કુલ પૃષ્ઠ અવલોકનો

ગુરુવાર, 21 માર્ચ, 2013

કુમ્હેર હત્યાકાંડ

કુમ્હેર હત્યાકાંડના વિરોધમાં બહાર પડેલી પત્રીકા, 1992
હત્યાકાંડની તસવીર

અમદાવાદમાં નરોડા રોડ, અમદુપુરા ખાતે દેખાવો

દેખાવો પછી ધરપકડ વહોરતા કર્મશીલો






ઓમનગર ચાર રસ્તા પર દેખાવો, જ્યાં પછીથી બાબાસાહેબની પ્રતિમા મુકાઈ






કુમ્હેરમાં કાળો કેર

કુમ્હેર એક મોટું ગામડું છે. ભરતપુરથી 15 કિ.મી.ને અંતરે આવેલ આ ગામમાં આશરે 30000ની વસ્તી છે. દલિતોમાં ચમાર (જાટવ) જાતિ મુખ્ય છે. તેમની વસ્તી આશરે 7000 છે. મહેનતકશ કોમ છે. સતત પરિશ્રમ કરે છે. ખેતરોમાં કામ કરે છે તેમ જ કડિયા કામ  પણ કરે છે. જાટવ-દલિતો 'બડા મહોલ્લામાં' વસે છે. કુમ્હેરમાં જાટ લોકોના 50 ઘર છે. તથા કુમ્હેરની આસપાસના 210 ગામમાં તેમની વધુમતી છે, જોહુકમી અને રાજાશાહી છે. રાજસ્થાનના ગૃહમંત્રી કુમ્હેર જતાં પહેલા ભરતપુરના માજી રાજવીને રુબરુ મળવા જાય છે.
6ઠ્ઠી જુનના હત્યાકાંડ અંગે જાટો તથા પોલીસો તરહતરહના કારણો આપે છે. સિનેમાઘરમાં જાટવ યુવાનો તથા સિનેમાના ડોરકીપર જે જાટ કોમનો છે, તેમની વચ્ચે ઝઘડો થાય છે. આ બનાવ તા. 1-6-92ના રોજ બન્યો. જાટવ વિરુદ્ધ લોક લાગણીને ઉશ્કેરવા માટે અફવાઓ ફેલાવવામાં આવે છે, જેથી લોકમાનસ દલિતો વિરુદ્ધ ઉશ્કેરાય અને તેમના ઉપર હુમલો કરે છે.

પત્રકારોને ઘણા બધાં જાટોએ નામ ન આપવાની શરતે કહ્યું કે દલિતો 'ફાટી ગયા હતા. તેમને પાઠ ભણાવવો જરુરી હતો. 'દલિતોના 'રસ્તા રોકો' આંદોલન બાદ ગામમાં એવી અફવા ફેલાવવામાં આવી કે એસ. ટી. બસમાં પ્રવાસ કરતી જાટ કોમની સ્ત્રીઓના કપડા ફાડી નાખવામાં આવ્યા. એક સ્ત્રીને નગ્ન કરીને તેના સ્તન કાપી નાંખવામાં આવ્યા તથા તેની યોનીમાં હથિયારોના ઘા કરવામાં આવ્યા. જાટ કોમના એક વકીલસાહેબે એસ. ટી. સ્ટેન્ડ ઉપર દોરી બાંધી તેની ઉપર સ્ત્રીઓના કપડા ટીંગાડ્યા. જેથી લોકો તે જોઈને ઉશ્કેરાય. પત્રકારોએ જે સ્ત્રીના સ્તન કાપી નાંખવામાં આવ્યા હતા તેની વિગતો મેળવવાં પ્રયાસ કર્યો. તમામ લોકોને એક જવાબ મળ્યો કે શરમને લીધે તે સ્ત્રીનું નામઠામ આપી શકાય તેમ નથી. ગામની તથા આજુબાજુની હોસ્પિટલમાં આ પ્રકારની ઈજા માટે કોઈ સ્ત્રી દાખલ થઈ ન હતી. આવી અફવાઓ જાટવોને સીધા કરવામાં માટે પૂરતી હતી. વહીવટીતંત્ર તરફથી આવા પ્રકારના બનાવ માટે ઇન્કાર કરવામાં આવ્યો હતો. છતાં, ગામમાં હડતાલ પાડવામાં આવી. જિલ્લા કલેક્ટર તાપેશ પવારે હડતાલ પાછી ખેંચાવવા ખૂબ જ પ્રયત્નો કર્યા છતાં ગામ લોકોએ મચક ન આપી. સામેથી એવી માંગણી મૂકી કે એસ. ટી. સ્ટેન્ડના બનાવ અંગે ધરપકડો કરવી. જાટ લોકોને આથી પણ સંતોષ ન થયો. તેમણે વધારે પગલાની માંગણી કરી. કુમ્હેર ગામની પાઈપલાઈન પેંગોર ગામ થઈને પસાર થાય છે. પેંગોરમાં જાટ વધુમતી છે. ચોથી જૂનના રોજ પેંગોર ગામના જાટ લોકોએ પાણીની પાઈપલાઈન કાપી નાંખી. વહીવટીતંત્રે ફરી પાઈપલાઈન રીપેર કરી. જાટ લોકોએ બેશરમ માંગ મૂકી કે જ્યાં દલિતો વસે ત્યાં પાણી ન આપવું. આવી ભંયકર યાતના વચ્ચે કુમ્હેરના દલિતો દિવસો વિતાવતા હતા ત્યાં એકાએક પોલીસોએ દલિતવાસમાં દરોડો પાડ્યો અને 150 દલિત યુવાનોને પકડીને ભરતપુર લઈ જવામાં આવ્યા. આ દરોડાની આગેવાની જાટ કોમના પો. સુપ્રિ. મોહનસિંહે લીધી.

એક તરફ કુમ્હેર ગામના લોકોને પકડી લેવામાં આવે છે અને બીજી તરફ 84 ગામના જાટોની પંચાયત મળે છે. 5000થી વધારે જાટો ટ્રક તથા ટોલી દ્વારા હથિયારો સાથે પંચાયતની મિટિંગ માટે આવે છે. પોલીસ તરફથી અગમચેતીના કોઈ પગલા લેવામાં આવતા નથી. દલિત વસ્તીમાં પોલીસ દરોડાની કાર્યવાહી આશરે બપોરે 12 વાગે પૂરી થાય છે. અને બીજી તરફ પંચાયતની મિટિંગના હજારો જાટો હથિયારો સાથે દલિત વસ્તી ઉપર તૂટી પડે છે. પોલીસ હાજર છે. માત્ર હવામાં ગોળીબાર કરવામાં આવે છે. જાટ લોકો પાસે બંદૂકો, તલવારો, ભાલા, હોકી, સ્ટીક તથા લાકડીઓ હોવા છતાં કોઈની ધરપકડ કરવામાં આવતી નથી. દલિતો ઉપર કાળો કેર વરસાવવામાં આવે છે. 14 દલિતોને સ્થળ પર જ રહેંસી નાખવામાં આવે છે. સ્ત્રીઓ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવે છે. ઈજાગ્રસ્ત દલિતોને સળગતા બિટોરામાં (સૂકા છાણાના ઢગલામાં) નાખી દેવામાં આવે છે. મકાનો જમીનદોસ્ત કરવામાં આવે છે. સેંકડો દલિતો જાન બચાવવા ગામ છોડીને ભાગી જાય છે. પોલીસ તથા ગામના અન્ય કોમના લોકો તરફથી કશી જ સહાય કરવામાં આવતી નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા પોલીસો હાજર છતાં દલિતા ઉપર આંતકનો ભારતમાં શું આ પ્રથમ બનાવ હશે?

157 ઘરો ઉજ્જડ થયા. 25 લાખની માલ-મિલકતનો નાશ થયો. અસંખ્ય ઢોર, મરઘા, બતકા, બકરીઓને જીવતાં સળગાવવામાં આવ્યા. કમલાદેવી નામની ઈજાગ્રસ્ત જાટવ સ્ત્રી ભાગીને પોલીસ સ્ટેશન જાય છે. મદદ માટે વિનંતી કરે છે. તેના કુટુંબમાં તેણી, તેનો ભાઈ તથા પાંચ બાળકો છે. બધા ઉપર જીવલેણ હુમલો થયો છે. પોલીસ કમલાદેવીને સંભળાવે છે, "તને ભાલો લાગ્યો છતા તું જીવે છે. તું ડાકણ છે." કમલા દેવી પોલીસ સ્ટેશનમાં પીવા પાણી માંગે છે તો તેને પેશાબ પીવાનું કહેવામાં આવે છે. બીજે દિવસે સેંથીલી ગામ પર હુમલો કરવામાં આવે છે. ત્રણ દલિતોને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. સળગતા કપડા સાથે ભાગતા દલિતો પર ગોળીઓ છોડવામાં આવે છે. એક દલિત ઉપર કુહાડીથી અને બીજા ઉપર તલવારથી હુમલો કરવામાં આવે છે. ફૂલસિંહ અને નારસિંહ નામના દલિતો જાન ગુમાવે છે. સત્યનગર નામના ગામના દલિતનું એક જ કુટુંબ છે. હુમલામાં કુટુંબના વડાને જાનથી મારી નાખવામાં આવે છે.

ત્રણ દિવસના આંતક બાદ સરકાર તરફથી સલામતી માટે લશ્કર બોલાવવામાં આવે છે. સરહદનું રક્ષણ કરવા રોકેલ જવાનોને કરફ્યુગ્રસ્ત 'શુદ્ર'ની રક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવે છે રાજ્યના મુખ્યમંત્રી આવે છે, અન્ય મંત્રીઓ પણ ખરા. કેન્દ્ર સરકારના, રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન શ્રી. જેકબ તથા રાજ્યના ગર્વનર પણ દલિતોને હૈયાધારણ આપે છે. જાનહાનિ તેમજ બળાત્કારના બદલામાં આર્થિક સહાય પણ આપવામાં આવે છે.

પ્રમુખ પત્રકારોનો અભિપ્રાય એક જ  કે આ વિસ્તારના દલિતો સ્વમાની છે. અધિકારોના જતન માટે જાગૃત છે. કાયદાના ઉલ્લંઘન માટે કોર્ટ કચેરીનો આશરો લે છે. આ વાત જાટ લોકોને ગમતી નથી. તેમની ઈચ્છા એવી કે દલિતો હજુયે તેમને સલામ કરે, ભાઈ બાપા કરે, નીચે મસ્તકે ચાલે. બીજી તરફ જે દલિતોમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના પ્રેરણાદાયી જીવન તથા પૈગામની વાતો પ્રસરી છે તે દલિતો જાનવર જેવી જિંદગી જીવવા તૈયાર નથી.

આવા બનાવોમાં ચિંતાની બાબત એ છે કે વહીવટીતંત્ર હંમેશા અત્યાચારીઓની સાથે રહે છે. કુમ્હેરનો આંતક સાંજના છ સુધી ચાલે છે. આગ હોલવવા માટે બંબા પણ મોકલવામા આવતા નથી. સમગ્ર શનિવારની રાત આગની જ્વાળાઓ પ્રગટે છે. બીજી તરફ જે જાટવ યુવાનોને બપોરે પકડી રાત્રે 12 વાગ્યે છોડી મુકવામાં આવે છે. તેઓ જ્યારે પરત આવે છે ત્યારે પોતાના ગામ, ઘર તથા આપ્તજનોને ભયંકર યાતનામાં નિહાળે છે. બનાવના એક અઠવાડિયા બાદ પણ વિપુલસિંહ યાદવ નામના ઉચ્ચ પોલીસ અધિકારી જણાવે છે કે 681 કુટુંબો ભાગી ગયા છે.

કુમ્હેર દિલ્હીથી માત્ર 170 કિ.મી. દૂર છે. સિનેમાના કલાકારોને શૂટીંગ દરમ્યાન ઇજા થાય તો આ દેશના વડાપ્રધાન દિલ્હીથી મુંબઈ ખબર જોવા જાય છે. પરન્તુ 14 દલિતોની અમાનવીય હત્યા તથા અસંખ્ય દલિતોને ઇજા થઈ હોવા છતાં લાલ, લીલા, ભગવા અને સફેદ ઝંડાવાળા કોઈને દિલ્હીમાં સમય નથી. ત્યાં બધા આ દેશનો રાષ્ટ્રપતિ બ્રાહ્મણ બને કે શુદ્ર, તેની ચર્ચા કરે છે. મહાત્મા ગાંધીજીની ઇચ્છા હતી કે એક હરિજન કન્યા આ દેશમાં સર્વોચ્ય સ્થાનને શોભાવે. સવાલ એ છે કે શું હરિજન કન્યા અથવા બ્રાહ્મણ મર્દને ચાહે તે સ્થાન પર ઉપર નિયુક્તિ કરવાથી જાતિપ્રથાનો અંત આવશે? અસ્પૃશ્યતાનું સોમલ દૂર થશે? ના. ના. ના. દલિતોના દુ:ખોનો ઉપાય દલિતોએ જ કરવાનો છે. કોઈ મહાત્મા કે ભગવાન મદદ કરનાર નથી. તમામ મહાત્મા અને ભગવાનો વર્ણવ્યવસ્થામાં માને છે. તમામ રાજકીય પક્ષો જાતપાતનો ઉપયોગ ચૂંટણી જીતવામાં કરે છે. બધા બે પ્રકારની જિંદગી જીવે છે. જાહેરમાં બિનસાંપ્રદયિક, ખાનગીમાં સાંપ્રદાયિક. જાહેરમાં જાતિપ્રથાનો વિરોધ, અંગત જીવનમાં જાતિપ્રથાનો સ્વીકાર.

કુમ્હેર હોય કે ત્સુંદુર, બેલછી હોય કે ગોલાણા. પ્રાંત અલગ છે. ભાષા અલગ છે. અસ્પૃશ્યો-અસ્પૃશ્યો છે.

(સ્વમાન - ફાઉન્ડેશન ફોર દલિત લિટરેચરના સૌજન્યથી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો