તીસરી આઝાદી માટેની લડાઈનો
જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે દલિતો-વંચિતો માટે બલિદાનો આપનારા બિન-દલિતોની યાદીમાં
સૌથી મોખરે કર્દમ ભટ્ટનું નામ હશે. કર્દમ ભટ્ટ કોણ હતા? ત્રીસ વર્ષોના સંસ્મરણોને
વાગોળું છું તો એવું લાગે છે કે તેઓ એક ઓલીયા જેવા હતા, જેના થેલામાં માર્કસ-એંગલ્સનું
જાહેરનામુ અને લેનીનની એપ્રિલ થીસીસ, માઓની લાલ કિતાબ અને લૂ શૂનની કથાઓ, ચેખોવની
વાર્તાઓ અને બ્રેખ્તના નાટકો, મૂક્તિજંગ અને માસલાઇન જેવા
સામયિકો હતા. છ ફૂટની ઉંચાઈ, લઘરવઘર કપડાં, પગે સ્લીપર, ચહેરા પર શાશ્વત અજંપો અને
વ્યવસ્થા સામેનો આક્રોશ. તેમને કોઇપણ વ્યક્તિ મળે પછી ભલે તેમના વિચારો સાથે સંમત
ના થાય, પરંતુ તેમના માટે આદરની એક લાગણી સૌના મનમાં અચૂક જન્મે.
બીજી ફેબ્રુઆરીએ કર્દમ
ભટ્ટનું અવસાન થયું હતું. એમના અવસાન નિમિત્તે યોજાનારી શોકસભાના ગાંધીનગર-સ્થિત
એક અગ્રણી દલિત સાહિત્યકારને આપ્યા ત્યારે તેમણે કહેલું, “અહીં ઘણા પૂછે છે કે કર્દમ
ભટ્ટ કોણ?” કેવી વિડંબના છે કે ક્રાન્તિની કવિતાઓ કરનારા દલિત કવિઓ
રમણ વોરાને ઓળખે છે, પરંતુ કર્દમ ભટ્ટને નથી ઓળખતા. એક અન્ય દલિત મિત્રને શોકસભાનો
એસએમએસ કર્યો ત્યારે એમણે કહ્યું કે, તેઓ ભટ્ટ શબ્દને કાઢીને
મિત્રોને મેસેજ મોકલશે, કેમ કે દલિત મિત્રોને ભટ્ટ શબ્દથી નારાજગી હોઈ શકે. મેં
કહ્યું, “બહેનજી બ્રાહ્મણો સાથે બેસે એનો તમને વાંધો નથી. અહીં કર્દમ
પાછળ ભટ્ટ શબ્દ છે એનો કેમ વાંધો છે.”
આજે પંદર મિત્રો ક્યાંક
નાનકડું ગતકડું કરે છે અને ફેસબુક પર મિત્રોને શેર કરીને ચળવળ ચલાવ્યાનો આનંદ
મેળવે છે. ત્યારે આપને એ જાણીને આશ્ચર્ય થશે કે દલિતો-શોષિતોના સેંકડો આંદોલનોમાં કર્દમ
ભટ્ટે મોખરાનો ભાગ ભજવ્યો હતો; ચાલીએ ચાલીએ ફરીને લોકોને
જગાડ્યા હતા, ‘યે ગાંવ હમારા
યે ગલી હમારી’, ‘હીલે રે ઝકઝોર દુનિયા’, ‘જાણ છે તને કેમ લડ્યા તા
માત્મા ગાંધી’, ‘રાત થોડી ને વેશ છે ઝાઝા’ જેવા ગીતો ગાઇને પ્રેરણા
આપી હતી; ફેફસા ફાટી જાય ત્યાં સુધી કલોલ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદની અનામત-તરફી
રેલીઓમાં હલ્લા બોલાવ્યા હતા; જાતિ નિર્મૂલન સમિતિના શેરીનાટક
બામણવાદની બારાખડીના સોથી વધારે પરફોર્મન્સીસમાં ભાગ લીધો હતો; અમારી સાથે વારંવાર ધરપકડો
વહોરી હતી અને છતાં કેટલાક અપવાદ બાદ કરતા તેમની સ્મૃતિઓ કચકડે ઝીલાઈ નથી.
