કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 12 ડિસેમ્બર, 2012

પહેલા સામાજિક અસમાનતા દૂર પછી અનામત દૂરની માંગણી કરો




મુદુલાબેન મહેતા (ભાવનગર)

માત્ર અભણો જ નહીં, ભણેલ ગણેલ વર્ગ પણ હરિજનો તરફના તિરસ્કારથી વેગળો નથી, ભણેલા-સુધરેલા સંસ્કારી હરિજનોને શહેરમાં પણ હરિજનવાસ સિવાય રહેવા ઘર મળતું નથી. કોઈ હરિજનને અન્ય કામધંધા આપવા  તૈયાર નથી. કેટલેક  ઠેકાણે અમુક જ્ઞાતિપંચો હરિજનો સવર્ણો કરે છે તેવો કામધંધો  ન કરે તેની તકેદારી રાખીને ભંગ કરનારને બેહાલ કરવા સુધી જાય છે. મંદિર પ્રવેશ, ઘર પ્રવેશ, ધંધાપ્રવેશ બધામાં અછૂતપણાની ભયંકર દૃષ્ટિ છે જે સમાજે બદલવી જોઇઅ. એટલું કર્યા વગર અનામતનો વિરોધ તે પોતાની ફરજમાંથી છટકવાની નિષ્ઠુરતા ગણાશે.

ગામડાઓમાં તો આ  વિપરીત પરિસ્થિતિ હદ બહારની છે. એમ અમારા કામનો વીસ વર્ષનો અનુભવ કહી રહ્યો છે.  સારામાં સારા હરિજન શિક્ષકને હરિજનવાસ સિવાય ઘર મળતું નથી. તેનું ઘર તૂટી જાય તો થોડા દિવસ આશરો પણ મળતો નથી. આથી તો તેઓ નોકરી વખતે મોટું ગામ માંગે છે, જેથી તેને ખોજા કે મુસલમાનનું ઘર ભાડેથી મળી શકે. આવો અનુભવ થાય ત્યારે એક સવર્ણને નાતે માથું શરમથી ઝૂકી જાય છે. જે હિન્દુ અન્ય હિન્દુને ઘર આપવા તૈયાર નથી, તે અનામતના અન્યાયની વાતે ક્યાં મોઢે કરે છે? તે સમજી શકાતું નથી.

કોઈ રોગ કે કુદરતી પ્રકોપ વખતે હરિજનો પર આળ ચઢાવી ઢોરમાર માર્યાના કિસ્સાઓ આજે પણ બને છે. હરિજનો, ચુંવાળિયા, કોળી ક્યાંક તો તળપદા કોળી સુદ્ધાં જેઓ પછાત કોમો છે તેમની પાસે આજેય વેઠ કરાવાય છે. સમાજ કલ્યાણ ખાતાની પ્રવૃત્તિઓ પણ ધાકધમકીઓ આપી ચાલવા દેતા નથી અને પાણીના નળ જેવી સુવિધા ગામમાં થાય તો યેનકેન પ્રકારણે હરિજનવાસ સુધી પાણી ન પહોંચે તેની કાળજી રખાય છે. પોલીસ સવર્ણ, ગ્રામપંચાયત, તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયત, બધે આગેવાનો સવર્ણ. ત્યાં હરિજન બાપડાનું કોણ સાંભળે? આર્થિક પછાતના કષ્ટ કરતા આ તિરસ્કૃત લોકોના કષ્ટ અનહદ છે. આપણે એ ભોગવવું પડતું નથી. એટલે આપણી ચામડી ચચરતી નથી. જે અજ્ઞાન છે તેના તો શું ઓરતા કરીએ, પણ જે ભણેલો વર્ગ છે તે સમાજના આ નિષ્ઠુર અન્યાયો સામે કેમ આંદોલન કરતો નથી? કેમ તેના માટે પણ થોડો સમય ફાળવી સામાજિક પરિવર્તન માટે પ્રવૃત થતો નથી? આજ તો ખરી ચિંતાનો પ્રશ્ન છે.

અનામતની આવડી બૂમરાણ છે, પણ કેટલા ટકાને એ લાભ મળ્યો છે? બધી ટકાવારી જોશું તો અનામત મામૂલી પ્રાયશ્ચિત છે અને પાંચ હજાર વર્ષના અન્યાય સામે આપણે એવડું શું મૂલ્ય ચુકવ્યું છે કે આવી ખોટી બૂમરાણ પાછળ આટલી  જાનહાનિ અને જાહેર મિલ્કતને આવડું નુકશાન કરી રહ્યા છીએ?

1989માં ચોથી મુદત પૂરી થાય તે પછી અનામત નહીં હોય તેમ જાહેર કરો, તેવી માંગણી કરનારાઓને પૂછવું છે કે એવી શરત કેમ નહોવી જોઇએ કે, સામાજિક અસમાનતા જેટલી છે તે પહેલાં દૂર કરો. ઘર પ્રવેશ (કોઇપણ વિસ્તારમાં તમને ઘર મળે તે પરિસ્થિતિ), મંદિર પ્રવેશ, ધંધા પ્રવેશ (કોઈપણ ખાનગી નોકરી કે ધંધામાં જ્ઞાતિબાધ વિના પ્રવેશ), ગામડામાં પાણી અંગે સમાન સુવિધા આ બધું જો સવર્ણ સમાજ કરે તો, કોઈ રાજકીય પક્ષની મજાલ નથી કે અનામત રાખી શકે. અને છતાં રાખે તો તે દિવસે અનામત વિરોધી આંદોલન શોભે પણ ખરું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો