કુલ પૃષ્ઠ અવલોકનો

શનિવાર, 8 ડિસેમ્બર, 2012

ભંગી સમાજના પ્રથમ મહિલા પીએચડી શારદા વડાદરાનું સન્માન


ચોવીસ વર્ષ પહેલાં ભંગી સમાજના પ્રથમ મહિલા પીએચડી શારદા વડાદરાનું અમે સન્માન કર્યું હતું. ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર ર. વ. દેસાઇના સુપુત્ર અને સમાજશાસ્ત્રી અક્ષયકુમાર દેસાઇએ સન્માન સમારંભ અંગે ત્યારે ગુજરાત મિત્ર દૈનિકમાં ચાલતી તેમની કોલમ સમાજવિજ્ઞાનની આરસીમાં લેખ લખ્યો હતો. તે લેખ અત્રે મુક્યો છે. આ લેખમાં તે વખતે દેસાઇ સાહેબે ગુજરાતના કહેવાતા વિકાસ અંગે સવાલો ઉઠાવ્યા હતા, જે આજે પણ એટલાં જ પ્રસ્તુત છે. તે સમયે શારદા વડાદરા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાંસપોર્ટ કોર્પોરેશન (એએમટીએસ)માં કારકૂનની પોસ્ટ પર હતા. દલિત કર્મશીલોએ તેમનું સન્માન કર્યું ત્યાર બાદ કોર્પોરેશને તેમની ટેલન્ટ પીછાણીને યોગ્ય બઢતી આપી હતી. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે સત્તા પર આવ્યા પછી હિન્દુત્વના એજન્ડાના ભાગરૂપે શારદા વડાદરાનું શંકરાચાર્યના હસ્તે સન્માન કરાવેલું. ગુજરાતના સેક્યુલારીસ્ટોની જાણ ખાતર.

પ્રસ્તુત છે અક્ષયકુમાર ર. વ. દેસાઇનો લેખ

અમદાવાદમાં 28-8-88 રવિવારની સવારે સમાજના એક મહત્વના બનાવને સન્માનવા યોજાયેલ સમારંભમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપતું નિમંત્રણપત્ર અને તે અંગે સન્માન સમિતિ તરફથી બહાર પાડેલી પત્રિકા મને મળ્યા. અનિવાર્ય સંયોગેને લીધે મારી સાથી ડૉ. નીરા દેસાઈ અને હું જઈ શક્યાં નહીં, પરન્તુ તરત જ આ પ્રસંગને બિરદાવતો, તેના સામાજિક-સાંસ્કૃતિક મહત્વને વધાવતા અમારા તરફથી પ્રસંગને સંદેશ-પત્ર લખી અમારી હાજરી નોંધાવી.

આ સમારંભ-નિમત્રંણપત્રમાં જાણાવ્યા મુજબ, "ભંગી સમાજના પ્રથમ મહિલા પી.એચડી કુ.શારદાબેન બાબુભાઈ સન્માનવા માટે યોજાયો હતા. જયશંકર સુંદરી હોલમાં, રાયખડ ખાતે રાવિવારે  સવારે 10થી 1ના સમયમાં રાખ્યો હતો. કુ. શારદાબેન બાબુભાઈ વડોદરા સન્માન સમિતિના કન્વિનરો  હતા ગુજરાતના દલિત-શોષિતો માટે અવિરત સંઘર્ષ કાર્યકરો અને લેખકો રાજુભાઈ સોલંકી અને જયંતીભાઈ બારોટ. આ સમારંભના પ્રમુખસ્થાને જાણીતા માર્કસવાદી  કિસાન-મજદૂર કાર્યકર જીવણલાલ જયરામદાસ હતા. અતિથિવિશેષ, ગુજરાતના જાહેરક્ષેત્રના કર્મચારીઓ માટે અવિરત લડત ચલાવી રહેલા કાર્યકર પ્રવીણ રાષ્ટ્રપાલ હતા. મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના નાગરિક અધિકારો માટે સંઘર્ષો અને કોર્ટ કચેરીઓમાં ન્યાય માટે આગવી લડત આપતા લોક અધિકાર સંઘના મહત્વના કાર્યકર ધારાશાસ્ત્રી ગિરીશ પટેલ હતા. આમંત્રિત મહેમાનો જે આ સમાંરભ વક્તાઓ તરીકે હાજર રહેવા આમંત્રિત હતા તે નામો પણ જાણવા સરખા હોઈ તેનો ઉલ્લેખ અહીંયા કરું છું. દયા પવાર, જોસેફ મેકવાન, ડૉ.નીતિન ગુર્જર, પ્રા.વારીસ અલવી, પાગલબાબા નામે જાણીતા સરસ દલિતો માટે કાર્ય કરતા લડાકુ કાર્યકર, મંગળદાસ પરમાર, જયવર્ધન હર્ષ, મારું નામ પણ હતું પરન્તુ અનિવાર્ય સંયોગોને લીધે પત્ર સંદેશ દ્વારા હાજરી નોંધાવી શક્યા. સમિતિના સંયોજકો રાજુ સોલંકી અને જયંતી બારોટ ઉપરાંત આ સમિતિના અન્ય સદસ્યોના નામ પણ જાણવા જેવા છે. આ નામો ગુજરાતના છેલ્લા બે-ત્રણ દાયકાઓથી શોષિતો-પીડિત શ્રમજીવી જનતાની-આર્થિક, સામાજિક, નાગરિક અધિકારો તેમજ શૈક્ષણિક, સાંસ્કૃતિક લડતોના ઇતિહાસ સાથે ઓતપ્રોત થયેલી ધીરે ધીરે ગુજરાતમાં નવી લડાકૂ-અન્યાય સામે ઝઝૂમતી, પોતપોતાની  ઢબે વિવિધ પ્રકારની કુરબાનીઓ કરતી વ્યક્તિઓના છે તેમનાં નામો સાથે ગુજરાતના અનેકવિધ અન્યાયો સામેના સંઘર્ષોના ઇતિહાસ જોડાયેલ હોઈ અહીંયા તેમની નામો પણ લખવાની લાલચ રોકી શકાતી નથી. આ સન્માન સમિતિના અન્ય સદસ્યોના નામો નીચે પ્રમાણે હતા.

1. કે.સી સોલંકી, 2. નયન શાહ, 3. ડી. કે. રાઠોડ, 4. ગીતા શાહ, 5. કનુ સુમરા, 6. ડૉ. ગણપત વણકર, 7. કાંતિલાલ ડાભી, 8. લક્ષ્મણ ચૌહાણ, 9. અશ્વિન દેસાઈ, 10. લંકેશ ઓઝા, 11. તનુશ્રી ગંગોપાધ્યાય, 12. નવનીત  રાઠોડ, 13. બકુલ રાષ્ટ્રપાલ, 14. ગણપત પરમાર, 15. કર્દમ ભટ્ટ, 16 ડૉ. ભરત વાઘેલા, 17. સરૂપ ધ્રુવ, 18. ભરત વાઘેલા, 19. ભાનુ પરમાર, 20. સાહિલ પરમાર, 21. ડાહ્યાભાઈ ભગત, 22. સુભાષ પાલેકર, 23. હીરેન ગાંધી, 24. જે. કે. ચૌહાણ, 25. મુક્તેશ પટેલ, 26. શકંર પેન્ટર, 27. હરીશ મંગલમ, 28. ઇશ્વર પરમાર, 29.  વિલ્ફ્રેડ ડીકોસ્ટા, 30. નગીનભાઈ, 31. પ્રહલાદ ચાવડા.

આ સમારંભ યોજનાર સન્માન સમિતિ, સંયોજકો તેમ જ પ્રમુખ, અતિથિવિશેષ, મુખ્ય મહેમાન તથા આમંત્રિત મહેમાનોના નામો અહીંયા વિગતે રજૂ કરવા પાછળ એક મહત્વનું કારણ છે. ગુજરાતની આદિવાસી, દલિત, મહિલા,  શ્રમજીવી શોષિતો નગર અને ગ્રામવાસીઓની આઝાદી પછી જે પ્રચંડ-અવિરત, વીરતા અને ખુમારીભરી લડતો, આંદોલનો, જનજાગૃતિ કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક-શૈક્ષણિક અનેક વિધ્નો છતાં ચાલી રહેલા પ્રયોગોનો ઇતિહાસ લખવો હશે તો આ વ્યક્તિ-ઝૂમખાની  વિગતે મુલાકાત લઈ તેમની પાસેથી હકીકતો મેળવીને જ શક્ય બનશે. તેમણે ઉપસાવેલા સંગઠનો, તે જે આંદોલનો સાથે સંકળાયેલ હતા તે આંદોલનોની હકીકતો, તેમના પ્રકાશન, સર્જન તેમ જ સાંસ્કૃતિક જનજાગરણ ખમીરવંતા પ્રયાસોની રૂપરેખા દોરીને જ આપણે ગુજરાતના છેલ્લા ત્રણ દાયકાના દલિત પીડિત પ્રજાના ચાલુ ઇતિહાસને અને  વિકસતી માનવીય ચેતનાના વ્યાપને સમજી શકીશું.

આ સમારંભ યોજવા પાછળનો હેતુ પણ સમજવા જેવો છે, આપણે સંયોજકો અને સન્માન સમિતિના સભ્યો તરફથી બહાર પાડેલી પત્રિકામાંથી કેટલાક અવતરણો દ્વારા સમજીએ.

કુ. શારદાબેન બાબુભાઈ વડાદરા એ ભંગી સમાજના સૌ પ્રથમ પીએચડી થનારા મહિલા છે. સામાન્યપણે અનુસૂચિત જાતિઓમાં  શિક્ષણનું પ્રમાણ ઓછું અને સ્ત્રીઓમાં તો સૌથી નહિવત્ છે. અને એમાં પણ ભંગી સમાજ તો તમામ જાતિઓમાં સૌથી ઉપેક્ષિત, આર્થિક રીતે શોષિત અને દલિતોમાં પણ પદદલિત છે. તેમ છતાં અનેક અવરોધો પાર કરીને ભંગી સમાજના શારદાબેન વડાદરાએ શિક્ષણ  જગતની સર્વોચ્ય યશસ્વી ડિગ્રી પ્રાપ્ત કરીને માત્ર ભંગી સમાજનું નહીં પરન્તુ સમગ્ર અનુસૂચિત જાતિ-સમાજનું ગૌરવ વધાર્યુ છે. અને એટલે જ એમનુ  સન્માન કરવા નિર્ધાર કર્યો છે. ...... સામાન્યપણે તો દરેક જાતિના લોકો પોતપોતાના સમાજના આવા બુદ્ધિજીવીઓનું સન્માન કરતા જ હોય છે. પરન્તુ અમોએ તમામ જાતિઓ દ્વારા ભંગી સમાજના એક વિદ્ધાન વ્યક્તિત્વનું સન્માન કરવા નિર્ધાયુ છે ....... શારદાબેનનું સન્માન એ માત્ર કોઈ વ્યક્તિનું સન્માન નથી, પરન્તુ સમગ્ર ભંગી સમાજનું સન્માન છે, પદદલિત નારીનું સન્માન છે. તમામ અનુસૂચિત જાતિઓનું સન્માન છે. આ પ્રસંગે ભંગી સમાજના વિકટ પ્રશ્નોની ચર્ચા કરવાની પણ આપણને તક મળશે. એવા પ્રશ્નો કે જેને હાલ કરવા માટે આજ સુધી ચીલાચાલુ સંસ્થાઓ તેમ જ સરકારે નહિવત્ કામ કર્યુ છે. તા. 28મીએ યોજાયેલ આ પ્રસંગે અંગે મુંબઇના છાપાઓમાં સમાચાર શોધતો હતો, પરન્તું તે વાંચવામાં ન આવતાં આ મહત્વની ઘટના અંગે પ્રવાસીમાં લખવા પ્રેરાયો. આ કાર્યક્રમની વિગતો મળશે જ એની મને ખાતરી છે, પરન્તુ પ્રસંગને ઉજવાયે દસ દિવસ વીત્યા છતાં મુબંઈના છાપાઓમાં મારા વાંચેલા છાપાઓમાં કોઈ સમાચાર ન મળતાં આજે આ પ્રસંગે ઉભા કરેલા કેટલાક પ્રશ્નો રજૂ કરું છું.

ભંગી જ્ઞાતિ આજે પણ દલિતોમાં વધુ પદદલિત છે આઝાદીનાં ચાલીસ વર્ષ બાદ તેમની પરિસ્થિતિમાં, તેમની રોજીરોટી તેમજ ઘર શિક્ષણ કે તબીબી સુવિધાઓમાં બહુ ફેર પડ્યો નથી. તેમના આઝાદીનાં ચાળીસ વર્ષ બાદ પણ શિક્ષણનું પ્રમાણ માત્ર પાંચ-સાત ટકા છે. સ્ત્રી શિક્ષણ તો નહિવત્ છે. પરંપરાગત સફાઈ કામોમાંથી તેમને હજી છુટકારો થયો નથી. શહેરમાં કોઈ ભણેલા કુટુંબમાં-અનહદ ગરીબી વચ્ચે અનેક પ્રકારની યાતનાઓ, અન્યાયો અને અપમાનો વચ્ચે જ ભણતર માટે તક મળે છે. તેમાં મહિલાઓને ભાગ્યે જ. શારદાબેનના પિતા સાત ઘોરણ સુધી ભણેલા સંવેદનશીલ માનવ. તેમની પુત્રી શારદા- પરંપરાગત સફાઇકામના ઢસરડામાંથી ઉગરી ભણે અને પોતાની શક્તિઓ બીજી પ્રવૃતિઓમાં વાળે એ અર્થે અનેકવિધ મુશ્કેલીઓમાં તેને ભણાવવા ધ્યાન આપ્યું. શારદાબેન મહિલા તેમ જ પદદલિત મહિલા તરીકે અનેક કષ્ટદાયી, અપમાનિત પરિસ્થિતિનો સામનો કરી શિક્ષણના એક એક દ્વાર પસાર કરી 1974માં બી.એ. થયા. 1976માં એમ.એ. કર્યુ. 1979માં બી.એડ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અને 1984માં મધૂસૂદન પારેખ પ્રિયદર્શીના હાથ નીચે- તેમના વિદ્યાર્થીકાળમાં વનિતા વિશ્રામના, શાળાશિક્ષણ દરમિયાન પોતાની વાર્તા લોહીની સગાઇ સમજાવતા ગુજરાતના અદના સાહિત્યકાર-સુધારક, ઇશ્વર પટેલીકરના લખાણોને જ પી.એચડીમાં વિષય તરીકે પસંદ કરી તેમણે ડિગ્રી પ્રાપ્ત કરી. આટલી ડિગ્રીઓ, ઉચ્ચતમ પદવીઓ મેળવ્યા છતાં અને શારદાબેનની ઘણી ઇચ્છા અને પ્રયત્નો છતાં ઘણા સ્થળે અરજીઓ કર્યા છતાં તેમને કોઇ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં હજી નોકરી મળતી નથી. તેઓ એમ.ટી.એસ.એમ.માં કલાર્ક તરીકે ફરજ બજાવે છે. 

શારદાબેન  વડાદરા ના સન્માન સમારંભના સંદર્ભમાં ગુજરાતના સળગતા પ્રશ્નો અંગો વિચારતો હતો અને તેમાં પણ મહિલાઓની સમસ્યાઓ અંગે વિચારતો હતો ત્યાં 1902માં 86 વર્ષ પહેલાં  ગુજરાતના બે પ્રથમ સ્નાતક થયેલા બહેનો શારદાબેન-વિદ્યાબેનની તેઓ કોલેજજીવનમાં કેવાં અનુભવોમાંથી પસાર થયા હતાં. તેની યાદ આવી. શારદાબેન-સુમન્ત મહેતાની 1939માં પ્રસિદ્ધ થયેલી જીવન સંભારણને નામે પ્રગટ થયેલી આત્મકથા જે ઘણાં વર્ષો સુધી અપ્રાપ્ય હતી તેની 1983માં સુસ્મિતાબહેને પૂર્તિ કરી કુટુંબે બીજી આવૃતિ તેમની જન્મશતાબ્દિ નિમિત્તે બહાર પાડી હતી તેની યાદ આવી. મહિલાઓ સંસ્કારી, ઉચ્ચ જ્ઞાતિની, સુધારક કુટુંબની દીકરીઓને કે પત્નીઓને શિક્ષણ અને તે પણ ઉચ્ચ શિક્ષણ લેતાં કેવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે તેનું સંક્ષેપમાં-સરળ ભાષામાં પણ સચોટ વર્ણન કોલેજમાં ભણતી વખતે કોલેજના જીવનનો લાભ જે છોકરાઓને મળે તેમાં સોમો હિસ્સોયે અમને ના મળે. માત્ર વિદ્યા પ્રાપ્ત કરવી એ જ ધ્યેય પાર પડ્યું. સખત નિયમો પાળતા છતાં લોકોએ ટીકા કરવામાં બાકી નહોતી રાખી. છોકરાઓએ પણ કનડગત કરવામાં બાકી નહોતી રાખી. નનામા કાગળો આવે, અમારી બેઠકની ખુરશીઓ પાડી નાખે, ડેસ્ક ઉપર ગમે તેવા લખાણો લખે, આ બેઠક ઉપર કૌવચ નાખી પજવણી કરે. આ બધું સહન કર્યુ, પણ છેવટે જ્યારે મારાં લગ્ન વખતે છોકરાઓએ તોફાન કરવા માંડ્યુ ને વિઘ્નો નાંખવાનું ધમકી આપી ત્યારે મનને બેસુમાર દુ:ખ થયું છતાં હિંમત રાખીને કર્તવ્ય કર્યા કર્યુ છે.

1902માં ઉચ્ચ જ્ઞાતિની સંસ્કારી-સુધારક કુટુંબમાં ઉત્તેજન અને હિંમત મેળવતી પહેલી સ્નાતિકા બહેનોમાંની એક શારદાબેન મહેતાને અભ્યાસ દરમિયાન વીતેલી મુશ્કેલીઓ 1984માં હિન્દુ સમાજની સહુથી પદદલિત જ્ઞાતિની બેન શારદા વડાદરાને કેટલીક યાતનાઓ, અપમાનો, મૂંઝવણો, ઘરકામ, સફાઇકામમાં પલોટાયેલી સતત ઉચ્ચ અને મધ્યમવર્ગ-વર્ણોની તેમ જ પુરુષલક્ષી મૂલ્યોથી ભરોભાર રંગાયેલી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હશે તેના સંભારણ તેમ જ વિગતે અભ્યાસ જરૂરી છે. આઝાદીના ચાળીસ વર્ષ બાદ ગાંધીના નામને સતત ઉપયોગમાં લઈ આગવી આધ્યાત્મિકતાનું મહોરું પહેરી ફરતા આપણા ઉચ્ચ મધ્યમ વર્ગીય વર્ણના સંસ્કાર દાનવીર તેમ જ માનવપ્રેમની વાત કરતા સમૃદ્ધ આર્થિક રીતે સદ્ધર બનતા અને સત્તાસ્થાન ઉપર કબ્જો જમાવી બેઠેલા સમાજના કહેવાતા નેતાઓ અને આધ્યાત્મિકતાના રખેવાળો આજે પદદલિત કોમો-તેમાંની પણ સહુથી પદદલિત જાતિઓમાં પાંચ ટકાને પણ શિક્ષણ પહોંચાડી શકી નથી અને તેમની મહિલાઓને તો લગભગ શિક્ષણથી બાકાત જ રાખી છે તે ગંભીર વિચારણા માંગે છે, ગુજરાતી સમાજના વિકસતા માળખા અંગે મૂળગામી વિચાર માંગે છે.

શારદાબેન વડાદરાની શિક્ષણ સિદ્ધિ અને તેમને શિક્ષણક્ષેત્રે પ્રયત્નો છતાં કેળવણી ધામોમાં સ્થાનનો અભાવ, ગુજરાત અને ભારતનો મોટા ભાગની ગરીબ જનતા સામે શાસકોએ આપનાવેલી વિકાસની સમૃદ્ધ, નફાલક્ષી, મિલકતધારી વર્ગોને વિકાસના અગ્રદૂતો તરીકે ગણવાની નીતિમાં મૂળગામી ફેરફાર કરવા અને તે માટે કટિબદ્ધ થવા સંગઠિત થઈ - લડતો વિકસાવવા પડકાર ફેંકે છે.

રાજુ સોલંકી, જયંતી બારોટ અને સન્માન સમિતિના સભ્યોને આ ખમીરવંતી પદદલિત બેન કુ. શારદા વડાદરા સન્માન સમારંભ માટે અભિનંદન. પી.એચ.ડી. થયેલ બેન શારદા પોતાનાં જીવનના કપરા ચઢાણાં સંસ્મરણો લખી દલિત-પીડિતોના અનુભવો અને ચેતનનો વાચા આપી તે દૃષ્ટિએ લખાતા સમાજના અભ્યાસ તે પ્રકારના ઇતિહાસમાં એક મહત્વનું પ્રકરણ ઉમેરાશે.



1 ટિપ્પણી:

  1. સૌ પ્રથમ તો આપનો આભાર કે આપના દ્રારા મને જાણવા મળ્યુ કે ભંગી સમાજની દિકરીએ પી.એચ.ડી. ની પદવી પાપ્ત કરી હોય.....

    જવાબ આપોકાઢી નાખો