કુલ પૃષ્ઠ અવલોકનો

રવિવાર, 30 ડિસેમ્બર, 2012

ત્યારે શું થાય છે?


ગામડામાં, ખેતરોમાં, ખાણોમાં, ફેક્ટરીઓમાં, મીલોમાં જ્યારે કોઈ ગરીબ, દલિત, આદિવાસી સ્ત્રી પર બળાત્કાર થાય છે ત્યારે તમારા કેમેરા પર કેમ ધૂળ ચોંટી જાય છે? તમારી મીણબત્તીઓ કેમ બુઝાય જાય છે? તમારી આંખમાંથી આંસુ કેમ નીકળતા નથી? તમારી સંવેદનાને કેમ લકવો લાગી જાય છે?

શુક્રવાર, 28 ડિસેમ્બર, 2012

સૌરાષ્ટ્રની ધીંગી ધરાનો ધગધગતો સૂરજ - પ્રો. કાતિરા


અમરેલીમાં કોટડીના જમીન આંદોલન ટાણે પ્રો. કાતિરાનો પરિચય થયેલો. બેઠી દડીનો વામન, પણ વ્યક્તિત્વ એનું વિરાટ. કોડીનારમાં ભાજપના ગુંડા સાંસદ દિનુ બોઘા જેવાને સ્ટેજ પર ચડવા ના દે તેવો, સાચો કર્મશીલ. સૌરાષ્ટ્રની ધીંગી ધરાનો, દલિત અસ્મિતાનો ધગધગતો સૂરજ એટલે બાબુ કાતિરા. અહીં અમદાવાદ જેવા મહાનગરોમાં કોંગ્રેસ-ભાજપની કચેરીઓ આગળ પૂંછડી પટપટાવતા ચમચાઓને કાતિરાની પહેચાન ના હોય. પરંતુ, કોડીનારના અંતરિયાળ ગામડાઓમાં આજે પણ એ નિરક્ષર, ચિંથરેહાલ લોકો બાબુભાઈ કાતિરાને અંતરતમના ઉમળકાથી યાદ કરે છે, જેને યુવાન વયે કેન્સરના ભયાનક રોગે આપણી વચ્ચેથી ઉપાડી લીધો. આજે 2012ના અંતિમ દિવસોમાં એક સાચા ભીમસૈનિકની જીવન-કથા વાંચીએ કોડીનારના શૈલેષ વાઘેલાની કલમે.

બાળપણ
ભારત દેશની ગરવી ભૂમિ ગુજરાત અને ગુજરાતના સૌરાષ્ટ્રમાં ગાયકવાડી સ્ટેટના નાઘેર વિસ્તારમાં આવેલા હાલના જુનાગઢ જિલ્લાના કોડીનાર તાલુકાના નાનકડા, ખોબા  જેવડા ગામ અડવીની ધીંગી ધરા પર તા. 10-10-1969ને ગુરુવારે રાત્રીના નવ કલાકે તથાગત બુદ્ધના પૈગામી બોધિસત્વ આંબેડકરની વિચારધારાને જન જન સુધી પહોંચાડનારા બાબુભાઈ કાતિરાનો જન્મ માતા કડવીબેનની કૂખે થયો હતો.

બાબુભાઈના પિતા સોમાભાઈ તથા માતા કડવીબેનની સાથે દાદા ગોવિંદભાઈ, દાદીમા તથા પરીવારમાં જ રહેવા આવેલા બાલીફઈ અને તેમના બે દિકરા રહેતા હતા. સોમાભાઈને બે પુત્રો અને ચાર પુત્રીઓ હતી. આ સંયુક્ત કુટુંબ સ્વભાવે પ્રેમાળ અને સૌના દિલ જીતી લે તેવું હતું. સોમાભાઈ અને કડવીબેન પણ સરળ સ્વભાવના તેમજ ગોવિંદદાદાનું જીવન સંપૂર્ણ સાદગીથી ભરેલું હતું. દાદા ગોવિંદભાઈનું સમાજમાં મોભાવાળું ખોરડું હતું. ચોમાસાની ઋતુમાં જ્યારે કોઈના ઘરે અનાજ ના હોય ત્યારે ગોવિંદદાદાના ઘરેથી અનાજ મળતું.  ભુખ્યા અતિથિને રોટલો અને ઓટલો બંને મળતા અને આજે પણ મળે છે. સાધુ, સંત, બારોટ બધા જ અતિથિઓ દાદા ગોવિંદભાઈના ઘરે ઉતારા કરતા. આવેલા અતિથિને માન મરતબો મળતો અને એમની આગતા સ્વાગતા થતી.  

''ફકીરી હાલ જોઈને પરખ કરતો નહિ 'નાઝિર'
જે સારા હોય એના તો સૌ સંસ્કાર બોલે છે''
   
આવું સંસ્કારી અને પ્રેમાળ આ કુટુંબ. સમાજમાં ગોવિંદદાદાની એક છાપ. પાંચમા પૂછાતા ગોવિંદદાદાને અન્ય વ્યક્તિઓ પણ દીકરા-દીકરીના વેવિશાળ કે લગ્ન પ્રસંગે પૂછી પછીને જ કામ  કરતા ત્યારે દલિતોનો આવો સંપ હતો. સૌ દલિતો, વારે તહેવારો કે અન્ય પ્રસંગોમાં  એકબીજાની સાથે રહેતા, એકબીજાના ઘરે જઇને ભેટતા. દાદા ગોવિંદભાઈને બાપદાદાના વખતથી જ પોતાની ખેતીવાડી હતી. એટલે અડવી ગામના ખેડુતોમાં એક સારા ખેડુતનુ ખોરડું ગણાતું. મધ્યમવર્ગના આ સુખી પરિવારમાં સોમાભાઈ ખેતી સંભાળતા, રોજ વાડીએ બળદો અને ગાયો લઇને જતા, આખો દિવસ ખેતીકામ કરતા રહેતા. તેઓ પણ એક સરળ સ્વભાવના લાગણીશીલ  વ્યક્તિ હતા. તેઓ જ્યારે પણ કોઈ વ્યક્તિ સાથે વાત કરતા તો એમના ચહેરા પરથી હાસ્યનો ભાવ ટપકતો રહેતો.

સોમાભાઈ દાદા ગોવિંદભાઈના એકના એક પુત્ર હતા અને ત્રણ દીકરીઓ પછી થયા હતા. સોમાભાઈ  બાપદાદાની ખેતી સંભાળતા. તેમને કડવીબેન મદદ કરતા. આખા પરિવારમાં સંપની ભાવના પહેલેથી જ હતી. સોમાભાઈના ઘરે દીકરીના જન્મના સાત વર્ષ પછી પુત્રનો જન્મ થયો તે બાબુભાઈ. દાદા તથા પરિવારના સભ્યો ખુશ થયા. કડવીબેન પુત્ર ઉછેરમાં રત રહેતા. બાળપણમાં બાબુભાઈ રડ્યા કરતા હતા. તે રોગ સતત 13 મહિના સુધી ચાલ્યો. ડૉક્ટરની સલાહ મુજબ ખાણી-પીણીમાં પરિવર્તન લાવ્યા. પોતાનો પુત્ર સ્વસ્થ થઈ જાય તેવી ઇશ્વરને પ્રાર્થના કરતા હતા. પોતે દુ:ખ વેઠીને પુત્રને સુખી કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા.

નાનપણથી બાબુભાઈની હોંશિયારી અને તેજસ્વીતા એટલી હતી કે વાતવાતમાં તર્ક કરતા રહેતા. એકવાર દાદા સાથે મંદિરે ગયેલા. દાદાને પૂછયું, દાદા એ કોણ છે? દાદાએ જવાબ આપ્યો, બેટા, એ ભગવાન છે. તો પૂછયું, "કેમ બોલતા નથી?"  1974માં અડવીની પ્રાથમિક શાળામાં ભણવા બેઠા. પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા અમદાવાદના ચાંદખેડા વિસ્તારના ધનજીભાઈ માસ્તર. તેમણે બાબુભાઈની આંગળી ઝાલીને શિક્ષણની શરૂઆત કરાવી. કડવીબેન ચાર ચોપડી ભણેલી હોવાથી ઘરે પણ ધ્યાન આપતા. પોતાની હોંશિયારીના કારણે શિક્ષકોમાં બાબુભાઈની સારી છાપ હતી. અડવી ગામમાં તે સમયે ઘો.5 સુધીનો અભ્યાસ હતો. ત્યારબાદ કોળાસા ગામે અડવીથી 3 કિલોમીટર દૂર પગે ચાલીને ભણવા જતા. ભારે ચોમાસુ. ઉનાળો કે શિયાળો ભણવામાં રજા ના રાખતા. આવી ભણવાની ધગશ હતી. 1980-81માં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી કોળાસા માધ્યમિક શાળામાં ભણવા બેઠા. હાઇસ્કૂલમાં એક આદર્શ તથા હોંશિયાર વિદ્યાર્થી તરીકેની તેમની ગણના થતી હતી. વિવેક અને વિદ્યા તેમના જીવન પર્યાય હતા. સેકન્ડરી બાદ હાયર સેકન્ડરીમાં કોડીનાર વિદ્યાલયમાં દાખલ થયા બાદ બારમું ઘોરણ પાસ કરીને ઉચ્ચ અભ્યાસ અર્થે એસ.પી. યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગરમાં નલિની એન્ડ અરવિંદ આર્ટસ કોલેજમાં એડમિશન લીધું.

સંગઠન
ઉચ્ચ અભ્યાસ કર્યા પછી સમાજ માટે સદા લડતા પ્રો. પી. એમ. પરમાર દ્વારા આદરણીય વાલજીભાઈ પટેલના સંપર્કમાં આવ્યા. સમાજ માટે સતત સમર્પિત વાલજીભાઈ પટેલથી પ્રભાવિત થઈ સમાજ માટે મરી મીટવાનો નિર્ણય લીધો. અભ્યાસ દરમ્યાન એન. સી. સી. જેવી પ્રવૃત્તિમાં પણ પ્રગતિ કરી હતી. 1992માં બી. એસ. કાતિરાએ વેરાવળ તથા કોડીનાર કોલેજમાં પાર્ટટાઇમ નોકરી સ્વીકારી એક સારા અધ્યાપકની કામગીરી શરૂ કરી. નોકરી સાથે સાદું જીવન, ઉચ્ચ વિચારનો આદર્શ વિદ્યાનગરની આશાદિપ સંસ્થામાં મળેલા. વિદ્યાનગરમાં કાતિરા સિદ્ધાર્થ વિદ્યાર્થી સંઘ ચલાવતા, જેમાં પ્રવીણ રાઠોડ સામેલ હતા. તા. 1-11-94એ કોડીનારની શ્રી જે.એસ. પરમાર કોલેજમાં કાયમી પ્રોફેસર તરીકેનો આર્ડર મળ્યો હતો. તેમાં આપન સીટ પર સિલેક્ટ થવાના કારણે સંઘર્ષ કરવો પડ્યો હતો. ફુલટાઇમ નોકરીમાં લાગ્યા બાદ સમાજ સેવાની એક પ્રકારની ધૂન લાગી અને તેમાં અરણેજના વિનોદ સોલંકી જેવા યુવાન મળ્યા. તેમને બાબાસાહેબના વિચારો ગમ્યા. સમાજમાં જાગૃતિ લાવવાની હામ ભીડી. બી. એસ. કાતિરા કોલેજથી છૂટે અને વિનોદ સોલંકી આવી જાય. સમાજના પ્રશ્નો રજૂ કરે, ગામડે ગામડે જાય. આમ ધીરે ધીરે વિનોદ સોલંકી અને અન્ય યુવાનો સાથે મળીને સંગઠન બનાવવાનું નક્કી કર્યુ.

બી. એસ. કાતિરાએ સંગઠનનું નામ આપ્યું: કોડીનાર તાલુકા દલિત જાગરણ યુવા સંગઠન. ઘણા લોકોએ વિરોધ કર્યો, કહ્યું કે કે દલિત નહીં મેધવાળ નામ રાખો. તો ઘણા લોકોએ કહ્યું કે વણકર નામ રાખો. જ્યારે બી. એસ. કાતિરાએ કીધું કે દલિત એટલે દબાયેલો કચડાયેલો વર્ગ. તેમાં ઉપરોક્ત તમામ અર્થો આવી જાય છે. અને સંગઠનનું જુનાગઢ કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવી લીધું.

આ સંગઠને બી.એસ. કાતિરાના નેજા નીચે તથા વિનોદ સોલંકીના સહારે ગામડે ગામડે ફરી યુવાનોને જાગૃતિ કર્યા. કુરિવાજો, વ્યવસનો બંધ કરાવ્યા, કેમકે બી. એસ. કાતિરા ખુદ ન તો ચા પીતા ન કોફી. તેમણે નક્કી કર્યું કે "સંસ્થાનું કાર્યક્ષેત્ર સમગ્ર ભારત દેશ રહેશે. આ સંગઠન કોઈપણ કોઈપણ જાતના ભેદભાવ વગર બિન-રાજકીય રીતે સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરશે. આ સંગઠન દલિતો, આદિવાસીઓ, માલધારીઓ,ખેત મજૂર તેમજ ગરીબ પછાત વર્ગના લોકોના બંધારણીય અધિકારો અને હક્કોના રક્ષણ માટે સેવાકીય પ્રવૃતિઓ કરશે. આ સંગઠન દ્વારા સમાજમાં વધુ કેળવણીનો ફેલાવો  થઈ શકે તે માટે પ્રોઢ શિક્ષણ કેન્દ્ર, કન્યા શાળા, કુમાર શાળા, છાત્રાલયો, લાયબ્રેરી તેમજ સામાજિક સમસ્યા સંબંધિત રીર્ચસ સેન્ટર ચલાવવા માટે પ્રવૃત રહેવું. સમાજમાં સામાજિક વિકાસ માટે અંધશ્રદ્ધા, કુરિવાજો, બાળ લગ્ન પ્રથા, વ્યસનો જેવા તમામ પ્રકારના અનિષ્ટોની નાબૂદી દ્વારા સામાન્ય પ્રજાના સ્વાસ્થ્ય માટે હોસ્પિટલ, એમ્બ્યુલન્સની જરુરી સેવા પુરી પાડશે. સંગઠન દ્વારા સમુહલગ્નના આયોજન કરવામાં  આવશે તેમજ સમાજના થતા ખોટો ખર્ચાઓ અટકાવશે."

બી. એસ. કાતિરાએ સમાજને ભેગો કરીને આ બધી પ્રવૃતિઓથી વાકેફ કરેલ અને આ સંગઠન દ્વારા સૌ પ્રથમ તા. 30-12-01એ વિદ્યાર્થીઓને સન્માનવા એકલવ્ય પ્રતિભા સન્માન સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં શિલ્ડ, પ્રમાણપત્ર, રોકડ પુરસ્કારથી સન્માનિત કરેલ. તા.9-11-02એ કોડીનારની શ્રી. જે. એસ. પરમાર કોલેજના પટાંગણમાં એકલવ્ય સન્માન સમારંભ યોજેલ. તા.28-12-03એ વાર્ષિક અધિવેશન તેમજ એકલવ્ય પ્રતિભા સન્માન સમારંભ યોજેલ. ત્યારબાદ દલિત એકતા યાત્રાનું આયોજન કરેલ, જેમાં ગામડે ગામડે કોડીનાર, ઊના અને વેરાવળના ગામડાઓમાં એકતા યાત્રા લઈ જઈ બાબાસાહેબના વિચારો ફેલાવ્યા, જેમા દરેક ગામડે એકતા યાત્રાનું સન્માન થયું હતું. 

સ્વમાન
આ સમયે બી. એસ. કાતિરાએ જણાવ્યું કે આપણે બીજાના સહારે જીવીએ છીએ. ગામડે ગામડે આપણા સમાજની જગ્યા, વાડી હોવી જોઈએ. સમુહ લગ્નો થવા જોઈએ, પરંતુ આપણા પૈસાથી. બીજાના પૈસાથી નહીં. ફક્ત દલિત સમાજના પૈસાથી. તેનુ કારણ એ જ કે સમૂહલગ્ન દ્વારા કરકસર કરી પૈસા બચાવી શૈક્ષણિક સંકુલો ગામડે ગામડે બનાવવા, જેથી મોંઘવારીના યુગમાં આપણા બાળકો શિક્ષણ લઈ શકે. આ ઠરાવ થયા પછી તા. 27-2-2003એ પ્રથમ સમૂહલગ્નનું આયોજન કર્યું, જેમાં 12 યુગલ જોડાયા. તેમાંથી રૂપિયા બચાવ્યા અને ગામડે ગામડે મિટીંગો કરી શૈક્ષણિક સંકુલની જરૂરત કેમ પડી તે સમજાવ્યું અને ગરીબ લોકોએ પણ પોતાની મજૂરીમાંથી 5થી 25 રૂપિયા શૈક્ષણિક બનાવવા માટે આપ્યા. ઘણાબધા કડવા અનુભવ  છતાં પણ બી. એસ. કાતિરાની ટીમે પીછહઠ ના કરી.

તા. 22-2-2004ના તૃતિય સમૂહલગ્ન યોજાયા, જેમાં 25 યુગલો જોડાયા.
તા. 20-5-2005ના તૃતીય સમૂહલગ્ન, જેમાં 19 યુગલો જોડાયા.
તા. 26-2-2006ના ચોથા સમૂહલગ્ન, જેમાં 9 યુગલ જોડાયા.
તા. 18-2-2007ના પાંચમાં સમૂહલગ્ન. જેમાં 14 યુગલો જોડાયા.
તા. 11-3-2008ના છઠ્ઠા સમૂહ લગ્નમાં 18 નવદંપતિઓએ ભાગ લીધો.

સમૂહલગ્નમાં 25 વ્યક્તિ કન્યાપક્ષના, 25 વરપક્ષના. તેનાથી વધારે લાવવાના નહીં, વિડીયો શૂટીંગ કરવાનું નહીં, સંગઠન દરેક યુગલને કેસેટ આપે છે. કરીયાવર દાતાઓ આપે એટલો જ આપવાનો. આમ સમૂહ લગ્નો તથા દાતાઓ પાસેથી શૈક્ષણિક સંકુલ માટે વિનંતી કરી, જેના કારણે કોડીનાર બાયપાસ પાસે આજે શૈક્ષણિક સંકુલ પુર્ણતાના આરે છે. 9 લાખ રૂપિયાની જમીન દલિત સમાજના પૈસાથી લીધેલી, જેમાં 14 રૂમ બનાવવામાં આવેલ છે.

આ સંગઠન જૂનાગઢ અને અમરેલી જીલ્લામાં અસ્પૃશ્યતા નિવારણ શિબિરો પણ કરે છે. તથા હાલ ગામડે ગામડે અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમો કરે છે.

સ્વાભાવિક રીતે કોઈ પણ નવીન કાર્યની શરૂઆત કરવામાં સંઘર્ષ તો કરવો જ પડે છે. અને એમાં પણ જે સમાજ આર્થિક અને સામાજિક રીતે કચડાયેલો હોય તેની આગેવાની લેવી અને તે કાર્યને સતત આગળ ધપાવતું રહેવું એ ખરેખર અતિ સંઘર્ષમય સમયગાળો મારી દૃષ્ટિએ માની શકાય. જે સમાજની આજ સુધીમાં ક્યાંય  જગ્યાના ઠેકાણા નહીં, જેના નેતાઓ અને વ્યક્તિઓના ખાલી મત તરીકે ઉપયોગ  કરીને પાંચ વર્ષ માટે ફેંકી દેવામાં આવતા હોય એવા સમયગાળા દરમિયાન સમાજને સર્વ પછાત વર્ગો માટોનું શૈક્ષણિક સંકુલ ઉભું કરવું એ એક સ્વપ્ન સમું જ લાગે અને આ સ્વપ્નને સાકાર કરવામાં સમગ્ર દલિત સમાજનો સહકાર લઈ પ્રો. બી. એસ. કાતિરાએ સંઘર્ષ ચાલુ કરી દીધો.

દલિત સમાજનું શૈક્ષણિક સંકુલનું બીલ્ડિંગ ઉભું કરવામાં કોડીનાર તાલુકા અને આજુબાજુના તાલુકાના દલિત અગ્રણીઓ અને ખાસ કરીને દલિત સમાજના છેવાડાના ગામડાઓના વ્યક્તિ સુધી પ્રો. કાતિરા અને તેની ટીમ સમાજના ભાવિ સંકુલની અને સામાજિક ક્રાંતિની વિચારસણી પહોંચાડી, જેમાં સામાજિક કાર્યક્રમોનો અને ખાસ કરીને  રાત્રી મિટીંગનો સહારો લેવો પડ્યો. રાત્રી મિટીંગ એટલા માટે કે લોકો દિવસે કાળી મજુરી કરી પરસેવે તરબોળ થઈ મોડે ઘરે પહોંચે. દિવસ દરમિયાન તમને ગામડામાં કોઈ વ્યક્તિ ઘરે જોવા ના મળે અને તેના પરસેવાની કમાણીના પાંચથી પચ્ચીસ રુપિયા લઈ સમાજના કાર્યમાં એ ગરીબોનો પણ સહિયારો સાથ છે અને તેમને પણ એવું ભાન કરાવ્યું કે તમે સમાજના કાર્યમાં પાછળ નથી અને સહકાર આપી શકો છો. પ્રો. બી. એસ. કાતિરા અને તેમની ટીમનો પાંચ કે પચ્ચીસ રૂપિયા લેવાનો નહીં પણ તેમને સમાજ સાથે જોડવાનો આ શિરસ્તો હતો.

ગામડે ગામડે ફરી દલિત એકતા યાત્રા કાઢી પોતાના હક, હિત અને અધિકારો માટે જાગૃત કરી સમાજના ભાવિ સંકુલની નીવ ડૉ.બી. આર. આંબેડકરનાં પૌત્ર માનનીય બાળાસાહેબ પ્રકાશરાવ આંબેડકરના હાથે મૂકવામાં આવી ત્યારે સમગ્ર દલિત સમાજ ભાવવિભોર અને પોતાની ખુશી જય ભીમના નાદ સાથે વ્યક્ત કરતો કરતો કોડીનાર તાલુકાની સામાજિક શૈક્ષણિક ક્રાંતિમાં ઉત્સાહિત થઈ જોડાવાનું ગૌરવ અનુભવી રહ્યો હતો.

આ સંકુલની જમીન, આગળ દર્શાવ્યું છે તેમ દલિત સમાજના સમુહ લગ્નો કરી ખોટા ખર્ચા અને કુરીવાજોને તિલાંજલિ આપી પૈસા બચાવી રૂ. નવ લાખમાં દિવ જતા હાઈવે ટચ જગ્યા લેવામાં આવી. જ્યારે જમીન લેવામાં આવી ત્યારે કોડીનાર તાલુકા દલિત જાગરણ યુવા સંગઠન પાસે નવ લાખ રૂપિયા નહોતા. તેમ છતાં, પ્રો. કાતિરા, પ્રો. રાઠોડ, પ્રમુખ વિનોદ સોલંકીએ હિંમત કરી સમાજમાં વિશ્વાસ મૂકી જમીનની ખરીદી કરી લીધી અને તે રકમ પુરી કરવા માટે પ્રો. બી. એસ કતિરાએ પોતાના પગારમાંથી 14 ટકા વ્યાજે 2,00,000 રૂપિયાની લોન નાગરીક બેંકમાંથી લીધેલી. જેનો તાજનો સાક્ષી હું છું અને સમગ્ર દલિત સમાજ પણ આ વાત જાણે છે. છેલ્લે આ લોનનું વ્યાજ બાકી હતું અને પ્રો. બી. એસ કતિરા નિર્વાણ પામ્યા હતા. બાદમાં મેં પ્રો.રાઠોડ સાથેલ જઈ રૂ. 36000 વ્યાજની રકમ ભરપાઈ કરી. આ વાતની નોંધ અહીં એટલા માટે કરવી ઘટે કે અમે અમારી જિંદગીમાં ક્યારેય આવી વ્યક્તિ નથી જોઈ, જે 14 ટકા જેટલા જંગી વ્યાજના દરે લોન લઈ સમાજને સમર્પિત કરે.

પ્રો. કાતિરાએ ક્યારેય બે જોડી સારા કપડા નથી ખરીદ્યા, પણ સમાજ પાછળ રૂપિયા 2,00,000 જેવી મોટી રકમ વ્યાજે લઈ આપી દીધેલ છે. જેનું ઋણ આ તાલુકાનો દલિત સમાજ તો ક્યારેય ચૂકવી નહીં શકે. 

ત્યારબાદ, આ સંકુલના બાંધકામમાં ઘણા બધા વ્યક્તિઓનો સહકાર મળ્યો. વિઘ્નો પણ આવ્યા અને ગયા પણ સંકુલનું કામ અવિરત ચાલુ જ રહ્યું. પ્રો. કાતિરાના નિર્વાણને કારણે થોડી ઓટ આવી પણ બાકીનું બાંધકામ પણ પૂર્ણ થયું છે. જેમા ઊના તાલુકાના રોહીઆ ગામના વતની, જેને પ્રો. કાતિરાએ દાનવીર કર્ણની ઉપાધી આપી હતી, એવા અંતુભાઈ લક્ષ્મણભાઈ પરમારે રૂપિયા 1,11,111 જેવી માતબર રકમ આપી આ સંગઠનને ઘણી જ રાહત કરી આપી. ત્યારબાદ ઘણા દાતાઓએ 51 હજાર રૂપિયા પણ દીધેલા અને એક લાખ અગિયાર હજાર જેવી રકમ પણ આપેલી, જેના કારણે સમગ્ર દલિતસમાજના હિસ્સા અને ભાગીદારીથી આ સંકુલનું બાંધકામ ઝળહળી ઊઠ્યું છે. અને સમગ્ર દલિત સમાજ સ્વમાનભેર કહી શકે કે આ મારા સમાજનું છે. આ અમારી મહેનતની કમાણીથી ઊભુ થયું છે. આ વિચાર આ કચડાયેલા સમાજને અતૂટ અને વધુ મજબૂત કરવામાં સફળ રહ્યો છે. અને આગળ પણ સમાજના પ્રહરી અને છેવાડાના માનવીના દુ:ખોની ચિંતા કરવાવાળા વ્યક્તિઓનો સહકાર મળતો રહેશે.
તો આગળ જતા અને સક્ષમ બનતા આ સંગઠનને કોઈ રોકી નહીં શકે.

જય ભીમ.






શનિવાર, 22 ડિસેમ્બર, 2012

'ગુણવત્તા' અને 'કાર્યક્ષમતા'ની દલીલો જાતિવાદના ચેપને ઢાંકવા માટેનું સાધન છે



અનીલ પટેલ

ઇવાન ઇલીચનું વિધાન છે: "તબીબી વ્યવસાય એ પોતે જ લોકોના આરોગ્ય માટે સૌથી વધુ ખતરારૂપ છે."

ભારતમાં નવા જન્મેલા દર હજાર બાળકોમાંથી એકસોથી વધારે બાળકો તેમની પ્રથમ વર્ષગાંઠ જોવા નથી પામતા. મૃત્યુ પામતા 50 ટકા પાંચ વર્ષથી નીચેના બાળકોના થાય છે. ચાલીસથી પચાસ ટકા બાળકો ખોરાકના અભાવથી થતા રોગોથી પીડાય છે, દર વર્ષે હજારો નહીં પણ લખ્ખો બાળકો તેમની દૃષ્ટિ ગુમાવે છે. ખોરાકમાં વિટામીન ''ના અભાવને કારણે પચાસ ટકાથી પણ વધારે મહિલાઓ એનીમિયાથી પીડાય છે. અને તેઓનું સ્વાસ્થ્ય એટલું નબળું હોય છે કે બાળકો જન્મથી જ પાંગળા હોય છે, જેનાથી બાળમરણ દેખીતો વધારો થયો છે.

શું તબીબી શિક્ષણ આ પ્રશ્નોને ધ્યાનમાં રાખે છે ખરું? માહિતી તો આપણી પાસે જુદી જ છે. એમને રસ આ પ્રશ્નોમાં ઉપરલ્લો જ હોય છે. અને બીજી બાજુ ધનવાન સમાજના આરોગ્ય પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરાતું જાય છે. હ્રદયરોગ, ડાયાબીટિશ, બ્લડપ્રેશર, ચમત્કારિક સર્જરી અને તેવા વિષયો ધ્યાન ખેંચી જાય છે. આ રોગોને દરેક બાજુથી સજાવીને તેની મહેમાનગતિ થાય છે. જ્યાર મૃત્યુ તરફ લ જવામાં મુખ્ય ભાગ ભજવનાર ડાયેરિયા જેવા રોગોની એક ઝલક જ દેખાડવામાં આવે છે.

હકીકતમાં તબીબી વ્યવસ્થાને આપણા જેવા ગરીબ દેશના પ્રશ્નોના ઉકેલમાં ખરેખર રસ જ નથી. તે તો શહેરી ભણેલ-ગણેલ લોકોની જરુરીયાત સાથે અને અમેરીકા તેમજ ઇંગ્લેન્ડના બહુરાષ્ટ્રિય ઉદ્યોગો જોડે જ સંકળાવવા માંગે છે. ઉપરથી આકર્ષક લાગતી ''કાર્યક્ષમતા'' અને ''ગુણવત્તા'' માટેની દલિલો તો જાતિવાદના ચેપ ને ઢાંકવા માટેનું સાધન માત્ર છે. આ રોગ આપણી સાથે હંમેશ રહ્યો છે.

સમાજ જીવનના પ્રશ્ર્નો અંગે જાગૃત, જાતિવાદના વિરોધી અને દલિત તેમજ શોષિત પ્રજા માટે સહાનુભૂતિ ધરાવનાર તમામ વ્યક્તિઓને અમારી અપીલ છે કે ''ગુણવતા'' અને ''કાર્યક્ષમતા'' જેવી લપસણી દલીલો વિચાર્યા વગર સ્વીકારી ન લે.