કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 16 મે, 2012

ગાંધીનગરની કુલડીમાં માનવ અધિકારનો ગોળ


ગયા વર્ષે નેશનલ કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીઆર)ના ચેરપર્સન શાંતાસિંહાએ મને નાગપુરમાં કમિશનના હીયરીંગમાં ઑબ્ઝર્વર તરીકે ઉપસ્થિત રહેવાની તક પૂરી પાડી હતી. હીયરીંગ માટે કમિશનની પ્રોસીજર કંઇક આવી છે: કમિશન સૌ પહેલાં એક એનજીઓની નોડલ એજન્સી તરીકે પસંદગી કરે છે. આ નોડલ એજન્સી અન્ય એનજીઓ સાથે સંકલન કરીને બાળ અધિકારોના હનન સંબંધિત ફરિયાદો એકઠી કરે છે, એક ચોક્કસ ફોર્મેટમાં કેસ સ્ટડીઝ તૈયાર કરે છે અને કમિશનને મોકલે છે. કમિશન ફરિયાદોના સંદર્ભમાં સંબંધિત અધિકારીઓને સમન્સ પાઠવે છે. હીયરીંગની ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવે છે. એ તારીખે ફરિયાદીઓને હાજર રહેવા જણાવવામાં આવે છે અને અધિકારીઓ તેમના બચાવમાં જરૂરી કાગળો લઇને હીયરીંગમાં ઉપસ્થિત થાય છે. પાંચસો માણસોની હાજરીમાં ફરિયાદી પોતાની ફરિયાદ રજુ કરે છે, કમિશનના સભ્યો અધિકારીને લબડધક્કે લે છે અને લોકો એમનો ફજેતો તાળીઓના ગડગડાટથી વધાવી લે છે, ત્યારે થાય છે કે આ જ એ લોકશાહી છે, જેને આપણે ઝંખી રહ્યા છીએ. અધિકારીએ જે તે ફરિયાદ અંગે શું પગલાં લીધા તે જાહેરમાં જણાવવા પડે છે, પગલાં ના લીધા હોય તો તે લેવા માટે કમિશનના સભ્યો તેને તાકીદ કરે છે.

ગુજરાતમાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને સવારે ગાંધી લેબર સંસ્થાનમાં અને બપોરે એનેક્સીમાં જે કર્યું તે આ અર્થમાં હીયરીંગ નહોતું. તે એક પ્રકારનો દરબાર ભરાયો હતો. દલિતો-એનજીઓના એક્ટિવિસ્ટો આવે અને ટાઇમ્સ ઑફ ઇન્ડીયા બીજા દિવસે લખે છે તેમ પોતાનું હ્રદય ઠાલવે. (Dalits poured their hearts out in hearing). ભારત સરકારનું આટલું મોટું કમિશન ખાલી ફરિયાદો એકઠી કરવા ગુજરાત આવે અને બીજા દિવસે અધિકારીઓ સાથેની બેઠક તો એટલી ગુપ્ત હોય કે પત્રકારોને ત્યાંથી કાઢી મુકવામાં આવે. તો પછી કમિશને ગાંધીનગરમાં જઇને કુલડીમાં ગોળ જ ભાંગ્યો એમ કહેવાય. અને મારે મારું હ્રદય ઠાલવવા કમિશનમાં જવાની ક્યાં જરૂર છે. એક કવિતા લખી નાંખું તો પણ હ્રદય તો ઠલવાઈ જશે. સમાજ કલ્યાણ ખાતાનો એક એવોર્ડ મળશે એ નફામાં. પણ, મારે ન્યાય જોઇએ છે. કમિશન પાસે અર્ધ-ન્યાયિક સત્તાઓ છે. એનો એણે ઉપયોગ કરવાનો છે, નાટક કરવાનું નથી. એનેકસીની મીટીંગમાં કમિશન સમક્ષ મેં આ વાત કરી, તેમની પાસે મારી વાતનો જવાબ નહોતો. એનસીપીસીઆરના હીયરીંગમાં ખરેખર દમ હોય છે. એટલે તો ચાર મહિના પહેલા એનસીપીઆરના નક્કી થયેલા હીયરીંગને અટકાવવા શ્રમ વિભાગના સચિવ પનીરવેલ, મુખ્ય સચિવ જોતી અને ફકીરભાઈ વાઘેલા, ત્રણે જણાએ મેડમ શાંતાસિંહાને અંગત પત્રો પાઠવીને કગરી કગરીને હીયરીંગ બંધ રખાવ્યું હતું. આ ત્રણેના પત્રો મારી પાસે છે. જાહેરમાં ડંફાશો મારનારી ગુજરાત સરકાર ખાનગીમાં કેવી કાકલૂદીઓ કરે છે એના એ સુંદર, કલાત્મક ઉદાહરણો છે.

કમનસીબે, એનેક્સીમાં એકઠી થયેલી ભીડમાં મોટાભાગના લોકો બીજા દિવસે અખબારોમાં પોતાના ફોટા આવે કે બે લીટી છપાય એનાથી કૃતકૃત્ય થવાની તૃષ્ણા ધરાવે છે. મારો સમાજ "લીડરશીપ સીન્ડ્રોમ"થી પીડાય છે, એવા લીડરો જેમને મોંમાથાનું ભાન નથી. એમને નિવેદનોની ચોકલેટો ખવડાવીને કમિશન નવી દિલ્હી રવાના થઈ ગયું. અને ગુજરાત સરકારે સચોટ પગલાં ભરવાની ખાત્રી ઉચ્ચારી છે. હસવું કે રડવું તે જ સમજાતું નથી. 

1 ટિપ્પણી:

  1. i read in the newspapers that there are as many as 77 incidents of forced dalit migration in Gujarat and that is simply horrible! and yet i read in the same newspapers that the chairman of the national human rights commission is giving clean chit to modi!

    જવાબ આપોકાઢી નાખો