મોટાભાગના દલિતો માટે એમનું
કાસ્ટ સર્ટિફિકેટ નોકરીઓ, પ્રમોશનો અને સુખસુવિધાઓ અંકે કરવાના પરવાનાથી વિશેષ
કશું જ નથી. 1981થી 1990ના ગાળામાં અનામત-તરફી રેલીઓમાં મીલ મજુરો અને બેકાર દલિત
યુવાઓએ ભાગ લીધો હતો, જેમને અનામત સાથે નહાવા નીચોવાનો પણ સંબંધ નહોતો. કર્દમ ભટ્ટ
બ્રાહ્મણ હોવા છતાં અનામત-તરફી પ્રતિકાર રેલીઓમાં દલિત કરતા પણ સવાયા દલિત બનીને
પ્રગટતા હતા. 1981થી ગુજરાતમાં અનામત-વિરોધીઓનો ઉત્પાત શરૂ થયો હતો. આજે ‘હું પણ પીછડી જાતિનો’ એમ કહીને આખા દેશમાં મતોની
ભીખ માંગનારા ફેંકુનો પક્ષ ત્યારે અનામતનું નિકંદન કાઢવા પડદા પાછળ ઘાતકી ષડયંત્રો
રચતો હતો અને કરોડોના ફોરીન ફંડને મેનેજ કરનારી એનજીઓના પ્રોજેક્ટોનો પેઇડ યુગ
જ્યારે શરૂ થયો નહોતો, તેવા સમયે અનામતની તરફેણમાં નોકરીધંધાની પરવા કર્યા વિના
મેદાનમાં ઝંપલાવનારા મુઠ્ઠીભર મરજીવાઓથી આંદોલનો ચાલતા હતા. ગુજરાતી સાહિત્ય
પરિષદના ગો. ત્રિ. હોલમાં કર્દમને શ્રદ્ધાંજલી આપવા આવેલા ડો. નીતિન ગુર્જરે તેથી જ
કહેલું કે, ત્યારે કર્દમ-શંકર-સાહિલની ઝુઝારૂ કવિતાઓ સાંભળવા અમે નોકરી મૂકીને દોડી
આવતા હતા.
1986માં અનામત-વિરોધીઓએ
સમગ્ર ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષધની પ્રેરણાથી ત્યારે
અનામતના વિરોધમાં મંદિરોને પણ તાળા વાગી ગયા હતા. જાતિ નિર્મૂલનના કાર્યકરોએ
ગુજરાત બંધનો વિરોધ કર્યો હતો અને પોલિસે તેમને પકડીને ગાયકવાડની હવેલીમાં પૂરી
દીધા હતા. તે વખતે કર્દમ ભટ્ટ અમારી સાથે હતા. ગાયકવાડની હવેલીમાં બ્રિટિશ રાજ
ચાલે છે, શીર્ષકથી ચાર કોલમનું બોક્સ છાપીને જનસત્તાના તત્કાલીન નિવાસી તંત્રી
પ્રકાશ શાહે અમારા અકિંચનોના આંદોલનની ત્યારે નોંધ લીધી હતી.
નિરીક્ષકમાં તાજેતરમાં
છપાયેલા લેખમાં સાથી પ્રવિણ પંડ્યાએ યોગ્ય કહ્યું કે “કર્દમ ડાબેરી વિચારધારા અને
દલિત આંદોલનની ઓળખસમો હતો ...... છે ...... અને રહેશે.” માર્ક્સ અને આંબેડકરની
કલાકો સુધી ચર્ચા કરનારા વિદ્વાનોનો આપણે ત્યાં તોટો નથી. માર્ક્સને ભાંડનારા
આંબેડકરવાદીઓ અને આંબેડકરને ઉવેખનારા દલિત સામ્યવાદીઓની એક પેઢી જન્મીને મરી પણ
ગઈ. પરંતુ માર્ક્સની આર્થિક સમાનતા અને આંબેડકરની સામાજિક ક્રાન્તિના સિદ્ધાંતોને
એક્શનમાં ઉતારીને ન્યોછાવરી કરનારા કર્દમ ભટ્ટ તો જવલ્લે જ સાંપડે. કર્દમ ગયા એ જ
અરસામાં રતિલાલ દવે (આર. ડી. દવે)એ પણ આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. રાયખડના જવાહર
ચોકમાં કૃષ્ણની મૂર્તિ કચરા પેટીમાં પધરાવનારા આર. ડી.ના ક્રાન્તિકારી મૂમકિન
મેગેઝીનને મજુરો-દલિતોમાં લઈ જનારા કર્દમ ભટ્ટ અને અશ્વિન દેસાઈ હતા. કામદાર
આંદોલનો સાથેનો એમનો ગાઢ નાતો હતો, જેને ફિઝિકલ રીસર્ચ લેબોરેટરીના સાયન્ટિસ્ટ અને
યુનિયનિસ્ટ ડો. વેલુએ સંભાર્યો હતો.
ભાવનગરના વતની, વિજ્ઞાનના
સ્નાતક કર્દમ ભટ્ટે પ્રતિબદ્ધતાના રંગે રંગાઈને શોષિતોની ચળવળોમાં ઝંપલાવ્યું ના
હોત અને વ્યવસાયિક રંગભૂમિમાં કામ કર્યું હોત તો ગુજરાતી રંગભૂમિ ઉજળી થઈ હોત.
એમનામાં રહેલો કલાકાર પાયાના આંદોલનોમાં પ્રચંડ વેગે પ્રગટ્યો હતો. શોકસભામાં
મનીષી જાનીએ કર્દમને યાદ કરતા કહેલું કે, “જય ગુરુદેવ સામે થયેલા
અભિયાનમાં જ્યારે નાટક કરવાનું થયુ ત્યારે કર્દમે ચોથા વાંદરોનો વેશ ભજવ્યો હતો.” જાતિ નિર્મૂલન સમિતિના
શેરી નાટકમાં “એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ”, કહેતાં, થેકડા મારતા
કર્દમ ભટ્ટને જેણે જોયા છે તેઓ એ બ્રાહ્મણને વિસરી નથી શકતા જે પોતે બ્રાહ્મણ હોવા
છતાં રૂઢિદાસ્યનો ભોગ બનેલા બ્રાહ્મણની ઠેકડી ઉડાડવામાં પાછી પાની કરતો ન હતો.
જેવું નાટકનું એવું જ સાહિત્યનું અગાધ જ્ઞાન કર્દમને હતું. “ગુજરાતી સાહિત્યમાં
ભૂમિહીનોના જમીનનો સવાલ કેટલો પ્રતિબિંબિત થયો છે તેનું પણ સંશોધન થવું જોઇએ”, એવું કહેનારા કર્દમને
સરૂપ ધ્રુવે શોકસભામાં અમસ્તાં યાદ કર્યા ન હતા.
દલિતોની એક સમગ્ર પેઢીને
કર્દમ ભટ્ટે ‘હલ્લા બોલ’ બોલતી કરી દીધી હતી. જે
સમયે ફકીર વાઘેલાઓ દલિતોને એક તદ્દન વાહિયાત રાજકીય પક્ષમાં પ્રલોભનો આપીને ખેંચી
રહ્યા હતા, ત્યારે કર્દમ ભટ્ટ જેવા લોકો આવનારી લડાઈઓ માટે દલિતોમાં ક્રાન્તિકારી
ચિનગારી પ્રગટાવવાની મથામણ કરી રહ્યા હતા. ક્યારેક ક્રાન્તિકારી થવાની ધખના
સેવનારા દલિત કવિઓ આજે સમાજ કલ્યાણ ખાતાના એવોર્ડો ગળામાં ભરાવીને બે બદામના ભવૈયા
બની ગયા છે ત્યારે કર્દમ ભટ્ટનું આમ અચાનક જવું વસમુ લાગે છે, છતાં કર્દમભાઈના
માનીતા વીર નાયક સ્પાર્ટેકસની જેમ આપણે ચોક્કસ કહીશું, “મૈં વાપસ આઉંગા, લાખોં કી
તાદાદ મેં કરોડોં કી તાદાદ મેં.”
રાજુભાઈ અનામત વીરોધી રમખાણો મા જાન ની બાજી લગાવનારા સવાયા દલિત ને લાલ સલામ..અફસોસ એ જ કે આ જે આ સમય મા કર્દમ વિશે વાંચવા મળે એવુ સાહિત્ય નથી સિવાય તમારા બ્લોગ
જવાબ આપોકાઢી નાખોલાલ સલામ
અન્યાય-અત્યાચાર સામે એકલવીર થઈને લડાય તેટલું લડી કર્દમ ભટ્ટ ગુમનામીમાં જ મરી ગયા.જ્યાં જૂની પેઢીના ફકીર વાઘેલાઓ અને નવી પેઢીના રમણલાલ વોરાઓ સમાજ કલ્યાણ ખાતાના એવોર્ડો ગળામાં ભરાવીને બે બદામના ભવૈયા બની ગયા છે ત્યારે કર્દમ ભટ્ટ જેવાઓનું જીવન પ્રકાશિત લાગે.ફેસબુક હોય કે કઈક બીજું શો-ઓફ માટે ક્રાંતિની વાત કરતા જ્યાં નાનકડા ગતકડા ચાલે છે ત્યારે બને કે આવા ગતકડા ભવિષ્યમાં પણ ફૂટે પણ કદર્મ ભટ્ટની લેગસી માટે? 1981થી 1990ના ગાળામાં ગુજરાતમાં અનામત-તરફી-રેડીકલ-સમાનતાવાદી કદર્મ ભટ્ટ પેદા થયા હતા,અને આજના પેસ્યુડો લોકોએ બધું નિષ્ક્રિય અને નામશેષ મારી દીધું છે. સ્પાર્ટા કિંગ લીઓનાર્દસ યુદ્ધમાંથી દીલીઓસ ને કહે છે કે,તું મારો છેલ્લો ફરમાન સ્પાર્ટાની સંસદમાં મોકલજે.દીલીઓસ સંસદમાં આવીને બધાને કહે છે,છોટીસી ખ્વાહીશ થી ઉસકી "હમે યાદ રખના".આભાર,દીલીઓસની જેમ એક સ્પાર્ટાની વાત કહેવા માટે.
જવાબ આપોકાઢી નાખોખુબ ખુબ આભાર રાજુભાઈ, કર્દમ ભટ્ટ વિષે માહિતી આપવા બદલ. તમારો બ્લોગ વાચ્યા પછી જ મને એમના વિષે ઓળખાણ પડી અથવા તો આજે જ એમનું નામ વાચ્યું. ધન્ય છે એવા લોકોને જેમને દલિતોમાં આગળ રહીને ક્રાંતિ માટે લડતો લડી અને શોષિત વર્ગમાં જોશ અને ઉત્સાહ પૂર્યો.
જવાબ આપોકાઢી નાખોકદર્મ ભટ્ટ જેમના વિશે અપરીચીત હતો અને તેમા પણ તે ભાવનગરના હોય તો પણ તેના વિશે અજાણ હોવાનું દુખ થાય છે. બ્રાહમણ કુળમાં જન્મેલા છતા સવાયા દલિત તરીકે નામના મેળવનાર એવા વિરલાના જીવનને ધન્ય છે...
જવાબ આપોકાઢી નાખો