કુલ પૃષ્ઠ અવલોકનો

મંગળવાર, 24 એપ્રિલ, 2012

અમેરિકાના ગુલામ નરેન્દ્ર મોદી

શું આ ગુલામ માનસિકતા નથી ? ટાઇમ મેગેઝીનમાં તસવીર છપાયા પછી
 મોદીએ હોર્ડીંગો બનાવડાવીને આપ્યા પોતાની જાતને અભિનંદન,
નરેન્દ્ર મોદીના પુસ્તક 'સામાજિક સમરસતા'ની કાલે અમે વાત કરી હતી. આ પુસ્તકનું પ્રથમ પ્રકરણ છે: 'ડૉ. બાબાસાહેબ આંબેડકર: ક્રાન્તિકારી સમાજસુધારક'. તેમાં મોદી અગીયારમી સદીના દલિત શહીદ વીર માયાના વખાણ કરતા કહે છે કે વીર માયાએ બે એકર જમીન નહોતી માંગી. અમે કહીએ છીએ અમારા દલિત ભૂમિહીન ખેતમજુરોને તો બે એકર જમીન જ જોઇએ. તમારી સમરસતા ભાડમાં જાય.

આ પ્રકરણના પાના-10 પર આગળ મોદી જે વાત લખે છે તે તેમને જ સંભળાવવા જેવી છે. સંઘના કટ્ટર પ્રચારક લખે છે, "આજે પણ આપણામાં ગુલામી માનસની પકડ એટલી મજબૂત છે કે આપણી શ્રેષ્ઠ બાબતો પણ અમેરિકા કે પશ્ચિમ દ્વારા આવે તો જ આપણને ઉત્તમ લાગે છે. સ્વામી વિવેકાનંદને આપણે અમેરિકા થકી જ સ્વીકાર્યા. આપણી યોગસાધનાનો મહામૂલો વારસો ધૂળ ખાતો પડ્યો હતો, પરંતુ પશ્ચિમ દ્વારા યોગ ભારતમાં પરત આવ્યો તો મોડેમોટે હવે આપણે પણ નાક પકડતા થયા છીએ. એક સમાજ તરીકે આપણા શ્રેષ્ઠત્વને લઇને જીવવાનો સ્વભાવ કેળવીશું તો નબળાઈઓ છોડવાની વૃત્તિ આપોઆપ જાગવા માંડશે. આપણી આ માનસિક દુર્બળતાનું કારણ છે આપણે સ્વીકારેલી આયાતી વિચારધારા, ગુલામીનું માનસ...."

અમેરિકાના ટાઇમ મેગેઝીનના કવર પેઇજ પર નરેન્દ્ર મોદીનો ફોટો છપાવાથી એમના ચમચાઓમાં ખુશી જે લહેર ફેલાઈ ગઈ હતી તે શું આ ગુલામ માનસિકતા નહોતી? મોદી અને એમના ભક્તજનો કેમ અમેરિકાના ટાઇમ મેગેઝીન દ્વારા સ્વીકૃતિ મેળવવા આટલી બધી લાળ પાડે છે? આ એમની માનસિક દુર્બળતા નથી તો બીજું શું છે? અમેરિકાએ નરેન્દ્ર મોદીને વીઝા આપ્યા નહોતા. કોઈ પણ સ્વાભિમાની વ્યક્તિ આવું મોટું અપમાન સહન કઈ રીતે કરી શકે? મોદી થોડા સમય પહેલાં ચીન ગયા હતા. તેમણે ચીનના દિવંગત નેતા માઓ ઝેડોંગ પાસેથી શીખવું જોઇએ. અમેરિકાએ પચીસ સાલ સુધી રીપબ્લિક ઑફ ચાઇનાની સરકારને માન્યતા આપી નહોતી. માઓ ક્યારેય અમેરિકાના પગ પકડવા ગયો નહોતો, પરંતુ ખુદ નીક્સન 1972માં ચીન જઇને માઓને મળ્યો હતો.  

રવિવાર, 22 એપ્રિલ, 2012

અમારે તો નરેન્દ્રભાઈ બે એકર જમીન જ જોઇએ



નરેન્દ્ર મોદીના પુસ્તક 'સામાજિક સમરસતા'નું પ્રથમ પ્રકરણ છે, 'ડૉ. બાબાસાહેબ આંબેડકર: ક્રાન્તિકારી સમાજસુધારક'. મોદી તેમાં ગુજરાતના વીર મેઘમાયા અંગે લખે છે. વીર મેઘમાયા બારમી સદીમાં થયા હતા. રાજા સિદ્ધરાજ સોલંકીના સમયમાં ગુજરાતમાં ભયાનક દુકાળ પડ્યો હતો. પાટણનું પ્રખ્યાત સહસ્ત્રલિંગ તળાવ સુકાઈ ગયું હતું. બ્રાહ્મણોએ રાજાને કહ્યું, "સરોવરમાં પાણી આવશે, જ્યારે તેમાં કોઈ માણસનો બલી ચડાવવામાં આવશે." સ્વભાવિક છે કે બલી તો દલિતનો જ ચડાવાય. રાજાના માણસો યુવાન મેઘમાયાને પકડીને લઈ ગયા. હજારો વર્ષોથી દલિતો આ દેશમાં બલિદાનની વેદી પર ચડતા રહે છે. મેઘમાયાએ પણ મરવાનું જ હતું. પરંતુ, હવે વાર્તામાં ટ્વીસ્ટ આવે છે.

વધસ્તંભ પર બાંધેલા મેઘમાયા રાજા પાસે માંગે છે, "હું માંગુ તે બધી ચીજો મારા લોકોને આપ." ગુજરાતના દલિતો આ વાર્તા સાંભળે છે ત્યારે તેમને રડવું આવે છે. આ લખું છું ત્યારે પણ મારા રૂંવાડા ઉભા થઈ જાય છે અને આંખોમાં પાણી ભરાઈ આવે છે. પરંતુ, હું લાગણીશીલ (એટલે કે મુરખ) નહીં બનું. દલિતોના નામે, વીર મેઘમાયાના નામે, બાબાસાહેબના નામે નરેન્દ્ર મોદી ગુજરાતમાં કેવો ઇમોશનલ હીસ્ટીરીયા પેદા કરીને દલિતો પર ઇમોશનલ અત્યાચાર કરે છે તે જાણવું જરૂરી છે.

મોદી લખે છે,
"બાબાસાહેબ આંબેડકર પહેલાં પણ દલિત સમાજે અનેક સમાજ સુધારકો આપ્યા છે. આ શૃંખલામાં સામાજિક ક્રાન્તિના પ્રેરણાપુરુષ વીર મેઘમાયાનું નામ જાણીતું છે. મેઘમાયાએ સમાજમાં પ્રકાશ પહોંચાડવાનું  અને લોકોની ચેતના જગાડવાનું કાર્ય કરેલું. વીર મેઘમાયાનું વ્યક્તિત્વ એવું હતું કે જેનાથી આખી રાજ્યવ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. માત્ર દલિત સમાજ શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા હતા એવું નહોતું. એમણે એ જમાનાની, એ યુગની રાજ્યવ્યવસ્થા પર પ્રભાવ પેદા કર્યો હતો. વીર મેઘમાયાએ સમાજ તરસ્યો ના રહે એ માટે પોતાના પ્રાણોની આહૂતિ આપી હતી. એ બત્રીસલક્ષણા મહાપુરુષે સમાજ-નવચેતના જગાડી હતી. આપણી સમાજવ્યવસ્થામાં પેદા થયેલા અસ્પૃશ્યતાના કલંકની એ વખતે કેટલી તીવ્રતા હશે, એ મેઘમાયાની દીર્ઘદ્રષ્ટિ પરથી જાણી શકાય છે. એમણે રાજસત્તા પાસે માગણી કરી તો કઈ કઈ કરી? એમણે કહ્યું કે અમને તુલસી અને પીપળાની પૂજા કરવા માટેનો અવસર મળે. બારોટ, વહીવંચા, ગરોડાની વ્યવસ્થા અમને મળે. વીર મેઘમાયાની આ નાનકડી વાતમાં એક લાંબા યુગની દિશા હતી, દર્શન હતું. નહીં તો કોને આવો વિચાર આવે? આપણને તો એવો વિચાર આવે કે બે એકર જમીન આપો જેનાથી છોકરા સુખી થશે. વીર મેઘમાયાએ એવા ભૌતિક સુખ કે વ્યક્તિગત માગણી નહોતી કરી. સમગ્ર સમાજના સુખની કલ્પના કરી હતી. આ સમાજમાં કેવા નરરત્નો છે એનો આ નમૂનો છે. આ સંપૂર્ણ હિન્દુ સમાજને સમરસ કરવાની એમની કામના હતી. જે વિચાર ડૉ. બાબાસાહેબ આંબેડકરને ઓગણીસમી સદીમાં આવ્યો હતો એ જ વિચાર વીર મેઘમાયાને એક હજાર વર્ષ પહેલાં આવેલો કે મારો સમાજ આ સાંસ્કૃતિક પ્રવાહથી દૂર ન જતો રહે."

214 પાનાના પુસ્તકનું આ એક પાનું માત્ર છે. મોદીસાહેબના સમગ્ર બકવાસનો એક મધ્યવર્તી સૂર છે: હિન્દુ સમરસતા. તમારે દલિતોએ આ સમરસતા માટે ખપી જવાનું છે, પરંતુ બે એકર જમીન માગવાની નથી. કેમ કે, તમારા જેવા ગધેડાઓને આવી જમીન હું વહેંચતો ફરીશ તો, ટાટા, અંબાણી, એસ્સાર, ફોર્ડ, મારુતી જેવા બડા બડા લોકોને જમીન હું ક્યાંથી લાવીને આપીશ? તમારા જેવા ભૂખડીબારસોને જમીન મળી જશે તો હું ગરીબ મેળામાં કોને પૈસા વહેંચીશ? મંદિરોની આસપાસ ભિખારીઓ અમને નહીં મળે તો, અમારો ધર્મ નષ્ટ થઈ જશે. અને ઉદારીકરણ, વૈશ્વિકરણ માટે સસ્તા મજુરો અમને ક્યાંથી મળશે?

અફસોસની વાત છે કે ગુજરાતના દલિતોમાં પેદા થયેલો સરકારી નોકરોનો એલિટ, સુવિધાપરસ્ત વર્ગ આ વાત સમજવા તૈયાર નથી. એમને ભાષણો કરવા છે, ભાષણો પર તાલીઓ પાડવી છે, ગામડાઓમાં ખેતી જમીન ટોચ મર્યાદાની જમીન માટે લડવું નથી. બ્રાહ્મણવાદને ગાળો બોલવી સહેલી છે, જમીન સંઘર્ષ કરવો દોહ્યલો છે. આજે બાબાસાહેબને પ્રણામ કરતી વખતે આટલું યાદ રાખીએ તો કેટલું સારું...

મંગળવાર, 17 એપ્રિલ, 2012

શું પસંદ કરશો, બિહાર મોડેલ કે ગુજરાત મોડેલ?


રણવીર સેના - બિહારે આપ્યો વિશ્વ હિન્દુ પરિષદનો વિકલ્પ


બિહારમાં ઉપલી સવર્ણ જાતિઓના જમીનદારોએ ભૂમિહીન દલિત ખેતમજદૂરોને કચડી નાંખવા બનાવેલી રણવીર સેનાએ બથાની ટોલા ગામે 1996માં મુખ્યત્વે સ્ત્રીઓ અને બાળકો સહિત કુલ 21 જણાની હત્યા કરી હતી. આ કેસમાં પુરાવના અભાવે હાઇકોર્ટે તમામ 62 આરોપીઓને 16મી એપ્રિલ, 2012એ છોડી મુક્યા છે. અગાઉ આરા સિવિલ કોર્ટના અધિક જિલ્લા અને સેશન્સ જજે આ પૈકીના 23 આરોપીઓને સજા ફરમાવી હતી. ભોજપુર જિલ્લાના સહાર બ્લોકના બથાની ટોલા ગામે માર્યા ગયેલા મોટાભાગના લોકો દલિત અને મુસ્લીમ હતા.

ગુજરાત કેટલું નસીબદાર, સમૃદ્ધ અને વાઇબ્રન્ટ છે. અહીં સવર્ણોએ રણવીર સેના બનાવવાની જરૂર જ નથી, અહીં વિશ્વ હિન્દુ પરિષદ સુંદર કામગીરી કરી રહી છે. દેવીપૂજકો, ઠાકોરો, રબારીઓ, દલિતો, આદિવાસીઓને હિન્દુત્વનો દારૂ પીવડાવીને, હાથમાં હથીયારો પકડાવીને મુસ્લીમો સામે લડવા સજ્જ કરે છે. દસ વર્ષમાં બિહારમાં જેટલી હત્યાઓ થાય એટલી ગુજરાતમાં માત્ર દસ દિવસમાં થઈ જાય છે. પછી દસ વર્ષ કેવી નિરાંત. વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત...

બુધવાર, 4 એપ્રિલ, 2012

જય ભીમ કોમરેડ



‘જય ભીમ કોમરેડ' આનંદ પટવર્ધનની સુંદર, વિલક્ષણ દસ્તાવેજી ફિલ્મ છે. એક સામ્યવાદી માટે ‘જય ભીમ' શબ્દ વ્યક્તિપૂજાનો શબ્દ હશે કે એક આંબેડકરવાદી માટે ‘સામ્યવાદ' નિષ્ફળતા અને દગાબાજીથી ગંધાતો શબ્દ હશે. આનંદે બે શબ્દોનું સંયોજન કર્યું છે અને હકીકતમાં તેમણે બે વૈશ્વિક દ્રષ્ટિકોણોને એકબીજા સાથે જોડ્યા છે, જે દ્રષ્ટિકોણોએ વિશ્વમાં કરોડો લોકોના જીવન પર ગંભીર અસર કરી છે.

આ ફિલ્મમાં આનંદે દલિત આંદોલનના એક ખાસ તત્વને ઉજાગર કર્યું છે: આશાવાદ સંઘર્ષ, જુસ્સો અને બળનું તત્વ. મારે મન આ તત્વ અમૂલ્ય છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ઉત્તરપ્રદેશમાં માયાવતીના પ્રાદુર્ભાવ પછી દુનિયાએ ‘દલિત' શબ્દને ‘સત્તા'નો પર્યાય સમજવાનું શરૂ કર્યું છે. રમાબાઈ કોલોનીમાં બાબાસાહેબના પૂતળાને ખાસડાનો હાર પહેરાવવાની ઘટના ફિલ્મના કેન્દ્રમાં છે. એ ઘટના પછી દલિતોનો રોષ બતાવ્યો છે અને પોલીસે કઈ રીતે એલપીજી ટેન્કર બાળવાનું કૃત્ય દલિતોના માથે નાંખીને ફાયરિંગને ઉચિત ઠેરવવા બનાવટી વિડિયો ફિલ્મ તૈયાર કરી એ પણ ફિલ્મમાં બતાવ્યું છે. એ વખતે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર હતી.

પોલીસ ફાયરિંગમાં થયેલી દલિતોની નિર્મમ હત્યાથી હચમચી ગયેલા દલિત કવિ વિલાસ ઘોઘરેની આત્મહત્યા પાછળના કારણો દિલને કંપાવી મુકનારા છે. ભાઈ સંગારેની હત્યાનું કાવત્રુ બીજો ભયાનક વજ્રપાત છે. એમના પ્રવચનોથી ફિલ્મમાં એમનું વ્યક્તિત્વ ઉજાગર થાય છે. વિલાસના ગીતો ઉકરડાના મળને વેંઢારવાના સંઘર્ષમાંથી સર્જાયા છે. દેશના આર્થિક પાટનગર મુંબઈને રૂપાળું, ચોખ્ખું રાખવા પોતાના આંગળા, નખ ને શરીર ગૂ-ગંદા કરનારા દલિતોની એ કહાની છે. વિલાસની વાત દલિતો અને સર્વહારાઓના ઉત્થાન માટે પોતાની જીંદગીઓ કુરબાન કરી દેનારા સેંકડો શહીદોની કથા બને છે.

આનંદ કહે છે તેમ આ ફિલ્મને પૂરી કરતા તેમને ૧૪ વર્ષ થયા. આ કોઈ સાધારણ દસ્તાવેજી ફિલ્મ નથી. દેશના અન્ય રાજ્યોના આટલા જ તીવ્ર અને ઉંડાણવાળા સંઘર્ષોને એમાં વણી લેવામાં આવે તો તે અખિલ ભારતીય અપીલ ધરાવવાની ક્ષમતા ધરાવે છે. જીવનનું આ કદી વિસરી ના શકાય તેવું ચિત્ર નિહાળતી વખતે હું રડ્યો છું. રમાબાઈ કોલોનીના હત્યારા ઇન્સ્પેક્ટર કદમને હજુ સજા થઈ નથી અને લોકોની વાત કરનારા કબીર કલા મંચના સાથીઓને પોલીસ દમનથી બચવા અન્ડરગ્રાઉન્ડ જવું પડે છે. સમગ્ર દેશના દલિતો-વંચિતોના સંઘર્ષની આ જ તો દાસ્તાન છે.

અસ્પૃશ્યતાની સાધારણ દસ્તાવેજી ફિલ્મોમાં પોલિટિક્સનો સંદર્ભ હોતો નથી. દારૂની કોથળી પીવડાવીને એક મજબૂર સફાઈ કામદારને ગટરમાં ઉતારીને કલાત્મક દસ્તાવેજી ફિલ્મ બનાવી શકાય છે, લોકોની તાલીઓ ઉઘરાવી શકાય છે, આતંરરાષ્ટ્રીય એવોર્ડો પણ મેળવી શકાય છે, પરન્તુ વિચારાધારા અને પોલિટિક્સનો સંદર્ભ જોડવો જરૂરી છે. પ્રોજેક્ટ-આધારીત એનજીઓ આ મામલામાં સદંતર નિષ્ફળ ગઈ છે.

આનંદ પટવર્ધનનો આ ઝુઝારુ પ્રયાસ આ સંદર્ભોમાં અભિનંદનને પાત્ર છે. હાલની ક્ષણે, દેશના એક મહાન કલાકારને મારા લાલ સલામ અને જય ભીમ.

આઈઆઈએમ, અમદાવાદમાં ફિલ્મના સ્ક્રીનિંગ ટાણે
આનંદ પટવર્ધનને લાલ સલામ અને જય ભીમ

મંગળવાર, 3 એપ્રિલ, 2012

રખેવાળના તંત્રી સામે એટ્રોસિટી કેસ


અસ્પૃશ્યોના સંતાનોને જાહેર શાળામાં પ્રવેશ આપવો જોઈએ કે નહીં તે પ્રશ્ન અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા શ્રીમતી એની બેસન્ટ જણાવે છે: ‘હાલ તો તીવ્ર વાસવાળા ખોરાક તથા દારૂથી પેઢી દર પેઢી ઘડાયેલાં તેમના શરીર દુર્ગંધભર્યાં અને ગંદા છે. વિશુધ્ધ આહારથી પોષાયેલાં અને ઉમદા, અંગત સ્વચ્છતાની વારસાગત ટેવોની તાલીમ પામેલાં બાળકો સાથે શાળાના એક જ વર્ગમાં સાવ નિકટ બેસવા યોગ્ય થવા, વિશુધ્ધ આહાર અને જીવનઘોરણ વડે કેળવાતાં તેમને હજી વર્ષો લાગશે...

અમદાવાદના મહે. મેટ્રોપોલીટન મેજી. સાહેબની કોર્ટ નં.૨ સમક્ષ,
ઘી કાંટા


ફરિયાદી : રાજેશ હિંમતલાલ સોલંકી
                   ધર્મે હિન્દુ, ઘંઘો પત્રકાર, પુખ્ત વયના,
                   રહે. : ૨૦૨, સારથી એપાર્ટમેન્ટ,
                   મુશા-સુહાગ કબ્રસ્તાન સામે,
                   શાહીબાગ, અમદાવાદ,

સરકાર શ્રી
વિરુદ્ઘ

આરોપી તરુણ અમૃતલાલ શેઠ

અરજદાર ઉં.વ.પુખ્ત, ઘંઘો : લેખક પત્રકાર અને તંત્રીશ્રી મુદ્રક પ્રકાશક, રખેવાળ દૈનિક અખબારના માલિક,
          રહે. રખેવાળ કાર્યાલય, માનવ મંદિર, મુ.ડીસા,
          તા.ડીસા, જી.બનાસકાંઠા

બાબત:     ક્રી.પો.કોડની કલમ-૪૩૭ મુજબ જામીન અરજી, નાગરિક હક્ક સંરક્ષણ અઘિનિયમ ૧૯૫૫ની કલમ ૭//સી અનુસુચિત જાતિ, જનજાતિ (અત્યાચાર અટકાવ) અઘિનિયમ ૧૯૮૯ ની કલમ ૩(૧)(૯), ૩(૧)(૧૦) તેમજ આઈ.પી.સી. કોડની કલમ-૧૫૩એ, કલમ ૫૦૦, ૫૦૫(૧)(ગ) મુજબના ગુનામાં અરજદારની ૪૩૭ મુજબની જામીન અરજી.

સદર કામના તહોમતદાર સદર જામીન અરજી રજુ કરી આપ નામ. કોર્ટને નમ્રતાપૂર્વક અરજ કરે છે :-

(૧)  અમો તહોમતદાર મથાળે દર્શાવ્યા મુજબના સરનામા ઉપર છેલ્લા ૨૦ વર્ષથી રહેતા આવેલા છીએ અને ‘‘રખેવાળ’’ દૈનિક અખબાર નામનું દૈનિક પત્ર પ્રકાશિત કરી અમો તહોમતદાર તે અમારા કુટુંબનું ભરણપોષણ કરીએ છીએ.

(૨)  અમો તહોમતદાર વિરુદ્ધ હાલના ફરિયાદી રાજેશ હિંમતલાલ સોલંકી તેમનો ઘંઘો પત્રકાર તરીકેનો છે તેઓએ અમો તહોમતદાર વિરુદ્ધ અમદાવાદ મે.ચીફ મેટ્રો.મેજી. ની કોર્ટમાં ઈન્કવાયરી કેસ નં.૨૭/૦૯ તા.૧૭-૯-૨૦૦૯ના રોજ દાખલ કરેલ અને ઉપરોક્ત ફરિયાદમાં નામ. કોર્ટે તા.૧૭-૯-૨૦૦૯ ક્રી.પ્રો.કોડની કલમ ૧૫૬(૩) હેઠળ તપાસ માટે મોકલી આપવા શાહીબાગ પી.આઈ.ને હુકમ કરેલ. ત્યારબાદ શાહીબાગ પોલીસ સ્ટેશને સદરહુ ફરિયાદ તેમની હકુમતમાં ન આવતી હોઈ માધુપુરા પોલીસ સ્ટેશનને તા.૬-૧૧-૨૦૦૯ના હુકમથી તપાસ માટે મોકલી આપેલ. ત્યારબાદ તા.૪-૯-૨૦૧૦ના રોજ ફરિયાદીના એડવોકેટની એક અરજીના આધારે સદર ફરિયાદ એ.સી.પી. કારંજ ભવન, પાંચમા માળે તપાસ અર્થે તા.૪-૯-૨૦૧૦ ના રોજ મેટ્રો મેજિ.ને મોકલી આપેલ અને વધુમાં નામ. કોર્ટ એ.સી.પી. કારંજને ડાયરેક્શન (નિર્દેશન) આપેલ કે સદર ફરિયાદનો રીપોર્ટ ૬૦ દિવસની અંદર નામ. કોર્ટને સુપરત કરવો. તેવો આપ નામ. કોર્ટે હુકમ કરેલ. ત્યારબાદ એ.સી.પી. કારંજે આપ નામ. કોર્ટને રીપોર્ટ સુપરત કર્યો છે કે નહિ તે અમો તહોમતદારની જાણમાં નથી.

(૩)  અમો તહોમતદાર દ્વારા સદર ફરિયાદ રદ-બાતલ જાહેર કરવા અર્થે નામદાર ગુજરાત વડી અદાલત સમક્ષ ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૪૮૨ હેઠળ ક્રી.પ્રો. એપ્લીકેશન નં.૧૪૪૪૭/૦૧૦ દાખલ કરેલ અને ઉપરોક્ત અરજીમાં નામ. વડી અદાલતે તા.૧૦-૧૨-૨૦૧૦ના રોજ ઓરલ ઓર્ડર કરેલ તે ઓર્ડર સદર જામીન અરજી સાથે જુદા લીસ્ટથી રજુ કરીએ છીએ. નામ. વડી અદાલતના હુકમના પેરા-૨નું વિવરણ નીચે મુજબ છે :

     ‘‘2. After making some submissions, Shri Rathod, Learned advocate appearing on behalf of the applicant-original accused does not press the present application qua the prayer in terms of paragraph 9(a), however,  he has requested to make a suitable observation that  as and when the applicant appears before  the concerned police officer, he may be produced before the concerned  magistrate on the very day so as to enable the applicant to submit an appropriate application for bail and the same may be decided and disposed of by the learned Magistrate expeditiously Without any delay.’’
         ‘‘3. In view of the above, the present application is dismissed as withdrawn. However, it is Observed  And  directed that as and when the applicant  appears and surrenders before the concerned police  officer, he shall be produced  before the learned  magistrate on the very day at the earliest and as and when an application for bail is submitted by the applicant  the same ? may be considered and decided by the learned magistrate in accordance with law on its own merits at the earliest and preferably, if possible, on the same day, without any delay.’’
(૪)  સદરહુ ફરિયાદ તા.૧૯-૧૨-૨૦૦૮ના રોજ અંકના પાના નં.૪ ઉપર સદાચારીનો જ સંગ કરવો, દુરાચારીનો પડછાયો પણ ન લેવો’’ તે  શીર્ષક હેઠળ પ્રસિદ્ઘ થયેલ લખાણના આઘારે સદર હાલના કામની ફરિયાદ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ છે તે કાવ્યની વિગત નીચે મુજબ છે:

જુના જમાનામા માતા પિતાઓ બાળકને સત્સંગ મળે તે માટે તેમને સાધુ-સંતોના પ્રવચનો સાંભળવા માટે મોકલતા હતા. બાળકો ભણવા માટે તપોવનમાં જતા. જ્યાં સદાચારી ઋષિમુનિઓ તેમના ચારિત્રનું ઘડતર કરતા હતા. જે બાળકો તપોવનમાં ભણવા નહોતા જઈ શકતા તેઓ ગામની પાઠશાળામાં ભણતા. જ્યાં તેમને શિક્ષણની સાથે સદાચારના પાઠો પણ ભણાવવામાં આવતા હતાં. આજના બાળકો સ્કુલે જાય છે. ત્યાં ‘‘હલકાવર્ણ’’ના બાળકો સાથે સંસર્ગમાં આવે છે અને ખરાબ રીતભાતો શીખે છે. આજની સ્કુલોમાં ‘‘ખાનદાન કુળ’’ના નબીરાઓની સાથે ખરાબ સંસ્કાર ઘરાવતા બાળકો પણ ભણવા આવતા હોય છે. તેમનો રંગ ખાનદાન કુળના બાળકોને પણ લાગ્યા વિના રહેતો નથી. અગાઉની પાઠશાળાઓમાં શિક્ષક તરીકે માત્ર ‘‘બ્રાહ્મણ’’ની જ પસંદગી કરવામાં આવતી હતી હવે તો ‘‘પછાતવર્ગ’’ના લોકો પણ ‘‘અનામત’’ નો લાભ લઈને શિક્ષક બની જાય છે. આ ‘‘શિક્ષકો’’ બાળકોને સારા સંસ્કાર આપી શકતા નથી.’’

સદર કાવ્ય અમોને ડીસાના પત્રકાર અને લેખક સંજય વોરા દ્વારા અમોને પ્રકાશિત કરવા માટે આપેલ અને અમો તહોમતદારે સદર કાવ્ય રખેવાળ દૈનિક પત્રમાં તા.૧૯-૧૨-૨૦૦૮ના રોજ પ્રકાશિત કરેલ અને સદર કાવ્ય ‘‘સન્માર્ગ અનુસારી’’ નામની પુસ્તિકામાં પ્રસિદ્ઘ થયેલ છે અને સદર પુસ્તકની ઝેરોક્ષ નકલ જુદા લીસ્ટથી આપ નામ. કોર્ટ સમક્ષ રજુ કરીએ છીએ.

(૫)  તા.૧૯-૧૨-૨૦૦૮ના રોજ રખેવાળ દૈનિક સમાચારમાં પ્રસિદ્ઘ થયેલ લેખ સદાચારીનો સંગ કરવો દુરાચારીનો પડછાયો પણ ન લેવો’’ આજ લેખ ઉપર હાલની ફરિયાદ પહેલા એક એવા જ પ્રકારની બીજી ફરિયાદ ગોવિંદભાઈ ઘનજીભાઈ મકવાણા દ્વારા જે વકીલાતનો વ્યવસાય કરે છે અને પાલનપુર મુકામે એસ.જાદવ એસોસીએટ ધી લૉ ઓફિસ જેનું સરનામું ૧૯, ગીતાંજલિ કોમ્પલેક્સ, જિલ્લા પંચાયત સામે, મુકામ પાલનપુર દ્વારા મહે. ચીફ જ્યુ઼ડી. મેજિ. સાહેબની કોર્ટ મુકામે પાલનપુર ખાતે અમો હાલની અરજીના અરજદાર વિરુદ્ઘ ક્રી. કેસ નં.૬૮૦૫/૨૦૦૯નો દાખલ કરેલ અને હાલની ફરિયાદમાં લગાવેલ કલમો તથા તે જ કલમો ઉપરોક્ત એટલે કે ક્રી. કેસ નં.૬૮૦૫/૨૦૦૯ વાળી ફરિયાદમાં પણ લગાવેલ છે અને ફરિયાદ પણ અક્ષરસહ એક જ પ્રકારની એક મુદ્દા અને એક જ પ્રકાશિત થયેલ લેખ ઉપર બે જુદા જુદા જિલ્લાઓમાં ઉપસ્થિત કરેલ છે. સદર ક્રી. કેસ નં.૬૮૦૫/૨૦૦૯વાળી ફરિયાદવાળો નામ. ચીફ જ્યુડી. મેજી. પાલનપુરે ક્રી. પ્રો. કોડની કલમ ૨૦૩ અન્વયે કાઢી નાખવાનો હુકમ કરેલ છે. સદર ક્રી. કેસ નં.૬૮૦૫/૨૦૦૯ વાળી ફરિયાદ તેમજ સદર ફરિયાદમાં થયેલ હુકમ આપ નામ. કોર્ટ સમક્ષ જુદા લીસ્ટથી રજુ કરીએ છીએ.

(૬)  એસ. કે. જાદવ જે પોલીસ મિત્ર’’ નામના પખવાડીકના તંત્રી છે અને પોલીસ મિત્રનું કાર્યાલય ગીતાંજલિ કોમ્પલેક્ષ, જિલ્લા પંચાયત સામે, પાલનપુર-૩૮૦૫૦૧, બનાસકાંઠા ખાતે આવેલ છે. અમો અરજદારનું રખેવાળ’’ નામના દૈનિકનું કાર્યાલય ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. અમો અરજદારનું દૈનિક રખેવાળ પ્રજામાં લોકપ્રિય છે. તેનું વાંચન ગુજરાતના તમામ વર્ગો કરે છે. સદર પોલિસ મિત્ર નામનું પખવાડીક સમાચાર પત્રનો ફેલાવો કરવા જાણીબુઝીને  તથા ધંધાકીય હરીફાઈના કારણો એસ.જાદવ એસોસીએટના મેળાપીપણામાં સદર ફરિયાદના ફરિયાદીએ અમો અરજદાર વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરેલ છે. રખેવાળ દૈનિક પત્ર તંત્રી એટલે કે હાલના અરજદારને સમાજમાં તથા આર્થિક, સામાજીક રીતે નીચા પાડવા માટે એક પાયાવિહોણી જુદા જુદા જિલ્લાઓમાં એક જ મુદ્દા અને પ્રકાશિત થયેલ લેખ ઉપર જુદી જુદી ફરિયાદો રજુ કરી છે. જેનો આશય અમો અરજદાર તથા અરજદારના દૈનિક પત્રની નામના ખરાબ કરવાનો હેતુ અને ઈરાદો હાલના ફરિયાદીનો છે. તેનો પુરાવારૂપે પોલીસ મિત્ર દ્વારા તેમના રજુ થતા પખવાડીક અંકમાં તા.૧૫-૦૮-૨૦૦૯ ના રોજ ક્રી. કેસ નં.૬૮૦૫/૨૦૦૯વાળી ફરિયાદ અક્ષરસ: પ્રસિદ્ઘ કરેલી છે. વઘુમાં પોલીસ મિત્ર દ્વારા સદર દીવસે એટલે  કે તા.૩૦-૦૮-૨૦૦૯ ના રોજ રવિવારે ગુરૂનાનક ચોક, પાલનપુર ખાતે સદર ફરિયાદને ઉદ્દેશીને એક ચર્ચા સભા રાખેલી, તેનું જાહેર આમંત્રણ પ્રસિદ્ઘ થયેલ છે. ઉપરોક્ત ફરિયાદ તેમજ આમંત્રણપત્રિકા પોલીસ મિત્ર પખવાડિયાનો અંક તા.૧૫-૦૮-૨૦૦૯નો અંક આપ નામ. કોર્ટ સમક્ષ જુદા લીસ્ટથી રજુ કરીએ છીએ.

(૭)  અમો અરજદારને આજ રોજ તા.૨૧-૧૨-૨૦૧૦ના રોજ માઘુપુરા પોલીસ સ્ટેશન સમક્ષ હાજર કરેલ અને ત્યારબાદ આપ નામ. કોર્ટ સમક્ષ રજુ કરેલ છે તેથી સદર જામીન અરજી નીચેના કારણોસર રજુ કરવાની અમો તહેમતદારને ફરજ પડેલ છે. સદર જામીન અરજીના કારણો નીચે મુજબ છે:

કારણો

(એ) આ કામના તહોમતદારો તદ્દન નિર્દોષ છે. તહોમતદારે કહેવાતો કોઈ જ ગુન્હો કરેલ નથી કે કહેવાતા ગુન્હા સાથે સીઘો કે આડકતરો કોઈ જ સંબંઘ ઘરાવતા નથી.

(બી) અમો તહોમતદાર તદ્દન નિર્દોષ અને બેગુનાહ છે તેવુ માનવાને ચોક્કસ કારણ હોઈ આ કામના તહોમતદારને કહેવાતા ગુન્હાના કામે જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો ન્યાયનો હેતુ જળવાય તેમ છે અને ફરિયાદ પક્ષને કોઈ જ નુકસાન થાય તેમ નથી.

