પૃથ્વી પર પુણ્યલોક ભારત ભૂમિ
અને એમાં પણ ખમીરવવંતી, ગૌરવવંતી ગુર્જર ધરા પર અવતરવાની ઇચ્છા ધરાવતા એક પરગજુ
આત્માએ વિચાર્યું, "મૃત્યુલોકમાં દેહ ધારણ કરૂં તો, બે વાત
બને. ક્યાં તો વ્યંઢળ થઉં અથવા પત્રકાર બનું. વ્યંઢળ બનું તો વાંધો નહી, પણ પત્રકાર
થઉં તો બે વાત બને. મારૂં અંગ્રેજીનું ભાષાકીય જ્ઞાન સારું હશે તો, મારો તંત્રી-
માલિક મને ડેસ્ક પર બેસાડશે અને સચિવાલયનું એફ.ડી. એટલે ફિકસ્ડ ડિપોઝીટનું ખાતુ
એવી મારી સમજણ હશે તો, મને રિપોર્ટર બનાવશે. ડેસ્ક પર બેસાડે તો વાંધો નહી, પણ
રિપોર્ટર બનાવે તો બે વાત બને. મારે અનામત વિરોધી રમખાણો ટાણે દલિતોની વિરુદ્ધમાં અને
કોમી દંગા વખતે મુસ્લિમોની વિરુદ્ધમાં રિપોર્ટિંગ કરવું પડશે. વિરુદ્ધમાં રિપોર્ટિંગ
કરૂં તો વાંધો નહી, પણ જો એમની તરફેણમાં રિપોર્ટિંગ કરીશ, તો બે વાતો બને. મારો
તંત્રી-માલિક મને જલીલ કરીને નોકરીમાંથી પાણીચું પકડાવશે અથવા તો મને એક
પૂર્ણ-સમયનો, વ્યવસાયી, બૌદ્ધિક અને વહેવારુ વ્યંઢળ બનાવશે.
પેલા સરદારજીની
જોક જેવું હાસ્ય કદાચ અહીં નિષ્પન્ન થશે.
પરન્તુ, હું મજાક નથી કરતો. ગુજરાતના તમામ અખબારોમાં કામ કરતા મારા મિત્રો આ ટુચકા
પાછળનો મર્મ અચૂક સમજશે. હાલ અમેરિકામાં સ્થાયી થયેલા મારા એક વેળાના પત્રકાર સાથી
જયપ્રકાશ ક્યારેક પત્રકારોના ખસી-કરણ વિષે એમની અનુભૂત ચિંતન પ્રસાદી અમને ચખાડતા
હતા. તેઓ બામણ હતા, પણ સચ્ચાઈ પરહરી નહોતી. ‘ગુજરાતના ખસી-કૃત પત્રકારો' નામનું
પ્રકરણ યુનિવર્સિટીઓના પત્રકારત્વના અભ્યાસક્રમમાં દાખલ કરવા જેવું છે.
અધોગતિનું મૂળ
વર્ણ-વ્યવસ્થા હોય, તો એનું સૌથી અધમ દ્રષ્ટાંત ગુજરાતી અખબારો છે. મોટાભાગનાં
તંત્રી- માલિકો બામણ, વાણિયા કે પટેલ છે. (કેટલાંક બહુજન-બુદ્ધુઓ પટેલને શુદ્ર ગણે
છે, પણ પટેલો નિ:શંકપણે સામાજીક-આર્થિક પિરામીડની ટોચે પહોંચ્યા છે. તેઓ ગુજરાતના de facto rulers છે. કોઈ ન. મો. કર્મવશ મુ. પ્ર. બને તો ગેરસમજ કરવી
નહીં.) ડેસ્ક અને રિપોર્ટીંગ સહિતના તંત્રી-વિભાગમાં પણ બામણ, વાણિયા, પટેલોની
મૉનોપોલી છે. કોઈ રડ્યો ખડ્યો પ્રજાપતિ, પંચાલ કે ઝાલા જોવા મળશે. પરંતુ કોઈ દાતાણીયા,
રબારી, ઠાકોર કે વસાવા ભૂલથી પણ જોવા નહી મળે. માત્ર શારીરિક શ્રમ માંગી લેતા
પ્રોડક્શન વિભાગમાં બધી જ જાતિઆનું પ્રતિનિધિત્વ હોય છે. જ્યાં તંત્રી-વિભાગમાં
સિત્તેર ટકા બામણો હતા એવા એક અખબારમાં, ફાયનાન્સીયલ એક્સપ્રેસમાં, તંત્રીના દૂરના
સગાને નોકરી મળી, ત્યારે સૌના ઉરમાં આનંદનો અબ્ધિ છલકાયો હતો. પોતાનો ઉમળકો દબાવી
ન શકતા એક ભાઇએ કહ્યું, "ચાલો, સારૂં થયું, પાઠક, રાવળ, ઉપાધ્યાય, દવે,
ત્રિવેદી, ભટ્ટ અટકોમાં એક વ્યાસ અટક ખૂટતી હતી. હવે એ પણ આવી ગઈ."
ગુજરાતી,
વ્યવસાયિક કે બિન-વ્યવસાયિક, પત્રકારત્વને આંખો ઠરે તેવું ઉજમાળું, સત્વશીલ અને
શાતાદાયી ઘટના બનાવવાને બદલે અફવા ફેલાવવામાં જ ગુજ્જુ પત્રકારોને કેમ રસ પડે છે?
ગુજરાતી પત્રકારત્વ એટલે ‘એક ઘા ને બે કટકા નહીં પણ ‘નહીં ઘા નહીં કટકા' અને છતાં
‘સનસનાટી' આવી વ્યાખ્યા બાંધવાનું આપણને કેમ મન થાય છે? આવો સવાલ એક્યાસીના
અનામત-વિરોધી હુલ્લડો વખતે પૂછનારી એડીટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાની ફક્ટ ફાઇન્ડીંગ
કમિટીને બાવીસ-બાવીસ વર્ષ પછી પણ, ગોધરા-કાંડ બાદ ફરીથી એ જ સવાલો પૂછવાની કેમ ફરજ
પડે છે? કારણો અનેક હશે. મોટામાં મોટું કારણ એક છે. કોંગ્રેસ સહિતના ભારતીય
રાજકારણને જેમ વંશવાદ પીડે છે, એમ ગુજરાતી પત્રકારત્વના કાનમાં પણ ખાનદાની
કાનખજૂરો ઘૂસ્યો છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ‘નર્મદથી નીરવ' કે ‘દલપત(રામ)થી
દલપત (ચૌહાણ)' લખવાનું દુ:સાહસ કદાચ થઈ શકે. પરન્તુ ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ
‘દવેથી દાતણીયા' કે ‘મહેતાથી મકવાણા' નહીં, બલકે ‘દવેથી દવે' અને ‘શાહથી શાહ'નો છે.
તંત્રી-માલિકોને
વહાલાં થવા સવિશેષ જાતિવાદી અને કટ્ટર કોમવાદી બનવાનો સભાન પ્રયાસ કરતા અને માત્ર
તંત્રી-માલિકોની મહેરબાની પર જ નભતા વ્યવસાયિક પત્રકારો આપણી દયાને પાત્ર છે.
