કુલ પૃષ્ઠ અવલોકનો

ગુરુવાર, 17 જાન્યુઆરી, 2013

અનામતને નામે આવું આંધળે બહેરું?



અચ્યુત યાજ્ઞિક (1981)

ગુજરાતમાં બીજીવાર અનામતનો સવાલ આંદોલનને ચગડોળે ચઢ્યો છે અને તેને લીધે સક્રાંતિકાળમાંથી પસાર થતા આપણા સમાજને આત્મનિરાક્ષણ કરવાનો બીજો અવસર પ્રાપ્ત થયો છે. પહેલીવારનું સન 1981ના આરંભનું આંદોલન દલિતો-આદિવાસીઓ સાથે સવર્ણોના યુદ્ધમાં પલટાઈ ગયું હતું. પરન્તુ બીજીવારનું અન્ય પછાતો માટેના અનામતના પ્રશ્ને જાગેલું આંદોલન કદાચ પદદલિતો વચ્ચે પરોક્ષરૂપે પણ સાંકળરૂપ બની રહે તેવી પૂરી શક્યતાઓનો સંકેત કરે છે.

મધ્યપ્રદેશમાં અત્યારે ગુજરાતની તુલનામાં વધારે વિકરાળ આંદોલન અનામતપ્રથાની સામે ચાલી રહ્યું છે. ત્યાં જે સવર્ણ વિદ્યાર્થીઓએ આંદોલનનો રાહ લીધો છે તેમણે નવીન આરક્ષણ વિરોધી સમિતિ એવું નામાભિધાન કરીને તેમનું આંદોલન નવીન આરક્ષણ કે નવી અનામત સામે છે તે સ્પષ્ટ કરી દીધું છે, જ્યારે ગુજરાતના  શહેરો અને કસબાઓમાં આંદોલન  શરૂ કરનારા સવર્ણ  વિદ્યાર્થીઓએ અનામત વિરોધી આંદોલન એ પ્રકારે  શબ્દપ્રયોગ કરીને સ્પષ્ટતા કરવાનું ટાળ્યું છે કે પછી ચલતી કા નામ ગાડીના જેમ ગબડાવ્યે રાખ્યું છે. વાસ્તવમાં 1985ના આરંભનું આ આંદોલન અન્ય પછાત સમુદાયો માટે ગુજરાત સરકારે અનામત બેઠકો વધારી તે કારણે જાગ્યું છે અને એ રીતે જોતાં તે નવીન આરક્ષણ કે નવી અનામત બેઠકો અંગે છે તેવું ધારી શકાય.

રાજકીય હથિયાર
લોકસભાની ચૂંટણી પછી અને વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત સરકારે રાણે પંચનો હેવાલ પ્રગટ કર્યા વિના સીધેસીધી  અનામત બેઠકો વધારવાનું જાહેર કર્યુ.  તેની પાછળ સત્તાનું રાજ કારણ છે તે નકારી શકાય તેમ નથી. પરન્તુ, મૂળ મુદ્દાની વાત અનામતપ્રથા દ્વારા પદદલિતો  અને પછાતોને થતા અન્યાયો દૂર કરી તેમને નવી તકો  પૂરી પાડવાની છે અને તેને ભાગ્યે જ  કોઈ નકારે છે. સવાલ આ નવી તકો પ્રદાન કરવાની તરાહનો છે કે પછી સમાજના પદદલિતો-પછાતો કોણ તે નિશ્ચિત કરવાનો છે. તે અંગે સમાજ શાસ્ત્રીઓમાં પણ વ્યાપક મતભેદો આજે પ્રવર્તે  અને તેમાં નવાઈ પામવા જેવું કશું નથી. રાણે પંચના સભ્ય સદગત પ્રોફસર આઈ. પી. દેસાઈએ પછાતપણાનો માપદંડ જ્ઞાતિ નહિ, પરંતુ આવક અને ધંધો હોવા ઘટે તેવો મત પ્રદર્શિત કર્યો એટલુ  જ નહીં તેને ચર્ચાની એરણે પણ મુક્યો. તેઓએ બહુ સ્પષ્ટ રુપે ભારતના બંધારણે નિર્દેશેલા આદર્શોને કેન્દ્રમાં રાખી અનુ. જાતિ અને જન જાતિ માટે વર્તમાન સંદર્ભમાં આવક તેમજ ધંધાના માપદંડને વિચારવાનું સુચવ્યું. આ સૂચન દેશના વિચારશીલ વર્ગોમાં વિચારાય તે પૂર્વે જ મુખ્યત્વે ગુજરાત  અને મધ્યપ્રદેશમાં આદોલન જાગ્યું તથા તેને પરિણામે વિધાયક ચર્ચા કે વિચારણાનો અવસર સરી ગયો.

જ્ઞાતિના સીમાડાઓ
ગુજરાતમાં રાણે પંચ બેઠું તે પૂર્વે  ભારત સરકારે સમગ્ર દેશમાટે મંડલ પંચની રચના કરી હતી અને તેનો હેવાલ અને 1982માં તો પ્રગટ થઈ ચૂક્યો  હતો. આ પંચે  અન્ય પછાત સમુદાયો માટે જ્ઞાતિનું ઘોરણ અપનાવ્યું,  જેની ટીકાટીપ્પણી સદગત પ્રોફેસર દેસાઈએ વિગતે કરી છે. આ ટીકા-ટિપ્પણી વિશેષ કરીને એ પાયાના મુદ્દા ચર્ચે છે કે આપણો સામજ શું વર્ગીય ઘોરણે રેખાંકિત છે કે પછી હજુ જ્ઞાતિ અને જાતિને ઘોરણે જ વિભાજિત રહેલો છે? દેશના ગ્રામીણ સમાજમાં આવકનું પ્રમાણ એટલે કે જમીન માલિક તેમજ ધંધાનું સ્વરૂપ જ્ઞાતિને ઘોરણે નિશ્ચિત થયેલું છે કે પછી જ્ઞાતિના બંધનો-સીમાડાઓ તૂટી ચુક્યા છે? જો આજે કુટુંબની આવક અને ધંધો જ તેનું સામાજિક માળખામાં સ્થાન નિશ્ચિત કરતા હોય કે શૈક્ષણિક તથા અન્ય તકોનું માળખું રચતા હોય તો પછાતપણાનો માપદંડ બદલાય. કમભાગ્યે આજે જ્ઞાતિના સીમાડાઓ, બંધનો, ઉંચનીચપણું આઝાદી પહેલાં હતું તેવું જ લગભગ રહ્યું છે. પરિણામે સમાજ વર્ગીય સમાજ બન્યો નથી તે હજુ વર્ણીય કે જ્ઞાતિ-જાતિ આધારિત સમાજ મુખ્યત્વે રહ્યો છે અને તેને લઇને પછાત વર્ગોમાં જન્મેલા બાળકને સમાન તકો સાંપડતી નથી.

ગુજરાતની તાસીર
પ્રોફેસર આઈ. પી. દેસાઈએ સ્થાપેલ સુરતના સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ દ્વારા ગુજરાતના બધા જિલ્લાઓને આવરી લેતો સો ગામડાનો સઘન અભ્યાસ થયો છે. આ વર્ષના જાન્યુઆરી 19ના ઇકોનોમિક પોલિટીકલ વીકલી નામના સુવિખ્યાત અંગ્રેજી સાપ્તાહિકમાં તે અભ્યાસ પ્રો. ઘનશ્યામ શાહે સદગત પ્રો. આઈ.પી. દેસાઈ સાથેની ચર્ચાના સ્વરૂપે પ્રગટ કર્યો છે. તે જોતાં સ્પષ્ટ થાય છે કે શિક્ષણમાં તથા જમીનમાલિકોમાં ઉપલી અને મધ્યમ જ્ઞાતિઓ જ પ્રભુત્વ ભોગવે છે અને અન્ય પછાત તથા દલિત આદિવાસી હજુ કાચબાની ગતિએ માંડ ચાલી શકે છે. સૂરતના સેન્ટરના સર્વેક્ષણ અભ્યાસમાં જણાવ્યું કે સો પ્રતિનિધિ ગામોમાં કોલેજ શિક્ષણ લીધેલું છે તેવા કુટુંબોમાં ચૌદ ટકા બ્રાહ્મણો, ઓગણીસ ટકા વણિકો, પાંચ ટકા રાજપૂતો, બાર ટકા અન્ય ઉપલી જ્ઞાતિઓની છે. જ્યારે કારીગર જ્ઞાતિઓમાં તે પ્રમાણ માત્ર સાત ટકા, કોળીઓમાં બે ટકા અને અન્ય પછાત જાતિઓમાં પણ બે ટકા જ છે. દલિતોમાં આ પ્રમાણ બે ટકા છે, આદિવાસીઓમાં બે ટકાનું તેમજ મુસ્લિમોમાં ત્રણ ટકા જેટલું છે. એ જ રીતે ધંધામાં તથા જમીન માલિકીની દૃષ્ટિએ જે આંકડાઓ પ્રાપ્ત થયા છે, તેમાં દીવા જેવું ચોખ્ખું છે કે અન્ય પછાત જ્ઞાતિઓને હજુ યોજનોની મજલ કાપવાની છે. નથી તેમની પાસે પૂરતી કે વધારે જમીન કે નથી તેઓ વહીવટીતંત્ર અથવા ધંધા-વ્યવસાયમાં આગળ આવ્યા.

એ પણ ભૂલવા જેવું નથી કે ગુજરાતમાં જે જ્ઞાતિઓ સમુદાયો વિચરિત અને વિમુક્ત જાતિઓ તરીકે જાણીતી હતી તે બધી અત્યારે બક્ષી પંચના બ્યાંસી બિરાદરીનો ભાગ છે. શું વણઝારા શું છારા કે શું સીદીઓ આ સૌ એતિહાસિક રીતે અન્યાયનો ભોગ બન્યા છે. અને આજે પણ બની રહ્યા છે. આજે પણ આપણું વહીવટીતંત્ર વાઘરી, ઓડ કે ગારુડી સમુદાયો પ્રત્યે તિરસ્કરની નજરે જુએ છે. આજે પણ ઠાકરડા, કોળી કે પાટણવાડિયાં તથા ગુજરાતી ખ્રિસ્તીઓ ગરીબીમાં સબડી રહ્યા છે. અને જન્મને કારણે જ તેમને સિતમની ચક્કીમાં પીલાવું પડે છે. આવી જ સ્થિતિ કેટલાક મુસ્લિમ સમૂહોની છે, જેમનો સમાવેશ બક્ષીપંચના સમુદાયોમાં થયેલા છે. આ સૌને માટે અનામત બેઠકો દસ ટકાથી વધારીને અઠ્યાવીસ ટકા કરવી એ સમાનતાની દિશામાં સાચી ગતિ છે. એ વિના આપણે સમાજ બંધિયાર રહેશે અને ભારોભાર અન્યાયનું બીજું નામ બની રહેશે.

અનામત સામે 1981માં પહેલીવાર આંદોલન કરીને ગુજરાતના સર્વણોએ દ્વેષ અને ટૂંકી દૃષ્ટિનો પરિચય કરાવ્યો હતો અને હવે બીજીવાર તેઓ એનું પુનરાવર્તન કરી રહ્યા છે. ઇતિહાસની ગતિ ન્યારી છે અને ગતિશીલતા એનું બીજું નામ છે જે પદદલિતો દ્વારા જ ચરિતાર્થ થવાની છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો