુ જ્યારે વિવાદ પુરબહારમાં છે ત્યારે સુધારેલી આવૃત્તિ કાળજીપૂર્વક અને આધિકારીક રીતે થાય તે જરૂરી છે." પ્રથમ આવૃત્તિ 1929માં બહાર પડી ત્યારે પણ "હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી", એવું ગાંધીજીએ કહેલું.

ગુજરાતી ભાષાની જોડણી કેવી હોવી જોઇએ એની તંદુરસ્ત ચર્ચા થવી જોઇએ, એમાં બેમત હોઈ જ ના શકે. 1929થી માંડીને 2008 સુધીના 79 વર્ષ સુધી આ પ્રશ્ન પર ચર્ચા થતી રહે અને કોઈ પૂર્ણવિરામ ના મુકાય એ જોકે, એક બુદ્ધિમાન પ્રજા તરીકેના આપણા દાવા અંગે કેટલાક પ્રશ્નો અવશ્ય પેદા કરે છે. ખેર, મારા માટે જોડણી કરતા પણ વધારે મહત્વનો એક અન્ય મુદ્દો છે, જેના તરફ આપ જેવા સંવેદનશીલ વિદ્વાનનું ધ્યાન દોરાય તે જરૂરી સમજું છું.

સાર્થ જોડણીકોશમાં કણબી એટલે બાયલો, અશક્ત પુરુષ; વાઘરી એટલે ગંદો, અસભ્ય કે નીચ માણસ; કુંભાર એટલે અણઘડ વ્યક્તિ, બારૈયો એટલે ચોરી કે લૂંટફાટ કરનારો; હજામ એટલે નકામો માણસ; ઢેડવાડો એટલે ગંદી, અસ્વચ્છ જગ્યા જેવા અર્થો હતા તેની સામે 1985માં વિરોધનો સૂર ઉઠ્યો હતો. આ લખનારે આ અનર્થો સામે લોકઝૂંબેશ ઉપાડી હતી અને સાર્થ જોડણીકોશની હોળી કરવાનો કોલ આપ્યો હતો. મુળજીભાઈ ખુમાણ પ્રેરીત 'દિશા' પાક્ષિકમાં મેં 'હવે પછી કોઇને સ્વેચ્છાએ બહુજન સમાજની લાગણી દુભવવાનો અધિકાર નથી' એવા શીર્ષક હેઠળ એક લેખ લખ્યો હતો. આ લેખના પ્રતિભાવરૂપે મુરબ્બી શ્રી વાસુદેવ મહેતાએ 'સંદેશ'માં તેમની અલ્પવિરામ કોલમમાં લખેલું કે, "સોલંકી એવું માનતા લાગે છે કે સવર્ણો બંધબારણે આવા અર્થો કરવાનો ઠરાવ કરતા હશે." પછી મહેતાસાહેબને મેં એક પત્ર પાઠવ્યો હતો, જેનો એમણે જવાબ વાળવાનું મુનાસીબ માન્યું નહોતું. અલબત્ત, અમારી લડતને કારણે ત્યાર બાદ સાર્થ કોશની આવૃત્તિમાંથી કેટલાક શબ્દોના અર્થો ચુપચાપ કાઢી નંખાયા હતા.

આજે 2012માં 27 વર્ષ પછી આ મુદ્દો ફરી કેટલાક કારણસર જાહેરમાં ચર્ચવાની મને ફરજ પડી છે. 2008ની છેલ્લી આવૃત્તિમાંથી કણબી, વાઘરી, કુંભાર માટેના પૂર્વગ્રહયુક્ત અર્થો કાઢી નંખાયા છે. જ્યારે બારૈયો અને હજામ માટેના જૂની આવૃત્તિઓમાં છપાયેલા અર્થો યથાવત છે. બારૈયૌ (પાના નંબર 595) શબ્દના નીચે મુજબના અર્થો યથાવત છે: 1. બહાર રખડતો રહી ચોરી કે લૂંટ કરનાર, 2. ઠાકરડાની એક જાત, 3. ઝાડુ દેનાર તથા સંડાસ વાળનાર – ભંગી. ઢેડ (પાના નંબર 398) શબ્દ સાથે સંકળાયેલા શબ્દો જેવા કે ઢેડગરોળી, ઢેડણ, ઢેડવાડો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય શબ્દો અગાઉની આવૃત્તિઓમાં હતા, જે દૂર કરવામાં આવ્યા છે, પરંતુ ઢેડ શબ્દ અનુસૂચિત જાતિઓ માટે સવર્ણો દ્વારા વપરાતો તિરસ્કારયુક્ત શબ્દ છે, જે એટ્રોસિટી એક્ટ હેઠળ સજાને પાત્ર છે. આ તમામ શબ્દો જોડણીકોશમાંથી દૂર થઈ જાય તો ગુજરાતી ભાષાનું ગૌરવ વધે કે ઘટે?

મજાની વાત તો એ છે કે બામણ અને બામણી (પાના નંબર 594)ના અર્થો આપતી વખતે કોશકારે આ અર્થો 'બહુધા તિરસ્કારમાં' વપરાય છે તેવી નોંધ મુકવાની કાળજી લીધી છે, આવી કાળજી બારૈયો કે ઢેડ શબ્દમાં કેમ લેવામાં આવી નથી? બારૈયો અને ઢેડ જેવા શબ્દો સાર્થ કોશમાં સામેલ નહીં કરવાથી ગુજરાતી ભાષાનું અસ્તિત્વ જ જોખમાઈ જશે એવી કોશકારને સો ટકા ખાતરી હોય તો પણ આ શબ્દો 'તિરસ્કારમાં વપરાય છે' તેવી નોંધ મુકતા તેમને કેમ ચૂંક આવે છે? મારા કહેવાનો ભાવાર્થ સ્પષ્ટ કરવા હું એક ઉદાહરણ આપીશ. વિદ્યાપીઠમાં અવારનવાર વિદેશથી અસંખ્ય લોકો આવે છે. ગુજરાતમાં હરતા ફરતા, બસમાં, હોટલમાં, શેરીઓમાં  'ઢેડ' જેવા શબ્દો એમના કાને અથડાઈ શકે છે. એમને આ શબ્દો વિશે જાણવાનો હક છે. સ્વભાવિક છે કે તેઓ સાર્થ કોશમાં આ શબ્દોના અર્થો શોધવાનો પ્રયાસ કરે. એમને આપણે જણાવવું જોઇએ કે આ શબ્દ એટલો મલીન, ગંદો, બિભત્સ અને કુત્સિત હતો કે ગાંધીજીએ તેના પર્યાયરૂપે 'હરીજન' શબ્દ આપ્યો. સાર્થ જોડણીકોશમાં આ ઇતિહાસ સામેલ કેમ ના થાય? આ જ કોશના પાના નંબર 883 પર હરિજન શબ્દના અર્થો આપ્યા છે: 1. હરિનો-વિષ્ણુનો માણસ, દેવદૂત, 2. ભક્ત. આમાં ગાંધીજીએ હરિજનનો જે અર્થ આપ્યો તે શું જાણીબૂઝીને ટાળવામાં આવ્યો છે?

સાર્થ ગુજરાતી જોડણીકોશ ઉપરાંત, ગુજરાતી-હિન્દી કોશની ડીસેમ્બર 1992માં બહાર પડેલી આવૃત્તિમાં કુંભાર (પાના નંબર 18) એટલે अनगढ़ या मूर्ख व्यक्ति, ઢેડ (પાના નંબર 227) એટલે इस नाम की अंत्यज जाति का आदमी,  ઢેડ ગુજરાતી એટલે अंग्रेजीमिश्रित गुजराती, ઢેડ ફજેતી એટલે सब के सामने या खुलेआम फजीहत, ઢેડવાડો એટલે 1.ढेड लोगों का मुहल्ला या टोला, 2. गंदी-अस्वच्छ जगह, मैला, વાઘરી (પાના નંબર 450) એટલે गंदा, असभ्य नीच व्यकित, વાઘરણ એટલે गंदी, फूहड स्त्री જેવા અર્થો આપ્યા છે. મૂળ ગુજરાતી સાર્થ કોશની નકલ હિન્દી કોશમાં કરવામાં આવી હોવાથી સ્વભાવિક રીતે આ બન્યું છે. પરંતુ, કણબી, બારૈયોના અર્થો આમાં બાકાત રાખવા પાછળ કયો તર્ક હશે? કે પછી પ્રુફ રીડિંગની ભૂલો?

એ જ રીતે હિન્દી-ગુજરાતી કોશની જુલાઈ 2009માં પુનર્મુદ્રીત થયેલી આવૃત્તિમાં કણબી, બારૈયો, વાઘરી-વાઘરણ શબ્દો જ નથી. જ્યારે કુંભાર અને હજામના અર્થો સાર્થ ગુજરાતી જોડણી કોશમાં આપેલા અર્થો જેવા પૂર્વગ્રહયુક્ત નથી. પરંતુ, ઢેડ (પાના નંબર 233) શબ્દનો અર્થ 1. कागडो, 2. हलकी जाति, 3. मूर्ख, 4. कपासनुं जींडवुं આપ્યા છે. જે જાતિઓના અર્થો આપ્યા નથી, એ જાતિઓ ગુજરાતમાં નેસ્તનાબૂદ થઈ નથી તો, એમના અર્થો નહીં આપવા પાછળ કયો તર્ક હશે? અને ગાંધીજીએ જે શબ્દનો વિકલ્પ આપ્યો હતો, તે શબ્દ માટે આટલો બધો પ્રેમ કેમ? આપ તો એક વિદ્વાન સમાજશાસ્ત્રી છો. આપને હંમેશાં આદરથી સાંભળ્યા છે, સ્મર્યા છે. ગુજરાત વિદ્યાપીઠમાં મારા યુવાનીના કિંમતી વર્ષો અભ્યાસી પ્રબુદ્ધજનોના વિચારવારસાને વાંચવામાં મેં આપ્યા છે. દુખ એ વાતનું છે કે ગુજરાતી સમાજે જે કેટલીક ચીજો કાળની ગર્તામાં વિલીન કરી દેવી જોઇએ, જે પૂર્વગ્રહોને દાટી દઇને સમરસ-સમાન થઈ જવું જોઇએ, એ જ શબ્દો ફરી પાછા (રીપીટ ફરી પાછા) સાર્થ જોડણી કોશ જેવા પવિત્ર, અધિકૃત ગ્રંથમાં આવે ત્યારે આંખો આશ્ચર્યથી પહોળી તો થાય છે જ, સાથે સાથે દિલ અત્યંત ગ્લાનીથી ભરાઈ આવે છે. આ શબ્દોને આપણે કેમ ભોંયમાં ભંડારી શકતા નથી? કે હજુ આપણે આપણા વડવાઓની જાતિવાદી માનસિકતા જાણ્યે-અજાણ્યે પોષી રહ્યા છીએ?

વર્ષોથી આ લાગણી મારા હ્રદયમાં સંઘરીને બેઠો છું. આજે તમારી સમક્ષ ઠાલવું છું. ગુજરાત વિદ્યાપીઠ પ્રત્યે પરમ આદરની લાગણી છે. દેશકાળમાં ધર્મઝનૂનીઓએ માઝા મૂકી છે, સમરસતાના નામે કત્લેઆમની ચીચીયારીઓ સંભળાય છે, ત્યારે ગુજરાત વિદ્યાપીઠ તેના ગૌરવને લાંછન લગાડે તેવી આ ક્ષતિ વેળાસર દૂર કરે તેવી જ પ્રાર્થના.

આપનો

(રાજુ સોલંકી)













2 ટિપ્પણીઓ:

  1. Neerav Patel
    ભારતીય બંધારણના આમુખમાં જ લખ્યું છે કે આપણે સૌ ભારતના લોકો, વ્યક્તિ માત્રને ગરિમા પ્રાપ્ત થાય એ માટે સંકલ્પબદ્ધ થઈએ છીએ. ('assuring the dignity of the individual' are the exact words in our Constitution.) અને છતાં કેવળ જન્મના અકસ્માતે થોપેલી જ્ઞાતિજન્ય ઓળખ દલિતો અને શૂદ્રોની માનવ ગરિમાનું કેવું હનન કરે છે એ સવર્ણ કોશકારોએ રચેલા 'સાર્થ ગુજરાતી જોડણીકોશ' સમેત કોઈ પણ કોશમાં જોઈ શકાય છે !

    એક દલીલ એવી છે કે સમાજમાં વપરાતા હરેક સારા-ખરાબ શબ્દને 'કોશ'માં સ્થાન હોવું ઘટે, કારણ કે એ જે તે સમયના સમાજજીવનની નીપજ છે અને એમાં કોશકારની ભૂમિકા તો કેવળ જે તે શબ્દને જે તે સમાજે જે તે વખતે દીધેલા અર્થને મૂકવા માત્રની છે. ( દાખલા તરીકે અંગ્રેજી જેવી ભાષાઓમાં તો અલગથી 'સ્લેંગ' ડિક્ષનરીઓ પણ હોય છે.) પણ આપણે જાણીએ છીએ કે સમય સાથે સમાજ બદલાતો હોય છે, અને એ બદલાયેલા સમાજની ભાષા પણ બદલાતી હોય છે. ત્યારે કોશકારોએ એક સાચા નાગરિકની ઉપર કહ્યા મુજબની બંધારણીય ફરજ અને જવાબદારી સમજીને માનવી માત્રની ગરિમાના રક્ષણ-સંવર્ધનનો અભિગમ કેળવવો જોઈએ. મારી દૃષ્ટિએ તો આ કામ બંધારણનો અમલ કરાવવાની જેની મુખ્ય જવાબદારી છે તેવી સંસ્થા એટલે કે 'રાજ્ય'નું છે. બંધારણમાં સોશીઆલીષ્ટ, સેક્યુલર અને ડેમોક્રેટિક શબ્દોની સાથે 'જ્ઞાતીવિહીન' એટલેકે casteless શબ્દ ઉમેરાય એ માટે તો દલિતોની રાજકીય-સામાજિક નેતાગીરીએ હજી જાગવાનું બાકી છે, ત્યાં લગી વચગાળાની રાહત રૂપે જે માનવસમુદાયો વર્ણ-જ્ઞાતિજન્ય ઓળખને કારણે અપમાનિત થાય છે એ સૌને નવી સમ્માનસૂચક ઓળખ આપવાની દિશામાં 'રાજ્યે' તાત્કાલિક વિચારવું જોઈએ. જેમ કે અપમાન અને ઘ્રુણાના પર્યાય રૂપ ' ભંગી' સંજ્ઞાને સ્થાને હવે 'વાલ્મીકી' તથા 'વાઘરી' સંજ્ઞાને સ્થાને 'દેવીપૂજક' જેવી નવી ગરિમાપૂર્ણ ઓળખો રાજ્યના ઠરાવોથી ઝડપભેર સ્થાપિત થઇ રહી છે.

    દરમ્યાનમાં રાજુભાઈ, એક વાત કાનમાં કહું તમારી વિચારણા માટે : સુદર્શનભાઇને તો તમે પત્ર લખી કાઢ્યો, અને કદાચ એ સંવેદનશીલ-પ્રગતિશીલ મહાનુભાવ એ વિષે ભવિષ્યમાં કઈ વિચારે પણ ખરા. પણ ક્યારેક સમય મળે તો કોઈ 'દલિત કોશકારે' રચેલા કોશ પર પણ નજર કરશો.

    જવાબ આપોકાઢી નાખો
  2. દલિત કોશકાર ના પ્રકાશન કોક લોકકો જાહેર તો કરો..

    જવાબ આપોકાઢી નાખો