પરન્તુ, બિન-વ્યવસાયિક પત્રકારો એટલે કે કટાર-લેખકો કેમ કોમવાદી છે, એ એક
અકળાવનારો પ્રશ્ન છે. ‘અકબરને ચકલીની જીભ બહુ ભાવતી હતી અને એના માટે હજારો ચકલીઓનો
રોજ સંહાર કરવામાં આવતો હતો.' એવો કપોળ-કલ્પિત, બુદ્ધિ બહેર મારી જાય તેવો દાખલો
આપતા ગુણવંત શાહ, ‘ડાંગ ખ્રિસ્તી ધર્માંતરના બોમ્બ પર બેઠું છે.' એવી હેડલાઇન હેઠળ
આંકડાઓ રજુ કરતા હેમંત શાહ, દલિતો-ઓબીસીને મુસ્લિમો સાથે ભીડાવી દેવાના એકમાત્ર
મલિન ઇરાદાથી નીકળેલ રથયાત્રાને ગૌરવ અર્પતા ‘મનોરથ' નવલકથા-લેખક રઘુવીર ચૌધરી કે
‘પછાતવર્ગો હિન્દુત્વની તલવાર છે' એવું સમીકરણ રચતાં ચંદ્રકાંત બક્ષી ગુજરાતી
કટાર-લેખનના શિખરે હશે, પરન્તુ હિન્દુત્વના પિરામીડના તળિયે કણસતા દલિતોની પીડા
સમજવા માટે તો એમણે દલિત માતાની કૂખે જન્મવું પડશે. પોતાના મોટાભાઈની મહેરબાનીથી
નોકરી મેળવનારા એક નબળો, થર્ડ રેટ બામણ રિપોર્ટરને ખ્રિસ્તીઓની વાત નીકળે ત્યારે
‘જ્હોન જેઠાભાઈ' અને ‘મેરી ચૂંથાભાઈ' જેવા શબ્દો મોંઢામાંથી ઝેર ઓકતો હોય એમ બોલતા
સાંભળીએ ત્યારે થાય છે કે દલિતોએ કે દલિતોમાંથી ખ્રિસ્તી થનારા લોકોએ આ બામણોનું
શું બગાડ્યું હશે? જાણ્યે અજાણ્યે તમે કેવી નઠારી વેજાને બૌદ્ધિક સમર્થન આપો છો
એની તમને ખબર છે, હેમંતકુમાર શાહ?
પત્રકારત્વના
ઔપચારિક શિક્ષણથી આ પરિસ્થિતિ બદલાશે એવો ભ્રમ સેવનારાઓની સેવામાં એક ઘટના રજૂ
કરું છું. એક યુનિવર્સિટીમાં ભણતા છાત્રોને તેમના સાહેબ ફિલ્ડમાં લઈ ગયા. કેટલાક
સ્થળોની મુલાકાત લીધી. એમાં ગાંધીનગરનું સચિવાલય પણ હતું. સચિવાલયના પરિસરમાં પહોચ્યાં
પછી એમણે છાત્રોને કહ્યું, "તમે થોડીવાર અહીં ઉભા રહો હું પાંચ મિનિટમાં જ
પાછો ફરું છું" સચિવાલયના પાછળના સ્ટેન્ડ પર એક પોટલી ઢીંચીને પાછા ફરેલા
સાહેબે ફિલ્ડ-રિપોટીંગના વહેવારુ પાસાઓની સુંદર છણાવટ કરી હતી! આ દ્રષ્ટાંત
આઘાતજનક છે? તો થોડાંક ઓછા આઘાતજનક ઉદાહરણો આપું. બકુલ ત્રિપાઠી ગુજરાતના મહાન
હાસ્ય લેખક છે, એ તો એમનો ચહેરો જ કહી આપે છે, પરન્તુ એ કોક ઠેકાણે પત્રકારત્વના
વીઝીટીંગ ફેકલ્ટી પણ છે. એવું જાણીએ ત્યારે તેમના હાસ્યલેખોથી પણ વિશેષ હાસ્ય
સર્જાય છે. યાસીન દલાલને તો કટાર લેખનની
કળા પણ હસ્તગત નથી છતાં તેઓ રાજકોટ યુનિવર્સિટીમાં આ ક્ષેત્રમાં મોટું માથું ગણાય
છે. જ્યાં અથાગ મહેનત પછી તૈયાર કરેલું ડેઝર્ટેશન ડસ્ટબીનમાં ફગાવી દેવાય છે.
વાઇવા ટેસ્ટ ના લેવાયો હોય, તો પણ આકાશવાણીના ઓળખીતા અધિકારીને બોલાવીને તેની સહી
કરાવડાવીને ઉમેદવારને નાપાસ જાહેર કરવામાં આવે છે. અને પછી એ તેજસ્વી પણ લાચાર
યુવતી છેક અદાલતના દ્વાર ખખડાવે તો પણ હારી જાય છે. જે યુનિવર્સિટીઓમાં આવા દલાલો
બેઠા હોય, ત્યાં ઓજસ્વી, નિર્ભિક પત્રકારો પાકશે એવી કલ્પના તો મૂર્ખાઓ પણ નહી
કરે.
ઘણા લોકો ‘ગુજરાત સમાચાર' અને ‘સંદેશ'ને ગુજરાતી મીડિયાના માફીયા
ગણે છે. આ અખબારોએ એક્યાસીના અનામત-વિરોધી તોફાનો દરમિયાન સવર્ણ-વાદને અને
બાબરી-કાંડ પછી હિન્દુવાદને વકરાવવામાં પ્રમુખ ફાળો આપ્યો હતો અને તેમ કરીને તેઓ
સવર્ણવાદ અને હિન્દુવાદના લાડકા હિરો બન્યા હતા. તેમ છતાં એવા તે ક્યાં કારણો હતા
કે ગુજરાતી પ્રિન્ટ મિડિયામાં બિન-ગુજરાતીઓની માલિકીનું ‘દિવ્ય ભાસ્કર' જામી પડેલા માફિયાઓને
પડકાર આપી શક્યું? આ સવાલનો જવાબ મેળવવા માટે તમારે મારી સાથે
૧૯૮૫ના ભોપાલની શેરીઓમાં આવવું પડશે, જ્યારે યુનિયન કાર્બોઈડ ઝેરી ગેસથી ગણતરીના
કલાકમાં ત્રણ હજારથી વિશેષ લોકોની પથારી કફન બની ગઈ હતી. યુવાનોએ આક્રોશમાં
મુઠ્ઠીઓ વાળી હતી. કાર્બાઇડ સામે આખરી શ્વાસ સુધી લડવાના શપથ લીધા હતા. 'ઝહરીલી
ગેસ કાંડ વિરોધી સંઘર્ષ મોરચા'નું ગઠન થયું હતું. ગુજરાતમાં પણ લોક અધિકાર સંઘના
નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન-રેલી-ધરણા યોજાયા હતા. ત્યારે ભોપાલમાં યોજાએલા
રાષ્ટ્રવ્યાપી અધિવેશનમાં ભાગ લેવા અને એક અભૂતપૂર્વ રાષ્ટ્રીય આપત્તિનો અંદાજ
મેળવવા અમે ભોપાલ ગયા હતા. ‘તાલ ભોપાલ કા બાકી સબ તલૈયા'થી ઓળખાતા શહેરનો માહોલ એ
વખતે કૈંક જુદો જ હતો. અમેરિકાના નવ-સામ્રાજ્યવાદ (New-colonialism) સામે લડતનું રણશિગું
ફૂંકાયું હતું. એવું લાગતું હતું કે દેશભરમાં મલ્ટીનેશનલ કંપનીઓ સામે ‘દૂસરી
આઝાદી'ની લડાઈ શરૂ થવામાં જ છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાનપદે ત્યારે અર્જુનસિંહ
આરૂઢ હતા. કાર્બાઇડ સામેની લડતને ડાયવર્ઝન આપવા એમણે રાતોરાત ઓબીસી, મહિલાઓની
અનામતોમાં વધારો જાહેર કરી દીધો હતો. રાજ્યમાં કુલ અનામતોનું પ્રમાણ સિત્તેર ટકા
થયું હતું. તે જ દિવસથી ભોપાલની શેરીઓમાં યુવાનો દંડા લઈને ઉતરી પડ્યા હતા.
કાર્બાઇડ ભૂલાઈ ગઈ હતી. અનામતો દલિતોની વધી જ નહોતી. તો આક્રોશ કોની સામે હતો?
હાથમાં ધોકો લઇને ગાડીઓના કાચ તોડતા એક યુવાનને મેં પૂછયું, "ભૈયા, યે સબ
ક્યાં હો રહા હૈ?" એણે કહ્યું, "આપ કો માલૂમ નહી ?" ચમારોં-કોરીયો
કી સીટે બઢા દી હૈ, અર્જુનવેને" બીજા દિવસે ‘દૈનિક ભાસ્કર'ના પ્રથમ પાને
ચાર-કોલમનું એક કાર્ટુન છપાયું હતું. એક સરકારી કચેરીનું દ્દશ્ય.
ટેબલ પર ફાઇલોના ઢગ. ખુરશીમાં એક ભૂંડ. એના નાક પર ચશ્મા. કાર્ટુનનું માત્ર એક
લીટીવાળું મથાળું "આરક્ષણ કા ફાયદા, સાહબ બન ગયે" એક્યાસી-પંચાસીમાં
જાતિવાદના પીકઅવર્સમાં પણ ‘ગુજરાત સમાચાર' કે ‘સંદેશે' આવું કાર્ટુન છાપવાની હિંમત
કરી નહોતી. જેની ત્રીસ ટકા આબાદી અનુસૂચિત-જનજાતિ છે, એવા પ્રાંતમાં,
મધ્યપ્રદેશમાં એક મારવાડી બનિયાની માલિકીના અખબારે જાતિવાદી દ્વેષનું માઉન્ટ
એવરેસ્ટ સર કર્યું હતું. ‘દિવ્ય ભાસ્કર' ગુજરાતના સવર્ણવાદનો નવો, ચકચકિત, ક્યૂટ
અને છેતરામણો ચહેરો છે. એનું ઓછું વંચાતુ એડીટ પાનું સેક્યુલર છે. ડેસ્ક અને
રિપોટીંગ કેસરિયા બ્રિગેડ છે.
આંગળીના વેઢે
ગણાયા એટલા ગુજરાતી પત્રકારો સમર્પિત અને ખમીરવંતા છે. અને એમાં અમનો લગીરે વાંક
નથી. આખી દુનિયાના વાણી સ્વાતંત્ર્યનો ઝંડો લઇને ફરનારા લોકો જ્યારે એમના
તંત્રી-માલિકોની ચેમ્બરમાં અદબ વાળીને, નેણ ઝુકાવીને ઉભા રહે છે અને તંત્રી
માલિકનો દીકરો ખુરશીમાં પલાંઠી વાળીને કહે છે, કે ‘તમારા કામમાં રેગ્યુલરતા નથી' ત્યારે એમના હૈયામાં કેવી
ઉથલપાથલ થતી હશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. એમનામાં તો બંધ મિલના કામદાર જેટલી
ખુદ્દારી પણ બચી નથી, નહિંતર આપણને અમદાવાદની કોક ગલીમાં ‘બેકાર પત્રકારનો ગલ્લો' અચૂક જોવા મળ્યો હોત.
ગયા મહિને સૂરતમાં સોશિયલ
સ્ટડી સેન્ટર અને અસગરઅલી એંજિનીયરની સંસ્થા ‘સેન્ટર ફોર સ્ટડીઝ ઑફ સોસાયટી એન્ડ
સેક્યુલારિઝમ'ના સયુંક્ત ઉપક્રમે ‘ગુજરાતમાં
પ્રવર્તમાન સંજોગોમાં કોમી પ્રશ્ન અને તે સંદર્ભે નાગરિક સમાજની ભૂમિકા' અંગે
સંવાદ યોજાયો હતો. બંને કોમોના વરિષ્ઠ અગ્રણીઓ, કર્મશીલો, હમદર્દો વિશાળ સંખ્યામાં
એકઠા થયા હતા. ‘દલિતોનું સ્થાન-સ્થિતિ' વિષયની રજૂઆત નિમિત્તે
મારે પણ જવાનું થયું હતું. બે દિવસના રોકણ દરમિયાન નવરાશની પળોમાં એક વરિષ્ઠ
પત્રકારે પોતાની હૈયાવરાળ ઠાલવતા કહ્યું "મને કહેવામાં આવ્યું છે કે
તમારે ભાજપ અને નરેન્દ્ર મોદીની ટીકા કરવી નહીં. એ સિવાય જે લખવું હોય એ લખો." ભાજપની ટીકા કરીને પોતે
સેક્યુલારિઝમની મોટી સેવા કરતા હોય એવો ભાવ એમના ચહેરા પર લીંપાયો હતો. તેઓ તંત્રી
હતા, ત્યારે તેમણે ચીમન પટેલની ટીકા કરવાની તંત્રી વિભાગમાં મનાઈ ફરમાવી હતી એ વાત
તેઓ વિસરી ગયા છે. કદાચ, તેઓ પ્રમાણિકપણે એવું માનતા હશે કે તેઓ ચીમન પટેલને આંધળો
ટેકો આપતા હતા ત્યારે બિનસાંપ્રદાયિકતાને સમર્થન આપી રહ્યા હતા અને આજે નરેન્દ્ર મોદીની
ટીકા એટલે કોમવાદની ટીકા. વાત આટલી સરળ હોત, તો કેવું સારું? તખ્તા પરના રાજકીય નટો,
ચીમન પટેલ કે નરેન્દ્ર મોદી, એક જ એસ્ટાબ્લીશમેન્ટના બે ચહેરા છે. રૂ. ૩૬,૦૦૦
કરોડની નર્મદા યોજના હોય કે રૂ. ૫૬,૦૦૦ કરોડની કલ્પસર યોજના, ગુજરાતનું
એસ્ટાબ્લીશમેન્ટ તો બંને યોજનાઓને સમર્થન જ આપે છે.
હજુ થોડાક જ દિવસો પહેલાં નિરમાના માલિક કરશન પટેલના ગામ રૂપપુરમાં
પટેલોના ખાનગી ટ્રસ્ટે દલિતોની સ્મશાનભૂમિ પચાવી પાડ્યા બાદ દલિતોએ પાટણ જિલ્લા
કલેક્ટર કચેરીએ પડાવ નાંખ્યો ત્યારે ભાજપના શાસનમાં થયેલી હિજરતે સત્તાધારી પક્ષને
કોથળામાં પાંચશેરી મારવાની તક ‘ગુજરાત સમાચાર'ને પૂરી પાડી હતી. પરંતુ,
ગુજરાતના અગ્રણી અખબારે હિજરતના સમાચાર છાપવાના બદલે દલિતોની કોર્ટમાં હાર થયાના
જૂના સમાચાર છાપ્યા હતા. ગુજરાતનું પત્રકારત્વ જે દિવસે ઘટનાઓની ભોમ-ભીતરની આર્થિક
સાંઠગાંઠ ખુલ્લી પાડતું થશે, રાજકીય નટોને નચાવતા, પડદાના પાછળના (કરસન પટેલ જેવા)
આર્થિક ખેલાડીઓનું સ્કેનીંગ કરશે તે દિવસે એ ઉજળું થશે. ત્યાં સુધી પીળું એટલે
પત્રકારત્વ...!
(સમાજમિત્ર, 2005)
(બિપીનકુમાર નામનો દલિત ભલે શાહ બનીને sandashમાં બેઠો હતો, પરંતુ એને ઘણા લોકો, પ્રુફરીડરો, પેલો ફલાણો (ઢથી શરૂ થતો શબ્દ) એ નામે જ ઓળખતા