(સી) હાલના ફરિયાદી દ્વારા અમો તહોમતદાર વિરુદ્ઘ ખોટી પાયાવિહોણી, ઉપજાવી કાઢેલી, કાયદાનો દુરુપયોગ કરી ખોટી ફરિયાદ નોંઘાવેલ છે અને ઉપરોક્ત ફરિયાદ લગભગ ૧૦ માસના વિલંબ બાદ નોંઘાવેલ હોઈ ડિલેનો પણ બાધ નડે છે. જો હાલની ફરિયાદીનો ઉદ્દેશ ફક્ત અમો  તહોમતદારને માનસિક, આર્થિક, સામાજિક રીતે નીચા પાડવાનો છે અને અમો તહોમતદારના દૈનિક પત્ર રખેવાળની પ્રસિદ્ઘિને ઓછી કરી ખરાબ છાપ પાડવાનો ઉદ્દેશ હોઈ અમો તહોમતદારને સદર ફરિયાદમાં જામીન આપવા આપ નામ. કોર્ટને નમ્ર અરજ અને વિનંતી છે.

(ડી) આ કામના અમો તહોમતદાર ઉપર જણાવેલ સરનામે કુટુંબકબીલા સાથે સ્થાયી વસવાટ કરીએ છીએ અને દૈનિક પત્ર રખેવાળના તંત્રી, મુદ્રક, લેખક, પત્રકાર અને રખેવાળ દૈનિક અખબારના માલિક છીએ. અમો તહોમતદાર દ્વારા તા.૧૯-૧૨-૨૦૦૮ ના રોજ સદાચારીનો જ સંગ કરવો, દુરાચારીનો પડછાયો પણ ન લેવો’’ તેવા શીર્ષક હેઠળ પ્રસિદ્ઘ થયેલ લેખ બાદ ગુજરાતના અનુસુચિત જાતિના ફક્ત બે જ વ્યક્તિઓએ ફરિયાદ કરી છે. જ્યારે હાલમાં ગુજરાતમાંલગબગ દોઢ થી બે કરોડ અનુસુચિત જાતિના રહીશો વસવાટ કરી રહેલ છે અને તેઓ ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે. અમો તહોમતદારનો ઉદ્દેશ અને હેતુ ખોટો ન હતો. સદરહુ શીર્ષકવાળું કાવ્ય અમોને સંજય વોરા  નામના લેખક દ્વારા તેમની એક પુસ્તિકા સન્માર્ગ અનુસારી’’માં છપાયેલ કાવ્ય જ અમોએ પ્રસિદ્ઘ કરેલ છે. અમો તહોમતદારના સદર પ્રસિદ્ઘ થયેલ કાવ્યવાળું લખાણ અમો તહોમતદારે લખેલ નથી. અમો તહોમતદારના દૈનિક રખેવાળનો  અનુસુચિત જાતિનો  એક બહોળો વર્ગ ઘરાવીએ છીએ. તેઓ દ્વારા અમો તહોમતદાર વિરુદ્ઘ અથવા દૈનિક પત્ર રખેવાળ વિરુદ્ઘ ભૂતકાળમાં ક્યારેય કોઈ પણ જાતની ફરિયાદ કે અરજી કરેલ નથી. સદર ફરિયાદ કરનાર વ્યક્તિ એક પત્રકાર છે અને તેમનો હેતુ અને ઉદ્દેશ અમો તહોમતદારને બદનામ કરવાનો હોઈ અમો તહોમતદારોને જામીન આપવા મહે. કરશો.
(ઈ) અમો તહોમતદાર વિરુદ્ઘ તા.૧૯-૧૨-૨૦૦૮ના રોજ પ્રસિદ્ઘ થયેલ અંક સદાચારીનો જ સંગ કરવો, દુરાચારીનો પડછાયો પણ ન લેવો’’ના શીર્ષક વિરુદ્ઘ ક્રી. કેસ નં.૬૮૦૫/૨૦૦૯ પાલપુર મુકામે ચીફ.જ્યુડી.મેજી.સમક્ષ ગોવિંદભાઈ ઘનજીભાઈ મકવાણા દ્વારા ફરિયાદ રજુ કરેલ અને સદર ફરિયાદ નામદાર ચીફ. જ્યુડી. મેજી. સાહેબે સાંભળી અને તા.૧૧-૮-૨૦૦૯ના રોજ સી.આર.પી.સી.ની કલમ ૨૦૩ અન્વયે રદ કરેલી અને ત્યારબાદ સદરહુ પ્રસિદ્ઘ થયેલ અંકે સદાચારી નો જ સંગ કરવો, દુરાચારીનો પડછાયો પણ ન લેવો’’તે જ શીર્ષક હેઠળ હાલના ફરિયાદીએ અમો તહોમતદાર વિરુદ્ઘ અમદાવાદના ચીફ મેટ્રોપોલિટન મેજી.સાહેબ સમક્ષ ઈન્કવાયરી કેસ નં.૨૭/૨૦૦૯ દાખલ કરેલ છે. તેથી જ એક જ શીર્ષક હેઠળ અમો વિરુદ્ધ જુદા જુદા જિલ્લાઓમાં જુદી જુદી બે ફરિયાદો દાખલ થયેલ છે. તેથી પણ ન્યાયના હિતમાં અમો તહોમતદારને જામીન આપવા જોઈએ અને પ્રથમ કરેલી ફરિયાદ જ્યારે રદ કરી હોય ત્યારે બીજી ફરિયાદ કરનાર ફરિયાદીએ નામ. કોર્ટને સાચી હકીકત જણાવવી જોઈએ. તેથી પણ અમો તહોમતદારને જામીન ઉપર મુક્ત કરવા મહે. કરશો.

(એફ)     અમો તહોમતદારને કહેવાતા ગુન્હાના કામે જેલમાં મોકલવામાં આવે તો તહોમતદારના કુટુંબના કુટુંબીજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. સદર અરજીના તહોમતદાર ડીસા ખાતે રખેવાળ દૈનિક તંત્રના માલિક હોઈ સમાજમાં ઉચ્ચ અને મોભાદાર દરજ્જો ઘરાવતા હોઈ સદર ફરિયાદમાં લખાવેલ કોઈ જ ગુનો આચરેલ ન હોઈ તે છતા અમો તહોમતદારનું નામ ખોટી રીતે ફરિયાદમાં લખાવેલ હોઈ તેવા સંજોગોમાં પણ તહોમતદારને કહેવાતા ગુન્હાના કામે જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો ન્યાયનો હેતુ જળવાઈ રહે તેમ છે.

(જી) અમો તહોમતદાર વિરુદ્ઘ કહેવાતા ગુન્હા સિવાય આજ અગાઉ આ કામના તહોમતદાર અન્ય કોઈ ગુન્હામાં સંડોવાયેલા નથી કે તેમની સામે કોઈ જ ગુન્હો કોઈપણ સ્થળે નોંઘાયેલા નથી. આમ તહોમતદાર કોઈપણ પ્રકારનું ગુન્હાહિત માનસ ઘરાવતા નથી. તેઓ ખૂબ જ શાંતિપ્રિય નાગરિક  છે, અને સમાજમાં, કુટુંબમાં અને મિત્ર વર્તુળમાં ખૂબ જ સારી પ્રતિષ્ઠા, માન મોભો અને મરતબો ઘરાવે છે. આ સંજોગોમાં જો તેઓને કહેવાતા ગુન્હાના કામે જેલમાં મોકલવામાં આવે તો તહોમતદારની ઈજ્જત આબરૂને  ખૂબ જ મોટો ઘક્કો લાગે છે, જેનું વળતર પૈસાથી પણ વળી શકે તેમ નથી. તેવા સંજોગોમાં પણ આ કામના  તહોમતદારને કહેવાતા ગુન્હાના કામે જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો ન્યાયનો હેતુ જળવાય તેમ છે.

(એચ)    ક્રી.પ્રો. કોડની કલમ-૪૩૭ મુજબ જામીન અરજી, નાગરિક હક્ક સંરક્ષણ અઘિનિયમ – ૧૯૫૫ ની કલમ-૭//સી અનુસૂચિત જાતિ, જનજાતિ ( અત્યાચાર અટકાવ) અઘિનિયમ ૧૯૮૯ની કલમ-૩(૧)(૯), ૩(૧)(૧૦) તેમજ આઈ.પી.સી. કોડની કલમ-૧૫૩એ, કલમ-૫૦૦, ૫૦૫(૧)(ગ) મુજબ ઈન્કવાયરી કેસ નં.૨૭/૨૦૦૯ તથા ક્રી.કેસ નં-૧૯/૨૦૦૯ માં નામ. મેટ્રો પોલિટન મેજી.કોર્ટ નં. ૨ દ્વારા એ.સી.પી.કારંજને તા.૪-૯-૨૦૧૦ ના રોજ તપાસ અર્થે મોકલી આપેલ અને તેનો રીપોર્ટ દિન-૬૦માં નામ. કોર્ટ સમક્ષ રજુ કરવા જણાવેલ. સદર નામ. કોર્ટના ડાયરેક્શન મુજબ પોલીસ અઘિકારી વર્તેલ નથી અને તા.૧૯-૧૨-૨૦૦૮ ના રોજ પ્રસિદ્ઘ થયેલ અંક વિરુદ્ઘ રજુ થયેલ તા.૧૭-૯-૨૦૦૯ ની ફરિયાદ હજી સુઘી તપાસ અર્થે એક પોલીસ સ્ટેશનમાંથી બીજા પોલીસ સ્ટેશનમાં  ફરતી રહેલ છે. યોગ્ય તપાસ થયેલ નથી. તેથી પણ અમોને જામીન ઉપર ક્રી. કોડની કલમ-૪૩૭ મુજબ મુક્ત કરવા વિનંતી છે અને ફરિયાદની અંદર લગાડેલ ઈ.પી.કો.કલમની ટ્રાયલ ચલાવવાની  સત્તા આપ સાહેબની સ્પેશીયલ કોર્ટને છે તથા આપ સાહેબ ઉપરોક્ત કલમને આઘારે જામીન મંજુર કરી શકવાની સત્તા ઘરાવો છો. તેથી હાલના તહોમતદારને જામીન ઉપર મુક્ત કરવા વિનંતી છે.

(જી)       આ કામના તહોમતદારો વિરુદ્ઘ હાલના ફરિયાદીએ ખોટી, ઉપજાવી કાઢેલી, કાયદાનો મીસયુઝ કરી પાયાવિહોણી ફરિયાદ નોંઘાવેલ હોઈ, તપાસ કરનાર અમલદારોએ પુરતી તપાસ વગર ફરિયાદ નોંધી હોઈ અમો તહોમતદારો વિરુદ્ઘ કુદરતી ન્યાયના સિદ્ઘાંતોને અનુસર્યા વિરુદ્ઘ ફરિયાદની નોંઘણી કરાયેલ હોઈ અમો તહોમતદારોને જામીન ઉપર મુક્ત કરવા વિનંતી છે.

(એચ)    મજકુર કામનો ગુન્હો મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટશ્રીના અઘિકાર ક્ષેત્રનો ગુન્હો છે અને તે અંગેની કામગીરી કરવાની, સાંભળવાની અને કેસ ચલાવવાની સત્તા આપ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ સાહેબની સ્પેશીયલ કોર્ટને હોઈ તેથી પણ તહોમતદારને જામીન ઉપર મુક્ત  કરવા અમારી નમ્ર રજુઆત છે.

(આઈ)    આ કામના તહોમતદારોને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવે તો તહોમતદાર નામદાર કોર્ટ ફરમાવે તેવા અને તેટલી રકમના જામીન આપવા તૈયાર અને ખુશી છે તેમજ નામદાર કોર્ટ ફરમાવશે તેવી તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરશે.

(જે) આ કામના તહોમતદાર તેમના ઉપર જણાવેલ સરનામે કાયમી સ્થાયી વસવાટ કરે છે અને નાસીભાગી જાય તેવા નથી તેથી તહોમતદારને જામીન ઉપર મુક્ત કરવામાં આવશે તો તે દરેક મુદતે નિયમિત કોર્ટમાં હાજર રહેશે અને સાક્ષી-પુરાવા સાથે ચેડી કરે તેવા નથી. તેથી પણ અમો તહોમતદારોને જામીન ઉપર મુક્ત કરવા મહો. કરશોજી.

(૧૧) આ કામના તહોમતદારો તરફે આ પ્રથમ જામીન અરજી કરેલ છે. આજ અગાઉ કોઈ જામીન અરજી કરેલ નથી કે કોઈપણ કોર્ટમાં પેન્ડીંગ નથી.

(૧૨) આ સાથે તહોમતદારોની સહીવાળુ વકીલપત્ર, સામાવાળાને આપવાની નકલ તથા ફરિયાદની નકલ જુદા લીસ્ટથી રજુ છે.

(૧૩) ઉપરોક્ત તમામ કારણો સબબ આપ નામદાર કોર્ટને અરજ કરવાની કે :

     (એ) ક્રી.પ્રો.કોડની કલમ-૪૩૭ મુજબ જામીન અરજી, નાગરિક હક્ક સંરક્ષણ અઘિનિયમ  ૧૯૫૫ની કલમ ૭//સી અનુસૂચિત જાતિ, જનજાતિ(અત્યાચાર અટકાવ) અઘિનિયમ ૧૯૮૯ની કલમ ૩(૧)(૯), ૩(૧)(૧૦) તેમજ આઈ.પી.સી.કોડની કલમ-૧૫૩(એ), કલમ-           ૫૦૦ અને કલમ-૫૦૫(૧)(ગ) મુજબ ઈન્કવાયરી કેસ નં.૨૭/૨૦૦૯ તથા ક્રી કેસ  નં.૧૯/૨૦૦૯ના કામે અમો તહોમતદાર તરફે ક્રી.પ્રો.કોડની કલમ-૪૩૭ મુજબ ન્યાયના વિશાળ હિતમાં યોગ્ય રકમના જામીન ઉપર મુક્ત કરવા મહે.કરશો.

(બી) આ સિવાય નામદાર કોર્ટને બીજો ન્યાયી અને યોગ્ય લાગે તેવો હુકમ કરવા મહે.કરશોજી.


અમદાવાદ
તા.૨૧-૧૨-૨૦૧૦                                
                                                    દશરથ એન.પટેલ, એડવોકેટ
                                    ગીરીશ આદીવાલા,એડવોકેટ
  
માઘુપુરા પોલીસ સ્ટેશન એમ.કેસ નં.૫/૨૦૦૯ ના કામે આરોપી તરૂણ કુમાર અમૃતલાલ શેઠની જામીન અરજી નીચે હુકમ.

અરજદાર/આરોપીની  જામીન અરજી વંચાણે લીઘી, આરોપીના વિ.વકીલશ્રીને સાંભલ્યા, સદર કામે એફ.આઈ.આર વંચાણે લીઘી, તેમજ ફરીયાદ પક્ષે વિ.એ.પી.પી શ્રી ને સાંભળ્યા તથા જામીન અરજીમાં કરેલ શેરો વંચાણે લીઘો. આ કામે ફરીયાદીના વકીલશ્રીએ જામીન અરજી સામે વાંઘા રજુ કરેલ છે જે પણ વંચાણે લીધા.

આરોપીના વકીલશ્રી તેમની દલીલમાં જણાવે છે કે, આ કામે ફરીયાદીએ સદરહુ કામે ખોટી ફરીયાદ કરેલ છે, આ કામના આરોપી કુટુંબ પરીવાર સાથે રહે છે, તેમજ સ્થાનિક રહેવાસી છે, આ કામના આરોપીને જામીન ઉપર છોડવામાં ન આવે તો તેમના કુટુંબીજનોને ભરણપોષણ કરવું મુશ્કેલ થઈ જાય તેમ છે. તેમજ નામદાર કોર્ટમાં દર મુદતે હાજર રહેશેતેની ખાતરી આપે છે. તેમજ આ કામે ફરીયાદ લગભગ દશ માસના વિલંબ બાદ નોંઘાવેલ છે. તેઓ દૈનિક પત્ર રખેવાળના તંત્રી, મુદ્રક, લેખક પત્રકાર અને રખેવાળ દૈનિક અખબારના માલિક છે. આ ઉપરાંત નામદાર કોર્ટ ફરમાવે તે શરતોનું પાલન કરવા તૈયાર છે. તેમજ અત્રેની કોર્ટને  આરોપીને જામીન ઉપર છોડવાની સત્તા છે. તેથી આરોપીને જામીન પર છોડવા જોઈએ.

વિ.એ.પી.પી.શ્રી તેમની દલીલમાં જણાવે છે કે, ફરીયાદની હકીકત વંચાણે લેતાં આ કામના આરોપી સામે ઈ.પી.કોડની કલમ ૧૫૩(એ), ૫૦૦, ૫૦૫(૧)(૩) તથા નાગરીક હક્ક સંરક્ષણ અઘિનિયમ ૧૯૫૫ની કલમ-૭(૧)(સી) તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિ અઘિનિયમ ની કલમ ૩(૧)(૯), ૩(૧)(૧૦) મુજબના ગંભીર પ્રકારના ગુન્હાનો આક્ષેપ છે, તેમજ કાયદાના પ્રસ્થાપિત સિઘ્ઘાંત મુજબ આરોપી સામે પ્રથમદર્શનીય કેસ હોય તો તેઓને જામીન ઉપર  છોડવા ન જોઈએ, આ કામના આરોપી ટ્રાયલ ચાલે ત્યારે હાજર રહે તેવી શક્યતા જણાતી નથી તેથી જામીન ઉપર ન છોડવા જોઈએ.

આમ, સમગ્ર કેસની હકીકતો, સંજોગો ઘ્યાને લેતાં આરોપી સામે ઈ.પી.કોડની કલમ ૧૫૩(એ), ૫૦૦,૫૦૫(૧)(૩) તથા નાગરીક હક્ક સંરક્ષણ અઘિનિયમ ૧૯૫૫ની કલમ ૭(૧)(સી) તથા અનુ.જાતિ અનુ.જનજાતિ અઘિનિયમની કલમ ૩(૧)(૯), ૩(૧)(૧૦) મુજબની ગુન્હાની સજાની જોગવાઈ તથા ગંભીરતા ઘ્યાને લીઘી, તેમજ આ કામના એ.પી.પી.શ્રીની દલીલો ઘ્યાને લીઘી. આ કામના આરોપીને  જામીન ઉપર ન છોડવા તે યોગ્ય અને વ્યાજબી જણાતું નથી, તેમજ સદર કામે અત્રેની કોર્ટને જામીમ ઉપર મુક્ત કરવાની સત્તા છે. સદર કામની ટ્રાયલ ચાલે તે વખતે તેઓ હાજર રહેશે તેમ જણાય છે તથા તેઓએ નામદાર કોર્ટ જેટલી રકમના જમીન નો હુકમ કરે તે રીતે જામીન આપવા તૈયારી બતાવેલ છે તેમજ નામદાર કોર્ટ ફરમાવે તે શરતોનું પાલન કરવા બાંહેઘરી આપેલ છે. તેમજ તેમનો આ પ્રથમ ગુનો છે તેથી સદર કેસની હકીકત, સંજોગો તથા ગુનાની ગંભીરતા, ગુનાનું સ્વરૂપ ઘ્યાને લેતા આ કામના આરોપીને શરતોને આઘીન જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો તેઓની સ્વતંત્રતા ઉપર કાપ આવે તેમ છે તેમજ કુટુંબને તકલીફ પડે તેમ છે. વળી ટ્રાયલ ચાલતાં પહેલાં જ આરોપીને સજા થઈ ગઈ હોય તેમ ગણાય, આ તમામ હકીકતો, સંજોગો ઘ્યાને લેતાં ન્યાયના હિતમાં નીચે મુજબનો હુકમ ફરમાવું છું.

    હુકમ :-
     આરોપીને તેની સામેના ગુના માટે રૂ. ૧૦,૦૦૦/-(અંકે રૂપિયા દશ હજાર પુરા)ના જાત જામીન તથા તેટલીજ રકમના સદ્ઘ્રર જામીન આપ્યેથી નીચેની શરતોએ જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવું છું.
શરતો:  
 ૧. આ કામના તપાસ કરનાર અમલદારને તપાસના કામે સાથ સહકાર આપવાનો.
     ૨. ફરીયાદપક્ષના સાહેદોને ઘાક-ઘમકી કે લાલચ આપવી નહી.
     ૩. આ કામના આરોપીએ ફરીથી આ પ્રકારનું કૃત્ય કરવું નહી.
     ૪. આરોપીને નામદાર કોર્ટની પૂર્વ પરવાનગી વિના ભારત દેશની હદ છોડવી નહિં.
     ૫. આરોપીએ પોતાનો પાસપોર્ટ નામદાર કોર્ટમાં જમા કરાવવો અગર ન ઘરાવતા હોય તો તે મતલબનું સોગંદનામું રજુ કરવું.
૬. આરોપીએ પોતાનું સ્થાયી/સ્થાનિક સરનામું પુરસીસથી જાહેર કરવું.

     હુકમથી આજ તારીખ ૨૨ માહે ડિસેમ્બર સને ૨૦૧૦ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો.


તા.૨૨/૧૨/૨૦૧૦
અમદાવાદ.                                            (સી.બી.પટેલ)
ઈ.ચા.મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ,
કોર્ટ નં.૨, અમદાવાદ.