YOUR FATHER IS NOT HERE TO PAY HIS DEBT, MY FATHER IS NOT HERE TO COLLECT.
BUT, I AM HERE TO COLLECT AND YOU ARE HERE TO PAY.
BUT, I AM HERE TO COLLECT AND YOU ARE HERE TO PAY.
હંબગ શાસ્ત્ર, પુરાણ, વેદ
કાળ-કોટડીના કોઠા ભેદ
કોટડીના ઇતિહાસમાં પહેલીવાર ગામ વચ્ચેથી દલિતોની રેલી નીકળી |
ચૌદમી નવેમ્બર, 2008એ બપોરે અગિયાર કલાકે કોટડીના મુઠ્ઠીભર દલિતોએ ગુજરાતના
માનવ અધિકાર આંદોલનમાં એક નવો અધ્યાય લખ્યો. ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદથી 350 કિમી દૂર આવેલા
કોટડી ગામે એક દાયકાની થકવી નાંખનારી સામાજિક-કાનૂની લડાઈના
અંતે સ્વાભિમાનનો સૂરજ ઉગ્યો. દલિતોની ઠંડી તાકાતનો વિજય થયો.
કોટડીના બે ભડવીર સેનાનીઓ - રમેશ બાબરીયા (પેન્ટર) અને માવજીભાઈ જોગદીયા સાથે વાલજીભાઈ પટેલ (વચ્ચે) |
આમ તો ગયા મહિને જ ગુજરાત હાઇકોર્ટે કોટડીના દલિતોની
તરફેણમાં સીધો અને સ્પષ્ટ ચૂકાદો મેળવ્યો ત્યારે એક બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે
કોટડીના દલિતોને છેક 1999માં સરકારે ફાળવેલા બે એકર જમીનના પ્લોટ પર મકાનો બનાવતા
હવે દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં. પરંતુ, કપાસ પકવતા લાખોપતિ આહીર ખેડૂતોએ તાલુકા- જિલ્લાના હાડોહાડ
દલિત-વિરોધી
વહીવટીતંત્રની કૂમકથી દલિતોના પ્લોટની ફરતે કરેલી ભયંકર દબાણોની ભીંસને કઈ રીતે
તોડવી એ પેચીદો પ્રશ્ન હતો.
‘આ લોકોની જમીનની વળી માપણી કેવી ?’
બુદ્ધમ શરણમ ગચ્છામિ કહીને વિપશ્યના જ કરવાની નથી, લડવાનું પણ છે |
છેલ્લા બે વર્ષથી
કાઉન્સિલના સતત માર્ગદર્શન હેઠળ અદાલતોમાં હડીયાપટ્ટી કરતા એડવોકેટ કરસનભાઈ રાઠોડ, ગામના હરામી, દાંડ તત્વોની
ધમકીઓ ઘોળીને પી ગયેલા માવજીભાઈ જોગદીયા કે રાજુલામાં પેન્ટરનો વ્યવસાય કરતા રમેશ બાબરીયા અને વાલજીભાઈ પટેલ અને આ લખનાર સહિતના
તમામ કર્મશીલોએ હાઇકોર્ટના ચૂકાદા પછી કાળ-કોટડીના કોઠા કઈ
રીતે ભેદવા તેનું મંથન શરુ કર્યું હતું. કેમ કે, છેક 1999માં દલિતોને જમીન ફાળવવામાં આવી ત્યારથી, ‘આ લોકોની જમીનની
વળી માપણી કેવી ?’, ‘આ લોકોએ તો ગામ
ફાળવે ત્યાં રહેવા જવાનું’ એવી માનસિકતામાં
રાચતા વહીવટીતંત્રની શાન ઠેકાણે લાવવાની હતી.
અમરેલી જિલ્લો
રાજ્યમાં સત્તાની ધૂરા સંભાળતા ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ પુરુષોત્તમ
રુપાલાનું માદરેવતન છે. છેલ્લા આઠ-આઠ વર્ષથી દલિતોને બે એકર જેવી મામૂલી જમીન આપવામાં ઠાગાઠૈયા કરતા
વહીવટીતંત્રમાં બેઠેલા અધિકારીઓ સામે સ્થાનિક ભાજપી દલિત નેતાઓ મગતરાં સાબિત થયા
હતા.
એમના ભગવાન રામે એમને આ જ શીખવ્યું છે !
આજુબાજુના ગામોના દલિતો કોટડીની લડતના સમર્થનમાં ઉમટી પડ્યા |
6 નવેમ્બર, 2008એ ભાવિ કાર્યક્રમની રુપરેખા નક્કી કરવા અમે
કોટડી ગયા અને દલિત બાંધવો આગળ હાઇકોર્ટના ચૂકાદાની વિગતો જણાવી ત્યારે વાસમાં
ઉપસ્થિત તમામ ચાલીસ કુટુંબોના સર્વે જનોએ એક અવાજ ‘કરેંગે યા મરેંગે’નો નિર્ધાર
વ્યક્ત કર્યો હતો. હવે બેસી રહેવું નથી.
પથ્થરો પર બેસીને વક્તાઓને સાંભળતા બાળશ્રોતાઓ વિચારતા હશે, હવે આપણા મકાનો જરૂર બનશે |
છેલ્લે 2006માં આંબેડકર જયંતીએ મકાનો બનાવવાના નિર્ધાર સાથે દલિતો
ફાળવાયેલી જમીન પર લાખ રુપિયા ખર્ચીને, દેવું કરીને, ગાડાં ભરીને પથ્થરો લાવેલા. એમાંના કેટલાય પથ્થરો ચોરાઈ ગયા હતા. પ્લોટ પર રામાપીરનું મંદિર બનાવેલું, એ પણ હરામખોરોએ
તોડી નાંખેલું (એ હિન્દુઓ જ હતા, એમના ભગવાન રામે એમને આ જ શીખવ્યું છે !), પંચાયતના રેકર્ડ પરનો ને વર્ષો જૂનો રસ્તો એમના ખેતરોમાં અદ્રશ્ય થઈ ગયેલો અને
દલિતોના પ્લોટ પર ધરાર નવો રસ્તો બનાવી દીધો હતો. હાઇકોર્ટના
ચુકાદાએ ચોક્કસ દલિતોને બળ આપ્યું હતું. પરંતુ હજુ વહીવટીતંત્રનો કોલર પકડવાનો બાકી હતો.
લડતના સેનાનીઓનું સામૈયુ કરવા સજ્જ દલિત કન્યાઓ |
પાંચમી નવેમ્બરે દબાણવાળા સ્થળે જઇને અમે વીડીયોગ્રાફી કરી. બીજા દિવસે બપોરે
અગિયાર કલાકે અમરેલીમાં કલેક્ટર ઝાલાવાડીયા સાથે પૂર્વનિર્ધારીત મીટિંગ હતી. અનુસૂચિત જાતિની
સહકારી મંડળીઓની હજારો એકર જમીન મંડળીઓના દલિત સભ્યોની જાણ બહાર બારોબાર વેચી
મારતા આ મંડળીઓના જ દલિત હોદ્દેદારોએ કરેલા કરોડોના કૌભાંડ અંગે કાઉન્સિલે માહિતી
અધિકાર હેઠળ ચોંકાવનારી માહિતી એકત્ર કરી છે. સવર્ણોને વેચી
મરાયેલી આ મંડળીઓના ખટારો ભરાય તેટલા વેચાણખતો કાઉન્સિલની કસ્ટડીમાં છે. મોદી સરકારે નવી
શરતની જમીન જૂની શરતમાં ફેરવવાના કરેલા કાયદાનો લાભ લઇને આ મંડળીઓની જમીનો
વેચવામાં આવી છે.
અનામતના લાભો લેનારા યાદ રાખે અમે હજુ આ હાલતમાં જ જીવીએ છીએ |
‘અમરેલી જિલ્લામાં
આ તમામ વેચાણખતો રદ કરવામાં આવશે’, એવી બાંહેધરી
આપતાં ઝાલાવાડીયાએ ‘જમીનો વેચનારા
દલિતો જ છેને’ એવો વાજબી ટોણો
માર્યો હતો. છઠ્ઠી નવેમ્બર સુધી કલેક્ટર કોટડીના પ્રશ્ન અંગે સહેજ નકારાત્મક હતા. જ્યારે કોટડીનો
પ્રશ્ન તેમની સાથે ચર્ચ્યો ત્યારે તેમણે કહ્યું, કે ‘એમને (દલિતોને) બીજી જગ્યાએ જમીન ફાળવવાની વાત થઈ ગઈ છે. ’
કલેક્ટરને દબાણોનો વિડીયો બતાવ્યો
એમણે કહ્યું, ન્યાયની લડતમાં અમે તમારી સાથે છીએ |
જિલ્લાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રેમજી માધડનો હવાલો આપીને કલેકટરે
કહ્યું કે, ‘માધડ વૈકલ્પિક
જગ્યા માટે સંમત છે. અને કોટડીના દલિતોએ પણ કાગળ પર લેખિતમાં બીજે જવા માટે સંમતિ આપી દીધી છે.’ ત્યારે વાલજીભાઈએ ઉગ્રતાથી કહ્યું કે, દલિતોને સરકારે જમીન આપી છે. અને ત્યાં મકાન
બનાવવા એ એમનો હક છે. માવજીભાઈએ દલિતો બીજે જવા માટે સંમત છે તે વાતનો ઇનકાર કર્યો. ‘તમે સ્થળ પર ગયા છો?’ એવા મારા
પ્રશ્નના જવાબમાં કલેક્ટરે ડોકું નકારમાં ધુણાવ્યું ત્યારે મેં તેમને કોટડીના
દબાણોનો વીડીયો બતાવ્યો અને સ્થળ પર જવા માટે આગ્રહ કર્યો હતો. આગામી ચૌદમી
નવેમ્બરે અમે કોઇ પણ સંજોગોમાં કોટડી ખાતે મકાન બાંધકામનું ખાતમૂહૂર્ત કરીશું, એવી સ્પષ્ટ ચીમકી
સાથે અમે કલેક્ટરની વિદાય લીધી હતી.
અધિકારનગરનું ખાતમૂહુર્ત કરતા ટી. ડી. સોયંતર સાહેબ |
ઘરમાં અને બહાર બંને મોરચે લડાઈ, માવજીભાઈના પત્ની |
ચૌદમી નવેમ્બરે રાજુલા તાલુકાના તમામ ગામડાઓમાં કોટડીનું
રણશિંગુ ફુંકાય એ માટે એક પત્રીકા છપાવવાનું નક્કી કરવામાં આવ્યું. કોટડીના દલિતો
કોઈ પણ સંજોગોમાં ચૌદમી નવેમ્બરે ખાતમૂરત કરશે તેવો અહેસાસ થતાંની સાથે જિલ્લાનું
વહીવટીતંત્ર સફાળુ જાગી ગયું. બીજા જ દિવસે ડેપ્યુટી ડીડીઓ, મામલતદાર પોલીસ પાર્ટી લઈને કોટડી પહોંચી ગયા હતા. રાજુલાથી બે
જેસીબી મશીન મંગાવીને દબાણો હટાવવાની કામગીરી શરુ કરાવવામાં આવી. વર્ષોથી સરકારી
જમીન પર દબાવીને બેઠેલા દાંડ તત્વો સ્તબ્ધ થઈ ગયા ને દલિતો રાજીના રેડ. કોટડીના ઇતિહાસમાં
આ પહેલીવાર બની રહ્યું હતું.
અમારું અધિકારનગર |
ચૌદમી નવેમ્બરે કોટડી રીતસર લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું હતું. સમગ્ર તાલુકાની
પોલીસે અહીં ધામા નાંખ્યા હતા. નિવૃત્ત કલેક્ટર ટી. ડી. સોયંતર સીત્તોતર
વર્ષની ઉંમરે કોટડીના દલિતોની જાગૃતિને બિરદાવવા આવ્યા હતા. 2006માં ચૌદમી
એપ્રિલે કોટડી ગામની વચ્ચેથી પ્રથમવાર ‘જય ભીમ’ના બુલંદ નારા સાથે દલિતોની રેલી નીકળી હતી એ પછી બીજી વાર ચૌદમી નવેમ્બર, 2008એ રેલી નીકળી. પ્લોટ પર આગલા દિવસે જ ‘અધિકાર નગર’નું બોર્ડ ઠોકી દેવામાં આવ્યું હતું. રેલી પ્લોટ પર આવીને સભાના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી. ગામેગામથી દલિતો કોટડી ઉમટી પડ્યા હતા. સૌના ચહેરા પર આનંદ છલકાતો હતો, કોટડીનો વિજય એમનો પોતાનો અંગત વિજય હતો!
सिर्फ हंगामा खडा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है की यह सूरत बदलनी चाहिए |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો