કુલ પૃષ્ઠ અવલોકનો

રવિવાર, 22 એપ્રિલ, 2012

અમારે તો નરેન્દ્રભાઈ બે એકર જમીન જ જોઇએ



નરેન્દ્ર મોદીના પુસ્તક 'સામાજિક સમરસતા'નું પ્રથમ પ્રકરણ છે, 'ડૉ. બાબાસાહેબ આંબેડકર: ક્રાન્તિકારી સમાજસુધારક'. મોદી તેમાં ગુજરાતના વીર મેઘમાયા અંગે લખે છે. વીર મેઘમાયા બારમી સદીમાં થયા હતા. રાજા સિદ્ધરાજ સોલંકીના સમયમાં ગુજરાતમાં ભયાનક દુકાળ પડ્યો હતો. પાટણનું પ્રખ્યાત સહસ્ત્રલિંગ તળાવ સુકાઈ ગયું હતું. બ્રાહ્મણોએ રાજાને કહ્યું, "સરોવરમાં પાણી આવશે, જ્યારે તેમાં કોઈ માણસનો બલી ચડાવવામાં આવશે." સ્વભાવિક છે કે બલી તો દલિતનો જ ચડાવાય. રાજાના માણસો યુવાન મેઘમાયાને પકડીને લઈ ગયા. હજારો વર્ષોથી દલિતો આ દેશમાં બલિદાનની વેદી પર ચડતા રહે છે. મેઘમાયાએ પણ મરવાનું જ હતું. પરંતુ, હવે વાર્તામાં ટ્વીસ્ટ આવે છે.

વધસ્તંભ પર બાંધેલા મેઘમાયા રાજા પાસે માંગે છે, "હું માંગુ તે બધી ચીજો મારા લોકોને આપ." ગુજરાતના દલિતો આ વાર્તા સાંભળે છે ત્યારે તેમને રડવું આવે છે. આ લખું છું ત્યારે પણ મારા રૂંવાડા ઉભા થઈ જાય છે અને આંખોમાં પાણી ભરાઈ આવે છે. પરંતુ, હું લાગણીશીલ (એટલે કે મુરખ) નહીં બનું. દલિતોના નામે, વીર મેઘમાયાના નામે, બાબાસાહેબના નામે નરેન્દ્ર મોદી ગુજરાતમાં કેવો ઇમોશનલ હીસ્ટીરીયા પેદા કરીને દલિતો પર ઇમોશનલ અત્યાચાર કરે છે તે જાણવું જરૂરી છે.

મોદી લખે છે,
"બાબાસાહેબ આંબેડકર પહેલાં પણ દલિત સમાજે અનેક સમાજ સુધારકો આપ્યા છે. આ શૃંખલામાં સામાજિક ક્રાન્તિના પ્રેરણાપુરુષ વીર મેઘમાયાનું નામ જાણીતું છે. મેઘમાયાએ સમાજમાં પ્રકાશ પહોંચાડવાનું  અને લોકોની ચેતના જગાડવાનું કાર્ય કરેલું. વીર મેઘમાયાનું વ્યક્તિત્વ એવું હતું કે જેનાથી આખી રાજ્યવ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. માત્ર દલિત સમાજ શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા હતા એવું નહોતું. એમણે એ જમાનાની, એ યુગની રાજ્યવ્યવસ્થા પર પ્રભાવ પેદા કર્યો હતો. વીર મેઘમાયાએ સમાજ તરસ્યો ના રહે એ માટે પોતાના પ્રાણોની આહૂતિ આપી હતી. એ બત્રીસલક્ષણા મહાપુરુષે સમાજ-નવચેતના જગાડી હતી. આપણી સમાજવ્યવસ્થામાં પેદા થયેલા અસ્પૃશ્યતાના કલંકની એ વખતે કેટલી તીવ્રતા હશે, એ મેઘમાયાની દીર્ઘદ્રષ્ટિ પરથી જાણી શકાય છે. એમણે રાજસત્તા પાસે માગણી કરી તો કઈ કઈ કરી? એમણે કહ્યું કે અમને તુલસી અને પીપળાની પૂજા કરવા માટેનો અવસર મળે. બારોટ, વહીવંચા, ગરોડાની વ્યવસ્થા અમને મળે. વીર મેઘમાયાની આ નાનકડી વાતમાં એક લાંબા યુગની દિશા હતી, દર્શન હતું. નહીં તો કોને આવો વિચાર આવે? આપણને તો એવો વિચાર આવે કે બે એકર જમીન આપો જેનાથી છોકરા સુખી થશે. વીર મેઘમાયાએ એવા ભૌતિક સુખ કે વ્યક્તિગત માગણી નહોતી કરી. સમગ્ર સમાજના સુખની કલ્પના કરી હતી. આ સમાજમાં કેવા નરરત્નો છે એનો આ નમૂનો છે. આ સંપૂર્ણ હિન્દુ સમાજને સમરસ કરવાની એમની કામના હતી. જે વિચાર ડૉ. બાબાસાહેબ આંબેડકરને ઓગણીસમી સદીમાં આવ્યો હતો એ જ વિચાર વીર મેઘમાયાને એક હજાર વર્ષ પહેલાં આવેલો કે મારો સમાજ આ સાંસ્કૃતિક પ્રવાહથી દૂર ન જતો રહે."

214 પાનાના પુસ્તકનું આ એક પાનું માત્ર છે. મોદીસાહેબના સમગ્ર બકવાસનો એક મધ્યવર્તી સૂર છે: હિન્દુ સમરસતા. તમારે દલિતોએ આ સમરસતા માટે ખપી જવાનું છે, પરંતુ બે એકર જમીન માગવાની નથી. કેમ કે, તમારા જેવા ગધેડાઓને આવી જમીન હું વહેંચતો ફરીશ તો, ટાટા, અંબાણી, એસ્સાર, ફોર્ડ, મારુતી જેવા બડા બડા લોકોને જમીન હું ક્યાંથી લાવીને આપીશ? તમારા જેવા ભૂખડીબારસોને જમીન મળી જશે તો હું ગરીબ મેળામાં કોને પૈસા વહેંચીશ? મંદિરોની આસપાસ ભિખારીઓ અમને નહીં મળે તો, અમારો ધર્મ નષ્ટ થઈ જશે. અને ઉદારીકરણ, વૈશ્વિકરણ માટે સસ્તા મજુરો અમને ક્યાંથી મળશે?

અફસોસની વાત છે કે ગુજરાતના દલિતોમાં પેદા થયેલો સરકારી નોકરોનો એલિટ, સુવિધાપરસ્ત વર્ગ આ વાત સમજવા તૈયાર નથી. એમને ભાષણો કરવા છે, ભાષણો પર તાલીઓ પાડવી છે, ગામડાઓમાં ખેતી જમીન ટોચ મર્યાદાની જમીન માટે લડવું નથી. બ્રાહ્મણવાદને ગાળો બોલવી સહેલી છે, જમીન સંઘર્ષ કરવો દોહ્યલો છે. આજે બાબાસાહેબને પ્રણામ કરતી વખતે આટલું યાદ રાખીએ તો કેટલું સારું...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો