કુલ પૃષ્ઠ અવલોકનો

ગુરુવાર, 28 નવેમ્બર, 2013

એમને સુરક્ષાની જરૂર હતી ......


ગુજરાતના ગામે ગામે દલિતો પર થયેલા અત્યાચારોના કેટલાક બનાવો અહીં રજુ કર્યા છે, જે ખરેખર છે હિમશીલાના ટોચકા બરોબર. એવા રાજ્યમાં જ્યાં હિન્દુ સમરસતાની દુહાઈ દેનારાઓ ગટરના કીડાઓની જેમ ઉભરાય છે. એમને સુરક્ષાની જરૂર હતી અને છે, પરંતુ ગૃહપ્રધાન કોઈ યુવાન છોકરીની જાસુસીમાંથી નવરો જ ના પડ્યો.

તા. 21-2-11. અમદાવાદના સરસપુર વિસ્તારના ઇંટવાડાથી ચીમનભાઈ આગજાના પુત્ર જયેશની જાન મહેસાણાના ડાંગરવા ગામે ગઈ હતી. જાનમાં વરઘોડો કાઢતા તે ગામના દરબારોએ હુમલો કરી, હલ્લો મચાવ્યો અને પોલીસ ફરીયાદ પછી પોલિસ બંદોબસ્ત હોવા છતાં પોલીસ પર પણ પત્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મોટાભાગના જાનૈયાઓ ઘવાયા હતા. બાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળરા જાનને રવાના કરવામાં આવી હતી.

25-8-11. મહેસાણાના મુંદરડા ગામે ખોડીયાર મંદિર પાસેના મહોલ્લામાં સફાઈ કરતા બે વાલ્મીકિ કામદારોને સવર્ણોએ લાકડીથી ઢોર માર મારી જાતિ વિશે ખરાબ શબ્દો કહ્યા હતા. આ બંને ઇસમો સામે લાંઘણજ પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

તા.26-5-12. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રવિપાર્કમાં ભાનુબેન મોરડીયાએ કોર્પોરેટર કલાવતી યાદવના ભત્રીજા પાસેથી મકાન વેચાતુ લીધું હતું. આ મકાનના રૂ. બે લાખ બાકી હતા તેથી કોર્પોરેટર કલાવતી અને અન્ય મવાલીઓ મકાન ખાલી કરાવવા ભાનુબેન પાસે આવ્યા અને ઝઘડો કર્યો, અને તેમની જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલીને ધમકી આપી હતી કે ફરીયાદ નોંધાવશો તો જાનથી મારી નાંખીશું.

તા.18-10-10. અમદાવાદના નરોડા ક્રોસીંગ નજીક વાલ્મીકિ વાસમાં રહેતા દિનેશભાઈ મકવાણા તેમના ભાઈ-ભાભી સાથે સરદારનગર શાળાના કમ્પાઉન્ડમાં ગરબા જોવા ગયા હતા ત્યારે નોબલનગરના કોર્પોરેટર બહાદુરસિંહ નટુભા વાઘેલા અને તેમના અન્ય સાગરીતોએ હડધૂત કરી દિનેશભાઈની જાતિ વિષે અપશબ્દો બોલી, તેમના ભાઈ-ભાભીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી.

તા.2-6-2012. અમદાવાદના બાપુનગર વિસ્તારના આનંદ ફ્લેટ ખાતે પ્રકાશભાઈ ગોવિંદભાઈ પરમાર રહે છે અને તેમના પત્નિ પાર્વતી ગર્ભવતી છે. તેમને તેમના પડોસી પ્રધ્યુમન સાથે ઝગડો થતા પ્રધ્યુમન અને તેમના પત્નિ-પુત્રએ સાથે મળી ગર્ભવતી પાર્વતી બહેનને પેટમાં લાતો મારેલી તેઓ બેભાન અવસ્થામાં પડી જતા આજુ-બાજુના લોકોએ દવાખાને પહોંચાડેલ જ્યાં તબીબોએ ગંભીર હોવાનું જણાવેલું.

તા.17-5-12. અમદાવાદ વટવા વિસ્તારના શાહવાડી ગામ ખાતે દલિત યુવક અને તેમના પિતા પર ભરવાડોએ નજીવી બાબતમાં હુમલો કર્યો હતો, અને થોડી જ વારમાં બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા અને જોરદાર પત્થરમારો થયો હતો, પોલીસ સ્ટેશનના રીપોર્ટ મુજબ ભરવાડોએ ડૉ. આંબેડકરના સ્ટેચ્યુ પર પણ પત્થરમારો કર્યો હતો.

તા.16-4-12. પાટણના વામૈયા ગામેના વાલ્મીકી પ્રહલાદભાઈ ગાંડાભાઈ અને મિત્રો મજુરીએથી પરત આવી રહ્યા હતા ત્યારે ભાજપના કાર્યકર ભલાભાઈ દેસાઈએ પ્રહલાદભાઈને જાતિ વિશે ખરાબ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તા.18-3-12. મહેસાણાના બેચરાજી તાલુકાના મંડાલી ગામમાં રહેતા પરમાર હરજીભી ચેલાભાઈએ સરકારી જમીનમાં ઘાસચારા માટેની કુડેલીમાં ઢાળીયું બનાવ્યું હતું, પરંતુ ગામના સરપંચ ઈશ્ર્વરભાઈએ દબાણ કરી તેને તોડી પાડવા તજવીજ કરી હતી ત્યારે ગામમાં રબારી સમાજના અન્ય લોકોએ પણ ઢાળિયાં બંધાવેલ છે તે કેમ તોડી પડાતા નથી આવી વાત કરતા હરજી પરમાર પર સરપંચ સહીત અન્ય લોકોએ હુમલો કર્યો હતો.

તા.19-7-10. સુરેન્દ્રનગરના મૂળી ગામે દારુની મહેફિલ માણતા ચાર દરબાર સખ્શો સાથે જેઠાભાઈ વેગડા અને તેમની માતાને બિભત્સ ગાળો બોલી આબરુ લેવાનો પ્રયત્ન કરતા ઝગડો થયેલમોડી રાત્રે આ ચાર સખ્શો હથિયાર સાથે આવી ઓરડીમાં સુતેલ જેઠાભાઈનું ઢીમ ઢાળી દીધું હતું.

તા.31-3-10. સુરેન્દ્રનગરના કરાડી ગામે કેટલાક લુખ્ખા અને અસામાજિક તત્વો દારુ પીને જુગાર રમતા અને ગામમાં જતી આવતી દલિત સમાજની બહેન દિકરીની મશ્કરી કરતા ત્યારે હૈદરાબાદમાં ફરજ બજાવતા દલિત સમાજના એક લશ્કરી જવાન દિનેશભાઈએ આવું ના કરવા કહેતા લુખ્ખાઓએ 42 ગોળીઓ ધરબી લશ્કરી જવાનની સ્થળ પર જ કરપીણ હત્યા કરી હતી. અમીત શાહે એવું કહ્યું કે "હથિયાર લાયસન્સ રદ કરવા 2009માં નોટીસ આપેલી પણ હથિયાર પાછું સોંપાયુ નહિ ત્યાં જ બીજો બનાવ બન્યો જે સરકાર ગંભીરતાથી લઈ રહી છે."
 
તા.10-12-09. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બોડકા ગામે પરસોત્તમભાઈ વસરામભાઈનું ખેતર એક દલિત ખેડૂત ખીમજી રાઠોડે વાવણી કરવી માટે રાખેલું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ખેતરમાંથી નિકળી જવાની ધમકી આપી ઊભો પાક લણી લીધો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તા.26-12-09. અમદાવાદ શહેરમાં જ એક દલિત પર ચાર-ચાર વખત જીવલેણ હુમલો કરવામાં આવેલો અને તેનું ઘર તથા અગરબત્તીનું નાનું કારખાનું પણ સળગાવી દેવામાં આવ્યું અને ચાર વખત એફ આઈ આર પણ ફાડવામાં આવેલી છતાં પોલીસ તેમની ધરપકડ કરતી નથી.

તા.1-6-11. અમદાવાદના ધંધુકા તાલુકાના ઘનબા ગામના દલિત ખેડૂતોએ સરકાર આપર રોપ મુકતા જણાવ્યું કે સરકારે અમારી જમીન ઝુંટવી લીધી છે. 1953માં સરકારે 35 પરીવારોને જમીન આપી હતી, જેના ડેપ્યુટી કલેક્ટરે બળજબરીપૂર્વક કબજાના અધિકારો ખડૂતો પાસેથી મેળવી લીધા હતા અને 21 ડીસે. 2011માં નવા ઓર્ડર મુજબ 15 એકર જમીન ઘટાડીને 3 એકર જમીન કરી નાખી હતી અને મહેસુલ અધિકારીએ નવા ઓર્ડરમાં 1963 પહેલા જ ચાર ખેડુતો મૃત્યું પામ્યા છે એવું લખી નાખેલું.

તા.26-7-09. વેરાવળ તાલુકાના ઓજી વિસ્તારમાં આવેલ હુડકો સોસાયટીમાં પાણી ભરાઈ જતા તે વિસ્તારમાં રહેતા ગરીબોને સમયસર ભોજન મળ્યું  નહોતું. જેમાં એક દલિતનું મૃત્યું થયું હતું. મૃતદેહ લેવા ગયેલા લોકોએ જણાવ્યું હતુ કે સાડા ત્રણ વર્ષની તેમની પુત્રી અને દોઢ વર્ષનો પુત્ર ભૂખ લાગી છે એવું બોલી રહ્યા હતા.

તા. 24-8-09. જૂનાગઢ શહેરના ગાંધીગ્રામના પંચેશ્વર વિસ્તારમાં રહેતા દલિત યુવાન ગીરીશ રાઠોડ (ઉ.વ.39)ને રબારી શખ્સોએ એક થઈ હુમલો કરતા તેમનું મૃત્યુ થયું હતું.

તા. 24-8-09. કેશોદ તાલુકાના મંગલપુરમમાં દલિત શખ્સે ગૌચર પર કરેલા ગેરકાયદેસર પ્રવેશ બાબતે ઉપસરપંચ તથા તલાટી સહિત અન્ય આઠ લોકોએ સાથે મળી જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમના પત્ની બચાવવા જતા તેમને પણ આ શખ્સોએ ઢોરમાર મારતા બંનેને જૂનાગઢ સીવીલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

તા.6-2-10. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલાવડ ગામે દલિત યુવાન ભરત ધાંધલ પર વિસાવદર વિસ્તારના ભાજપના ધારાસભ્ય કનું ભલાના ભત્રીજાએ હમલાઓ કરી હત્યા કરવાનો પ્રયાસ કરેલ તથા ખેડા જિલ્લાના તીતાડા ગામે ગ્રામપંચાયતના ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોએ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.

રવિવાર, 25 ઑગસ્ટ, 2013

કોલેજમાં દલિત વિદ્યાર્થી પર દમન


અમદાવાદની જીએલએસ કોલેજમાં દલિત વિદ્યાર્થીને મરણતોલ માર મારવાની 23 ઓગસ્ટ 2013ની ઘટનામાં પ્રારંભમાં ચુપકીદી સેવ્યા પછી પોલિસ તેના મૌલિક વર્ઝન સાથે બહાર આવી છે. અમદાવાદ ઝોન-1ના ડીસીપી યાદવ (દિવ્ય ભાસ્કરમાં) કહે છે કે કોલેજના દરવાજે છેડતી કરતા બહારના તત્વોને છોડવામાં નહીં આવે. વિશાલ મકવાણા જીએલએસના કમ્પાઉન્ડમાં આવેલી એલ એન્ડ સી મહેતા આર્ટ્સ કોલેજમાં એફવાયબીએનો વિદ્યાર્થી છે. કોઈ બહારનો ‘લુખ્ખો’ નથી. હકીકતમાં, તેને બહારના લુખ્ખાઓને બોલાવીને કોલેજના જ એક વિદ્યાર્થીએ માર્યો છે. લક્ષ્મણ પાર્ક, નળ સરોવર રોડ, સાણંદ, (ફોન: 8460375297) ખાતે રહેતા વિશાલે નવરંગપુરા પોલિસ સ્ટેશનમાં લખાવેલી એફઆઇઆર શબ્દશ: નીચે પ્રમાણે છે:

"22મીએ સવારે હું મારી કોલેજમાં આવેલો અને અમે મિત્રો હસીમજાક કરતા હતા. અમારી સામેની બાજુએ હાર્દિકસિંહ નામનો છોકરો તેની લેડીઝ ફ્રેન્ડ સાથે બેઠો હતો. તેને એમ લાગેલ કે અમે તેની મજાક કરીએ છીએ જેથી તે મારી પાસે આવેલો અને મારી સામે આંખો કાઢવા લાગ્યો અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો અને કહેવા લાગેલ કે તને બહુ પાવર છે ને કાલે હું તને જોઇ લઇશ. અને અમારા બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ. અને આજ રોજ સવારના નવેક વાગ્યાના સુમારે આ હાર્દિકસિંહ નામનો છોકરો તથા બીજા ત્રણચાર છોકરા આવેલ અને મારી જાતિવિષયક ગાળો બોલીને, તમને બહુ પાવર છે ને તેમ કહી મને બિભત્સ ગાળો બોલવા વાગેલ અને બેલ્ટથી હાર્દિકસિંહ મારવા લાગેલ તથા તેની સાથે આવેલા ઇસમો ગડદાપાટુનો માર મારવા લાગેલા. અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવા લાગેલા. અને મારી સ્કુલના છોકરાઓ વચ્ચે પડી મને વધુ મારમાંથી છોડવેલ. હાર્દિકસિંહ તથા તેની સાથે આવેલા ઇસમોએ મને બેલ્ટથી માર મારેલ હોય મારા બરડા તથા પેટના ભાગે સોળ પડી ગયેલ હોઈ મને ઇજાઓ થયેલ હોઈ મારે દવાખાને જવું છે. અને મારી સદરહૂ હાર્દિકસિંહ તથા તેની સાથે આવેલા ઇસમો કે જેમના નામઠામની મને ખબર નથી. તેઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી મારી અરજ છે"

ગુના રજિસ્ટર નંબર 169/2013થી નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક અને તેની ગેંગ પર આઇપીસી 143, 323, 294 ખ, 50 (2) અને એટ્રોસિટી એક્ટની કલમ 3 (1) (10) લાગી છે. આજે દિવ્યભાસ્કરમાં પોલિસે ઘટનાને ટ્વિસ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. અખબારમાં હાર્દિકના નામની પાછળ સિંહ લખ્યું નથી, જેથી ઘટનાના જાતિવાદી એંગલનો અણસાર આવે નહીં. નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે વિશાલને ભયંકર રીતે માર્યો હતો અને સમગ્ર કોલેજના કમ્પાઉન્ડમાં ઢસડ્યો હતો. પોલિસે એફઆઇઆરમાં એક ઠેકાણે કોલેજના બદલે જાણીબૂઝીને સ્કુલ શબ્દ વાપર્યો છે. પોલિસે ફરિયાદ પાછી ખેંચાવવા બહુ ધમપછાડા કર્યા હતા,પરંતુ તેવું થયું નથી, વિશાલને છોડી દેવો પડ્યો હતો, કેમકે છેડતીની ફરિયાદમાં દમ ન હતો. આજે પોલિસે અખબારી નિવેદન કરીને મોટી ધાડ મારી હોય તેવો દેખાવ કર્યો છે, હકીકતમાં પોલિસે પક્ષપાત કર્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. 

વિશાલનો વીડીયો યુટ્યુબ પર http://www.youtube.com/watch?v=WZDhB28HPWo

શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013

સંસારીઓ અને સંતો



"સંસારીઓ દુખનો અંત શોધે છે, સંતો દુખનું કારણ શોધે છે" અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બસ પાછળ આ વાક્ય લખ્યું છે. ભારતના એક અબજ સંસારી લોકો દુખનો અંત શોધે છે. કેટલાક સંતોએ આ દુખનું કારણ શોધી નાંખ્યું છે – કોંગ્રેસ. આ સંતો તમને રસ્તામાં મળે તો તેમની લાળ ચાટજો, કેમ કે તેમાં પણ ગંગાજીનો વાસ હશે.

સોમવાર, 5 ઑગસ્ટ, 2013

સ્વામી વિવેકાનંદના વિચારો આજે કેટલા સ્વીકાર્ય છે?



સ્વામી વિવેકાનંદ જાતિપ્રથાને જડમૂળથી ઉખેડી ફેંકવાની તરફેણમાં નહોતા. જાતિપ્રથા માટેના તેમના વિચારો રસપ્રદ છે, પરંતુ તેમણે આડકતરી રીતે તો જાતિપ્રથાના વખાણ જ કર્યા હતા. તેઓ કહે છે, "જ્ઞાતિઓને નિર્મૂળ કરી નાખવાનું મારું સૂચન નથી. જ્ઞાતિ એક સારી વસ્તુ છે. આપણે જેને અનુસરવું છે તે યોજના જ્ઞાતિ-વ્યવસ્થાની છે. જ્ઞાતિ ખરેખર શું છે, એ લાખોમાંથી એક પણ સમજતો નથી. દુનિયામાં એક દેશ એવો નથી કે જ્યાં જ્ઞાતિ ન હોય. ભારતમાં જ્ઞાતિપ્રથામાંથી આગળ પ્રગતિ કરીને જ્યાં જ્ઞાતિ જ નથી તેવી અવસ્થાએ આપણે પહોંચીએ છીએ. જ્ઞાતિપ્રથા પહેલેથી છેલ્લે સુધી એક જ સિદ્ધાંત ઉપર આધારિત છે. બ્રાહ્મણ એ માનવ જાતિનો આદર્શ હોવાથી ભારતની યોજના દરેક વ્યક્તિને બ્રાહ્મણ બનાવવાની છે. જો તમે ભારતનો ઇતિહાસ વાંચશો તો તમને જોવા મળશે કે નીચલા વર્ગોને ઉપર ચડાવવાના પ્રયત્નો હરહંમેશ કરવામાં આવ્યા છે. ઘણાય વર્ગોને ઉપર ચડાવવામાં આવ્યા છે, બીજા ઘણાયને ચડાવવામાં આવશે અને અંતે આખી પ્રજા બ્રાહ્મણત્વને પામશે. યોજના એ છે. આપણે કોઈને નીચે પાડયા વિના માત્ર તેમને ઉપર ચડાવવાના છે."

બ્રાહ્મણ માટેના વિવેકાનંદના વિચારો પણ લગીરે સ્વીકારી શકાય તેમ નથી, જ્યારે તેઓ કહે છે, "આપણા પૂર્વજોનો આદર્શ માનવ હતો બ્રાહ્મણ. યુરોપમાં નામદાર કાર્ડિનલ સાહેબ કરીને ખ્રિસ્તીઓમાં ઘણો ઉંચો ધાર્મિક હોદ્દો ધરાવતા વડા હોય છે. પોતાના પૂર્વજોની કુલીનતા સાબિત કરલવા એ તનતોડ પ્રયાસ કરે છે અને હજારો પાઉન્ડ ખર્ચી નાંખે છે. તેમને સંતોષ ત્યારે જ થાય કે શોધખોળ ચલાવતા ચલાવતા એવું નીકળી આવે કે તેમનો આદિ પૂર્વજ કોઈ ભયંકર જુલમગાર હતો, એક ડુંગરા ઉપર પડાવ નાખીને રહેતો હતો, ત્યાં થઈને નીકળતા લોકો ઉપર નજર રાખતો અને જ્યારે જ્યારે તક મળતી ત્યારે તેમના ઉપર તૂટી પડતો તથા તેમને લૂંટી લેતો! ....... ભારતમાં જાતિ ત્યારે જ ઉંચી કહેવાય જ્યારે મૂળપુરૂષ કોઈ ઋષિ હોય, નહીંતર નહીં .... આપણો આદર્શ છે આધ્યાત્મિક સંસ્કૃતિભર્યો ત્યાગમૂર્તિ બ્રાહ્મણ એમ હું કહું છું, એનો અર્થ શો? એનો અર્થ એ કે આદર્શ બ્રાહ્મણત્વમાં સંસારીપણાનો સંપૂર્ણ અભાવ હોય અને સત્યજ્ઞાન વિપુલ પ્રમાણમાં ભર્યુ હોય. આ આદર્શ છે સમગ્ર હિન્દુ જાતિનો."

બ્રાહ્મણ અને બ્રાહ્મણત્વની તેમની વ્યાખ્યા તો ખરેખર હાસ્યાસ્પદ છે. તેઓ કહે છે, "બ્રાહ્મણ જ્ઞાતિ અને બ્રાહ્મણત્વના ગુણો એ બે અલગ વસ્તુઓ છે. ભારતમાં માણસ પોતાની જ્ઞાતિથી બ્રાહ્મણ મનાય છે, પરન્તુ માણસને તેના બ્રાહ્મણત્વના ગુણોથી બ્રાહ્મણ ગણવો જોઇએ. જેવી રીતે સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો છે. તેવી જ રીતે માણસને બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય કે શુદ્ર છે તે બતાવી આપનારા ગુણો પણ છે. બ્રાહ્મણ કે ક્ષત્રિયોના ગુણો આપણા દેશમાંથી નાબૂદ થતા જાય છે, પરંતુ પશ્ચિમમાં હવે લોકોએ ક્ષત્રિયત્વ પ્રાપ્ત કર્યુ છે અને તેના પછીનું પગથિયું છે, બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવું તે. પશ્ચિમમાં એવા કેટલાયે લોકો છે કે જેમણે પોતાને બ્રાહ્મણત્વને માટે લાયક બનાવ્યા છે."

અને હવે તો તમને લાગશે જ કે સ્વામી વિવેકાનંદ વાસ્તવિકતાથી જોજનો દૂર છે, જ્યારે તેઓ કહે છે, "હિન્દુ જાતિના આદર્શ બ્રાહ્મણ અંગેની ઘોષણા તમે સાંભળી નથી, એ આદર્શ બ્રાહ્મણ માટે કાયદો નથી, એના ઉપર રાજાનો અધિકાર નથી. એના દેહને ઇજા કરી શકાતી નથી, એ સંપૂર્ણ રીતે સાચું છે. સ્વાર્થી અને શિક્ષણ વગરના મૂર્ખાઓએ ઘટાવેલી એની સમજૂતીનો આધાર લેતા નહીં, સાચા અને મૌલિક વેદાન્તિક વિચારોના પ્રકાશમાં એને સમજજો. જો બ્રાહ્મણ એટલે જેણે સ્વાર્થનો સંપૂર્ણ નાશ કર્યો છે તે હોય, જેનું જીવન અને કાર્ય, જ્ઞાન અને પ્રેમની શક્તિ મેળવવા અને પ્રચાર કરવા માટેનું હોય, જો આખો એક દેશ આવા બ્રાહ્મણોથી વસેલો હોય, અધ્યાત્મશક્તિવાળા, નીતિમાન સજ્જન નર-નારીઓથી વસેલો હોય, તો એવા દેશ કાયદાની બહાર અને કાયદાથી પર હોય એમ ધારવું એ શું વિચિત્ર છે? એવા રાષ્ટ્ર પર રાજ ચલાવવા કઇ પોલીસની કે ક્યાં લશ્કરની જરૂર હોય? એ લોકો સારા છે, ખાનદાન છે અને ઇશ્વરપરાયણ છે. આ લોકો આપણા આદર્શ બ્રાહ્મણો છે, આપણે વાંચીએ છીએ કે સત્યયુગમાં માત્ર એક જ વર્ણ હતો- બ્રાહ્મણ વર્ણ- આપણે મહાભારતમાં વાંચીએ છીએ કે આરંભમાં આખી દુનિયા બ્રાહ્મણોથી વસેલી હતી. જેમ જેમ તેઓ નીચે ઉતરતા ગયા તેમ તેમ વર્ણોના જુદા જુદા વિભાગો થતા ચાલ્યા. વળી જ્યારે કલ્પ પૂરો થશે ત્યારે તેઓ બધા પાછા પૂર્વના બ્રાહ્મણત્વને પામશે. હવે એ કલ્પ પાછો આવવાની શરૂઆત થઈ ગઈ છે, એ હકીકત તરફ હું તમારું ધ્યાન દોરું છું તેમના (રામકૃષ્ણના) જન્મ સાથે જ સત્યયુગનો પ્રારંભ થયો છે. ત્યારથી બધા પ્રકારના ભેદભાવનો અંત આવ્યો છે. છેક ચાંડાલ સુધીનો પ્રત્યેક માનવ દિવ્ય પ્રેમનો ભાગીદાર છે. પુરુષ અને સ્ત્રી વચ્ચેનો, ગરીબ અને અમીર વચ્ચેનો, ભણેલ અને અભણ વચ્ચેનો, બ્રાહ્મણ અને ચાંડાલ વચ્ચેનો બધા ભેદભાવો નિર્મૂળ કરવા તેઓ જીવ્યા. તેઓ શાંતિના પુરોગામી હતા. હિન્દુઓ અને મુસલમાનો તેમ જ હિન્દુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચેની જુદાઈ હવે ભૂતકાળની હકીકત બની ગઈ છે, જુદાપણાનો જે ઝગડો હતો તે હવે ગયા યુગની વાત બની ગઈ છે. આ સત્યયુગમાં શ્રીરામકૃષ્ણદેવના પ્રેમની ભરતીએ સૌને એક કરી દીધા છે."

દલિતો માટેનો તેમનો પ્રેમ સમાનતા આધારીત નથી, પરંતુ ઉપલી જાતિઓને દલિત જાતિઓના ખૌફમાંથી બચાવવાની વેતરણમાંથી જન્મ્યો છે. એટલે જ તેઓ કહે છે,"અફસોસ! દેશના ગરીબ લોકોનો કોઇ ખ્યાલ કરતું નથી. તેઓ જ આ દેશના ખરા આધાર છે. તેમની મહેનતથી જ અનાજ પેદા થાય છે. આ ગરીબ લોકો-આ ઝાડૂવાળાઓ અને મજૂરો –જો એક દિવસને માટે કામ બંધ કરી દે તો શહેરમાં ગભરાટ ફેલાઈ જાય, પરંતુ તેમની પ્રત્યે સહાનુભૂતિ દાખવનાર કોઈ જ નથી. તેમના દુ:ખમાં મદદ કરનાર કોઈ જ નથી. જરા વિચાર કરો. હિન્દુઓ તરફની  હમદર્દીના અભાવે મદ્રાસમાં હજારો અંત્યજો ખ્રિસ્તી થઈ જાય છે. તેમ ન માનો કે માત્ર દુ:ખથી આમ થાય છે તેનું  કારણ  એ છે કે આપણા તરફથી કઇં જ સહાનુભૂતિ મળતી નથી. રાતદિવસ આપણે તેમને કહીએ છીએ 'અમને અડશો નહીં!' ને અમને અડશો નહીં!' આ દેશમાં કઇંક ભેદભાવ કે સહ્રયતા છે ખરા? માત્ર આ 'આભડછેટિયાઓ'નો વર્ગ છે. આવા રીતરિવાજોને લાત મારીને ફેંકી દો! મને કેટલીક વાર એવું થઈ જાય છે કે હું એ આભડછેટના અંતરાયોને તોડીફોડીને  તેમની પાસે પહોંચી જઇ પોકાર કરું કે 'આવો ભાઈઓ! જેઓ બધા ગરીબ, દુ:ખી, દીન અને કચડાયેલા છો તે સહુ આવો!' અને તેમ કરીને તે બધાને શ્રીરામકૃષ્ણને નામે સાથે લઈ જાઉં. જ્યાં સુધી તેમની ઉન્નતિ નહિ થાય ત્યાં સુધી જગદંબા જાગશે નહિ...... આપણે તેમની આંખો ઉઘાડીએ. મને તો દીવા જેવું સ્પષ્ટ દેખાય છે કે તેઓમાં અને મારામાં એક જ બ્રહ્મ છે. એક જ દિવ્ય શક્તિ આપણા સહુમાં વસે છે. માત્ર અભિવ્યક્તિનો ફરક છે. જ્યાં સુધી દેશ સમગ્રના શરીરમાં લોહી ફરે નહીં ત્યાં સુધી કોઈ દેશ કોઈ વખતે ઉન્નત થયો છે? જો એક અંગ ખોટું પડી ગયું હોય, બીજા અવયવો અખંડ હોય તો પણ તે શરીરથી ઝાઝું કામ ન થઈ શકે. એ જરૂર જાણજો..... આટલી તપશ્ચર્યા પછી હું ખરું સત્ય આ સમજ્યો છું કે દરેક જીવમાં ઇશ્વર છે, જીવમાં રહેલા ઇશ્વર સિવાય બીજો કોઈ ઇશ્વર નથી. જે જીવની સેવા કરે છે તે શિવની જ સેવા કરે છે."

ભારત અને અમેરિકા વચ્ચે શું ફરક છે તેની તો સ્વામીજીને ખબર જ છે, તેઓ કહે છે, "આપણા દેશમાં જો કોઈ હલકી જાતિમાં જન્મ્યો તો પછી તેનું આવી બન્યુ. પછી એને ઉંચા આવવાની કોઈ આશા રહેતી નથી. આનું કારણ શું? કેવી જુલમશાહી? આ દેશમાં (અમેરિકામાં) વ્યક્તિમાત્રના ઉદય માટે શક્યતાઓ, તકો અને આશા સાંપડી રહી છે. આજે ભલે એ ગરીબ હોય, પણ આવતીકાલે ધનવાન, વિદ્યાવાન અને સામાન્ય બની જાય છે. અહીં દરેક વ્યક્તિ ગરીબોને સહાય કરવા આતુર હોય છે. ગરીબના કલ્યાણ કરવા માટે ત્યાં કેટલી ધર્માદા સંસ્થાઓ વિદ્યામાન છે? ભારતમાં લાખો ગરીબોનાં દુ:ખો અને યાતનાઓ માટે કેટલા લોકો હ્રદયપૂર્વક રડે છે? શું આપણે મનુષ્યો છીએ? ગરીબોની આજીવિકા તથા ઉન્નતિ માટે આપણે શું કરીએ છીએ? આપણે તેમનો સ્પર્શ કરતા નથી, તેમના સંસર્ગથી દૂર રહીએ છીએ. શું આપણે મનુષ્યો છીએ? પેલા હજારો બ્રાહ્મણો, ભારતની ગરીબ કચડાયેલી જનતા માટે તેઓ શું કરી રહ્યા છે? એમના હોઠ ઉપર તો માત્ર 'અડશો મા', અડશો મા' એક જ સૂત્ર રમી રહ્યું છે. એમના હાથે આપણો સનાતન ધર્મ કેવો હીન અને અવનત થઈ ગયો છે! અત્યારે આપણો ધર્મ શેમાં સમાઈ રહ્યો છે? કેવળ 'અડશો મા'ની બૂમોમાં જ, બીજે ક્યાંય નહીં!."

પછાત વર્ગોને સંસ્કૃતનો અભ્યાસ કરવાનું તેઓ કહે છે. અત્યારે ભાજપ અને સંઘ પરિવાર આવી જ પીપુડી વગાડી રહ્યા છે. વિવેકાનંદ કહે છે,"બ્રાહ્મણેતર વર્ણોને મારે કહેવાનુ છે કે જરા થોભો, ઉતાવળ ન થાઓ, બ્રાહ્મણો સાથે ઝગડો કરવાની એકેએક તક ઉપાડી ન લો, કારણ કે મેં તમને બતાવ્યું તેમ તમે તમારા પોતાના જ વાંકે હેરાન થાઓ છો. આધ્યાત્મિકતા અને સંસ્કૃતના અભ્યાસ વિષે બેદરકાર રહેવાનું તમને કોણે કહ્યું હતું? આ બધો સમય તમે શું કરતા હતા આવ્યા છો? શા માટે બેદરકાર રહ્યા? બીજા કોઈકમાં વધુ બુદ્ધિ, વધુ સામર્થ્ય, વધુ આવડત અને વધુ સાહસ હોય એથી હવે તમે ધુંવાપુંવા શા માટે થાઓ છો? છાપામાં વ્યર્થ વાદવિવાદો અને ચર્ચાઓ ચલાવવામાં તમારી શક્તિનો વ્યય કરવા કરતાં, તમારા પોતાના ઘરમાં જ કજીયો અને મારામારીનું પાપ લાવવા કરતા, બ્રાહ્મણમાં છે એ સંસ્કારિતા પ્રાપ્ત કરવામાં જ તમારી સમગ્ર શક્તિ વાપરો ને? એ કરો એટલે તમારું કામ પતી ગયું! શા માટે તમે સંસ્કૃતના વિદ્વાનો નથી બનતા? ભારતની અંદર તમામ વર્ણોને સંસ્કૃતનું શિક્ષણ આપવા સારું શા માટે લાખોનો ખર્ચ નથી કરતા? મુખ્ય પ્રશ્ન એ જ છે. જે ઘડીએ તમે તે કરવા લાગશો, તે ઘડીએ તમે બ્રાહ્મણની કક્ષાએ આવી જશો. ભારતમાં શક્તિનું રહસ્ય એ છે ..... સંસ્કૃત ભાષા અને પ્રતિષ્ઠા ભારતમાં એક સાથે રહે છે."

"નીચલી જાતિઓના લોકો! હું તમને કહું છે કે એક માત્ર સલામતી, તમારી સ્થિતિને ઉંચે લાવવાનો એકમાત્ર રસ્તો સંસ્કૃતનો અભ્યાસ છે. આ ઉચ્ચ વર્ણો સાથે ઝગડા કરવા, તેમની વિરુદ્ધ લખાણો લખવાં અને બખાળા કાઢવા, એ બધું વ્યર્થ છે. એથી કાંઈ નથી મળતું, માત્ર લડાઈ અને ઝગડા થાય છે. અને કમનસીબે અત્યારે વિભક્ત બનેલી પ્રજા તેથી વધુને વધુ વિભક્ત થતી જવાની છે. વર્ગોને, જ્ઞાતિઓને સમાન કક્ષાએ લાવવાનો એક માત્ર રસ્તો સંસ્કારિતાને, ઉચ્ચ વર્ગોની શક્તિરૂપ જે શિક્ષણ છે તેને અપનાવવાનો છે. એ કરો એટલે તમને જે જોઇએ તે આવી મળ્યુ સમજો."

વિવેકાનંદ બ્રાહ્મણને નાગ સાથે સરખાવે છે એ સંદર્ભ પણ સમજવા જેવો છે, "બ્રાહ્મણવર્ગને મારી આગ્રહભરી વિનંતી છે કે, તેમણે પોતે જે જાણે છે તે ભારતમાં લોકોને શીખવીને, સદીઓથી સંગ્રહી રાખેલી પોતાની સંસ્કારિતા એ લોકોને આપી દઇને તેમને ઉંચે લાવવાનો સખત પરિશ્રમ કરવો. સાચું બ્રાહ્મણત્વ શું છે એ યાદ રાખવાની ભારતના બ્રાહ્મણોની પૂરેપૂરી ફરજ છે. મનુ કહે છે તેમ બધા અધિકારો અને માન-સન્માન બ્રાહ્મણને એટલા માટે આપવામાં આવેલ છે કે તેની પાસે સદગુણોનો ભંડાર રહે છે.' તેણે એ ભંડારને ખોલીને તેમાનાં રત્નો વિશ્વમાં સહુને વહેંચી દેવાના છે. એ વાત સાચી છે કે ભારતીય પ્રજાઓને પ્રાચીનકાળમાં ઉપદેશ આપનાર બ્રાહ્મણ હતો. અન્ય વર્ણો પહેલા જીવનનું સર્વોચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવા અર્થે સર્વસ્વનો ત્યાગ કરનારો એ ભારતીય બ્રાહ્મણ હતો. બીજા વર્ણો કરતાં એ આગળ વધી ગયો એ કઈં એનો દોષ ન હતો.... પરંતુ લાભ ઉઠાવવો એ એક બાબત છે અને તેને દુરુપયોગ માટે જાળવી રાખવો એ બીજી બાબત છે. જ્યારે જ્યારે સત્તા અનિષ્ટને માટે વપરાય છે ત્યારે એ રાક્ષસી રૂપ ઘારણ કરે છે, સત્તા કેવળ શુભને માટે જ વપરાવી જોઇએ. તેથી સદીઓ થયા સંગ્રહાયેલી આ સંસ્કારિતાનો બ્રાહ્મણ ટ્રસ્ટી છે. તેણે તે સામાન્ય જનસમુદાયને આપી દેવી જોઇએ. તેણે એ લોકોને આપી નહીં એ કારણે જ મુસલમાનોની સવારી સંભવિત બની. તેણે શરૂઆતમાં જ આ ભંડાર લોકોને માટે ખુલ્લા કરી દીધા નહીં. એટલા માટે જ આપણે હજાર વરસથી ભારત પર જે લોકો ચડી આવ્યા તે દરેક પરદેશીની એડી તળે કચરાતા આવ્યા છીએ. એને લીધે જ આપણે અધોગતિએ પહોંચ્યા છીએ. આથી સૌથી પહેલું કર્તવ્ય આપણા પૂર્વજોએ સંઘરી રાખેલા અલૌકિક ભંડારોને ખોલી નાખો અને સૌ કોઈને એમાંથી આપવા માંડો, બ્રાહ્મણે એ કામ સૌથી પહેલુ  કરવાનું છે. એક જૂની માન્યતા છે કે જે જગ્યાએ નાગદેવતા કરડે, તે જગ્યાએથી એ જ નાગ પાછો ઝેર ચૂસી લે તો એ માણસ બચી જાય. તો હવે બ્રાહ્મણદેવતાઓએ પોતાનું ઝેર ચૂસી લેવું જોઇએ."

દેશની ડૂબતી નૈયા તરફ તેમની નજર છે. એટલે જ તેઓ આ નૈયા ડૂબાડનારા લોકોને અપીલ કરતા કહે છે, "હું તમને બધાને ચાહું છું એનું કારણ કે તમે બધા દેવતાઓના સંતાન છો, અને મહિમામંડિત પિતૃઓના વંશજો છો. મારાથી તમને શાપ કે ગાળ કેમ દઈ શકાય? એ કદી પણ બને નહીં. તમારા પર ઇશ્વરના આશીર્વાદ ઊતરો. મારાં બાળકો! હું અહીં મારી બધી યોજનાઓ તમને કહેવા માટે આવ્યો છું. જો તમે તેના પર ધ્યાન દેશો તો હું તમારી સાથે હાથમાં હાથ મિલાવીને, ખભેખભા મિલાવીને કાર્ય કરવા તૈયાર છું. પણ કદાચ તમે એ તરફ ધ્યાન નહીં આપો, અને કદાચ મને લાત મારીને ભારતની બહાર કાઢી મૂકશો, તો પણ યાદ રાખજો કે હું પાછો આવીશ અને તમને ચેતાવીશ કે ભાઈઓ! આપણું નાવ ડૂબે છે, આપણે બધા ડૂબીએ છીએ! હું તો તમારી વચ્ચે બેસવા આવ્યો છું. જો આપણો ડૂબવું જ પડે, તો બધા એક સાથે ભલે ડૂબીએ, પણ શાપ કે ગાળો તો આપણા મોઢેથી ન જ નીકળે."