કુલ પૃષ્ઠ અવલોકનો

ગુરુવાર, 21 માર્ચ, 2013

જંબુસર - કેસરિયા ઝંડા નીચે કોબરા ગેંગનો આંતક


ઇજાગ્રસ્ત લવજીભાઈ ચમાર

"તમે આવ્યા તે રસ્તે ગામની ડેરી છે. ડેરીની એક તરફ એમનીમાંડવડી છે. નવરાત્રિ વખતે અમે ગરબામાં ભાગ લઈ શકતા નથી. અમારી કોઈ છોકરી જાય તો એને બાવડેથી ઝાલીને કાઢી મેલે. એટલે અમે આ તરફ નોખી માંડવડી કરી. એે લોકો હોળી પ્રગટાવે ત્યારે પણ અમારાથી જવાય નહીં. અમારું નાનું બાળક હાથમાં પ્રસાદી લે તો પણ માર પડે. ત્રણેક વર્ષ પહેલા ગામમાં રામજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અમારા વાસમાંથી મગનભાઈ કંડક્ટર એકલા જ ગયા હતા. એમને બાવડું પકડીને કાઢી મૂક્યા હતા."

આ શબ્દો છે સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના જંબુસર ગામના દલિતજનોના. જંબુસર અરવલ્લીની ડુંગરમાળામાં વસતું નાનકડું રળિયામણુ ગામ છે. માંડ ૧૨૦ ઘરની વસ્તી ધરાવતા જંબુસરમાં પટેલોની અડધોઅડધ વસ્તી છે. દલિતો એમનાથી થોડાક ઓછા છે. પ્રજાપતિ, ઠાકોર, પૂજારાના છૂટાછવાયા ઘર છે. જંબુસર, મોતીપુરા, હઠીપુરા અને મઠ આ ચાર ગામોની ગ્રુપ પંચાયત છે. જંબુસરમાં દલિતોમાં ભણતર ઝાઝુ છે અને એકવીસ દલિતો સરકારી નોકરીઓમાં છે. દલિતો પાસે જમીન નથી પણ એમની સરકારી નોકરીઓ ગામના ખાધેપીધે સુખી, સંપન્ન જમીનદાર પટેલોની આંખમાં કણાની જેમ ખૂંચે છે.

ગઈ અઢારમી ફેબ્રુઆરીએ ડાહ્યાભાઈ ગલાભાઈ ચમારના ઘરે લગ્ન પ્રસંગ હતો અને ગામના જાહેર ચબુતરા પર લગ્નનું સ્વાગત બેનર લગાવેલું. હાર્દિક કેવળભાઈ પટેલ અને કોમલ કેવળભાઈ પટેલે સ્વાગત બેનર ઉતારી દીધું અને તેમની સાથે અન્ય છ પટેલ યુવાનોએ બેનર સળગાવી તેના પર પેશાબ કર્યો. બનાવથી  વિક્ષુબ્ધ થયેલા દલિતો ફરિયાદ નોંધાવા નીકળ્યા હતા. પરંતુ આ દાંડ છોકરાઓના વાલીઓએ દલિતોને સમજાવ્યા અને તેમને વીસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ લખી આપ્યું. જોકે, આ લખાણની નીચે એમના નામ લખાવ્યા પરંતુ સહીઓ કરી નહીં.

આ બનાવ પછી બીજી માર્ચે સાંજના ૬.૩૦ના સુમારે લવજીભાઈ ચમાર ગાડું લઈને સીમથી પાછા ફરી રહ્યાં હતા ત્યારે પંચાયત પાસે દસેક પટેલ યુવાનો રસ્તામાં આડી બાઇકો મૂકીને ઉભા હતા. લવજીભાઇએ એમને બાઇક હટાવાનું કહ્યું તો એમણે "આ તારા બાપાની જગ્યા છે?" એમ કહીને જાતિવિષયક ગાળ ભાંડી. લવજીભાઈ પણ સામે બોલ્યા, " તો શું તમારા બાપની જગ્યા છે?" જાણે લવજીભાઈના કહેવાની જ રાહ જોતા હોય તેમ "કૂટી મારો સાલાને" એમ કહીને એમણે લવજીભાઈને ગાડા પરથી નીચે પાડી દીધા અને એમની પર લાતોનો વરસાદ વરસાવ્યો. લવજીભાઈના નાકમાંથી ધડધડાટ લોહી નીકળવા માંડ્યુ. એમના કપડા લોહીથી ખરડાઈ ગયા હતા.

" કાકાને પોલિસ સ્ટેશને હું લઈ ગયો ત્યારે પીએસઆઈ દેસાઈ હાજર હતા. એમણે એફઆઈઆર નોંધી અને હોસ્પીટલમાં મોકલ્યા. ત્યાં સારવાર જ કરતા નહોતા ત્યાં પણ મારે લડવું પડ્યું.  હોસ્પીટલના ટ્રસ્ટીઓ સાયરાના પટેલો છે," લવજીભાઈના ભત્રીજા મહેન્દ્રભાઈ ચમારે જણાવ્યું હતું. મહેન્દ્રભાઈ લેબર કોન્ટ્રાક્ટર છે. "મને તો પાછળથી ખબર પડી કે કોઈ કોબરા ગેંગ બનાવી છે આ લોકોએ દલિતોને હેરાન કરવા માટે," એમ મહેન્દ્રભાઈએ જણાવ્યું. આ બનાવ પછી દલિત બાળકો એવા આતંકિત થઈ  ગયા કે નિશાળે જતા પણ ડરવા લાગ્યા. દસ દિવસ સુધી દલિતવાસને પાણી આપ્યું નહીં. જે દલિતો દાડીએ જતા હતા એમને કહી દેવામાં આવ્યું કે કાલથી દાડીએ આવશો નહીં. હાલ દલિતોને દૂધ પણ આપતા નથી. ગામમાં સારા પટેલો છે. ભીખાભાઈ કોદરભાઈ પટેલ દલિતોને દૂધ આપતા હતા તો તેમને બીજા પટેલોએ ખખડાવ્યા અને તેમણે પણ દૂધ આપવાનું બંધ કર્યું. હાલ જંબુસરના દલિતો એક કિમી. દૂર દદાલિયાથી દૂધ લાવે છે. 

17 માર્ચે આ લખનાર સાથે ગાંધીનગરના અનુસૂચિત જાતિ એકતા મંચના કન્વીનર્સ નારણભાઈ વાઘેલા, સોમભાઈ વાઘેલા, નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી મણિલાલ સોલંકી તથા જાણીતા દલિત સાહિત્યકાર બી. કેશરશિવમે જંબુસરની મુલાકાત લીધી હતી. અમે સમાજ કલ્યાણ અધિકારી હસમુખ પરમાર સાથે વાત કરી. બીજી માર્ચે લવજીભાઈ પર હુમલો થયા પછી હસમુખભાઈ તાત્કાલિક જંબુસર પહોંચી ગયા હતા. જોકે, તે વખતે સામાજિક બહિષ્કાર શરૂ થયો નહોતો. એટલે તેમની સાથે વાત કરીને બહિષ્કારનો અહેવાલ તાકીદે ગાંધીનગર મોકલવા વિનંતી કરતા તેમણે તેમનો અહેવાલ મોકલી આપ્યો છે. આ લખાય છે ત્યાં સુધીમાં આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. 

શ્રી. કેશરશિવમે ડો. બાબાસાહેબ આંબેડકરના ગુજરાતીમાં અનુવાદિત ગ્રંથોનો સેટ જંબુસરના દલિતોને આપ્યો અને દલિતવાસમાં પુસ્તકાલય શરૂ કરવા જણાવ્યું હતું. ગામના મુકેશ બોદરભાઈ સહિતના અન્ય યુવાનો બાબાસાહેબની વિચારધારા સાથે વર્ષોથી જોડાયેલા જ છે તેમની સાથે જાલોદરના ટીચર દિનેશભાઈ, મેઘરજ કોલેજના પ્રોફેસર બ્રિજેશ રાઠોડ પણ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. 

મેડાસણના બુઝુર્ગ લાલાકાકાને પૂછતાં તેમણે જણાવ્યું કે 68 ગામ પરગણાનું આ 12 પરગણું છે. રાજસ્થાનના મેવાડાથી વીરવાડા સુધીના 150 કિમી.ના પટ્ટામાં પરગણું પથરાયેલું છે. વર્ષો પહેલાં તેમણે કારજ કરેલું ત્યારે નાત બોલાવેલી. કેટલું માણસ આવેલું તેનો તો અંદાજ નથી, પરંતુ આવેલા લોકોને શું ભેટમાં આપ્યું અને કેટલું રાંધ્યું તેની વિગતો પરથી કલ્પના કરી શકાય. 30 મણ ચોખા, 25 મણ ઘઉં, 25 ડબા ઘીનો વપરાશ થયેલો અને 80 કિલો તાંબુ વાસણોરૂપે આપેલું. મેં એમને કહ્યું કે ફરી પરગણું બોલાવો અને ડો. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા પર ચાલવા માટે લોકોને ભેગા કરો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો