રમેશ બી.શાહ (1981)
સમયની એ બલિહારી
છે કે જ્યારે આ દેશમાં દલિતોને સદીઓ સુધી કેવળ જ્ઞાતિના ધોરણ પર તદ્દન પછાત અને
બેહાલ રાખવામાં આવ્યા હતા ત્યારે એ વ્યવસ્થા અન્યાય છે એવું કહેનાર કોઈ હતું નહીં.
આજે હવે એમને હરિજનો તરીકે વિશેષ સહાય આપવાની નીતિ અપનાવવામાં આવે છે ત્યારે એની
સામે વિવિધ પ્રકારની દલીલો કરનારા ભૌમિતિક દરે આગળ ચાલી રહ્યા છે. "જ્ઞાતિ નહી આર્થિક પછાતપણું ધ્યાનમાં લેવું
જોઈએ", "જ્ઞાતિના ધોરણે સહાય કરવાથી જ્ઞાતિવાદ વધુ દ્રઢ
બને છે", "અનામત બેઠોકોનું રાજકારણ સર્જાયું છે',' "અનામત બેઠકોના સ્થાપિત હિતો પેદા થાય છે, વગેરે
દલીલો સંભળાઈ રહી છે.
આજે રાજ્યની મેડિકલ
અને ઈજનેરીની મર્યાદિત બેઠકો પર 'મેરીટ'ના ધોરણે જે
પ્રવેશ આપવામાં આવે છે, તેમાં ક્યા પ્રકારની 'યોગ્યતા' મેદાન મારી
જાય છે? તે જોવા માટે નીચેના કેટલાક
આંકડાઓ ધ્યાનમાં લેવા જેવા છે. 1978ના માર્ચમાં લેવામાં આવેલી ઉચ્ચતર માધ્યમિક
શાળાની બારમા ઘોરણ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ,
ભાવનગર અને વિદ્યાનગર - આ છ કેન્દ્રોમાં વિજ્ઞાનપ્રવાહના કુલ વિદ્યાર્થીઓના 42.5
ટકા વિદ્યાર્થીઓ બેઠા હતા. પરન્તુ એ પરીક્ષામાં 60 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર
કુલ વિદ્યાર્થીઓમાં એ છ કેન્દ્રના વિદ્યાર્થીઓનું પ્રમાણ 64.5 ટકા હતું.
1980ના એપ્રિલમાં
લેવાયેલી ઉપર્યુક્ત પરીક્ષામાં ડિસ્ટિંકશનમાં આવેલા કુલ વિદ્યાર્થીઓમાં એકલા
અમદાવાદ શહેરનો હિસ્સો 40 ટકા હતો. (1978માં 34 ટકા હતો.) વિજ્ઞાન પ્રવાહમાં બેસતા
કુલ વિદ્યાર્થીઓમાં અમદાવાદનો હિસ્સો 20 ટકા જેટલો હતો.
એ જ પરીક્ષામાં
અમદાવાદ શહેરના જુદા જુદા વિભાગોમાં ડિસ્ટિંક્શન મેળવીને ઉર્તીણ થયેલા
વિદ્યાર્થીઓનું પ્રમાણ નોંધપાત્ર છે.
અસારવા - 0.37
ટકા
આશ્રમરોડ - 8.64
ટકા
કોટ વિસ્તાર - 0.91
ટકા
એલીસબ્રીજ - 6.45
ટકા
ઉપરોક્ત આંકડાઓથી
ફલિત થાય છે કે, વિદ્યાર્થી કયા વિસ્તારમાંથી આવે છે અન કયા કુટુંબમાંથી આવે છે
તેના આધારે તે આપણી જાહેર પરીક્ષાઓમાં ગુણ પ્રાપ્ત કરે છે. અમદાવાદ શહેરના કોટ
વિસ્તારની તુલનામાં પશ્ચિમ વિસ્તારમાં ડિસ્ટિંક્શન મેળવનારાઓનું પ્રમાણ લગભગ સાત
ગણું વધારે છે, જેમાં કુટુંબના આર્થિક-સામાજિક-શૈક્ષણિક દરજ્જાના તફાવતોનું જ
મહદઅંશે પ્રતિબિંબ પાડે છે. હાલ અનામત આંદોલન પણ આ વિસ્તારના સમૃદ્ધ લોકો જ ચલાવે
છે. આમાંથી વિકાસની તકોની જે અસમાનતા સર્જાય છે, તેને ધારદાર રીતે ઉપસાવવા માટે આ
રીતે રજુ કરી શકાય.
“રાજ્યની મેડિકલ-ઇજનેરી કોલેજોની 65 ટકા જેટલી
બેઠકો અમદાવાદ જેવા છ શહેરોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે અનામત રાખવી એવો કાયદો
કરવામાં આવે તો તે આપણને સહાયભૂત બનશે ખરો કે? અથવા વાર્ષિક રૂપિયા પંદર હજારથી
વધારે આવક અને જેના માતા કે પિતાનું ઓછામાં ઓછું મેટ્રિક સુધીનું શિક્ષણ હોય એવા
કુટુંબોમાંથી આવતા બાળકો માટે 60 ટકા જેટલી બેઠકો ઉપર્યુક્ત કોલેજોમાં અનામત
રાખવામાં આવે તેને શું આપણે વ્યાજબી ગણીશું? વર્તમાન વ્યવસ્થામાં આ પ્રમાણે જ થઈ
રહ્યું છે. અને છતાં “મેરિટ” અને “કાર્યક્ષમતા”ની કહેવાતી ભૂમિકા ઉપર આપણે એનો પરોક્ષ રીતે
બચાવ કરીએ છીએ!
આર્થિક વિકાસની
તકોની બાબતમાં હરિજનોની પરિસ્થિતિ આમ તો સુવિદિત છે. પરન્તુ, કેટલાક મુદ્દાઓ ધ્યાન
બહાર જતાં હોય એમ તેમ લાગે છે. દેશના ઘણા વિસ્તારોમાં તેમને જમીનની માલિકીથી વંચિત
રાખવામાં આવ્યા છે. કાં તો અલ્પ જમીન હોય છે તેથી દેશના મુખ્ય વ્યવસાયમાં તેમના
ભાગે માત્ર સસ્તી મજૂરીનું જ કામ આવે છે. આ એક પરંપરાથી ચાલ્યો આવતો ભેદભાવ છે.
દેશમાં જેને આધુનિક પ્રવૃતિઓ ગણવામાં આવે છે, તેમાં (કારખાના, વ્યાપાર, શિક્ષણ
ઇત્યાદિ) ખાનગી ક્ષેત્રે તેમને કેવળ શારિરીક શ્રમના કામ માટે જ પસંદ કરવામાં આવે
છે, પરન્તુ જેને “વ્હાઇટ કોલર જોબ” કહેવામાં આવે છે. તેમાં ખાનગી
ક્ષેત્રમાં હરિજન શોધ્યો જડતો નથી. દેશની અર્થતંત્રના ખાનગી આધુનિક ક્ષેત્રમાં હરિજનો પ્રત્યે
આવડો મોટો ભેદભાવ દાયકાઓથી રાખવામાં આવે છે. તેમાં આપણા
લેખકોને “જ્ઞાતિવાદ” અનામતવાદ” ઇત્યાદિ
અનિષ્ટોના દર્શન થતાં નથી, એ પણ ભેદભાવ ભરેલા વ્યવહારનું એક ઉત્તમ ઉદાહરણ છે.
ઘણીવાર એવું લાગણીસભર ઉદાહરણ આપવામાં આવે છે, કે ગામડાની ગરીબ
વિધવા બ્રાહ્મણીના દીકરા અને હરિજનના દીકરા માટે વિકાસની તકો એક સરખી જ છે.
વ્યક્તિગત દાખલામાં કદાચ આવું હોઈ શકે છે. પરંતુ એક સ્થિતિની કલ્પના કરીએ. એક હરિજન સ્નાતક અને
એક બ્રાહ્મણ સ્નાતક બી.એ.માં એક સરખા વિષય અને એક સરખા ગુણ લઈને નોકરી માટે ગમે ત્યાં ઉપસ્થિત થાય (અનામત પ્રથા
અમલમાં ન હોય) તો એ બેમાંથી કોની પસંદગી થશે?
આપણા દેશમાં નોકરીઓની બાબતમાં આજે પણ જ્ઞાતિવાદ અને
પ્રદેશવાદનું મહાત્મ્ય સુવિદિત છે. અમુક બેંકમાં કંસારા જ્ઞાતિના મેનેજર હોય તો એ બેંકમાં
કંસારા જ્ઞાતિના યુવકો મોટી સંખ્યામાં પસંદ થયેલા જોવા મળશે. સરકારના અમુક
ખાતાઓમાં નાગરો અને ઈતર બ્રાહ્મણો જ મોટી સંખ્યામાં જોવામાં આવે છે. રાષ્ટ્રિય
સાહસોમાં ગુજરાતીઓ સામે પક્ષપાત રાખવામાં આવે છે, તે એક સુવિદિત
બાબત છે. આ પરિસ્થિતિમાં આધૂનિક ક્ષેત્રોમાં ભરતી કરનારાઓમાં હરિજનોની સદંતર ગેરહાજરી
હોવાથી તેમની પસંદગી થાય નહિ એ એક સરળતાથી સમજી શકાય તેવી બાબત છે. તેથી જો અનામત
જગ્યાઓનો પ્રબંધ ન હોય તો સરકારી સેવાઓમાં પણ હરીજનો ભાગ્યે જ પસંદ થાય.
શિક્ષણ અને
નોકરીની તકો વચ્ચેનો સંબંધ જાણીતો છે. નોકરી મળવાની
અપેક્ષાએ જ લોકો શિક્ષણ લેવાનું પસંદ કરે છે. હરિજનોને જો
આધુનિક ક્ષેત્રમાં નોકરી મળવાની જ ના હોય તો સ્વાભાવિક રીતે જ શિક્ષણ લેવા માટે
તેમને કોઈ જ પ્રોત્સાહન નહીં હોય અને તેઓ શિક્ષણ લેવાનું ટાળશે. આપણા દેશમાં
પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રે અધવચ્ચે શાળા છોડી જતા drop-outs બાળકોનું પ્રમાણ
ઘણું મોટું છે. જેનુ એક કારણ આ ઘટનામાં પડેલું છે. હરિજનોની બાબતમાં
પણ આવું જ બને. ખાનગી ક્ષેત્રની નોકરીઓ તો સવર્ણ માટે અનામત છે જ અને
સરકારી નોકરીઓમાં પણ જો અનામત બેઠકોની બાંહેધરી ના હોય તો એમના માટે નોકરીઓની આશા
રાખવાનું વ્યર્થ છે. આનો અર્થ એ થાય કે, તેમના માટે
માત્ર શારીરિક મજૂરીના જ કેટલાક વ્યવસાયો ખુલ્લા રહે.
ભારતીય સમાજમાં
સહુથી પછાત જૂથ હરિજનોનું છે. પછાતપણાં માટે આપણે કોઈપણ કસોટી પ્રયોજીએ એમાં
હરિજનોની વિશાળ બહુમતિનો સમાવેશ થવાનો જ. આ ઉપરાંત
હરિજનોને એક વિશેષ મર્યાદાનો સામનો કરવો પડે છે. અસ્પૃશ્યતામાંથી
ઉદભવતો તીવ્ર ભેદભાવ. એવો ભેદભાવ દેશની અન્ય કોઈ જ્ઞાતિને ભાગ્યે જ
ભોગવવો પડે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો