દર વર્ષે થાનગઢમાં ભરાતા તરણેતરના મેળાનો કોન્ટ્રાક્ટ
દરબારો પાસે હોય છે, આ વખતે ભરવાડો કોન્ટ્રાક્ટ લઈ ગયા એટલે દરબારો મેળાની મજા
બગાડવા તલપાપડ હતા. દરબારોએ દલિતોને હોળીનું નાળીયેર બનાવ્યા. પીએસઆઈ જાડેજાની
બદલી કરવાની વારંવાર રજુઆત અગાઉ દલિતોએ કરી હતી, એટલે એણે કિન્નાખોરી રાખીને રાત્રે
સાડા બાર વાગે દલિત યુવકની હત્યા કરી. જાડેજાએ કઈ રીતે ખોટા પુરાવા ઉભા કરી, તદ્દન
ખોટી એફઆઈઆર બનાવી એ તમામ બાબતો સીઆઈડી ક્રાઇમના તાજેતરમાં કોર્ટમાં રજુ થયેલા
અહેવાલમાં બહાર આવી ગઈ છે.
થાનની આ વિગતો હવે જગજાહેર છે. ત્રણ દલિત બાળકોની
હત્યા કોઈ બજારુ વ્યંગકથાનો વિષય બની ના શકે. થાનગઢના એ દલિત પરીવારો માટે આ ભયાનક
કલ્પાંતની બાબત છે અને છતાં જગદીશ ત્રીવેદી તા. 14-10-12ના 'દિવ્ય
ભાસ્કર'માં 'થાનગઢની બે ચીજ – માટી અને
મારામારી' શીર્ષક હેઠળ એક વ્યંગ લેખ ઘસડી કાઢે છે અને લખે છે, "મેળામાં ભરવાડની ટોળકીએ કોઈ દલિત યુવાનને ઢીકાપાટુ
કરી લીધી. દલિતોનું ટોળું ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશને ગયું. ખરેખર શું થયું તે
ભગવાન જાણે પરંતુ પોલીસને ગોળીબાર કરવો પડ્યો અને ત્રણ દલિત યુવાનોના મૃત્યુ થયા." હવે જગદીશને જે ઘટનાના મોં-માથાની ખબર નથી એના વિષે
લખવું જ એવું જરૂરી ખરું?
જગદીશ લખે છે કે ખરેખર શું થયું તે ભગવાન જાણે. ભલા માણસ, આમાં ભગવાન ક્યાંથી
આવ્યો? જાડેજાને બધી ખબર છે. અને
સૌથી દર્દનાક રીતે તો એ મરનારા દલિતોના માબાપને ખબર છે કે કઈ રીતે એમના મરતા
બાળકોને ખેતરોમાંથી દોડતા દોડતા છેક ચોટીલાના હાઈવે પરથી ખાનગી રીતે સારવાર માટે
રાજકોટ લઈ ગયા. કેમ કે પોલીસ ઘાયલ થયેલા લોકોને સારવાર માટે લઈ જવા જ દેતી નહોતી.
ખરેખર તો એ પોલીસની ફરજ હતી. જાડેજાએ નિર્દોષ બાળકોની કત્લેઆમ કરી છે એના માટે
સહાનૂભૂતિના બે શબ્દો જગદીશ પાસે નથી. આ માણસ થાનગઢનો વતની હોવાનો દાવો કરે છે. એ
જાતનો બામણ છે. બામણને દલિત જોડે શું લેવાદેવા? જગદીશ ક્યારેય થાનના દલિતવાસમાં ગયો નથી એની અમને
ગળા સુધી ખાતરી છે. થાનગઢનો કોઈ દલિત એનો મિત્ર પણ નહીં હોય એની પણ અમને ખાતરી છે.
સવાલ એ છે કે જગદીશ જેવા કહેવાતા લેખકો આવી સરળતાથી અને
બિન-સંવેદનશીલતાથી આટલી મોટી ઘટના વિષે કેમ લખી શકે છે? જગદીશ એ કહેવાતા સાક્ષરો-લેખકોની જમાતનો માણસ છે, જે
લોકો 2002ના નરસંહારને ઠંડા કલેજે પચાવી ગયા અને હજુ પણ માનવતાની, માદરે વતનની
કાખલી કૂટી રહ્યા છે. કે. કા. શાસ્ત્રી જેવા કટ્ટરપંથી હિન્દુને જે લોકોએ ગુજરાતી સાહિત્ય
પરિષદનો પ્રમુખ બનાવ્યો, એટલું જ નહીં એ ચેષ્ટા બદલ જેમના ચહેરા પર પસ્તાવાની એક
લકીર દેખાતી નથી, એવા લોકો કયા મોંઢે માનવતાની અને સેક્યુલારીઝમની વાતો કરતા હશે? આ જ લોકો દલિતોની હત્યાઓને પણ વ્યંગકથાનો વિષય બનાવી
શકે છે.
સમગ્ર લેખમાં જગદીશ ક્યાંય દરબાર શબ્દનો ઉલ્લેખ કરતો
નથી. કેમ કે એને દરબાર નામના પ્રાણીનો ડર છે. દલિતો વિષે એ બેફામ લખે છે. દલિતો
વિષે લખી શકાય છે. કેમ કે દલિતો (એના મતે) નેતાગીરી વિનાનું, દિશાહીન ટોળું છે,
જેમની લાશો પર કોંગ્રેસીઓ-ભાજપીઓ એમના રાજકીય રોટલા શેકી રહ્યા છે. (જગદીશ બે
ઓક્ટોબરની ચલો થાનની સભામાં આવ્યો હોત તો એને ખબર પડત કે હવે દલિતો એમની લાશો પર
કાંગ્રેસીઓ-ભાજપીઓને ભાષણો કરવા દેવા તૈયાર નથી) સાંબરડા વખતે રતિલાલ વર્મા, ફકીર
વાઘેલા પાલનપુરમાં સભાઓ ગજવતા હતા. સાંબરડાની હિજરત જેટલી લાંબી ચાલે તેટલા
પ્રયત્નો કરતા હતા. થાનગઢમાં એ જ ફકીર વાઘેલા રાત્રે બે વાગે દોડીને સમાધાન કરવા
એડી ચોટીનું જોર લગાવે છે. વિરોધ પક્ષમાં હોઇએ ત્યારે લાશોના સરઘસો કાઢવાના અને
સત્તા પર આવીએ એટલે સમાધાનો કરવાના. આ બાબત મોડીફાઈડ ગુજરાતના સિપેહસાલાર નરેન્દ્ર
મોદીએ 2002માં મોટા પાયે ખૂનની હોળી ખેલીને પ્રસ્થાપિત કરી છે. ફકીર વાઘેલા અને
રતીલાલ વર્મા તો મોદીની નિશાળના ઠોઠ નિશાળીયા છે. જગદીશ ત્રીવેદીને માદરે વતનની
બહુ ચિંતા હોય તો એણે જાણવું જોઇએ કે માદરે વતનને આવા નાલાયક રાજકારણીઓ બરબાદ કરી
રહ્યા છે. બે શબ્દો એમના વિષે તું ક્યારે લખીશ, જગદીશ?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો