કુલ પૃષ્ઠ અવલોકનો

મંગળવાર, 11 ડિસેમ્બર, 2012

અનામત વિરુદ્ધ અંચળો ઓઢેલા સંકુચિત જાતિવાદીઓ



(નોંધ - 1981માં ભારતીય દલિત પેંથરે 'અનામત શા માટે?' પુસ્તીકા બહાર પાડી હતી. તેમાં જાણીતા વિદ્વાનોના લેખો છપાયા હતા. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના અભ્યાસ માટે બક્ષી પંચ ઉપરાંત સરકારે રાણે પંચ પણ નીમ્યું હતું. રાણે પંચના સભ્ય ડૉ. આઈ. પી. દેસાઈએ તે સમયે જે સવાલો ઉઠાવ્યા હતા તે આજે તેત્રીસ વર્ષ પછી પણ એટલા જ પ્રસ્તુત છે. આ બાબતમાં તમને કોઈ શંકા હોય તો અનુસૂચિત જાતિ-જનજાતિના તબીબી વિદ્યાશાખામાં ભણતા કોઈ પણ વિદ્યાર્થીને પૂછી જોજો. 

1981માં અનામત-વિરોધથી રોષિત દલિત તબીબોએ દલિત મહોલ્લાઓમાં જઇને દલિતોને જાગૃત કરવાનું કામ શરૂ કર્યું હતું. અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલા જવાહર ચોકમાં એક મકાનના ધાબા પર મળેલી આવી એક મીટીંગમાં આ લખનારે હાજરી આપી હતી. ત્યારે દલિત તબીબોએ સીમા (સિદ્ધાર્થ ઇન્ડીયન મેડિકલ એસોસિએશન)ની સ્થાપના પણ કરી હતી. બે-ચાર વર્ષ પછી આક્રોશ ઠરીને ઠીકરું થઈ ગયો અને આજે થોડાક સુખદ અપવાદો બાદ કરતા મોટાભાગના દલિત તબીબો સામાજિક ઋણ ચુકવવાની ફરજ વીસરી ચૂક્યા છે. એમાં પણ કેટલાક તો ભાજપમાં જોડાઇને સમાજના હિતોના લેવાતા બલિ સમારોહોમાં "ભારત માતા કી જય"ના ઉદ્ધોષો કરી રહ્યા છે ત્યારે આ લેખોનું ફેરવાંચન જરા કરી લઇએ.)


ડૉ. આઈ. પી. દેસાઈ (સભ્ય-રાણેપંચ)

દાતાઓની બેઠક ઉપર દાખલ થનાર વિદ્યાર્થીઓ પાસ થવા પૂરતા જ માર્ક્સ મેળવે તો પણ ચાલે છે. જ્યારે પછાત વર્ગના વિદ્યાર્થીઓએ તબીબી અભ્યાસક્રમમાં દાખલ થવા માટે ઓછામાં છા 50 ટકા માર્ક્સ તો  મેળવવા જ પડે છે અને જે તબીબોના દિકરાઓએ મુક્ત હરીફાઈથી પ્રવેશ લીધા છે. તેઓનો પ્રાથમિક અને માધ્યમિક કક્ષાઓનો દેખાવ કેવો હતો તે અંગે તપાસ કરવાનું ઘણું રસપ્રદ નિવડશે.

એમ.બી.બી.એસ.ની પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ જરૂરી છે. અને સામાન્ય રીતે વધારેમાં વધારે તેઓ 65 ટકા માર્ક્સ મેળવતા હોય છે. પાસ થનારાઓમાંથી મોટાભાગના (અનુસૂચિત, જનજાતિ અને બક્ષીપંચ સહિત) વિદ્યાર્થીઓ 55 થી 60 ટકા માર્ક્સ મેળવે છે.

જો અનામત બેઠકના વિદ્યાર્થીઓએ 50 ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તો જેઓને (સવર્ણ હોવાને કારણે) માળખાગત બધા લાભો મળેલા છે. તેઓ થોડાક જ માર્ક્સ વધારે મળતા ગુણવત્તાની વાત કરે છે તેની સરખામણીમાં આ લાભોથી વંચિત એવો લોકો શું ઓછી ગુણવત્તા ધરાવતા ગણાશે?

તબીબી વિદ્યાશાખામાં એક એવો દાખલો પણ નોંધાયેલો છે. જેમાં એક વિદ્યાર્થીને અગાઉની પરીક્ષામાં ઘણા સારા માર્ક્સ મળતા હતા. તે એમ.બી.બી.એસ.ની પહેલા વર્ષની પરીક્ષામાં નાપાસ થયો. પરન્તુ  આ દલિત (વિદ્યાર્થી) એ સવર્ણની અટક (અમીન) ધારણ કરતા તે સહેલાઈથી પાસ થઈ ગયો! આગળ જતાં છેલ્લા  વર્ષની પરીક્ષામાં સર્જરી વિષયમાં એ દલિત વિદ્યાર્થી પ્રથમ નંબરે આવ્યો! બીજો એક દલિત વિદ્યાર્થી જે ખુલ્લી હરિફાઈમાં પણ સહેલાઈથી તબીબી બેઠક મેળવી શકત, પરન્તુ તેને અનામત બેઠક લેવાની ફરજ પાડવામાં આવી.

આ (દલિત) વિદ્યાર્થીઓના જ્યારે ઇન્ટરવ્યુ લેવામાં આવે છે ત્યારે એમના મોઢા પર જ કહેવામાં આવે છે તેઓએ ડૉક્ટર નહીં, ભંગી બનવું જોઇએ. અત્રે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે, ઇંગ્લેન્ડમાં ભારતીય વિદ્યાર્થીઓ એવી ફરિયાદ કરે છે કે, તેમને સાયકીયાટ્રી જેવા મામૂલી ગણાતા વિષયો જ આપવામાં આવે છે. અને ભેદભાવ રાખી વધુ સારા વિષયો આપવામાં આવતા નથી. આમ ઇંગ્લેન્ડમાં બ્રિટીશ મેડીકલ કાઉન્સિલ જેમ ભારતીયો સામે ભેદભાવ રાખે છે તેમ ભારતમાં ભારતીય મેડીકલ કાઉન્સિલ પછાત વર્ગો તરફ ભેદભાવનું વલણ દાખવે છે.

આ સવર્ણ લોકો તરફથી પ્રચારમાં થતી લુચ્ચાઈનો ત્યારે જ ખ્યાલ આવે, જ્યારે એ હકીકત ધ્યાનમાં રાખીએ કે, વ્યવહારમાં અનામતની ટકાવારી અને એની સંખ્યાનો ગુરુત્તમ ઉપયોગ થતો જ નથી. (પાછલે બારણે આ બધી અનામત જગાઓનો સવર્ણો જ ઉપયોગ કરે છે.) જ્યારે બીજી બાજુ જ્ઞાતિ લાગણીઓનો ઉપયોગ કરી જાહેરમાં જ્ઞાતિપ્રથા, કોમવાદ, અનામત વિરુદ્ધ અંચળો ઓઢી સંકુચિત, જાતિવાદી અને પ્રાંતિય વલણ દર્શાવી રહ્યા છે. આથી ગુણવત્તાનું સૂત્ર બહુ પ્રગતિશીલ લાગે, પરન્તુ વાસ્તવમાં એ મૃત:પ્રાય હિન્દુ વ્યવસ્થાને સુરક્ષિત રાખવાનું હથિયાર છે, જેને સામાજિક અને આર્થિક ક્ષેત્રે જૈસે-થેની પરિસ્થિતિ જાળવવા માટે ઉપયોગ લેવાય છે. વર્તમાન સામાજિક લાયકાત અને ગુણવત્તાની વાત કરવી એટલે સામાજિક ડાર્વિનવાદથી ઓછી નથી.



1 ટિપ્પણી: