કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 24 એપ્રિલ, 2013

ગુજરાતના દલિત મહિલા સરપંચ જેલમાં



પરમ દિવસે લાખવડના સરપંચ કમળાબહેનની ખબર કાઢવા મહેસાણા સિવિલિ હોસ્પિટલમાં સિદ્ધપુરના વડીલ સાથી અને એડવોકેટ રમેશભાઈ મકવાણાની સાથે ગયો. કમળાબહેન મને જોઇને તુરંત ઓળખી કાઢ્યો. એમના ચહેરા પર ફીક્કુ સ્મિત પ્રગટ્યું. એમની આંખોમાં ઊંડી વેદના હતી. કાનની બુટ્ટીઓ જેલમાં કાઢી નાંખી હતી, એમના ઘઉંવર્ણા ચહેરામાં બુટ્ટીનો એ સફેદ ભાગ સ્પષ્ટપણે જુદો વર્તાતો હતો. કોઇપણ જાતના કારણ વિના સાત સાત દિવસથી જેલમાં પડતી માનિસિક યંત્રણાએ સુકલકડી કમળાબહેનને વધુ દુબળા બનાવી દીધા હતા.

હોસ્પિટલના સ્પેશીયલ રૂમમાં કમલાબહેન સાથે લાખવડના રમીલાબહેન પટેલ પણ છે. રમીલાબહેનને પણ તેમના પતિ ભરતભાઈ વિઠ્ઠલભાઈ પટેલની સાથે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. સામે બાંકડા પર ચશ્માવાળી મહિલા કોન્સ્ટેબલ બેઠી હતી. મેં સાથી રમેશ મકવાણાની ઓળખાણ આપી. રમેશભાઈએ પોલીસવાળીને પૂછ્યું કે અમે બહેનની સાથે વાત કરીએ તો તમને કોઈ વાંધો નથીને? એટલે પોલીસવાળીએ કમળાબહેનની સામે જોઇને કહ્યું કે "તમે જેલમાં જ કહેવાવ." (એટલે કે કોઈની સાથે વાત કરી શકો નહીં.) રમેશભાઈએ કમળાબહેનને કહ્યું કે, "હું તમારો એડવોકેટ છું. તમારે મને જે કહેવું હોય તે કહી શકો છો. તમારે કોઇનાથી ડરવાની જરૂર નથી. અને પોલીસ પણ મને તમારી સાથે વાત કરતા રોકી શકે નહીં" રમેશભાઈની વાત સાંભળીને પોલીસવાળીને દેશના કાયદાનું ભાન થયું અને ચુપચાપ અમારી વાતો સાંભળતી રહી.
 
કમળાબહેને તેમની વાત શરૂ કરી પરંતુ રમીલાબહેન વચ્ચે જ બોલી ઉઠ્યા, "એ રાક્ષસ (ભાજપનો ભૂતપૂર્વ સરપંચ પ્રહલાદ પટેલ) છે. એને છોડશો નહીં. મારા પતિને હાથકડી પહેરાવીને લઈ ગયા હમણાં અહીંથી," રમીલાબહેન અત્યંત ગુસ્સામાં હતા. માત્ર રમીલાબહેન જ નહીં, આખુ લાખવડ ગામ પ્રહલાદ પટેલની ગેંગના કારનામાઓથી ત્રાસેલું છે. પ્રહલાદ પટેલ મોદીના બે પ્રધાનો નીતીન પટેલ અને આર. એમ. પટેલની જાતિનો તો છે જ, એમનો ખાસ માણસ પણ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અને તેણે જ ખોટી એફઆઈઆર ઉભી કરાવીને પાંચ જણાને જેલમાં પુરાવી દીધા છે.  

પોલીસે ડીફોલ્ટરના પત્ની, તેના પુત્ર અને જામીનદારને જામીન થવાનું સમજાવનાર પટેલ દંપતિને પણ આઈપીસીની કલમ 406, 506 (2) અને 114 હેઠળ સાત સાત દિવસ સુધી જેલમાં ઠુંસી દીધા અને મેજિસ્ટ્રેટે પણ જામીન અરજી પાછી ઠેલી છે. આજે મહેસાણા સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો