કુલ પૃષ્ઠ અવલોકનો

ગુરુવાર, 16 ફેબ્રુઆરી, 2012

'ડોઝિયર'  :  દલિત દસ્તાવેજીકરણ



દિલીપ ચંદુલાલ

૧૪મી ડિસેમ્બર, 1997એ જાતિ નિર્મૂલન સમિતિના ઉપક્રમે રાજુ સોલંકી સંપાદિત અંગ્રેજી ત્રૈમાસિક ’ડોઝિયર’ના વિમોચનનો કાર્યક્રમ પ્રો. અલ્વીના પ્રમુખપદ નીચે યોજાઈ ગયો. દલિત પ્રશ્નોને વાચા આપતા આ સામયિકનો મુખ્યત્વે હેતુ દલિત વ્યથા વિતકોના દસ્તાવેજીકરણનો છે.

વિમોચન પૂર્વે કાર્યક્રમનો આરંભ કરતા રાજુ સોલંકીએ જણાવ્યું કે ગુજરાત બહાર દેશભરમાં ગુજરાતના દલિત  પ્રશ્નો વિષે  માહિતી મળતી રહે અને ગુજરાતના દલિત આંદોલનોથી દેશસમસ્ત માહિતગાર રહી શકે તે મુખ્ય હેતુથી આ સામયિકનું માધ્યમ અંગ્રેજી રાખવામાં આવ્યુ છે.


મનીષી જાનીએ કાર્યક્રમનું પ્રથમ વક્તવ્ય આપતા જણાવ્યું કે સઘળાં પ્રસાર  માધ્યમોમાં આવેલ ક્રાંતિને કારણે માધ્યમ વાસ્તવિક દ્રશ્યોથી દૂર જતું જાય છે. ત્યારે ’ડોઝીયર’ વિશિષ્ટ હેતુસર પ્રસિદ્ધ થઈ રહ્યું છે એ આવકારલાયક, સંતોષપ્રદ અને આનંદદાયક ઘટના છે. આજે ભારતમાં ૨૦ કરોડનો મધ્યમવર્ગ વર્ચસ્વ ભોગવે છે અને તે બાકીના સમાજનું વરવું શોષણ કરે છે. આને કારણે દલિત પ્રશ્નો અને દલિત આંદોલનનો માધ્યમમાં કયાંય સ્થાન મળતું નથી. પછી એ વર્તમાનપત્રો હોય કે વિવિધ ચેનલો દ્વારા પ્રસારિત થતા દ્રશ્ય-શ્રાવ્ય સમાચારો, સિવાય કે બિહારમાં બનેલ દલિતોના મહા હત્યાકાંડ. આ સમયે ’ડોઝિયરે’ દલિત પ્રશ્નોના દસ્તાવેજીકરણનો જ ઉપક્રમ હાથ ધર્યો છે તે પ્રશસ્ય છે. તેમાં આંબેડકર અવમાનને પગલે પગલે ગુજરાત બંધની વિગતવાર વિગતો છે અને કતલખાના બિનલોકશાહી ઢબે બંધ રાખવા સામે થયેલ રીટ પીટીશનની વિસ્તૃત વિગતો. આ વિગતો કમનસીબે, આપણા કોઈ વૃત્તપત્રોમાં દૃષ્ટિગોચર થઈ નથી. આજથી દસ-પંદર વર્ષ ઉપર આપણા વર્તમાનપત્રોમાં તેને સ્થાન હતું, પણ આજે તે સમાચારો, હેવાલો,  વર્તમાનપત્રોમાંથી અદ્રશ્ય થયાં છે. આ સંજોગોમાં ’ડોઝીયર’નો પ્રયોગ આવકાર્ય છે જ નહીં, નિતાંત આવશ્યકતા છે. આના દ્વારા ગુજરાતની સાચી છબી ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં રજૂ થઈ શકશે.

વાલજીભાઈ પટેલ આ દોર ચાલુ રાખતા જણાવ્યું કે આજ સુધીમાં ઘણાં સામયિકો પ્રગટ થતા હતા અને થઈ પણ રહ્યા છે. મેં પણ ભૂતકાળમાં એ પ્રયત્ન ’દલિત મિત્ર’ દ્વારા કર્યો હતો, પણ દલિત આંદોલનને વાચા આપતું એક પણ સામયિક બહાર આવતું નથી, ત્યારે ’ડોઝીયર’નો આ દિશામાં પ્રથમ પ્રયાસ અને પ્રયોગ સારી નિશાની છે. સ્વાતંત્ર્ય પછી શોષણનું સ્વરૂપ બદલાયું છે અને પૂર્વસ્વાતંત્ર્ય કાળ જેવું જ દલિતોનું શોષણ આજે પણ અવિરત ચાલુ છે. તે કપરા કાળમાં પ્રતિકારાત્મક આંદોલનોને વાચા આપવાનું બીડું ’ડોઝીયર’ દ્વારા રાજું સોલંકીએ ઝડપ્યું છે. તે માટે તેઓ અભિનંદનના અધિકારી છે.
મારા મતે દલિત સાહિત્યના ચાર માપદંડો છે.
 
  • દુશ્મનોની ઓળખાણ – દલિત સાહિત્યની આ સૌથી પહેલી જવાબદારી છે, કર્તવ્ય છે.
  • આ દુશ્મનો કયાં કયાં છૂપાયેલા છે તેનો દલિત સાહિત્યે પર્દાફાશ કરવો પડશે.
  • આ દુશ્મનોનું કદ તેમણે સ્પષ્ટ કરવું પડશે.
  • આ દુશ્મનોને ખતમ કરવા સઘળા પ્રયત્નો કેન્દ્રીત કરી તેની તાકાત કેળવવી પડશે.

આવું દલિત સાહિત્ય આવતી કાલે રચાય તેવી કામના સાથે વિરમું છું. રાજુ સોલંકીએ દરમિયાનગીરી કરતા ભારપૂર્વક જણાવ્યું કે દુશ્મનની ઓળખ એ દલિત સાહિત્યનું ઉત્તરદાયિત્વ છે.

'ડોઝીયર'નું વિમોચન કરતાં અલ્વી સાહેબે મનીષીએ ધૂંધળી થતી જતી છબીની જે વાત કરી હતી તેને વિશદ કરતું વક્તવ્ય આપ્યું અને અમેરિકામા અશ્વેતોના થતા અનાદરની સાથે જોડી તેમણે જણાવ્યું કે આજે માધ્યમો દ્વારા માત્ર નખશિખ દુરસ્ત  લોકોનું જ ચિત્રણ થાય છે, જે ભારતની સાંપ્રત વાસ્તવિકતાથી વિપરીત છે તે સમયે ’ડોઝીયર’નું પ્રકાશન નવું પ્રભાત બની રહો.

'ડોઝીયર'માં કતલખાનાં બંધ રાખવા સામે થયેલ રીટની વિગતો અને આંબેડકર અવમાનનાના પગલે યોજાયેલ ગુજરાત બંધના વિશદ્ અહેવાલ ઉપરાંત ટેમ્પલ્ટન મેગેસેસે પારિતોષિક વિજેતા પાંડુરંગ આઠવલેના ગ્રંથ ’સંસ્કૃતિચિંતન’માંથી ’ચતુવર્ણવ્યવસ્થા’ ઉપરના તેમના જીર્ણમતવાદી વિચારોનાં ઉદ્ધરણો રજૂ કરતાં નોંધ્યુ છે કે આ વિચારો અત્યંત અતાર્કિક છે અને મૂર્ખ માણસ પણ આ બ્રાહ્મણવાદી વાત માથે ચડાવવા તૈયાર ના થાય. રીટ પીટીશનના વિભાગમાં કતલખાનાં બંધ કરવાના નિર્ણય સામે થયેલ ચાર પીટીશનો અને કોર્ટના મૌખિક હુક્મની તંતોતંત વિગતો આપી છે. એ જ રીતે ગુજરાત બંધ દરમિયાન દલિતો ઉપર પોલીસ અને સવર્ણો દ્વારા થયેલ અત્યાચારની વિગતો ઉપલબ્ધ છે, ગુજરાતનાં બીજા શહેરોની માહિતી નથી.

આજ દિન સુધી કોઈ વર્તમાનપત્ર કે સામયિકમાં આપણને આ માહિતી ઉપલબ્ધ થતી નથી. અને બન્ને ’ડોઝિયર’ના સબળ જમા પાસાં છે. આ ઉપરાંત ’વર્શીપીંગ ફૉલ્સ ગોડ’ના લેખક અરુણ શૌરીને રાજુ સોલંકીએ લખેલ પત્રનો પણ અંકમાં સમાવેશ થાય છે. આ પત્રના અંતભાગમાં રાજુ સોલંકી ચેતવણી ઉચ્ચારે છે કે ભૂતકાળમાં દલિતોના દેવોને તમે હમેંશા જલીલ કર્યા છે, પણ હવે દલિતો તેમના સાચા ભગવાન (બાબાસાહેબ આંબેડકર)ની અવમાનના સાંખી નહી લે. અને દલિતોની આ નવ્યશક્તિને તમે દેશની અનવસ્થાના ભોગે જ નજરઅંદાજ કરી શકશો. બીજા પત્રમાં રાજુ સોલંકીએ ભારત સરકાર દ્વારા બાબાસાહેબનાં પુસ્તકોના થયેલ હિન્દી અનુવાદોમાંથી વરવા અનુવાદોનાં દ્રષ્ટાંતો આપીને ભારત સરકારના સમાજકલ્યાણ ખાતાના મંત્રીને આ ભૂલો નવી આવૃત્તિમાં સુધારી લેવા વિનંતી કરી છે. સામયિકના આરંભમાં ત્રણ અંગ્રેજી કાવ્યો રજૂ થયાં છે અને કવિનું નામ દર્શાવ્યુ નથી એટલે અનુમાન છે કે તે ત્રણેય કાવ્યો રાજુ સોલંકીના જ હશે.

પ્રથમ કાવ્યમાં કાને જનોઈ ભરાવીને લઘુશંકા કરતી વ્યક્તિને લઘુશંકા કરતા શ્વાન સાથે સરખાવવામાં આવી છે. અને કવિતા હર્ષદ મહેતા અને ફુલનનું અસ્તિવ નોંધી ભારતમાં ઉપલબ્ધ આ ’સમાન તક’ની ઘટના બદલ ઉત્સવ મનાવવા આવાહન કરે છે. કવિતાના સામા પાને ’હરિજન’માં દર અઠવાડિયે દલિત ઉદ્ધારની વાત કરતા ગાંધીજીના લેખોની વાત કરી બાબાસાહેબના હિન્દુ હદયમાં ધરબાયેલી આ કરુણા વિષે આશ્ચર્ય પ્રગટ કરતા અવતરણની નીચે ગુજરાત વિધાપીઠના રામલાલ પરીખનું એ મતલબનું વાક્ય ટાંક્યુ છે કે દલિતોદ્ધાર એ અમારું નહીં પણ સરકારનું કામ છે. આ ઉદ્ધારણ સંનિધિમાં વ્યંજિત થતો કટાક્ષ છે.

આમ સમગ્ર રીતે ’ડોઝીયર’નો પ્રથમ અંક દલિત આંદોલન ગતિ આપવાની દિશામાં આશા જન્માવે છે તેમ જરૂર કહી શકાય. આ પ્રયત્ન તંદુરસ્ત અને બળવત્તર બની રહો તેવી આકાંક્ષા.

                                                                   (નિરીક્ષક, તા. ૧-૧-૯૮)






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો