કુલ પૃષ્ઠ અવલોકનો

રવિવાર, 16 ડિસેમ્બર, 2012

'અનામત' વિરોધી આંદોલન જેતલપુરના ખૂન જેવું છે


ગીરીશભાઈ પટેલ (એડવોકેટ)

અત્યારના આંદોલનને એ દૃષ્ટિએ જોવું જોઇએ કે અત્યારે ભારતમાં જે બિનકાર્યક્ષમ, પ્રજાવિરોધી અને અન્યાયી આરોગ્ય વ્યવસ્થા છે તેને માટે કોણ જવાબદાર છે? એ તો ચોક્કસ છે કે, એ માટે આદિવાસીઓ અને હરિજનો તો જવાબદાર નથી. કારણ કે એમને તો કોઈ સ્થાન જ નથી. એમાં તો ઉચ્ચ વર્ણ અને વર્ગનો ઇજારો છે. બીજું એ કે- ગુણવત્તા અને કાર્યક્ષમતાનો આપણે શો અર્થ કરવા માંગીએ છીએ? પરીક્ષામાં અમુક ગુણો મેળવવા મૌખિક પરીક્ષામાં સારો દેખાવ કરવો, ગોટપીટ અંગ્રેજી બોલવું, રીતભાતોમાં અહમ્ અને કૃત્રિમતા લાવવી. શું આટલા માત્રથી ગુણવત્તા આવી ગણાય છે? હકીકત એ છે કે ગુણવત્તા અને  કાર્યક્ષમતાના માપદંડો વસ્તુલક્ષી કે વ્યક્તિલક્ષી નથી. પરન્તુ તે આત્મલક્ષી અને સામાજિક છે, જેનો આધાર મૂલ્યો, વલણો અને માન્યતાઓમાં રહેલો છે.

આપણા તબીબોને ગુણવત્તા અને કાર્યક્ષમતાની વાત કરવાનો કોઈ હક્ક નથી. કારણ કે, આપણું તબીબી શિક્ષણ વ્યાપક ભ્રષ્ટાચારથી દૂષિત છે અને ગુણવત્તા એટલે સગપણ, કાર્યક્ષમતા એટલે લાગવર્ગ અને "સફળતા" એટલે "સામાજિક ઓળખાણ-પિછાણ" એવા જ અર્થો થાય છે. ગુણવત્તાવાળો, કાર્યકુશળ તેમજ સારો ડૉક્ટર કોને કહેવાય? એના કોઈ ઘોરણો છે ખરા? પરીક્ષામાં સારો દેખાવ, હોંશિયારી, જ્ઞાનના ક્ષેત્રમાં નિષ્ણાતપણું, અત્યંત આધુનિક વૈજ્ઞાનિક સાધનોની માલિકી આ બધી સાચી લાયકાત છે કે - પ્રજા સાથે એકતા સાધી શકે એવી આવડત?

સર્વોચ્ય અદાલતે કાર્યકુશળતા અંગે નોધ્યું છે કે, કાર્યકુશળતા એટલે સારું સંચાલન. માત્ર પરીક્ષામાં સારા માર્ક્સ પૂરતા નથી. પરન્તુ, પ્રજા માટેની જવાબદાર અને પ્રત્યાઘાત પાડી શકતી સેવા.” તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે જજમેન્ટ આપતા પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ગુણવત્તા કે યોગ્યતા શું છે?  ગામડાઓમાં સેવા અને પછાત પ્રજામાં તબીબી દેખરેખને જો માપદંડ ગણીએ તો ભારત જેવા પછાત દેશમાં જ્યાં માંદગી, દુ:ખો, અપમાનો, આપત્તિ અને આંસુઓ પડેલા છે, તે તરફ જોવાનું હોય તો આપણે ચોક્કસ તરછોડયેલા વિસ્તારના કામો કરીએ છીએ. અને ગુણવત્તાના શૈક્ષણિક મૂલ્યોના માપમાં મગજ અને એની સર્જનાત્મકતા જેટલાં કિંમતી છે એટલાં  જ કિંમતી સંવેદનશીલતા અને સહ્રદયીપણું પણ છે, મુઠ્ઠીભર કેસોમાં ટોચનું કામ કરવા કરતા બહુજનસમાજ માટે સામાજિક દવા વધારે પ્રસ્તુત બની જાય છે.

એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતો તબીબ, જે હ્રદય-પ્રત્યારોપણમાં નિષ્ણાત હોય, થોડા લોકોની સેવામાં પારંગત હોય, તો તે તબીબ કરતા ગામડામાં રહીને સામાન્ય પ્રજાને સામાજિક સ્વાસ્થ્યના પાઠ શીખવતા, પ્રિસ્ક્રિપ્શનવાળી દવાઓ આપતા, ગ્રામ્ય વિસ્તારમાં કે આદિવાસી વિસ્તારોમાં રોગોને મોટા પાયા પર હટાવવાનું કામ કરતો તબીબ જરા પણ ઉતરતો નથી કે ઓછી ક્ષમતા કે યોગ્યતા ધરાવતો નથી. આધુનિક ભારતનો રોગ ક્યાંક બીજો જ છે. કદાચ ગામડાના અબુધ આદિવાસીઓ અને સહેજ સુધરેલા નીચલા જ્ઞાતિના માણસો કરતા ગુણવત્તાની વાતો કરનારા વધારે જોખમકારક છે.

હરિજનો અને આદિવાસીઓને પ્રાધાન્ય તો આપવું જ પડશે. કારણ, અસમાન સમાજમાં બધાને સમાન માની લેવાથી અસમાનતા વધે છે તેમજ તે કાયમી મજબૂતી બને છે. અત્યારનું આંદોલન એ જેતલપુરના ખૂન જેવું છે. જેમાં અન્યાયી અને જુલ્મી સમાજનું પ્રતિબિંબ જ પડે છે. જેમાં હરિજન, આદિવાસી, મુસ્લીમ અને  બીજા પછાતવર્ગોને સમાજથી દૂર હડસેલી દેવામાં આવી રહ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો