કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 31 ઑક્ટોબર, 2012

રાજ્યના દલિતો ખરેખર કોની સાથે છે?



તા. 30-10-12ના 'દિવ્ય ભાસ્કર'ના પ્રથમ પાને ચૂંટણીનો ચક્રવ્યૂહ કોલમમાં નગીનદાસ સંઘવીનો લેખ છે, જેનું શીર્ષક છે, "રાજ્યના દલિતો ખરેખર કોની સાથે છે?" નગીનદાસ લખે છે, "દલિત-હરિજન છેલ્લે બંધારણીય શબ્દ વાપરીએ તો શેડ્યુલ્ડ કાસ્ટ્સ એકવચનમાં વપરાય છે, તેનાથી છેતરામણી છાપ ઉભી થાય છે, કારણ કે આ એકવચની શબ્દ અનેક જ્ઞાતિઓને આવરી લે છે. સવર્ણોમાં જ્ઞાતિઓ વચ્ચે ઉંચ-નીચના ભેદ છે, તેમ દલિતોમાં પણ જ્ઞાતિ ભેદ અતિશય તીવ્ર રૂપે જોવા મળે છે."
 
નગીનદાસને મારે કહેવું છે કે, આવા શબ્દોથી સવર્ણો છેતરાતા નથી. તેઓ સમગ્ર અનુસૂચિત જાતિઓને એક જ સંજ્ઞાથી ઓળખે છે, જે '' અક્ષરથી શરૂ થાય છે. વળી, સવર્ણોમાં જ્ઞાતિઓ વચ્ચે ઉંચ-નીચના ભેદ છે, તેમ દલિતોમાં પણ જ્ઞાતિ ભેદ અતિશય તીવ્ર રૂપે જોવા મળે છે, એવું કહેવાનો કોઈ મતલબ નથી. સવાલ એ છે કે બધા સવર્ણો મળીને દલિતો જોડે કેટલો જાતિભેદ રાખે છે. સવર્ણોમાં અંદરોઅંદર જાતિભેદ છે, પરંતુ દલિતોનો સવાલ આવે છે ત્યારે બધા એક થઈ જાય છે. વળી, આ સવર્ણ શબ્દ પણ છેતરામણો છે. વાણીયા-બામણ વચ્ચે અત્યંત સુમેળ છે અને તેઓ વાઘરી, ઠાકોર, રબારી જેવી જાતિઓ તરફ ભયાનક સુગ રાખે છે અને આ જાતિઓને મળતી અનામતો સામે એમને વાંધો છે, પરંતુ એમની સામે બોલી શકતા નથી એટલે એમને દલિતો સામે ઉશ્કેરે છે. દલિતોની વિવિધ જાતિઓ ગામની બહાર જ વસે છે અને શહેરોમાં તો તેમના મહોલ્લાઓ સદીઓથી એકબીજાની અડોઅડ છે. એટલે "દલિતોમાં પણ જ્ઞાતિ ભેદ તીવ્ર રૂપે જોવા મળે છે," એમ કહેવું એ હાડોહાડ જુઠ્ઠાણું છે. દલિતોમાં કહેવાતો જ્ઞાતિ ભેદ મજુર મહાજને, ચૂંટણીલક્ષી રાજકારણે વકરાવ્યો છે. ગાંધીવાદે દલિતોને તોડવાનું કામ કર્યું છે અને આંબેડકરવાદે જોડવાનું કામ કર્યું છે. 

ગુજરાતની 2002ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અનુસૂચિત રીઝર્વ બેઠકો પૈકીની 4 પર અને ભાજપે 9 પર વિજય મેળવ્યો હતો અને 2007માં કોંગ્રેસે 2 પર અને ભાજપે 11 બેઠકો પર વિજય મેળવ્યો હતો, એ આંકડાઓ રજુ કરીને નગીનદાસ એવા તારણ પર આવે છે કે એક જમાનામાં કોંગ્રેસના ચુસ્ત ટેકેદાર ગણાતા દલિત મતદારો સંપૂર્ણપણે ભાજપ તરફ વળ્યા છે. અહીં સવાલ એ છે કે તમામ રીઝર્વ  બેઠકો પર દલિતો એટલી મોટી સંખ્યામાં છે ખરા કે પરીણામ પર અસર પાડી શકે. દલિત ઉમેદવાર સવર્ણોની મહેરબાની પર નિર્ભર હોય છે અને સવર્ણોના વોટથી જ ચૂંટાય છે. પહેલા સવર્ણો કોંગ્રેસને વોટ આપતા હતા, એટલે કોંગ્રેસે ઉભા રાખેલા દલિત ઉમેદવાર જીતતા હતા. હવે સવર્ણો ભાજપને વોટ આપે છે, એટલે ભાજપે ઉભા રાખેલા દલિત ઉમેદવારો જીતે છે. આથી, ગુજરાતમાં એસસીની અનામત બેઠકો પર ભાજપનો દલિત ઉમેદવાર જીતે છે એટલે દલિતો ભાજપ તરફ વળ્યા છે એવું તારણ તો મુર્ખાઓ જ કાઢી શકે. 

અને છેલ્લે, નગીનદાસ કહે છે કે "મુસ્લિમ-દ્વેષ માત્ર સવર્ણો પૂરતો જ મર્યાદિત નથી." એટલે કે દલિતો પણ મુસ્લિમ-દ્વેષી છે. હવે, 2002થી મોટા ભાગના સવર્ણ બુદ્ધિજીવીઓ અને સેક્યુલારિસ્ટો આ મંતવ્ય ધરાવતા થયા છે. આ લોકોને દલિતો અને મુસલમાનો બંને જોડે કંઈ નહાવા નીચોવાનું નથી. આપણે વારંવાર આ મુર્ખતાપૂર્ણ થીયરીને નકારતા આવ્યા છીએ. નગીનદાસ મુર્ખાઓના સ્વર્ગમાં રાચે છે. એમને હું મારું પુસ્તક "ભગવા નીચે લોહી" વાંચવાની ભલામણ કરું છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો