કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 1 ફેબ્રુઆરી, 2012

ટોડા-સાંબરડા રેલી, 1989

વર્ષ 1989. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સાંબરડા ગામે તત્કાલીન કેન્દ્રીય પ્રધાન ભૈરવદાન ગઢવીના સ્વજનોના ત્રાસથી ગામના દલિતોએ સામૂહિક હિજરત કરીને પાલનપુરની કલેક્ટર કચેરીમાં ધામા નાંખ્યા. દલિતોને દોરવણી આપી એમટેકની ઉચ્ચ ડીગ્રી મેળવીને પ્રોફેસર બનેલા પ્રા. પાનાચંદ પરમારે. અને શરૂ થઈ એક ઐતિહાસિક લડત, જેણે ઉભો કર્યો અભૂતપૂર્વ લોકજુવાળ અને આવનારા દિવસોમાં કોંગ્રેસના મૂળીયા હચમચાવી નાંખ્યા. 
એ જ સમયે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામે યુવાન દલિત ભીખાભાઈ રૂડાભાઈ સાગઠીયાને લીમડાના ઝાડ નીચે ઉંધા માથે લટકાવીને તાપણુ સળગાવીને ઘાતકી રીતે મારવામાં આવ્યા. દલિતોએ ટોડા ગામેથી હિજરત કરીને કાલાવડના મેઘવાળ છાત્રાલયમાં આશ્રય લીધો. 



આ બંને ઘટનાઓના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. અમદાવાદમાં જાગૃત દલિતોએ રેલી કાઢી, જેને જાતિ નિર્મૂલન સમિતિના કર્મશીલોએ નેતૃત્વ પુરું પાડ્યું. સારંગપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી નીકળેલી રેલીમાં બેનર પકડીને ઉભા છે સમિતિના યુવા કર્મશીલો રાજેન્દ્ર અને વસંત. વચ્ચે ઉભા છે મગનલાલ કોન્ટ્રાક્ટર અને તેમની સાથે છે ભીખાભાઈના પિતા સૌરાષ્ટ્રના પરંપરાગત વેશમાં. 


રેલીમાં ગામડેથી ઉઘાડા પગે દલિતો ઉમટી પડ્યા હતા. સૌ શિસ્તબદ્ધ રીતે રેલીમાં જોડાયા હતા. રેલીમાં સૌથી મોખરે જણાય છે જે. કે.ચૌહાણ, નગીનભાઈ પરમાર, જયંતી બારોટ, રાજુ સોલંકી અને નવનીત રાઠોડ (જેણે બામણવાદની બારાખડી શેરીનાટકમાં છનાભાઈ દાતણીયાનું અમર પાત્ર ભજવ્યું) 


ત્યારે ગુજરાતમાં ભાજપ વિરોધ પક્ષમાં હતો. તેના દલિત કાર્યકરો દલિત સમાજમાં ઉભા રહેવાની જગ્યા શોધતા હતા. રેલીમાં ભાગ લેવા રતીલાલ વર્માએ આયોજકોને વિનંતી કરતા કહેલું, અમે ભાજપના કાર્યકર તરીકે નહીં, દલિત તરીકે રેલીમાં આવવા માગીએ છીએ. સમિતિના કન્વીનર રાજુ સોલંકી તેમને લેવા માગતા નહોતા, પરંતુ, સાથી મિત્રોએ તેમને સમજાવ્યા અને છેવટે તેમને રેલીમાં જોડાવાની પરવાનગી આપવામાં આવી.   તસવીરમાં જોવા મળે છે ફકીરભાઈ વાઘેલા (હાલના સમાજ કલ્યાણ પ્રધાન) અને પાછળ છ ફુટના ડોકીયું કાઢતા સાંસદ રતીલાલ વર્મા. 




એ દિવસો હતા જ્યારે ફન્ડિંગ એજન્સીઓએ દલિત આંદોલને અભડાવ્યું નહોતું. દલિત યુવાનો કોઈ એનજીઓના પેઇડ વર્કર નહોતા. દલિત યુવાનો જુસ્સાના પ્રાણવાયુ પર શ્વસતા હતા. 
કેટલાક ઉગ્ર દલિત યુવાનો ધોકા, લાકડીઓ અને દંડા લઇને પણ આવી રેલીઓમાં જોડાતા હતા. એમના રસ્તામાં આવવાની કોઇની મજાલ નહોતી. 

ભરયુવાનીમાં મૃત્યુ પામેલા ધનસુખ કંથારીયા, જેમણે બામણવાદની બારાખડી શેરીનાટકમાં અનામતવિરોધી વેપારીની ભૂમિકા ભજવી હતી, તેઓ બેનર પકડીને ચાલી રહ્યા છે. તેમના પાછળ ચાલે છે વીતેલા વર્ષોના ફકીરભાઈઓ ....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો