કુલ પૃષ્ઠ અવલોકનો

સોમવાર, 8 ઑક્ટોબર, 2012

ચલો થાન


આ રીતે હત્યા કરી પોલિસે દલિત બાળકોની 


- રાજેન્દ્ર વાઢેલ

૨૨મી સપ્ટેમ્બરે ત્રણ દલિતોના પોલિસ ગોળીબારમાં મૃત્યુ થયા એવા સમાચાર સાંભળીને સમગ્ર ગુજરાતના દલિત સમાજને વજ્રાઘાતનો અનુભવ થયો. મરનાર બે યુવાનો તો માત્ર ૧૬ અને ૧૭ વયના કિશોરો હતા. અને એમના માતા-પિતાના એકના એક લાડકવાયા હતા તે જાણીને તો હૈયુ હચમચી ગયું. આ ઘટના સામે કોઇપણ રીતે પ્રત્યાઘાત આપવો જ જોઇએ એમ માનીને રાજુભાઈએ ૨૩મી લાલ દરવાજા સરદાર બાગમાં 'સબક સંમેલન'ના નામે કર્મશીલોની બેઠક બોલાવવા મને જણાવ્યું. સોથી વધારે વ્યક્તિઓને SMS કર્યા. લાલ દરવાજા સરદાર બાગમાં સોથી વધુ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડૉ. શ્યામલ પુરાણી, નિવૃત આઇપીએસ અને 'ઓબીસી અવાઝ'ના તંત્રી અંબાલાલ ચૌહાણ, 'અનહદ'ના વકાર કાઝી, પત્રકાર તનુશ્રી ગંગોપાધ્યાય, સ્ટેટ બેંક યુનિયનના રમણભાઇ વાઘેલા, રાકેશ પ્રિયદર્શી વગેરે ઉપસ્થિત હતા.
થાનમાં થયેલા ભયાનક પોલીસ અત્યાચારનો તીવ્ર પડઘો પડવો જાઇએ એ વાતે સૌ સહમત હતા. "ગુજરાતમાં ૨૦૦૨માં મુસ્લિમો પર દમન ગુજારનાર લોકોએ હવે દલિતો પર દમનચક્ર શરૂ કર્યુ છે". એમ જણાવીને રાજુભાઈએ કહ્યું કે, ૨૫ તારીખે થાનમાં એક ટીમ જવી જોઇએ અને ૨જી ઓક્ટોબરે ચલો થાનનો કોલ ગુજરાતભરના દલિતોને આપવો જોઇએ. સભામાં ઉપસ્થિત તમામ કર્મશીલો 'ચલો થાન'ના કોલ સાથે સહમત થયા અને કાર્યક્રમના આયોજન માટે જરૂરી નાણાં એકઠા કરવાના ભાગરૂપે એક રૂમાલ પથારીને લોકોને સ્વૈચ્છિક વિનંતી કરી. માત્ર પાંચ જ મિનિટમાં રૂપિયા પાંચ હજાર જેટલી રકમ ભેગી થઈ ગઈ હતી. ૨૫મીએ સવારે આઠ વાગ્યે રાજુ સોલંકી, કે. ડી. પરમાર, મહેશ ચૌહાણ, મહેશ જી. પરમાર, ગીરીશ ભીમાવા, ગુણવંત રાઠોડ, તનુશ્રી ગંગોપધ્યાય અને રાજેન્દ્ર વાઢેળ, ડી. કે. રાઠોડ, નારણભાઈ એમ. વાઘેલા, ગુણવંત રાઠોડની ટીમ થાન જવા માટે નીકળી ગઇ હતી. બીજી તરફ, સરદાર બાગની મીટીંગના પ્રત્યાઘાત પડી ચૂક્યા હતા. સામે ચૂંટણીઓ આવી રહી હતી. એ જ દિવસે અમદાવાદમાં એનેક્સીમાં કોંગ્રેસ પક્ષે ઉતાવળે ભાજપને બાકાત રાખીને એક સર્વપક્ષીય બેઠકનું આયોજન પણ કરી નાખ્યું હતું. થાનના મામલે રાજકીય રોટલો શેકવાની કોંગ્રેસને હોંશ હતી. એટલે તેણે 'ચલો ગાંધીનગર'નો કોલ આપ્યો. કેમકે તેમને છેવટે ત્યાં જ જવું હતું. પરન્તુ અમારે તો થાનગઢમાં સમગ્ર સમાજને ભેગો કરવો હતો. એટલે અમે ચલો થાનનો કોલ આપ્યો. અમારું કામ એટલું સહેલું પણ નહોતું.

થાન પહોંચ્યા ત્યારે ચારે તરફ સ્મશાનવત્ શાંતિ હતી. ચકલુંય ફરકતું નહોતું. ગલીઓ, શેરીઓના નાકે ખાખી વરદીવાળા સિવાય કોઇ નજરે ચડતું નહોતું. અમે રેલ્વે ફાટક પર પહોંચ્ચા. છાપામાં આ જ ફાટકનો ફોટો આવ્યો હતો. ફાટકની આ તરફ સવર્ણો અને બીજી તરફ દલિતો. જાણે હિન્દુસ્તાન અને પાકિસ્તાન. સામાજિક સમરસતાનો ઢોલ ચીરાઇ રહ્યો હતો. ફાટકની બાજુમાં હજુ પણ દલિત યુવાનોનું લાલચટાક લોહી પડ્યું હતું. તા. ૨૧-૯-૧૨ના રોજ મેળામાં દલિતો અને ભરવાડો વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. અને સત્તાવાળાઓએ મેળો બંધ કરાવી દીધેલો. રાત્રે સાડા બાર વાગ્યે ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે પીએસઆઇ જાડેજા અને પોલીસો રાતના અંધારામાં છૂપાઇને ઉભા હતા. એમણે મેળામાંથી પાછા આવતા લોકો પર અંધાધુંધ ગોળીબાર કર્યો, તેમાં પંકજ અમરસિંહ સુમરા ઘાયલ થઇને નીચે પડી ગયા હતા. તેમને રાજકોટ સીવીલમાં સારવાર અર્થે લઇ ગયા, પરન્તુ તેમનું હોસ્પીટલમાં મૃત્યુ થયું. ઉપરોક્ત બનાવની દલિત સમાજને જાણ થતાં દલિતો પોલિસ સ્ટેશન રજૂઆત કરવા માટે જઇ રહ્યા હતા. રેલ્વે ફાટક પાસે પી. એમ. રૂમ સામે પોલીસ હથિયારો સાથે તેમનું સ્વાગત કરવા તૈયાર જ હતી. જાડેજાએ કહ્યું કે, તમે રજૂઆત કરવા જશો તો તમોને જાનથી મારી નાંખીશું.

અહીં પોલિસે આડેધડ ઓંચિતું ફાયરીંગ કરતાં રાઠોડ રાહુલ વાલજીભાઈ અને પ્રકાશ પરમાર બંને ઘવાયા હતા. તેમને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા. ૨૮-૨૯ ઓગસ્ટે કે. પી. જાડેજાની બદલીનો ઓર્ડર આવી ગયો હતો. પરન્તુ જાડેજા સામેની તમામ અરજીઓ કલેક્ટરે ધ્યાને લીધી નહોતી. પરિણામે જાડેજાએ જાણી જોઇને ત્રણ નિર્દોષ દલિત યુવાનોની હત્યા કરી હતી. ઘાયલ થયેલા દલિત યુવાનોને તાત્કાલિક રાજકોટ સિવીલમાં ખસેડવામાં આવ્યા. પરન્તુ ગંભીર ઇજાઓને કારણે તેમણે હોસ્પિટલમાં દમ તોડ્યો. બનાવની જાણ થતા જ હોસ્પીટલમાં દલિત સમાજના તમામ નાના મોટા આગેવાનો પહોંચી રહ્યા હતાં. ભાજપને ભીનું સંકેલવાની ઉતાવળ હતી, તો કોંગ્રેસીઓને મામલો ચગાવવાની લ્હાય હતી. બનાવથી વ્યથિત દલિત અગ્રણીઓએ લાશો લઇ સવારમાં રાજકોટના આંબેડકર ચોકમાં ઘરણા કરવાનો નિર્ણય લીધો હતો.  પરન્તુ રાતમાં જ રમત રમાઈ ગઈ હતી. ગુજરાત સરકારના બે પ્રધાનો ફકીરભાઈ વાઘેલા અને રમણભાઈ વોરા રાજકોટ સીવીલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. તેમણે મૃતકોના પરિવારજનોને રૂપિયા બે-બે લાખનું વળતર અને જેલમાં પૂરેલા આઠ નિર્દોષ દલિતોને છોડાવવાનો તથા પોલિસ સામે પગલા લેવાના વચનો આપી મૃતકોના પરિવારજનોને થાન જવા માટે રવાના કરી દીધા હતા. સવારમાં છાપાઓમાં જ્યારે એવા સમાચાર આવ્યા કે વ્યથિત દલિતોજનો રાજકોટના આંબેડકર ચોકમાં લાશો મૂકી ઘરણા કરશે એ જ સમયે લાશોને અગ્નિદાહ દેવાની તૈયારી થાનગઢમાં શરૂ થઈ ગઈ હતી.

૨૫મીએ જ્યારે અમે ત્યાં પહોચ્યાં ત્યારે રણચંડી બનેલી બહેનો 'નરેન્દ્ર મોદીના રાજમાં દલિત સમાજ ભયના ઓથાર નીચે'ના બેનરો અને નારાઓ સાથે થાનની શેરીઓ ગજાવતી હતી. અમે સૌ પ્રથમ પંકજ સુમરાના ઘરે ગયા. ત્યાં ઘણા બધા લોકો બેઠા હતા. તેમની આગળ રાજુભાઈએ અમારો પરિચય આપતા જણાવ્યું કે, અમને એ વાતનું દુ:ખ છે કે આઝાદીના આટલાં વર્ષ પછી પણ દલિતો-શોષિતોની સ્થિતિ જૈસે થે તેવી જ છે. તેમણે બાબાસાહેબના વિચારો અને ગુજરાતમાં વિવિધ સ્થળોએ થયેલા પોલિસ દમનનો ચિતાર આપીને દલિતોને અપીલ કરી કે આપણે ચુપ બેસી રહીશું તો આવા અત્યાચારો બરકરાર રહેશે. તેમણે અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે જણાવીને કહ્યું કે અમે લોકો ઇચ્છીએ છીએ કે ૨ ઓક્ટોબરના રોજ અહીં સમગ્ર ગુજરાતના દલિતો એકત્રિત થઈ આ જુલ્મીઓને પડકાર ફેંકે અને આપણી માંગણીથી સરકારને વાકેફ કરે. 

ત્યાર બાદ અમે પ્રકાશ અને મેહુલના ઘરે ગયા હતા. ત્યાં લોકોની સંખ્યા થોડી વધી હતી. ત્યાં રાજુભાઈએ રાજકોટમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ અત્યાચાર વિશે વાત કરી. થોરાળામાં દલિત માતાઓ પર થયેલા નિર્મમ લાઠીચાર્જના ફોટોગ્રાફ્સ તેમણે સૌને બતાવ્યા. 'ચલો થાન'ના કોલ વિશે વાત કરતા જ સૌ સહમત થયેલા. આ જ સમયે કોંગ્રેસના આગેવાનો થાનમાં આવ્યા થાનના દલિતોને કહેવા લાગ્યા કે રાજકોટમાં આપણે લોકોએ નિર્ણય લીધેલો કે લાશને ડૉ. આંબેડકર ચોકમાં સવારે લાવવાની છે તો પછી એક રાતમાં એવું શું બન્યું કે તમે થાનગઢમાં લાશો લઇને આવતા રહ્યા. કોંગ્રેસને દલિતોની લાશો ઉપર રાજકારણ ખેલવું હતું અને ભાજપને ભીનું સંકલેવું હતું. ભાજપ તાણે ગામ ભણી, કોંગ્રેસ તાણે સીમ ભણી એવી સ્થિતિ સર્જાઈ હતી. આવા સમયે સભામાં ઉપસ્થિત રહેલા વાલજીભાઈ (મેહુલ રાઠોડના પિતા)એ હાથ જોડીને જણાવ્યું કે અમારા દીકરા હતા અને એની લાશોને અમે લઇને આવ્યા. હવે તમારે અમને ફાંસીએ ચડાવવા હોય તો ચડાવી દો" આટલું બોલતાં તેમની આંખો ભીની થઈ ગઈ હતી. આ ઘટના પછી તુરત જ મળેલી અન્ય બેઠકમાં ઉપસ્થિત લગભગ બે હજાર દલિત ભાઈ-બહેનોની સભામાં રાજુભાઈએ કહ્યું કે, શું તમે મારા કોલ સાથે સહમત છો? મારો કોલ છે 'ચલો થાન.' આટલું બોલતા ઉપસ્થિત તમામ લોકો પણ હાથ ઉંચા કરી બોલી ઉઠ્યા 'ચલો થાન.' 

આમ, 'ચલો થાન'ના કોલે પહેલાં સમગ્ર થાનને એક કર્યું અને એક થયેલા થાને સમગ્ર ગુજરાતને એક કર્યું.  

તારીખ ૨ ઓક્ટોબર, ૨૦૧૨
સમય ૧૧:૪૧. લગભગ પાંચ એકરનું ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઈ ગયું હતું. લોકો સતત આવી જ રહ્યા હતા. ગામો-શહેરોથી બહોળી સંખ્યામાં વાહનો લઈ લોકો આવતા હતા. છકડાઓ, સ્કૂટરો, બાઈકો, ગાડીઓ અને ટ્રેન દ્વારા પણ લોકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની શરૂઆતથી જ દાતાઓ મોકળા મને ફાળો આપી રહ્યા હતા. ચોટીલાના શિક્ષકોએ રૂપિયા ૭૫,૦૦૦ હજારનું ફંડ આપી શરૂઆત કરી હતી. દાન માટે પાંચ કાઉન્ટરો અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા. પરન્તુ તે ઓછા પડતા હતા. થાનગઢના લોકો બહેનો સહિત અસંખ્ય સ્વયંસેવકો પાણી સમિતિ, ચા સમિતિ જેવી સમિતિમાં તેમનું કામ ઉત્સાહભેર કરી રહ્યા હતા.શરુઆતથી જ ગ્રાઉન્ડ ભરાઈ જતા લોકો છે ક રસ્તા પર આવી ગયા હતા. લોકોના ખભા પર ગલપટ્ટાઓ, ટુવાલો પણ હતા. પુરુષો જેટલી જ સંખ્યામાં બહેનોની હાજરી પણ નજરે ચડતી હતી. ગુજરાતના ખૂણેખૂણેથી લોકો આવતા હતા. લીમડી, માંગરોળ, કોડીનાર, ઊના, ભાવનગર, જૂનાગઢ, કચ્છ-ભૂજ, રાજકોટ, જામનગર, ધારી, અમરેલી, ભરુચ, સુરત, વલસાડ, ડાંગ, ખેડા, આણંદ, સાણંદ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, નવાગામ, હળવદ, મૂળી, કડી-કલોલ, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, બાવળા, બોટાદ સહિત ગુજરાતના વિવિધ ભાગો મુંબઈ, મહારાષ્ટ્ર, દિલ્હીથી પણ લોકો ઉમટી પડ્યા હતા. આવતાની સાથે જ લોકો ફંડફાળો નોંધાવતા હતા. ચોટીલાના પોલિસ કર્મચારીઓએ રૂપિયા ૭૧,૦૦૦નો ફાળો નોંધાવ્યો હતો. મોરબી તરફથી રૂપિયા ૧ લાખ ૫૧ હજાર ફંડ ફાળો આવ્યો હતો. બાવળાના દલિત સમાજ તરફથી રૂપિયા ૭૦,૦૦૦ હજાર આવ્યા હતા. વાંકાનેર તરફથી રૂપિયા ૫૧,૦૦૦ આવ્યા હતા. સમગ્ર મંડપનો ખર્ચો ચેનપુરના શ્રેષ્ઠી વિનુભાઈ પરમારે ઉપાડી લીધો હતો. આમ, લોકોનો ફાળો નદીના પ્રવાહના વેગની જેમ નિરંતર હતો. દિવસ દરમિયાન રૂપિયા ૪૫ લાખ એકઠા થઈ ગયા હતા. ગરમીએ માઝા મૂકી હોવા છતાં તડકા વચ્ચે પણ ગામડાઓ અને શહેરોમાંથી આવેલા દલિતો 'બાબાસાહેબની જય', 'હર જોર જુલ્મ કી ટક્કર મેં સંઘર્ષ હમારા નારા હૈ', 'બાબાને પુકારા હૈ, ભારત દેશ હમારા હૈ'ના બેનરો સાથે નારાઓ ગૂંજાવતા આવી રહ્યા હતા.

૧૯૮૫માં ગાંધીનગરમાં રોસ્ટર-તરફી રેલી પછી ૨૭ વર્ષે દલિતોનું આ સૌથી વિશાળ બીનરાજકીય સંમેલન મળી રહ્યું હતું. જ્યાં સમગ્ર ગુજરાત ઉતર્યું હતું. કાર્યક્રમ અડધે પહોંચ્ચો હોવા છતાં પણ લોકોના રેલાઓ ને રેલાઓ સતત આવી રહ્યા હતા. આ કાર્યક્રમ એક કરિશ્મા જેવો લાગતો હતો. કવિઓ પોતાની વાણીમાં કવિતાઓ દ્વારા ત્રણેય શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા હતા. લોકોએ ગુજરાત દલિત પેંથરની ટોપીઓ પણ પહેરી હતી. આ વિશાળ મેદાન પણ જનમેદનીને નાનું પડી ગયું હતું. વક્તાઓ બાબાસાહેબના ઉદાહરણો આપીને અત્યાચાર-અન્યાય વિરુદ્ધ ન્યાય મેળવવાની વાતો કરતા હતા. દરેક ન્યુઝ ચેનલો અને ન્યુઝ પેપરના પત્રકારો, રીપોર્ટરો પણ અહીં ઉપસ્થિત હતા. (બીજા દિવસે મીડીયાએ રીતસરની નાગાઈ કરીને આ મોટી ઘટનાના સમાચાર દબાવી દીધા એ પણ એટલું જ નોંધપાત્ર હતું.) સ્ટેજની વચ્ચે ત્રણેય શહીદવીરોના પોસ્ટરો અને ફોટાઓ મૂકવામાં આવ્યા હતા. તેમની બાજુમાં તેમના માતા-પિતા તેમ જ પરિવારજનોને બેસાડવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શહીદોને મૌન શ્રદ્ધાંજલી આપીને થઈ હતી. મૌન આપવા માટે હજારોની સંખ્યામાં આવેલા બંધુ-ભગિનીઓએ ઉભા થઇ બુદ્ધવંદના કરી હતી. શહીદોને ફૂલહાર વિધી કરવામાં આવી હતી. થાનની બહેનોએ ખૂબ જ ઝીણવટપૂર્વક ઘટનાને વર્ણવતુ વકતવ્ય રજુ કર્યુ હતું. જે સાત છોકરાઓ જેલમાં છે, તેમની પત્નીઓ અને માતાઓએ પણ રડતાં રડતાં હકીકતો વર્ણવી હતી. તેઓ જણાવતા હતા કે 'અમારા છોકરાઓને કસ્ટડીમાં ત્રણ ત્રણ દિવસ સુધી પાણી પણ આપવામાં આવતું નહોતું. મહેરબાની કરીને તેમને વહેલાસર છોડાવો" તેમણે દિલની લાગણી અને ધરબાયેલો રોષ લોકો સમક્ષ વ્યક્ત કર્યો હતો. તેમની વેદના સાંભળીને લોકો હચમચી ગયા હતા. વિરાટ મહેરામણ જોઇને કોંગ્રેસના ઢોંગીઓ અને ભાજપાના ભવૈયાઓ ગાંડા થઈ ગયા હતા. તેમણે સ્ટેજ પર કબજો જમાવવા ધસારો કર્યો હતો અને થોડા સમય માટે કાર્યક્રમ અસ્તવ્યસ્ત પણ કર્યો હતો. 

પરન્તુ વાલજીભાઇ પટેલે જ્યારે વક્તવ્ય શરૂ કર્યુ હતું, ત્યારે સ્ટેજ પરથી ભાજપીઓ અને કોંગ્રેસીઓ મોઢુ સંતાડતા ભાગવા લાગ્યા હતા. વાલજીભાઈ પટેલે પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું, "આવો નજારો ૪૦ વર્ષથી મારી જિંદગીમાં મેં હજુ સુધી જોયો નથી." તેમણે ગુજરાતના તમામ જિલ્લાઓના વિસ્તારો, ગામડાઓ, શહેરોમાંથી આવેલા તમામ દલિતોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, દુ:ખની વાત છે કે આ સંમલનને રાજકીય અખાડો બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. આપણે તો બાબાસાહેબનું ખૂન છીએ. તેમનું ખુન આપણી નસોમાં વહી રહ્યું છે. આ રાજકીય નેતાઓ એવું ઇચ્છે છે કે, તમે બે પથ્થર મારો અને ચાર ગોળીઓ ખાવ. પણ આપણે તેવું નહીં કરીએ. જે દલિતો હાલ જેલમાં છે અને બીજા દલિત યુવાનોને પકડવાના વોરંટ છે. તેમને કોઇ દિવસ કલમ ૩૦૭ લાગે નહીં, કારણ તે એટેમ્પ ટુ મર્ડર (ખુનનો પ્રયાસ) માટે લાગુ પડે છે. મારી નાખવાના પ્રયાસો કોણે કર્યા તે સૌ જાણે છે. મેં એફઆઈઆર (પ્રથમ માહિતી અહેવાલ) વાંચી. એમાં જણાવ્યું છે કે, ભરવાડો અને દલિતો સામસામે આવી ગયા હતા. પરન્તુ આ તો તેમની ગોઠવેલી વાર્તા છે. હકીકત તો એ છે કે ત્યાં કોઇ ટોળું જ નહોતું. અને પોલીસની હત્યા કરવાનો પ્રયાસો પણ થયા નહોતા. અને જો પોલીસના જણાવ્યા પ્રમાણે કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જવાના ભયથી આ બંને પક્ષના ટોળાને છૂટા પાડવા ફાઇરીંગ કર્યુ હોય તો ગોળી કોઇ ભરવાડને પણ લાગવી જોઇતી હતી અને તેમના ચાર-પાંચ યુવાનોને પણ પકડીને જેલમાં પૂરવા જોઇતા હતા. પરન્તુ જાડેજાએ જાણી જોઇને દલિત યુવાનો પર જાતિવાદી માનસિકતાથી ગોળીઓનો વરસાદ વરસાવ્યો. કે. પી. જાડેજા અને તેની  પોલિસ પર કલમ ૩૦૨ લાગી એટલે સરકાર પણ કબૂલ કરે છે કે જાડેજા અને સાથી પોલીસ કર્મચારીઓ ખૂની છે. અત્યાર સુધી જેમણે ભાષણબાજી કરી તેમાંથી માત્ર મને બહેનોની વ્યથાપૂર્ણ વાતો જ પસંદ પડી છે, જેમના દીકરાઓ કે પતિ હજુ જેલમાં છે. હું તે તમામ બહેનોને ખાત્રી આપું છું કે તમારા છોકરાઓ સામેની ૩૦૭ની કલમ હું હટાવીશ અને બીજી વાત એ છે કે આપણા આ કાર્યથી તમામ રાજનેતાઓ ગભરાઇ ગયા છે અને તેમની સામે આપણી લડતની શરૂઆત આજથી શરૂ થઇ ગઈ છે. તેમણે જેતલપુરના શકરાભાઇનું ખૂન થયેલું તે ઘટના પણ વર્ણવી હતી. લોકોમાં આત્મવિશ્વાસ કાયમ રહે તેવી વાત કહી. તેમણે કહેલુ કે અમે ભાષણબાજી કરવાવાળા નથી. પરન્તુ ચૂપચાપ પાછળ બેસીને આગળની કાર્યવાહી કરવાવાળા છીએ. છોકરાઓને જેલમાંથી બહાર કઢાવવા એ સૌથી અગત્યની વાત છે. એટ્રોસીટી એક્ટ પ્રમાણે ૩૦ દિવસમાં મુજરીમને પકડવો જોઇએ. આપણે સૌ સરકારને અહીંથી એલાન કરીએ છીએ કે ૧૦ દિવસમાં તેમને જેલ ભેગા નહીં કરો તો આપણે સરકાર સામે પણ પગલાં લઇશું. આપણે જિલ્લાના દરેક તાલુકે તાલુકે અસ્થિકુંભ યાત્રા કાઢીશું અને શરૂઆત સુરેન્દ્રનગરથી કરીશું. એક મોટી તાકાત સરકારને બતાવી દઇશું. તેમણે કહ્યું હતું કે, ભારત સરકારે એક બજેટ બનાવેલું છે. અને દરેક રાજ્યના સામાજિક ન્યાય સમિતિના મંત્રીએ તેના ફંડમાંથી આવા પીડિતો માટે ફંડ વાપરવાનું હોય છે. પરન્તુ આપણી સામાજિક ન્યાય સમિતિનો મંત્રી તો ફકીર છે બિચારો. કેન્દ્રમાં મુકુલ વાશનીક છે. તેમને કહીશું અને ત્યાં જઇને દબાણ કરીશું. તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ ભાજપ એક જ માળાના મણકા અને એક જ ગટરના કીડા છે. અને હું બંને સામે લડ્યો છું અને લડતો રહીશ. એ પણ દલિત પેંથરની નામે અને કાઉન્સિલ ફોર સોશ્યલ જસ્ટિસના નામે. એટલે મહેરબાની કરીને આવા નાટકો તેઓ આપણી સામે ના કરે. તેમણે જણાવ્યુ કે હું ક્યારનો એ જ જોઇ રહ્યો હતો કે, આ કોંગ્રેસીઓ અને ભાજપીઓ અહીં શું ભવાઈ કરી રહ્યા હતા. અને એ પણ ભાષણબાજી કરવા માટે. જો હું અધ્યક્ષ હોઉં તો એક એક થપ્પડ મારીને આ બધાને બહાર કાઢી મુકું. તેમણે જણાવ્યું કે, સૌથી મોટો ગુનેગાર તો સુરેન્દ્રનગરનો ડીએસપી છે, કારણ કે આપણે આટઆટલી અરજી કરી હતી, તેઓનું ધ્યાન દોર્યું હતું  કે જાડેજાની બદલી થઇ હોવા છતાં તેમને કેમ છૂટા કરવામાં આવતા નથી, છતાં આપણી અરજીઓ ડીએસપીએ ધ્યાન પર લીધી જ નહીં. માટે ડીએસપીને સસ્પેન્ડ કરો અને કેસની તપાસ સીટ અથવા સીબીઆઈ દ્વારા કરાવો અને આ માંગણીઓ મંજૂર નહીં થાય તો આપણે કોર્ટમાં જઇશું અને જરૂર પડશે તો રસ્તા પર પણ આવી જઇશું. આપણી લડાઇ લાગણીઓ સાથે જોડાયેલી છે, રાજકાકણ સાથે નહીં. માટે જ એક દિવસ વહેલા અમે આવી ગયા અને પરમીશન માટે કલેક્ટર અને આઇ. પી. એસ. જેવા અધિકારીઓને પણ મળી લીધું. આ કાર્યક્રમના આયોજકોને સલામ કરૂ છું, જેમણે ખંતપૂર્વક તમામ તૈયારી કરી. ગઇ કાલે સાંજે આયોજન-સમિતિની સભામાં નક્કી થયેલું કે આપણે કોઇપણ રાજકરણીને સ્ટેજ પર ચડવા દઇશું નહીં. પરંતુ તેનો અમલ ના થયો, જે ખોટું થયું. તેમણે સમાજના રાજકીય નેતાઓને ધ્યાનમાં રાખીને કહ્યું કે 'તન બેચ, મન બેચ, બુઝુર્ગોં કા કફન બેચ, પરન્તુ તુઝે યે હક નહીં થા, ન હૈ, કિ તું અપને સમાજ કો બેચ.' હવે આપણે અન્યાય સહન નહીં કરીશું.

ત્યારબાદ ચલો થાનનો નારો આપનારા રાજુભાઈએ ઉભા થઈને જણાવ્યું, "૨૩મી સપ્ટેમ્બર અમે અમદાવાદના સરદાર પાર્કની મીટીંગમાં "ચલો થાન"નો કોલ આપેલો ત્યારે આ વાતની થાનના લોકોને ખબર પણ નહોતી. ૨૫ સપ્ટેમ્બરે અમારી ૯ સભ્યોની  ટીમે આ વાત થાનમાં આવીને જણાવી અને થાને આ કોલ ઉપાડી લીધો અને તે બદલ હું થાનના લોકોને આભારી છું."

"મને એક વ્યક્તિએ એવું પૂછયું કે તમે આ સંમેલન શા માટે કરો છો? અને થાન કેમ જાવ છો? મેં એને દસ વાક્યો કહ્યા. શાંતિથી સાંભળજો."
 
"મારા બાપા ડૉ. બાબાસાહેબ આંબેડકર છે. (નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી નહીં). ગુજરાતમાં મારો ચાલીસ લાખનો પરિવાર છે. અને મારા પરિવારના ત્રણ સભ્યોની થાનગઢમાં  પોલિસોએ હત્યા કરી છે. હું તેમને સાંત્વન આપવા માટે થાનગઢ જઇ રહ્યો છું. અને મારા માર્ગમાં જે કોઇપણ આવશે તેને હું ચીરી નાંખીશ. અને મારો કોલ છે કે હવે પછી ગુજરાતમાં ક્યાંય પણ દલિતોની હત્યા થશે તો એમાં બધા આવી જ રીતે ઉમટી પડીશું. આટલું માત્ર કહેવા માટે હું અહીંયા આવ્યો છું. મુરબ્બીશ્રી વાલજીભાઈ પટેલે જે કામ કર્યુ છે તે આજ સુધી હજારો ધારાસભ્યો અને સાંસદોએ પણ કર્યુ નથી અને કરશે પણ નહીં. આટલી વાત પછી તેમણે પોતાના વક્તવ્યને પૂર્ણ કરતા જણાવ્યુ કે, આપણે અત્યાચારો રોકવા જ પડશે. રોકવા જ પડશે અને રોકવા જ પડશે.

ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થતા જ બહેનો વાલજીભાઈને મળવા અને નંબર અને સરનામું લેવા સ્ટેજ પર ચડી આવ્યા હતા. રાજુભાઈને લોકો પોતાની વાતો જાણાવતા હતા અને બંનેને અભિનંદન આપતા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડીયાએ ૩૦,૦૦૦ હજાર સંખ્યાની નોંધ લીધી હતી. ખરેખર ત્યાં ૭૦,૦૦૦ હજાર લોકો હતા. વળતી વખતે રસ્તા પર પણ લોકો અમારી ગાડી જોઇ "જય ભીમ, સાહેબ" બોલી હાથ ઉંચા કરતા હતા. 

ચલો થાનનો નારો કેમ સફળ થયો એ જાણવા જેવું છે. નારો જ્યારે આપવામાં આવ્યો ત્યારે તે કોઈ એક વ્યક્તિએ કે સંગઠને કે એનજીઓએ આપ્યો છે તેવી કોઈ જાહેરાત છાપામાં કે નિવેદનોમાં થઈ નહોતી. અને આ નારો સમગ્ર સમાજનો બની ગયો અને સફળ થયો. 









ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો