કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 23 મે, 2012

ભૂમિ સમસ્યા અને દલિતો

બિહારના ગામડામાં દલિત મહિલાને લાકડીથી મારતો સવર્ણ પુરુષ
દલિત મહિલાને વાળ પકડીને પોલીસ મારે છે,
મહિલા કોન્સ્ટેબલ જોઈ રહી છે
દલિત મહિલાને વૃક્ષ સાથે બાંધીને મારી નાંખતા
 પહેલા તેના વાળ કાપતો સવર્ણ પુરુષ
દલિત યુવાનને વૃક્ષ સાથે બાંધ્યો છે, તેની શું હાલત કરશે
માત્ર 8 વર્ષની દલિત બાળકીને વાળ પકડીને મારતી પોલીસ
સવર્ણોના હુમલા પછી દલિતના ઘરની સ્થિતિ
અહીં પોલીસવાળો દલિત બાળકીના વાળ પકડીને તેને મારે છે
અત્યાચારનો ભોગ બનેલા દલિત માતાની દારૂણ સ્થિતિ


અત્યાચારનો ભોગ બનેલું દલિત દંપતિ




ખૈરલાંજી અત્યાચાર - ભોતમાંગે કુટુંબની 
દીકરી પ્રિયંકાનો ક્ષતવિક્ષત દેહ


પ્રિયંકાના ભાઈની હત્યા પછીની સ્થિતિ




ગઈ કાલે અમન સમુદાયની મારી બહેનો લક્ષ્મી, બિસ્મીલા, નઝમા, રશીદા, નૂરજહાં મને ગોધરાના તિરગર વાસમાં લઈ ગઈ. જાહેર માર્ગ સાથે જોડાએલી એક સાંકડી ગલીમાં પ્રવેશતા અંદાજે ૫૦૦ ઘરનો દલિત વાસ નજરે ચડ્યો. વચ્ચે ચોગાન, લીમડાનું ઝાડ, નાની દેરી, બરફની લારી, પાનનો ગલ્લો. રાતના સાડા આઠ વાગ્યા હતા. મારા દલિત બાંધવો દિવસભર શોષણની ચક્કીમાં પીસાઈ પીસાઈને રાત્રે થાક્યા પાક્યા ઘરે આવી રહ્યા હતા. ચોગાનમાં અગાઉથી જ એક વિશાળ તાડપત્રીનું પાથરણું પથરાઈ મૂક્યું હતું. અમદાવાદથી કોક રાજુ સોલંકી નામનો માણસ એમની સાથે વાત કરવા આવવાનો હતો એની એમને જાણ હતી, પરન્તુ કોઈ ચોગાનમાં આવીને બેસતું નહોતું. બજરંગદળવાળાએ મીટીંગમાં હાજરી નહીં આપવા સ્થાનિક દલિતોને આદેશ આપ્યો હતો એવી વાત મળી એટલે લક્ષ્મી અને બીજી બહેનો તિરગરવાસની બહેનોને મળ્યાં. ‘તમે બેસો હમણાં બધા ભેગા થઇ જશે' એમ કહેતાંકને બહેનોએ એક મોટો ઢોલ મંગાવ્યો. કાનના પડદા ફાટી જાય એવા અવાજે ઢોલ વગાડ્યો. જોત જોતામાં બસો દલિત એક્ઠા થયા. એમાં બહેનો વિશેષ. એમની આગળ જે કઈ કીધું એ જ અહીં સહેજ વિગતે કહીશ....

"આ તિરગરવાસ છે. તિરગર માટે એવું કહેવાય છે કે એમણે રામ-રાવણના જુદ્ધમાં રામને તીર બનાવી આપ્યા હતા. રામે આપણું કેટલું દળદર ફીટાડ્યુંકેટલાક દિવસો પહેલાં અખબારમાં એક જાહેરાત આવી હતી. ગુરુ બ્રાહ્મણ યુવકોને સંસ્કૃત શ્લોકોના સ્પષ્ટ, શુદ્ધ ઉચ્ચારો સાથે કર્મકાંડની પદ્ધતિ શીખવાડવા એક કેમ્પ યોજાઈ રહ્યો હતો. જોડાવા માટે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું નિમંત્રણ હતું. જાહેરાતની નીચે ગુરુ બ્રાહ્મણ સમાજના એક અધિકારી શ્રીમાળીની સહી હતી. રહેવા, જમવાનું મફ્ત. પ્રવેશ-ઇચ્છુકે કાસ્ટ સર્ટિફિકેટો લઈને આવવું. છેલ્લે લખ્યું હતું, "શિબિરમાં આવનાર દરેક ઉમેદવારે પોતાના થાળી, વાટકો ને ગ્લાસ લઈને આવવું."

અમદાવાદમાં ભઠીયાર ગલી છે. હોટલોની ફુટપાથ પર કંગાળ, બુભુક્ષિતો કતારબંધ બેઠા હોય છે, દરરોજ પોત પોતાની થાળી, વાડકો ને ગ્લાસ લઈને. જન્નતમાં જવાની ઇચ્છા ધરાવતા દાનેશ્વરીઓ હોટલના માલિકને પાંચ-પચીસ જણાના રોટલા-શાકના પૈસા અગાઉથી ચૂકવતા હોય છે. ભઠીયારગલીની આ હોટલો કાસ્ટ સર્ટિફીકેટ માંગતી નથી.

અવારનવાર ભઠીયાર ગલી આગળથી પસાર થઉ છું. મારું અવળચંડુ મન વિચિત્ર પ્રશ્નો પૂછે છે: આ સરકાર ગામડાનાં ગરીબ તપોધનને થાળી, વાડકો, ગ્લાસ લઈને ગાંધીનગરમાં કેમ બોલાવે છે? થરાદની સીમમાં લાકડાં વીણવા જતી ને બકરા ચરાવતી મંજીના માંડ માંડ હાથ પીળા કરાવતા નિર્ધન, લાચાર બાપ આગળ કુવંરબાઈના મામેરાનું માદળીયું કેમ લટકાવે છે? રાષ્ટ્રીય પક્ષી મોરની ચાર કોલમની ફોટોલાઈન સાથે બાઅદબ ક્રિયાકરમ કરતા અખબારો છ માસના મૃત બાળકને બાથમાં લઈને બે ગજની સ્મશાનભૂમિ શોધવા હોડા ગામ (પાલનપુર)ના બાબુભાઈ વાલ્મીકિએ ભરવરસાદમાં કરેલી રઝળપાટ માટે બે ઇંચ જગ્યા પણ કેમ ફાળવતા નથી? અને બાબુભાઈની અકિંચન અવસ્થાની મશ્કરી કરતી હોય એમ આ સરકાર ઠાઠડી પેટે રૂ.૧૫૦૦ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ આપવાની લોંઠકાઈ કેમ કરે છે? કેમ આજથી પચાસ વર્ષ પહેલાં વીસાવદરના કેશુભાઈ પટેલના ગણોતીયા બાપને વલ્લભભાઈ પટેલ મરણોત્તર સહાય યોજના હેઠળ ઠાઠડીનો ખર્ચો આપવાનો ખેલ કોંગ્રેસી સરકારે પાડ્યો નહીં? કેમ કોઈ આનંદીબેન પટેલને સાત ફેરા ફરવા માટે રૂ.૫૦૦૦ 'ઉમિયા માતાનું મામેરું'ના નામે આપવાની નોબત આવી નહીં?

આ સવાલોનો જવાબ છે આજની ચર્ચાગોષ્ઠીનો વિષય: દલિતોની ભૂમિ સમસ્યા. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ૧૯૫૨માં સૌરાષ્ટ્ર જમીન સુધારા કાનૂન હેઠળ ૧૭૨૬ ગામોમાં ગિરાસદારોની ૨૯ લાખ એકર જમીનમાંથી ૧૨ લાખ એકર જમીન ૫૫,૦૦૦ પટેલ ગણોતીયાઓને ફાળવવામાં આવી. મગફળી, કપાસ, જીરુ જેવા રોકડિયા પાકો પકવીને સદ્ધર બનેલા આ પટેલોએ પાછળથી જીનિંગ  મીલો અને ઓઇલ મીલો નાંખીને તેલિયા રાજાનું' બિરુદ મેળવ્યું. આઝાદી પછીના જમીન સુધારાના સુફળ ચાખીને મદમસ્ત બનેલી આ પટેલ લોબીએ એટલી હદે જમાવટ કરી કે ગાંધીનગરના હુક્મરાનો પણ એમનો પડ્યો બોલ ઝીલવા માંડ્યા.

જમીન સુધારાના જે લાભો પટેલોને મળ્યા એવા લાભ દલિતોને સાંપડ્યા નહીં. ૧૯૬૦માં ભૂમિહીન દલિત ખેતમજૂરોએ અમદાવાદના દલિત મીલ કામદારોની આગેવાની હેઠળ જ્યારે હજારો એકર જમીન ખૂંચવી લીધી ત્યારે એના સીધા પ્રત્યાઘાત સ્વરૂપે કૃષિ જમીન ટોચ મર્યાદા કાનૂન, ૧૯૬૦ ઘડાયો. પરન્તુ આ કાયદાનો અમલ કરવાની ઘડી આવી ત્યારે વહીવટીતંત્રમાં બેઠેલા ઉજળિયાતોએ દલિત, આદિવાસી અને બક્ષીપંચના ભૂમિહીન ખેડૂતોને ઠેંગો બતાવ્યો.

પચાસ વર્ષમાં કોંગ્રેસી શાસકોએ જમીન ટોચ મર્યાદા કાયદાના લીરે લીરા ઉડાડ્યા. ભાજપી શાસકો એક ડગલું આગળ વધ્યા. એમણો કોર્પોરેટ ફાર્મીંગના નામે ૧૮ લાખ હેક્ટર પડતર જમીન પાણીના મૂલે વેચવા કાઢી. ‘ખાતર પર દિવેલ' રૂઢિપ્રયોગ આ સ્થિતિ સમજાવવામાં ઉણો ઉતરે. કોંગ્રેસીઓએ પદદલિત દ્રોપદીના ચીરહરણ કર્યા અને ભાજપીઓએ બળાત્કાર કર્યા એમ કહેવું યોગ્ય હશે.

ઑફિસ ઑફ ધી ડાયરેક્ટર ફોર શેડયૂલ્ડ ટ્રાઇબ્સ એન્ડ એક્સ-ઓફિસિયો ડેપ્યુ઼ટી કમિશ્નર ફોર શેડયૂલ્ડ કાસ્ટસ એન્ડ શેડયૂલ્ડ ટ્રાઇબ્સ, ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા, અમદાવાદ દ્વારા 1990માં પ્રકાશિત કમ્પેન્ડીયમ ઑન શેડયૂલ્ડ કાસ્ટસ એન્ડ શેડયૂલ્ડ ટ્રાઇબ્સ ઑફ ગુજરાત એન્ડ દાદરા એન્ડ નગર હવેલીના પાના-173 પર આવેલા પરિશિષ્ટ-9માં જણાવ્યા પ્રમાણે, ૧૯૮૫-૮૬માં અનુસૂચિત જનજાતિઓના ૧૩૬ અને અનુસૂચિત જાતિઓના 4 લાભાર્થીઓને જમીન ફાળવવામાં આવી હતી. ૧૯૮૬-૮૭, ૧૯૮૭-૮૮, ૧૯૮૮-૮૯ અને ૧૯૮૯-૯૦માં અનુસૂચિત જનજાતિઓના અનુક્રમે ૩૭૦, ૨૦૮, ૧૭૧ અને શૂન્ય લાભાર્થીઓને જમીન ફાળવવામાં આવી હતી. જ્યારે અનુસૂચિત જાતિઓના માત્ર બે લાભાર્થીઓને ૧૯૮૭-૭૭માં જમીન ફાળવવામાં આવી હતી અને ૧૯૮૮-૮૯ તથા ૧૯૮૯-૯૦માં અનુસૂચિત જાતિઓના એક પણ લાભાર્થીને જમીન ફાળવવામાં આવી નહોતી. ટૂંકમાં, ૧૯૮૫-૮૬થી ૧૯૮૯-૯૦ના પાંચ વર્ષના ગાળામાં માત્ર ૬ દલિત કુંટુંબોને જમીન ફાળવવામાં આવી હતી. ‘કોંગ્રેસનો હાથ, આમ આદમી કે સાથ'ના ઢંઢેરા પીટતી પાર્ટીએ એના શાસનકાળમાં દલિતોના ઉત્થાન માટે કેવો જબરજસ્ત પ્રયાસ કર્યો એની ગવાહી પૂરતા આ આંકડાઓ સત્તાવાર છે એ કહેવાની જરૂર ખરી ?

યાદ રહે, ૧૯૮૫થી ૧૯૯૦નો આ એ સમયગાળો હતો, જ્યારે ગુજરાતની ફાસીવાદી પ્રયોગશાળામાં દલિતો-આદિવાસીઓને મુસ્લિમો સામેના મલ્લયુદ્ધમાં ધરી હોવાની સંઘ પરિવારની રણનીતિ પૂરજોશમાં ચાલતી હતી. એવા સમયે કોંગ્રેસીઓ દલિતો-આદિવાસીઓના કલ્યાણ માટેની યોજનાઓનો અમલ કરવાને બદલે એમના ઘર ભરવામાં વ્યસ્ત હતા. કોંગ્રેસે દલિત-આદિવાસીઓની ઘોર ખોદી હવે ભાજપ એના પર માટી નાંખી રહ્યું છે, એ વાતમાં કોઈને શંકા છે?

ગુજરાતમાં કૃષિ જમીન ટોચ મર્યાદા કાનૂન હેઠળ કેટલી જમીન સરકારે સંપાદિત કરી અને કેટલી દલિત-આદિવાસી-બક્ષીપંચના ભૂમિહીન ખેડૂતોને વહેંચી એના સર્વગ્રાહી આંકડા અત્યાર સુધી આપણી પાસે ઉપલબ્ધ નહોતા. એનજીઓ પોતાની કામગીરીના અતિશયોક્તિપૂર્ણ વૃતાંતો તૈયાર કરવામાં વિશેષ સમય ફાળવતી હોય છે. છેલ્લા દસ વર્ષથી ગુજરાતના ગામડાઓમાં ચાલી રહેલા દલિતોના ભૂમિ સંઘર્ષમાં સક્રિયપણે સામેલ થયા પછી અમે ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા કાનૂન હેઠળ નવેમ્બર ૧૯૯૯ સુધીમાં થયેલી કામગીરીના આંકડા સરકારી તૂમારમાંથી ખોદી કાઢ્યા છે:

કલમ-૨૦ નીચે દાખલ થયેલા કેસોની કુલ સંખ્યા ૫૮,૨૪૩ અને આવરી લેવાયેલી જમીન ૧૨,૨૫,૮૭૧ એકર.
નિકાલ કરેલા કેસોની સંખ્યા ૫૭,૯૫૦ અને આવરી લેવાયેલી જમીન ૧૧,૭૮,૮૫૭ એકર.
નિકાલ બાકી કેસોની સંખ્યા ૨૯૩ અને જમીન ૪૬,૭૧૮ એકર.
ફાજલ કરેલી જમીન ૧,૮૧,૭૩૨ એકર. કુલ કેસ ૭૦૮૪.
સરકારે કબજે લીધેલી જમીન ૬૬,૯૦૩. કુલ કેસ ૧૩૫.

આ આંકડાઓનો અભ્યાસ કરતા જાણાય છે કે ૧૨ લાખ એકર જમીનમાંથી માત્ર ૧,૮૧,૭૩૨ એકર જમીન ફાજલ જાહેર થઈ. બાકીની ૧૦,૧૮,૨૬૮ એકર જમીન કાયદાની આંટીઘૂંટી અને છિંડામાંથી પસાર થઇને ટોચમર્યાદાના સકંજામાંથી છટકી ગઈ. સરકારે ફાજલ કરેલી ૧,૮૧,૭૩૨ એકરમાંથી ૬૬,૯૦૩ એકર જમીનનો તો સરકાર પોતે કબજો લઈ શકી નહી. બાકીની ૧,૧૪,૮૨૯ એકર જમીન દલિતોને માત્ર કાગળ પર મળી છે, એનો વાસ્તવિક કબજો એમની પાસે નથી.

દલિતોની ભૂમિસમસ્યા દલિત બૌદ્ધિકો, નોકરિયાતો કે દલિત સાહિત્યકારો માટે પણ નિસબતનો મુદ્દો નથી. દર વર્ષે સંસદીય સમિતિ અમદાવાદ આવે છે. એમાં પ્રવિણ રાષ્ટ્રપાલ, રતિલાલ વર્મા જેવા દલિત પ્રતિનિધિઓ હોય છે, પણ સમિતિ ક્યારેય દલિત ખેતમજૂરોના પ્રશ્નો હાથ ધરતી નથી. દલિત આંદોલનના એજન્ડા પર ચર્ચા થાય છે, પણ આંદોલન કોણ કરે? દલિત આંદોલન એટલે કારકૂનોનું, કારકૂનો દ્વારા કારકૂનો માટે ચાલતું આંદોલન કે બીજું કંઈ?

ડૉ. બાબાસાહેબ આંબેડકરે ખેતીલાયક જમીનના રાષ્ટ્રીયકરણની માગ કરી હતી. શેડયૂલ્ડ કાસ્ટ ફેડરેશનના ઉપક્રમે તૈયાર કરેલા એમના આગવા બંધારણના મુસદ્દાની સૌ પ્રથમ માગણી આ જ હતી. આજે સંસદીય લોકશાહીમાં માનતો એક પણ રાજકીય પક્ષ ભૂમિસુધારાનું સળગતું લાકડું હાથમાં પકડવા તૈયાર નથી. બાબાસાહેબના એજન્ડાનો અમલ કરવાની ઘડી આવી છે, ત્યારે આંબેડકરવાદીઓ સત્તાની સીડી ચડવા કોંગ્રેસ-ભાજપ-શિવસેના સાથે સમાધાનો કરી રહ્યા છે એ જાણીને મારે હરખાવું કે રડવું?

(દલિત સમસ્યા પર' વિષય પર ચંદુ મહેરીયાની સંસ્થા 'અધિકાર'ના ઉપક્રમે મા.જે. પુસ્તકાલયના સભાગૃહમાં રજુ કરેલું વક્તવ્ય મઠારીને. વર્ષ 2007)





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો