કુલ પૃષ્ઠ અવલોકનો

શનિવાર, 20 એપ્રિલ, 2013

ચ્યમ્ લ્યા આટલું ફાટ્ટી જ્યુસ મારા હોમું હેંડતા હાળા


શંકર પેન્ટરની કઠોર કવિતાની દર્દનાક સંવેદનાઓ કે સત્યાર્થો રાજના સીમાડા વટાવી અન્ય દલિત સાક્ષરો સાથે વૈચારિક તાલમેલ સાંધી શકે છે. શંકર પેન્ટરે ચાળીસ વર્ષ અગાઉ સંવેદના ગ્રસ્ત ગાયકીમા ગાયું કે

"ચ્યમ્‌ લ્યા આટલું ફાટ્ટી જયું સ / પોલીસ પટેલ સરપંચ મારો / તલાટીને મંતરી મારો / ગોંમનો આખો ચોરો મારો / તાલુકાનો ફોજદાર મારો."

અને એ ટેલીપેથીએ હિંદી કવિ મલખાનસિંહની કવિતા જોઈએ.
"કી ગાંવ કા સરપંચ / ઈલાકે કા દરોગા / મેરા મૌસેરા ભાઈ હૈ /    કિ દિવાને આમ ઔર /  ખાસ કા હર રાસ્તા / મેરી ચૌરાહા સે હી ગુજરતા હૈ."

આ તેજાબી કલમો સરહદોને આંબીને પણ કેટલી સાથે સાથે દોડે છે! ગુજરાતી લિપિમાં લખતા શંકર સિમાડાઓ વિંધીને વંચિતોના રાષ્ટ્રીય લોકદુલારે કવિ થઈ દેશના દલિત કવિઓના હૃદયમાં શબ્દરૂપે વિરાજે છે. દલિત આંદોલનો ના એ ગાળાએ શંકર પેન્ટરની પ્હાડી હલકદાર કંઠની બળકટ બુલંદીથી  આકાશ તાંસળું પણ છલકાઈ ઉઠતું ! લોકશૈલીમાં શંકર ગર્જે ત્યારે આકાશે જાણે હાથીડો ના ગજર્યો હોય ! 

શંકર કયારેક ધમધમતી મીલોના ઝાંપે લોક ટોળામાં ગ્હેંકે તો કયારેક ચાલીઓની અર્ધખુલ્લી બદબુ મારતી ગટરના ઢાંકણે એક પગે ઊભા રહી બુલંદીએ બાળઅબાલના જીવતરની વાતો કરે ! ચાના ચપણિયા તોડી ઈતિહાસ મરોડવાનું અદ્‌ભૂત એલાન આપે. કયારેક ઝૂંપડપટ્ટીઓના ખૂણેખાંચરે ખાટલે બેસી દલિત ચેતનાનું રણશીંગુ ફૂંકે તો કયારેક લાલદરવાજા સર્કલ પર સહુ મિત્રો મળી બ્રાહ્મણવાદનો મૃત્યઘંટ વગાડે ! કયારેક ઉત્કર્ષ મંડળના કર્મચારીઓની જીલ્લા તાલુકા મથકે યોજાતી અવિસ્મરણીય દમન રેલીઓમાં દલિત કવિતાના કરંટ આંચકાઓ આપે !

અમદાવાદની રોસ્ટર અનામત બચાવ રેલીઓમાં અગ્ર હરોળે સાથીદારો સર્વશ્રી રાજુ સોલંકી, જયંતિ બારોટ, સ્વ. ભરત બોક્સર, સ્વ.અશ્વિન દેસાઈ, સાહિલ, કદર્મ કે જયંતિ ચૌહાણના હલ્લાબોલ સાથે સિંહ ગર્જનાઓ કરે, ગાંધીનગર કે અમદાવાદની રેલીઓમાં પોલીસ બર્બરક જંગાલીયત ભર્યા લાઠી દમનો વેળા દલિતવીરોના નાળિયેરની જેમ માથાની તુંબલીઓ તૂટતી હોય ત્યારે પણ શંકર પેન્ટરના પ્હાડી કંઠમાંથી ફૂટતી કાવ્યધારા કે શૌર્યવંત દલિત લોકભોગ્ય ગીતો સાંભળવા લોકમેદની હટવાનું નામ જ નહોતી લેતી તેનું સમગ્ર દલિત આંદોલન સાક્ષી છે.

ડો. નિતીન ગુર્જર (ભીમકથા અમૃતમની પ્રસ્તાવનાના કેટલાક અંશો)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો