કુલ પૃષ્ઠ અવલોકનો

રવિવાર, 25 ઑગસ્ટ, 2013

કોલેજમાં દલિત વિદ્યાર્થી પર દમન


અમદાવાદની જીએલએસ કોલેજમાં દલિત વિદ્યાર્થીને મરણતોલ માર મારવાની 23 ઓગસ્ટ 2013ની ઘટનામાં પ્રારંભમાં ચુપકીદી સેવ્યા પછી પોલિસ તેના મૌલિક વર્ઝન સાથે બહાર આવી છે. અમદાવાદ ઝોન-1ના ડીસીપી યાદવ (દિવ્ય ભાસ્કરમાં) કહે છે કે કોલેજના દરવાજે છેડતી કરતા બહારના તત્વોને છોડવામાં નહીં આવે. વિશાલ મકવાણા જીએલએસના કમ્પાઉન્ડમાં આવેલી એલ એન્ડ સી મહેતા આર્ટ્સ કોલેજમાં એફવાયબીએનો વિદ્યાર્થી છે. કોઈ બહારનો ‘લુખ્ખો’ નથી. હકીકતમાં, તેને બહારના લુખ્ખાઓને બોલાવીને કોલેજના જ એક વિદ્યાર્થીએ માર્યો છે. લક્ષ્મણ પાર્ક, નળ સરોવર રોડ, સાણંદ, (ફોન: 8460375297) ખાતે રહેતા વિશાલે નવરંગપુરા પોલિસ સ્ટેશનમાં લખાવેલી એફઆઇઆર શબ્દશ: નીચે પ્રમાણે છે:

"22મીએ સવારે હું મારી કોલેજમાં આવેલો અને અમે મિત્રો હસીમજાક કરતા હતા. અમારી સામેની બાજુએ હાર્દિકસિંહ નામનો છોકરો તેની લેડીઝ ફ્રેન્ડ સાથે બેઠો હતો. તેને એમ લાગેલ કે અમે તેની મજાક કરીએ છીએ જેથી તે મારી પાસે આવેલો અને મારી સામે આંખો કાઢવા લાગ્યો અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો અને કહેવા લાગેલ કે તને બહુ પાવર છે ને કાલે હું તને જોઇ લઇશ. અને અમારા બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ. અને આજ રોજ સવારના નવેક વાગ્યાના સુમારે આ હાર્દિકસિંહ નામનો છોકરો તથા બીજા ત્રણચાર છોકરા આવેલ અને મારી જાતિવિષયક ગાળો બોલીને, તમને બહુ પાવર છે ને તેમ કહી મને બિભત્સ ગાળો બોલવા વાગેલ અને બેલ્ટથી હાર્દિકસિંહ મારવા લાગેલ તથા તેની સાથે આવેલા ઇસમો ગડદાપાટુનો માર મારવા લાગેલા. અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવા લાગેલા. અને મારી સ્કુલના છોકરાઓ વચ્ચે પડી મને વધુ મારમાંથી છોડવેલ. હાર્દિકસિંહ તથા તેની સાથે આવેલા ઇસમોએ મને બેલ્ટથી માર મારેલ હોય મારા બરડા તથા પેટના ભાગે સોળ પડી ગયેલ હોઈ મને ઇજાઓ થયેલ હોઈ મારે દવાખાને જવું છે. અને મારી સદરહૂ હાર્દિકસિંહ તથા તેની સાથે આવેલા ઇસમો કે જેમના નામઠામની મને ખબર નથી. તેઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી મારી અરજ છે"

ગુના રજિસ્ટર નંબર 169/2013થી નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક અને તેની ગેંગ પર આઇપીસી 143, 323, 294 ખ, 50 (2) અને એટ્રોસિટી એક્ટની કલમ 3 (1) (10) લાગી છે. આજે દિવ્યભાસ્કરમાં પોલિસે ઘટનાને ટ્વિસ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. અખબારમાં હાર્દિકના નામની પાછળ સિંહ લખ્યું નથી, જેથી ઘટનાના જાતિવાદી એંગલનો અણસાર આવે નહીં. નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે વિશાલને ભયંકર રીતે માર્યો હતો અને સમગ્ર કોલેજના કમ્પાઉન્ડમાં ઢસડ્યો હતો. પોલિસે એફઆઇઆરમાં એક ઠેકાણે કોલેજના બદલે જાણીબૂઝીને સ્કુલ શબ્દ વાપર્યો છે. પોલિસે ફરિયાદ પાછી ખેંચાવવા બહુ ધમપછાડા કર્યા હતા,પરંતુ તેવું થયું નથી, વિશાલને છોડી દેવો પડ્યો હતો, કેમકે છેડતીની ફરિયાદમાં દમ ન હતો. આજે પોલિસે અખબારી નિવેદન કરીને મોટી ધાડ મારી હોય તેવો દેખાવ કર્યો છે, હકીકતમાં પોલિસે પક્ષપાત કર્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. 

વિશાલનો વીડીયો યુટ્યુબ પર http://www.youtube.com/watch?v=WZDhB28HPWo

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો